Narad Puran - Part 26 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 26

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 26

શ્રી સનક બોલ્યા, “હે મુને, હવે પછી હું ભગવાન વિષ્ણુની વિભૂતિસ્વરૂપ મનુ અને ઇન્દ્ર આદિનું વર્ણન કરીશ. આ વૈષ્ણવી વિભૂતિનું શ્રાવણ અથવા કીર્તન કરનારા પુરુષોનાં પાપ તત્કાળ નાશ પામે છે.

        એક સમયે વૈવસ્વત મન્વંતરમાં જ ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ સહિત ઇન્દ્ર સુધર્મના નિવાસસ્થાને ગયા. હે દેવર્ષિ, બૃહસ્પતિની સાથે દેવરાજને આવેલા જોઈ સુધર્મે આદરપૂર્વક તેમનું યથાયોગ્ય પૂજન કર્યું.

        પૂજાયા પછી ઇન્દ્રે વિનયપૂર્વક કહ્યું, “હે વિદ્વન, તમે ગત બ્રહ્મકલ્પનો વૃત્તાંત જાણતા હો તો કહો.”

        ઇન્દ્રના આ કથન પછી સુધર્મે કલ્પની દરેક વાતનું વિધિપૂર્વક વર્ણન શરૂ કર્યું, “હે દેવરાજ, એક હજાર ચાર યુગોનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેમના એક દિવસમાં ચૌદ મનુ, ચૌદ ઇન્દ્ર તથા જુદા જુદા અનેક પ્રકારના દેવતાઓ થતા હોય છે. હે વાસવ, બધાં ઇન્દ્ર, મનુ આદિ તેજ, લક્ષ્મી અને બળમાં સમાન જ હોય છે. હું તેમનાં નામ જણાવું છું; તે એકાગ્રચિત્ત થઈને સાંભળો. સર્વથી પહેલાં સ્વાયંભુવ મનુ થયા. ત્યાર પછી અનુક્રમે સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, સાતમા વૈવસ્વત, આઠમા સૂર્યસાવર્ણી અને નવમા દક્ષસાવર્ણી છે. દશમાં મનુનું નામ બ્રહ્મસાવર્ણી અને અગિયારમા ધર્મસાવર્ણી છે. ત્યારબાદ બારમા રુદ્રસાવર્ણી, તેરમા રોચમાન થયા તથા ચૌદમા મનુનું નામ ભૌત્ય જણાવવામાં આવેલ છે. આ ચૌદ મનુ છે.

        દેવરાજ, હવે હું દેવતાઓ અને ઇન્દ્રોનું વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો. સ્વયંભૂ મન્વંતરમાં દેવતાઓ યામના નામથી વિખ્યાત હતા. તેમના પરમ બુદ્ધિમાન ઇન્દ્ર શચીપતિ નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. સ્વારોચિષ મન્વંતરમાં પારાવત તૃષિત નામના દેવતાઓ હતા અને તેમના સ્વામી ઇન્દ્રનું નામ વિપશ્ચિત હતું. તૃતીય ઉત્તમ નામના મન્વંતરમાં સુધામા, સત્ય, શિવ તથા પ્રતર્દન નામના દેવતાઓ હતા અને તેમના ઇન્દ્ર સુશાંતિ નામથી પ્રસિદ્ધ હતા.

ચતુર્થ તામસ મન્વંતરમાં સુપાર, હરિ, સત્ય અને સુધી-આ દેવતાઓ થઇ ગયા. હે શક્ર, તે દેવતાઓના ઇન્દ્રનું નામ તે સમયે શિબિ હતું. પાંચમાં રૈવત મન્વંતરમાં અમિતાભ આદિ દેવતાઓ હતા અને તે પાંચમાં દેવરાજનું નામ વિભુ કહેવામાં આવે છે. છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં આર્ય આદિ દેવતાઓ જણાવવામાં આવ્યા છે. તે સર્વના ઇન્દ્રનું નામ મનોજવ હતું. આ સાતમા વૈવસ્વત મન્વંતરમાં આદિત્ય, વસુ તથા રુદ્ર આદિ દેવતાઓ છે અને સંપૂર્ણ ભોગોથી સંપન્ન પોતે જ ઇન્દ્ર છે. તેમનું વિશેષ નામ પુરંદર જણાવવામાં આવેલ છે.

