Harsh nu jalbindu in Gujarati Short Stories by Sagar Mardiya books and stories PDF | હર્ષનું જળબિંદુ

Featured Books
Categories
Share

હર્ષનું જળબિંદુ

આંખો પર હાથની છાજલી કરીને અરજણે આકાશ તરફ જોયું. છૂટાછવાયાં વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી વર્ષાને સ્થાને વરસતી આગ જોઈ ઊંડો નિસાસો નાખ્યો. કપાળ પર બાઝી ગયેલ પ્રસ્વેદના બિંદુઓને લૂછતાં લીમડા હેઠે ઢાળેલ ખાટલા પર બેઠો.

છેલ્લા ઘણા સમયથી અરજણના મનને એક ચિંતા ખોતરી રહી હતી. કહેવાય છે કે દીકરી પોતાનું ભાગ્ય લખાવીને આવે છે. એમ અરજણની ચાર દીકરીમાંથી બેનાં તો ધામધૂમથી લગ્ન પણ થઇ ગયેલા. એકાદ વરસ પહેલા ત્રીજી દીકરીનું સગપણ થયેલું. દિવાળી પછી લગન નક્કી કરી દેવામાં આવેલા. છેલ્લા બે વર્ષથી પડેલા દુકાળથી ભલભલાની કમર ભાંગી નાખી હતી. તેમાં અરજણ જેવા નાના માણસની શું વિસાત?

દુકાળના ભરડામાં ગામલોકો પીસાય રહ્યાં હતા. તેમાં વધુ અસર તો અરજણને વર્તાતી હતી. અરજણની ચોથી દીકરી કાજલ ભણવામાં ખૂબ જ હોશિયાર. ગામની સરકારી શાળામાં સાત ધોરણ પાસ કરી આગળ ભણવા શહેર જવા માટે પિતાને વાત કરી. “ગામલોકો શું કહેશે?” એ ચિંતા અરજણના મનને સતાવવા લાગી. અરજણની ચિંતા આમ તો વાજબી હતી. એ સમય જ એવો હતો કે નાનકડા અવિકસિત ગામોમાં છોકરીઓને ભણાવતા જ નહી. કદાચ ભણે તો પણ માંડ બે કે ચાર ધોરણ. ભણીને ઘરના કામે ને ખેતીના કામે વળગી જતી.

કાજલે મહેનત અને પોતાની ચપળતાથી ચોથી શિષ્યવૃત્તિ મેળવી. ભણતરનો ભાર વેંઢારવો નહી પડે એ રાજીપા સાથે અરજણે દીકરીને ભણવાની છૂટ આપીને જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય તેમ ગામ આખામાં વિવિધ વાતો કરી બદનામ કરી દીધા. જેટલા મોઢા તેટલી વાતું.

“અરજણે તો ગજબ કર્યો ભાઈ ગજબ! આપણા ગામની કોઈ સોડી હજુ લગણ બહારગામ ભણવા ગઈ હોય એવો કોઈ દાખલો નથ.”

“આ અરજણની મતી ફરી ગઈ લાગે સે.”

“એવી તે એને શું કમત સુઝી કે સોડીની વાત માની પણ લીધી.”

“અરે, ભાઈ શે’રની હવા એવી સે કે જે ઇના રંગે રંગાય ગયો તે પછી ગામ ભણી સામું ન જુએ. એમાં વળી આ સોડીની જાત.નક્કી અરજણનું મોં...” બીજા તેની વાત સમજી ગયા હોય તેમ ખાલી હોકારો ભણ્યા.

માઠા વરસને કારણે અરજણની તો ઊંઘ જ હરામ થઇ ગયેલી. એક દિવસ સાંજે વાળું કરતી વખતે અરજણના મનની મૂંઝવણ પારખી ગયેલ તેની પત્ની પાર્વતીએ ધરપત આપતા બોલી, “તમે શું કામ ચંત્યા કરો સો. દેવાવાળો તો હજાર હાથવાળો બેઠો સે. સૌને ટાણે આપનાર તો ઈ દેવ દ્રારકાવાળો.” કહી નાનકડા ગોખલામાં રાખેલ શ્રીકૃષ્ણની મૂર્તિ સામે હાથ જોડ્યા.

અરજણને પણ પોતાનાં પિતાની વાત યાદ આવી ગઈ. તે ઘણીવાર નરસિંહ મહેતાનું દ્રષ્ટાંત આપી કહેતા, “ગમે તેવી વિપત વેળા આવી જાય, ભગવાન પરનો ભરોહો ઓછો નહી થવા દેવા આવવાનો. નરસિંહ મહેતાને એના ગામના અને નાતનાએ બહુ હેરાન કરેલા, તોય કાળિયા ઠાકર પરનો એનો વિશ્વાસ ડગ્યો નહી. કડ્તાલ જુનાળે વાગે અને દોટ દ્રારકાથી દેવાય.”

અરજણે પોતાની ચિંતા ભગવાનના ચરણે મૂકી દીધી. થોડા દિવસમાં કાજલ વેકેશન કરવા ગામડે આવી. ગામમાં પ્રવેશ કરતાં જોયું કે બધાની હાલત સરખી હતી. રાતે વાળું કરી કાજલે બાપને ગામલોકોના મુખે છવાયેલી ઉદાસીનું કારણ પૂછ્યું. અરજણે માંડીને બધી વાત કરી. કાજલે આખી વાત સાંભળી આ પ્રશ્ન હલ કરવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે પોતાનો વિચાર અમલમાં મૂક્યો. ગામલોકો સાથે વાત કરી સૌને પોતાનો વિચાર જણાવી સૌને પોતાના વિશ્વાસમાં લીધા.

અરજણે પણ સહકાર આપવા બધા સામે હાથ જોડી વિનંતી કરી. સૂકાયેલ તળાવ પુનઃ ખોદાયા. કૂવા રીપેર થયા અને કાજલે સરકાર પાસે નર્મદા નીર માટે અરજી કરી. સૌની મહેનત રંગ લાવી હોય તેમ આખરે ગામને નર્મદાના નીર મળ્યા અને ગામલોકોએ કાજલને શાબાશી આપી આભાર માન્યો. આ જોઈ અરજણની આંખમાંથી હર્ષનું જળબિંદુ ટપકી પડ્યું.

***