"ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિત્ર છે. ઝાંઝીબારના સ્ટોન ટાઉનનો જ રહેવાસી છે. આમ જ વેપાર અર્થે મારે અહીં ઘણી વાર આવવાનું થતું હોવાથી તે મારો ખાસ મિત્ર બની ગયો છે. તેનું નામ ચુકાસુ છે. તે કહી રહ્યો છે કે સ્ટોન ટાઉનમાં તેના ઘરે ચલો. તેનો દીકરો પ્રખ્યાત જાદુગર છે અને તેનું જાદુ જોવા આવવાનો આગ્રહ કરે છે. શું કરશું..? એક રાત રોકાઈ જઈશું..?" અબ્દુલ્લાહીજીએ દુકાનદારનો પરિચય આપી પાંચેયનું મંતવ્ય જાણવા કહ્યું.
અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચે યુવાનો એકબીજાની સામે જોવા લાગ્યા. નવો પ્રદેશ... નવો વેશ...નવો દેશ... અને નવા રીતી રિવાજ...તેમજ સંસ્કૃતિ... વિશે જાણવાની ઉત્સુકતા તેમને ના કહેવા માટે રોકી દીધા. લિઝાને ઉતાવળ હતી, પોતાના ડેડને આદિવાસીઓથી છોડાવવાની.. પરંતુ બાકીના ચારની તીવ્ર ઈચ્છા જોઈ, તેણે પોતાના મનની વાત મનમાં જ દબાવી દીધી અને મિત્રોની હા માં તેણે પણ હા કહી દીધી.
"આમ પણ સાંજ થવા આવી છે.આજની રાત રોકાઈ જઈશું તો આરામ પણ થઈ જશે, સ્ટોન ટાઉન સીટી પણ જોવાઈ જશે અને મિત્રની ઈચ્છા પણ પૂરી થઈ જશે. મેજિક શો રાત્રિના દરમિયાન જ થાય છે. આથી આપણે આ શો જોવા માટે અહીં રાત્રિ રોકાણ કરવું પડશે. એવું હોય તો સવારે વહેલા આપણે અહીંથી નીકળી જઈશું. તો બધાની અનુકૂળતા હોય તો હું મારા મિત્રને જણાવી દઉં..? જેથી કરીને તે આપણને સ્ટોન ટાઉન સિટીમાં લઈ જવાની વ્યવસ્થા કરે...!" અબ્દુલ્લાહીજીએ પૂછ્યું.
મિત્રના પ્રેમ ભર્યા આગ્રહથી પ્રભાવિત થઈ અબ્દુલ્લાહીજીએ સ્ટોન ટાઉનમાં જઈ રાત્રિ રોકાણ કરવાનું મનમાં નક્કી કરી જ દીધું હતું, પરંતુ પાંચે યુવાનોની મંજૂરી લેવી જરૂરી હતી.આથી તેમણે ખૂબ જ આકર્ષક અંદાજમાં પાંચેયને રાત્રિનો મેજિક શો જોવા માટે મનાવી જ લીધા.
અબ્દુલ્લાહીએ ચુકાસુ સાથે વાત કરી. ચૂકાસુએ ખુશ થઈને કોઈને ફોન લગાવ્યો, થોડો સમય બેસવા જણાવ્યું. સુશ્રુતે મસાલા માટેનું લિસ્ટ તૈયાર કરીને અબ્દુલ્લાહીને આપ્યું. તેમણે ફટાફટ લીસ્ટ પ્રમાણે મસાલા પેકિંગ કરીને એક બેગમાં ભરીને અલગ મૂકી દીધા. અને કહ્યું કે જ્યારે તમે રીટર્ન થાવ ત્યારે અહીંથી લેતા જજો. અબ્દુલ્લાહીજી અને ચુકાસુ વાતો કરી રહ્યા હતા, ત્યારે બાકીના પાંચેય માર્કેટ ફરી રહ્યા હતા. તે સમયે ઈબતીહાજની નજર હાથી દાંતથી બનેલા વિવિધ અલંકારો અને હથિયારો તરફ ગઈ. આમ પણ હથિયારો તરફ તેનો આકર્ષણ વધુ રહેતું. તે તુરંત તે દુકાન પાસે ગયો અને વિશિષ્ટ પ્રકારના ધારદાર અને સૂક્ષ્મ હથિયાર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તે દુકાનદાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ ત્યાં ના દુકાનદાર સમજી શકતો, ના ઈબતીહાજ..! આથી ઈબતીહાજે તુરંત જ અબ્દુલ્લાહીજીને પોતાની પાસે બોલાવ્યા.
"અબ્દુલ્લાહી મામુ..! અહી હું વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ હથિયારો જોઈ શકુ છું, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો..? તેની કિંમત શું છે..? તે અંગે હું આ દુકાનદાર સાથે વાર્તાલાપ કરી શકતો નથી. મહેરબાની કરીને તમે તેની સાથે વાતચીત કરીને મને જણાવો ને કે આ હથિયારોનો ઉપયોગ કેવી રીતે,ક્યારે શા માટે કરવો અને તેની પ્રાઇસ શું છે..?" ઈબતીહાજે પૂછ્યું.
ઈબતીહાજના કહેવાથી અબ્દુલ્લાહીએ દુકાનદાર સાથે વાતચીત શરૂ કરી. ઈબતીહાજને જે જે હથિયારો અને સૂક્ષ્મ શસ્ત્રો વિશે જાણવાની ઉત્સુકતા હતી. તે દરેક બાબતની વાત કરીને અબ્દુલ્લાહીએ ઈબતીહાજને સમજાવ્યું. તેમ જ દરેકની કિંમત પણ જણાવી. જરૂરી લાગતા થોડા ઘણા સૂક્ષ્મ હાથીદાંતથી બનેલા હથિયારો ઈબતીહાજે ખરીદ્યા.. જ્યારે જોની, હર્ષિત અને લિઝા જુદા જુદા પ્રકારની દુકાનો પાસે જઈ જઈને વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ જોઈ રહ્યા હતા. એવામાં ત્રણેય આભૂષણોની દુકાન પાસે આવીને ઊભા રહી ગયા. ત્રણેય વિશિષ્ટ પ્રકારના આભૂષણો જોઈ રહ્યા હતા ત્યાં જ અબ્દુલ્લાહીમામુએ બૂમ પાડી.
To be continue..
મૌસમ😊