        આઠમા સૂર્યસાવર્ણી મન્વંતરમાં અપ્રમેય તથા સુતપ આદિ થનારા દેવતાઓ કહેવાયા છે. ભગવાન વિષ્ણુની આરાધનાના પ્રભાવથી રાજા બલિ તેમના ઇન્દ્ર થશે. નવમા દક્ષસાવર્ણી મન્વંતરમાં પર્ણ આદિ દેવતાઓ થશે, તેમના ઇન્દ્રનું નામ ‘અદભુત’ કહેવામાં આવે છે. દશમા બ્રહ્મસાવર્ણી મન્વંતરમાં સુવાસન આદિ દેવતાઓ જણાવવામાં આવ્યા છે. તેમના ઇન્દ્રનું નામ ‘શાંતિ’ હશે. અગિયારમા ધર્મસાવર્ણી મન્વંતરમાં વિહંગમ આદિ દેવતાઓ થશે અને તેમના ઇન્દ્ર વૃષ નામથી પ્રસિદ્ધ થશે.

        બારમા રુદ્રસાવર્ણી મન્વંતરમાં હરિત આદિ દેવતાઓ અને ઋતુધામા નામના ઇન્દ્ર થશે. તેરમા રોચમાન અથવા રૌચ્યનામક મન્વંતરમાં સુત્રામા આદિ દેવતાઓ થશે. તેમના મહાપરાક્રમી ઇન્દ્રનું નામ દિવસ્પતિ કહેવામાં આવે છે. ચૌદમા ભૌત્ય મન્વંતરમાં ચાક્ષુષ આદિ દેવતાઓ થશે અને તેમના ઇન્દ્ર શુચિ નામથી પ્રખ્યાત થશે.

        હે દેવરાજ, આ પ્રમાણે મેં થઇ ગયેલા અને થનાર મનુ, ઇન્દ્ર અને દેવતાઓનું યથાર્થ વર્ણન કર્યું છે. આ બધા બ્રહ્માના એક દિવસમાં પોતાના અધિકારોનો ઉપભોગ કરે છે. સર્વ લોકો અને બધાં સ્વર્ગોમાં ક જ પ્રકારની સૃષ્ટિ કહેવામાં આવી છે. તે સૃષ્ટિના વિધાતાઓ ઘણા છે. હે દેવરાજ, હું બ્રહ્મલોકમાં હતો તેટલા સમયમાં ઘણા બ્રહ્મા આવ્યા અને ગયા. આજે હું તેમની સંખ્યા જણાવવા માટે અસમર્થ છું.

        આ સ્વર્ગલોકમાં આવ્યા પછી મારો જે સમય વ્યતીત થયો છે, તેની વિગત સાંભળો. અત્યારસુધીમાં ચાર મનુઓ થઇ ગયા છે; છતાં મારી સમૃદ્ધિનો વિસ્તાર વધતો જ ગયો છે. હે પ્રભો, હજુ મારે સો કરોડ યુગો સુધી અહીં જ રહેવાનું છે. ત્યાર પછી હું કર્મભૂમિમાં જઈશ.”

        મહાત્મા સુધર્મે આ પ્રમાણે કહ્યાથી દેવરાજ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગી ગયા.

        ભગવાન નારાયણની પૂજા કરનારાઓનું બ્રહ્મા આદિ દેવતાઓ પૂજન કરતા હોય છે. જે મહાપુરુષો સર્વ પ્રકારના સંગ્રહ-પરિગ્રહનો ત્યાગ કરીને નિરંતર ભગવાન નારાયણના ચિંતનમાં લાગ્યા રહે છે તેઓ મોક્ષના અધિકારી થઇ જાય છે.”

        નારદ બોલ્યા, “હે મુને, આપ તાત્વિક અર્થોના જ્ઞાનમાં નિપુણ છો. હવે હું યુગોની સ્થિતિનો પરિચય સાંભળવા ચાહું છું.”

        સનકે કહ્યું, “મહાપ્રાજ્ઞ, હવે હું સમસ્ત જગતના માટે ઉપકારી યુગ-ધર્મનું વર્ણન કરું છું. ક્યારેક પૃથ્વી ઉપર ઉત્તમ ધર્મની વૃદ્ધિ થાય છે અને ક્યારેક તેનો વિનાશ થાય છે. હે સાધુશિરોમણી, સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ-આ ચાર યુગ માનવામાં આવ્યા છે. એમનું આયુષ્ય બાર હજાર દિવ્ય વર્ષોનું જાણવું. તે ચારે યુગ તેટલા જ સો વર્ષોની સંધ્યા અને સંધ્યાંશથી યુક્ત હોય છે. એમની કાળસંખ્યા સદા એકસરખી જ જાણવી જોઈએ. પહેલાં યુગને સત્યયુગ કહેવામાં આવે છે, બીજાનું નામ ત્રેતા છે અને ત્રીજાનું નામ દ્વાપર છે અને અંતિમ યુગને કલિયુગ કહેવામાં આવે છે. આ જ ક્રમ પ્રમાણે તેમનું આગમન થાય છે.

