Prem - Nafrat - 124 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૨૪

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૨૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૪

રચનાને માની વાત પર વિશ્વાસ આવી રહ્યો ન હતો. પોતે મા બનવાની છે એ વાત જાણીને એક તરફ અંદરથી હર્ષ થઈ રહ્યો હતો અને બીજી તરફ માનું આ પગલું નવાઈ પમાડી રહ્યું હતું. અચાનક એનો હાથ પોતાના પેટ પર ગયો અને એને લાગ્યું કે એમાં કોઈ જીવ છે. માએ આમ કર્યું હશે એની એ કલ્પના કરી શકતી ન હતી. એ તો બાળકથી છૂટકારો મેળવીને લખમલભાઈના પરિવારને બરબાદ કરવાનું મિશન પૂરું કરવા પર ધ્યાન આપી રહી હતી. બદલો લેવા પોતાની જિંદગી સાથે આવનારા બાળકનો પણ ભોગ લઈ રહી હતી.

હા બેટા, હા, તું મા બનવા જઈ રહી છે. તું પરિવારને આગળ વધારવા જઈ રહી છે. ભગવાને મને સદબુધ્ધિ સુઝાવી હતી. મીતાબેનની આંખમાં હર્ષના આંસુ ઉમટી રહ્યા હતા.

મા, તે આ ક્યારે કર્યું? ક્યારે નિર્ણય લીધો? મને કેમ અંધારામાં રાખી? હું જ મારા શરીર વિશે જાણતી ન હતી. રચનાના મોંએથી ધાણીની જેમ સવાલો ફૂટી રહ્યા હતા.

બેટા, મને માફ કરજે. મેં તારાથી બધું છુપાવ્યું એ તારા જ હિતમાં હતું. ડૉક્ટર જૂઠું બોલી શકે એમ હતા. પણ ખોટું કરી શકે એમ ન હતા. તે બાળકને પડાવી નાખવાનો વિચાર કર્યો ત્યારે મને એ વાત જરા પણ યોગ્ય લાગી ન હતી. તું નાદાનીમાં અને બદલાની આગમાં અંધ થઈને નિર્ણય લઈ રહી હતી એની મને ખબર હતી. આ પગલું તારા ધ્યેયને પૂરું કરવા તને યોગ્ય લાગ્યું હશે પણ મને એક મા તરીકે બાળકની હત્યાનું પાપ માથા પર લઈ શકું એમ ન હતી. મેં ઘણો વિચાર કર્યો અને નક્કી કર્યું કે હમણાં આમ પણ કોઈને ખબર પડવાની નથી એટલે તારી સાથે એબોર્શન થઈ ગયું હોવાનું નાટક કરી શકું એમ છું. થોડા દિવસો પછી તને ખબર પડશે ત્યારે જોયું જશે. મેં ડૉક્ટરને વાત કરી કે દીકરી માનતી નથી એટલે તમે એબોર્શન કરવાનું નાટક કરજો. એમણે તને સમજાવવાની વાત કરી પણ મેં ના પાડી અને કહ્યું કે આ જૂઠ ફક્ત રચના સામે જ બોલજો. એમણે મને સાથ આપ્યો હતો. મારી કલ્પના બહાર આરવકુમાર ડૉક્ટરને મળી આવ્યા અને ડૉક્ટર જૂઠું બોલી શકે એમ ન હતા. અસલમાં આરવકુમારને શંકા ગઈ હતી કે તું ગર્ભવતી હોય શકે છે. એટલે એમણે સાચું કહી દીધું. રચના અને એની મા પરિવારને સરપ્રાઈઝ આપવાના હોવાની વાત પણ કરી દીધી. તેથી આરવકુમારને કોઈ શંકા ના જાય. એણે પરિવારને આ સારા સમાચાર આપ્યા અને એમણે બધાએ તને સરપ્રાઈઝ આપવા એક ઉત્સવ જેવો માહોલ ઊભો કરી દીધો. મને એ વાતનો આનંદ થયો કે લખમલભાઈ અને એમના પરિવાર માટે ભલે આપણે સારો વિચાર ધરાવતા નથી પણ એ લોકો તને બહુ માને છે. તારા પ્રત્યે એમના દિલમાં અપાર હેત છે. તું માત્ર નફરત અને બદલાની આગ સાથે એમની સાથે રમત રમી રહી છે પણ એમના દિલમાં તારા માટે સ્નેહ જ છે. આ કારણે મેં એક નિર્ણય કર્યો છે કે હવે આપણે દુશ્મની ભૂલી જઈશું. એમના વિરુદ્ધ ઘણું કર્યું અને એમણે પાપ કર્યું હોય તો આટલી સજા ઘણી છે. એમણે તો અનેક વખત પોતાને નિર્દોષ જાહેર કર્યા જ છે. હવે આ દુશ્મનીનો અંત લાવી દઈએ.

મા, મને સમજાતું નથી કે હું શું કરું? એક તરફ બાળકને જન્મ આપવાનો લહાવો હું પામી રહી છું એની ખુશી છે પણ હજુ એમના પ્રત્યેનો ગુસ્સો અને બદલાની ભાવના દિલમાંથી નીકળતા નથી. રચના અસમંજસમાં હતી.

બેટા, આવી સ્થિતિમાં આપણાને માર્ગદર્શન આપી શકે એવી એક જ વ્યક્તિ છે. મારી સાથે ચાલ. મીતાબેન ઊભા થયા.

કોણ છે? ક્યાં છે?’ રચના નવાઈ પામીને પૂછી રહી.

ક્રમશ: