Dhup-Chhanv - 138 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 138

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 138

અપેક્ષા ફૂલોની પથારી ઉપર પગ મૂકતાં મૂકતાં હરખભેર પોતાના વ્હાલસોયા વંશમને લઈને પોતાની મા લક્ષ્મીના ઘરમાં પ્રવેશી રહી હતી...
આજે જાણે લક્ષ્મીને પોતાની દીકરી હવે ખુશ છે તેવો પૂરેપૂરો અહેસાસ થયો અને મનને ખૂબ જ શાંતિ થઈ...

આ બાજુ અક્ષતનો વિડિયો કોલ ચાલુ હતો... અક્ષત અને અર્ચના પણ મામા અને મામી બની ગયા તેથી ખૂબ જ ખુશ હતાં...
તેમણે તો પોતાના ભાણેજ માટે એક બેગ ભરીને કપડા અને રમકડાં પણ ઈન્ડિયા મોકલાવી દીધા હતા...
આખોયે પરિવાર જાણે ખુશીની નદીમાં નાહીને તૃપ્ત થઈ રહ્યો હતો...
પરંતુ ધીમંત શેઠના હ્રદયમાં એક વાત શૂળની જેમ ચૂભી રહી હતી...

ડોક્ટર પરેશભાઈના એ શબ્દો તેમના કાને અથડાઈ અથડાઈને પાછા વળી રહ્યા હતા...

તે પોતે એ વાતને પોતાના દિકરાના વ્હાલમાં અને અપેક્ષાના લખલૂટ પ્રેમમાં ઘોળીને પી જવા માંગતા હતા પરંતુ તેમનો અંતરાત્મા જાણે તેમની પાસે એકે એક પ્રશ્નનો વારંવાર જવાબ માંગી રહ્યો હતો કે, "આ સંતાન મારો જ અંશ છે ને કે પછી કોઈ બીજાનું..??"

ઊંઘમાં પણ તેમને આ સવાલ ડંખતો હતો..

તેમનું જ્ઞાત મન તેમને કહી રહ્યું હતું કે, "શું ધીમંત તું પણ દેવી જેવી તારી પત્ની ઉપર અવિશ્વાસ કરી રહ્યો છે.. જેણે તારા જીવનમાં પ્રવેશીને તને ઉત્કૃષ્ટ જીવન જીવતાં શીખવ્યું છે, જે તારા જીવનમાં અનેકગણી ખુશીઓ લઈને આવી છે.. જેણે તને જીવનની એક નવી રાહ બતાવી છે, જેણે તને જીવવાનું કારણ પૂરું પાડ્યું છે, તું તો તારી જિંદગીથી કંટાળીને તેને ઘણી પાછળ છોડીને આગળ ચાલી નીકળ્યો હતો એક એ જ છે જેણે તારી જિંદગીને સંવારી છે...

એણે જ તો તારો હાથ પકડ્યો અને તને જીવનની રીત સમજાવી..
પ્રેમિકા બનીને તને એણે પ્રેમનો આસ્વાદ કરાવ્યો... એક સુમધુર મીઠો અહેસાસ કરાવ્યો જેનાથી તું બિલકુલ અજાણ હતો..
તારાથી દશ વર્ષ નાની હોવા છતાં તે તારી જીવન સંગીની બનવા માટે તૈયાર થઈ ગઈ...
અને એટલું અધુરું હતું તો યુ એસ એ ની તેની ઓફિસનું સપનું અધુરું છોડીને તેણે મા બનવાનું પણ સ્વીકારી લીધું અને તને આ ઉંમરે પણ બાપ બનવાનો મોકો મળ્યો..
તને કલ્પના પણ નહોતી અને તને તેણે એક વારસદાર આપ્યો... હવે તો તારો પરિવાર એક સંપૂર્ણ પરિવાર બની ગયો છે...

તેનું તારા માટે આપેલું આટલું બધું બલિદાન શું ઓછું પડે છે તને.. તો તારે હજુ તેની વધુ પરીક્ષા લેવી છે...??

(પ્રાચીન કાળથી સ્ત્રી પરીક્ષા આપતી આવી છે... માતા સીતાએ પણ અગ્નિપરીક્ષા આપવી પડી હતી..)

અને આ બધા વિચારોમાં ને વિચારોમાં ધીમંત શેઠની રાત જાણે ક્યાંયે વીતી ગઈ હતી...
આજે ઊંઘ તેમની વેરણ બની ગઈ હતી...

તેમને માટે અપેક્ષાને પોતાના દિકરા વિશે પ્રશ્ન પૂછવો કે ન પૂછવો તે નક્કી કરવું મુશ્કેલ હતું...

અપેક્ષા ધીમે ધીમે વંશમના પ્રેમમાં ડૂબતી જતી હતી.. તેને ખવડાવવું પીવડાવવું તૈયાર કરવો...સતત તેનામાં અને તેનામાં ગૂંચવાયેલી રહેતી હતી... અને ઈશાનના શોકમાંથી બહાર આવતી જતી હતી...

પરંતુ એક દિવસ અચાનક જ યુ એસ એ ની ઓફિસમાંથી ત્યાંના મેનેજરનો તેની ઉપર ફોન આવ્યો અને યુ એસ એ નું નામ પડતાં જ અપેક્ષાના મનમાં યુ એસ એ ની વાતો અને પોતાના ઈશાનની યાદો ઘૂમરાવા લાગી...

એ દિવસે લક્ષ્મી બા થોડું શોપિંગ કરવા માટે ઘરની બહાર ગયેલા હતા અને વંશમ પણ જાણે આગળના ભવનો થાક ઉતારી રહ્યો હોય તેમ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો...

અપેક્ષા ઈશાનની યાદમાં ખોવાયેલી હતી..
તેની નજર સમક્ષ તે સ્વામિનારાયણ મંદિરમાં રોકાઈ અને પરોઢિયે તેને તેનો ઈશાન એક સ્વપ્ન જોતી હોય તેમ મળી ગયો અને ત્યારથી લઈને તેની રહેવા જમવાની સગવડ કરી આપવાથી માંડીને તેની સાથે એક અદ્ભુત રાત ગુજારી હતી તે બધી જ ઘટનાઓ જાણે સીરિયલ બધ્ધ રીતે તેના માનસપટ ઉપર છવાઈ ગઈ હતી..
તેના મનોમસ્તિષ્કમાંથી હટતી નહોતી અને છેવટે.. છેવટે.. પોતાના ઈશાનનું આ રીતે કાર એક્સિડન્ટથી થયેલું મૃત્યુ...
તેની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી...‌

એટલામાં ધીમંત શેઠ બારણે આવીને ઉભા રહ્યા...
તે વંશમના પારણાની નજીક જઈને ઉભા રહ્યા પરંતુ અપેક્ષાનું ધ્યાન બિલકુલ નહોતું..
તે તો બસ પોતાના ભૂતકાળમાં સરી પડી હતી... પોતાના ઈશાનની સાથે વિતેલા દુઃખની વેદનામાં સરી પડી હતી...

અપેક્ષાની આંખોમાંથી વહી રહેલી અશ્રુધારા જોઈને ધીમંત શેઠ વિચારમાં પડી ગયા... "કે અચાનક અપેક્ષાને શું થઈ ગયું..?"
તે અપેક્ષાની નજીક ગયા તેમણે અપેક્ષાને બૂમ પણ પાડી પરંતુ અપેક્ષા એટલી બધી તો શોકમગ્ન બની ગઈ હતી કે તેને ખબર જ ન પડી કે કોઈ તેને બોલાવી રહ્યું છે... કે તેની બાજુમાં આવીને ઉભું રહ્યું છે...
તે જાણે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં પહોંચી ગઈ હતી...
ધીમંત શેઠ અપેક્ષાના આમ રડવાનું અને દુઃખી થવાનું કારણ પૂછશે તો અપેક્ષા શું જવાબ આપશે..?
શું તે ધીમંત શેઠને ઈશાનની હકીકત જણાવી શકશે..?
તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
17/5/24