        હે વિપ્રવર, સત્યયુગમાં દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષમ રાક્ષસ તથા સર્પોમાં ભેદ ન હતો. તે સમયે તે બધા દેવતાઓના જેવા સ્વભાવવાળા હતા. બધા પ્રસન્ન અને ધર્મનિષ્ઠ હતા. સત્યયુગમાં ક્રયવિક્રયનો વ્યાપાર અને વેદોનો વિભાગ ન હતો. દરેક જણ પોતપોતાના કર્તવ્યપાલનમાં તત્પર રહિ સદા નારાયણની ઉપાસના કરતા હતા. બધા જ પોતપોતાની યોગ્યતા પ્રમાણે તપ અને ધ્યાનમાં લાગેલા રહેતા. તેમનામાં કામ, ક્રોધ આદિ દોષો ન હતા, શમ-દમ આદિ સદગુણોમાં તત્પર તેમ જ માણસો દંભ અને પાખંડથી રહિત હતા. સત્યયુગમાં ભગવાન નારાયણનો શ્રીવિગ્રહ અત્યંત નિર્મળ તેમ જ શુક્લ વર્ણનો હોય છે.

        હે મુનિશ્રેષ્ઠ, ત્રેતામાં ધર્મ એક પાદથી હીન થઇ જાય છે; અર્થાત સત્યયુગ કરતાં એક ચતુર્થાંશ જેટલા ઓછા લોકો ધર્મનું પાલન કરે છે. ભગવાનના શરીરનો વર્ણ લાલ થઇ જાય છે. તે સમયે લોકોને થોડોક કલેશ થવા માંડે છે. ત્રેતામાં બધાં દ્વિજ ક્રિયાયોગમાં તત્પર રહે છે. યજ્ઞકર્મમાં તેમની નિષ્ઠા હોય છે. તેઓ નિયમપૂર્વક સત્ય બોલે છે. ભગવાનનું ધ્યાન કરે છે, દાન આપે છ અને ન્યાયયુક્ત પ્રતિગ્રહ પણ સ્વીકારે છે.

        મુનીશ્વર, દ્વાપરમાં ધર્મના બે જ પગ રહે છે. ભગવાન વિષ્ણુનો વર્ણ પીળો થઇ જાય છે અને વેદના ચાર વિભાગ થઇ જાય છે. હે દ્વિજોત્તમ, તે સમયે કેટલાક મનુષ્યો અસત્ય બોલવા લાગે છે. બ્રાહ્મણ આદિ વર્ણોમાંના કેટલાક મનુષ્યોમાં રાગદ્વેષ આદિ દુર્ગુણો આવી જાય છે. કેટલાક મનુષ્યો સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ માટે યજ્ઞ કરે છે. તો કોઈક ધનાદિની કામનાઓમાં આસક્ત થઇ જાય છે અને કેટલાક મનુષ્યોનું હૃદય પાપથી મલીન થઇ જાય છે. ધર્મ અને અધર્મની સ્થિતિ સરખી થઇ જાય છે. કેટલાક મનુષ્યો દ્વાપરમાં અલ્પાયુ પણ થશે.

        કલિયુગ આવતાં જ ધર્મનો એક જ પગ શેષ રહી જાય છે. આ તામસ યુગનો પ્રારંભ થતાં જ શ્રીહરિ શ્યામ વર્ણના થઇ જાય છે. કોઈ વિરલ ધર્માત્મા જ એ યુગમાં અનુષ્ઠાન કરે છે અને કોઈ મહાન પુણ્યાત્મા જ ક્રિયાયોગમાં તત્પર રહે છે. તે સમયે ધર્મપરાયણ મનુષ્યને જોઇને બધાં મનુષ્યો તેની ઈર્ષ્યા અને નિંદા કરે છે. કલિયુગ વ્રત અને સદાચાર નષ્ટ થઇ જાય છે. તે સમયે અધર્મનો પ્રચાર થવાથી જગતમાં ઉપદ્રવ થતા રહે છે. બધાં મનુષ્યો બીજાઓના દોષ દેખાડનારા અને પોતે પાખંડથી ભરપૂર આચરણ કરનારા હોય છે.”

 

ક્રમશ: