" શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તાઈ રહી છે..? આપનો ચહેરો કોઈ સમસ્યાનો અણસાર આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કહો ચુકાસુ..! શું થયું..?" પોતાના મિત્રનો ચહેરો વાંચતા, અબ્દુલ્લાહીજીએ ચુકાસુના ખભે હાથ મૂકી ચિંતાનું કારણ પૂછ્યું.
"અહીંની પ્રજા અને આરબોએ મળીને અંગ્રેજોને કાયમ માટે આ દેશમાંથી ભગાડવા માટેનું મોટું આંદોલન છેડ્યું છે. ઝાંઝીબારના કિનારે વિશાળ પાયે અંગ્રેજોનો વેપાર થાય છે અંગ્રેજોની સત્તાને નબળી પાડવા માટેનું એક જ શસ્ત્ર છે, જે છે સમુદ્ર કિનારે થતો તેમનો વેપાર. આ જ કારણે આંદોલનકારીઓએ અંગ્રેજોના બધા જ જહાજ અને કોઠીઓ સળગાવવાનું શરૂ દીધું છે. આ સમાચાર અંગ્રેજો સુધી પહોંચી ગયા છે. મને ડર છે કે અંગ્રેજો હવે પ્રજા સાથે દુર્વ્યવહાર ન કરે. તમારું જહાજ પણ કિનારા પર લાંગરેલું હશે ને...? અંગ્રેજોના જહાજની સાથે તમારું જહાજ તો....!"ચુકાસુ બોલતા બોલતા જ અટકી ગયા.
" એવું ન બોલો મિત્ર...! જો એ જહાજને કંઈ થઈ જશે તો મારી દીકરી જેવી લિઝાનું પોતાના પિતાને છોડાવવાનું સ્વપ્ન અધુરુ જ રહી જશે...! યા અલ્લાહ...!અમારા જહાજની રક્ષા કરજે...!" અબ્દુલ્લાહીજી ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા.
અબ્દુલ્લાહીમામુ અને ચુકાસુને ચિંતિત જોઈ પાંચે યુવાનો તેમની પાસે આવીને ઊભા રહી ગયા.
" તમે બંને ખૂબ ટેન્શનમાં લાગો છો...? શું થયું...?" જોનીએ પૂછ્યું.
" બધુ બરાબર તો છે ને...?" ઈબતીહાજે પૂછ્યું.
" અહીંની પ્રજાએ અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું છે. એ આંદોલન દરમિયાન અંગ્રેજોની વેપારી પ્રવૃત્તિઓને જડમૂળથી નાશ કરવા માટે ઝાંઝીબારના કિનારે આવેલા અંગ્રેજોના જહાજને આંદોલનકારીઓ સળગાવી રહ્યા છે. અમને ડર છે કે એ અંગ્રેજોના જહાજોની સાથે આપણું જહાજ તો...!" અબ્દુલ્લાહી બોલતા બોલતા અટકી ગયા. તેમના દરેક શબ્દમાં ચિંતા વર્તાતી હતી. આટલી મોટી યાત્રા તેઓ જહાજ વિના કેવી રીતે કરશે..? તેની તેઓ કલ્પના પણ નહોતા કરી શકતા.
" નાહકની ચિંતા ન કરો અબ્દુલ્લાહીમામુ...! પોઝિટિવ વિચારો. ઈશ્વર આપણા જહાજને સલામત રાખે. પરંતુ અહીં ચિંતા કે ફિકર કરવાથી કંઈ નહીં વળે. આંદોલન હજુ શરૂ થયું છે. આપણે આપણું જહાજ સળગતું બચાવી શકીએ છીએ. આપણે તુરંત જ કિનારા પર જવું જોઈએ." જોનીએ કહ્યું.
" આઈ થીંક જોની બરાબર કહી રહ્યો છે. મને પણ એવું લાગે છે કે આપણે ઝડપથી કિનારા પર ચાલ્યા જવું જોઈએ અને આપણે આપણા જહાજને આંદોલનકારીઓથી બચાવી લેવું જોઈએ." હર્ષિતે કહ્યું.
" મિત્ર ચુકાસુ...! આપની આગતા સ્વાગતા તેમજ આપના દીકરાનો ભવ્ય મેજિક શો જોઈને અમને ખૂબ આનંદ થયો. આપના દ્વારા મળેલ મહેમાનનવાજીથી અમે પ્રસન્ન છીએ. પરંતુ હવે અમારે અહીંથી રજા લેવી પડશે. અહીંથી કિનારા પર લઈ જવાની જો આપ વ્યવસ્થા કરી આપો તો અમે સૌ આપના ખૂબ આભારી રહીશું." વિનમ્રતાથી અબ્દુલ્લાહીએ ચુકાસુની સામે જોઈને કહ્યું.
" મિત્ર આપની ચિંતા અને લાગણી બંનેને હું સમજી શકું છું. હું તમારા માટે વૅનની સુવિધા પણ કરી દઉં છું. પરંતુ મને ડર છે કે અંગ્રેજો માર્ગમાં આપની સાથે દુર્વ્યવહાર ન કરે...!" ચુકાસુએ કહ્યું.
"અંકલ..! કંઈ પણ થાય પરંતુ જહાજ સુધી પહોંચવું અમારા માટે ખૂબ જરૂરી છે. મારા ડેડને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવવા માટે જહાજની અમારે ખૂબ જરૂર છે. જહાજ વિના અમે યાત્રા કેવી રીતે પૂર્ણ કરીશું..? મારા ડેડ સુધી કેવી રીતે પહોંચીશું..? કૃપા કરી અમને રજા આપો." રડમસ અવાજમાં લિઝાએ કહ્યું.
"ઠીક છે..!" કહીને ચૂકાસુએ વૅન અને ડ્રાઇવર બંનેને ટૂંક સમયમાં બોલાવી લીધા. સાચવીને ઝાંઝીબારના કિનારા સુધી પહોંચવા માટે ડ્રાઇવરને સમજાવી દીધા. અંગ્રેજોના રહેઠાણથી દૂર આવેલા અન્ય માર્ગેથી અબ્દુલ્લાહીજી અને બાકીના યુવાનોને સલામત રીતે જહાજ સુધી પહોંચાડવાની જવાબદારી ચુકાસુએ ડ્રાઇવરને સોંપી. ઈમાનદાર અને પ્રામાણિક ડ્રાઈવર "જી સાહેબ..!" કહી વૅનમાં બેઠો.
To be continue...
મૌસમ😊