A - Purnata - 2 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 2

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 2

" મિસિસ દેવિકા વિક્રાંત મેહરા." મીરાએ એક નજર દેવિકા પર ફેંકી. અત્યારે વિખરાયેલા વાળ, ચહેરો થોડો આંસુ વડે ખરડાયેલો, આંખમાં ગુસ્સો, દુબળી ન કહી શકાય એવી, માપસરનું શરીર ધરાવતી દેવિકા રૂપાળી તો ન હતી. છતાંય એની ઘઉંવર્ણી ત્વચામાં નમણાશ હતી. રેડ કુર્તી અને વ્હાઇટ બ્લેક ડિઝાઇનના પ્લાઝોમાં એ અત્યારે પણ સુંદર લાગી રહી હતી.
" મિસિસ દેવિકા, પતિ તમારા છે તો તમને ખબર હોવી જોઈએને કે આ ઘરમાં તેમની સાથે શું થયું એમ. આમ મારી પર રાડો પાડવાનો કોઈ મતલબ નથી." મીરાએ થોડા કડક અવાજમાં કહ્યું.
" હું કાલે આખી રાત મારી ફ્રેન્ડના ઘરે હતી તો મને કેવી રીતે ખબર હોય કે વિક્રાંત સાથે શું થયું."
" મિસિસ દેવિકા, ઘરે ન હતાં એનો મતલબ એવો તો નથી કે તમને તમારા ઘર અને પતિ વિશે કઈ જાણકારી જ ન હોય. ફોન પર તો તમે કોન્ટેક્ટમાં હશો જ ને?"
" હું ટિપિકલ વાઇફ નથી કે પોતાના પતિને વારંવાર ફોન કરીને જાસૂસી કર્યા કરૂ." દેવિકા થોડી છંછેડાઈ ગઈ.
મીરા હસી પડી. હજુ એ કઈ બોલે એ પહેલા ફોરેન્સિક ટીમ નીચે આવી.
" મેડમ, અમારું કામ પૂરું થઈ ગયું છે. ઘરની દરેક વ્યક્તિના ફિંગરપ્રીન્ટ પણ લેવા જોઈશે. હવે તમે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકો છો."
" બોડી? તમે એને બોડી કઈ રીતે કહી શકો? એ મારા પતિ છે. થોડી તો...." આટલું કહેતાં જ દેવિકા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
" મિસિસ દેવિકા, મરેલા માણસને અમે તો બોડી જ કહીએ છીએ. બોડી ને.. આઈ મીન..મિસ્ટર વિક્રાંતને હોસ્પિટલ મોકલતા પહેલા તમે એને જોવા ઈચ્છતા હો તો..."
દેવિકાએ માથું હલાવ્યું. મીરા દેવિકાને લઈને ઉપર ગઈ.
" એક પણ વસ્તુને અડક્યા વિના તમે વિક્રાંતને જોઈ શકો છો પણ દૂરથી જ."
વિક્રાંતને જોતા જ દેવિકા એના તરફ ધસી પણ કિશને તેને પકડી લીધી. દેવિકા ત્યાં જ રડતાં રડતાં ફસડાઈ પડી.
એમ્બ્યુલન્સ આવી અને બે વોર્ડબોય વિક્રાંતની બોડીને ઉઠાવીને લઈ ગયાં. દેવિકાનું આક્રંદ ઘર ગજાવી ગયું. જો કે મીરાને આવી બધી આદતો હતી એટલે એનું રુવાડું પણ ન ફરક્યું.
મીરા દેવિકાને લઈને ફરી નીચે આવી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દેવિકા અને આશા બનેની ફિંગરપ્રિંટ લેવા માટે તૈયાર હતા.
આશા થોડી ગભરાઈ ગઈ તેમ છતાંય કિશનના સમજાવવા પર તેણે પોતાના બેય હાથની છાપ આપી. જ્યારે દેવિકાનો વારો આવ્યો તો એ ગુસ્સે થઈ ગઈ.
" એસીપી, મારા ફિંગરપ્રિન્ટ તમે શા માટે લેવા માંગો છો? તમને શું લાગે છે કે આ બધામાં મારો હાથ હશે? હું શું કામ મારા જ પતિને મારું?"
" મિસિસ દેવિકા, આ એક પ્રોસિજર છે. પ્લીઝ કોઓપરેટ."
મીરાની આંખોમાં રહેલ કડકાઈ જોઈ દેવિકા ચૂપ થઈ ગઈ. ફોરેન્સિકવાળા એનું કામ કરીને જતા રહ્યા.
મીરા શાંતિથી સોફા પર બેઠી. " મિસિસ દેવિકા, તમને કેવી રીતે જાણ થઈ વિક્રાંતના મૃત્યુની?"
" મને પહેલા આશાએ અને પછી તમારા ઇન્સ્પેક્ટર બંનેએ ફોન કર્યો હતો."
" તમારી છેલ્લે તમારા પતિ સાથે ક્યારે વાત થઈ હતી?"
" રાતે લગભગ આઠ વાગ્યા આજુબાજુ. એ પછી અમે બધી ફ્રેન્ડ પાર્ટી કરવાના હતાં તો ડિસ્ટર્બ ન થવાય એટલે વહેલા જ વાત કરી લીધી હતી."
" તમારા પતિનો મૂડ કેવો હતો ફોન પર?"
" એકદમ સારો."
" ઘરમાં ક્યાંય સીસીટીવી કેમેરા છે?"
" ફક્ત ઘરના મેઈન ગેટ પાસે છે જ્યાંથી ગેટ અને આગળનો ગાર્ડન કવર થાય છે."
" આટલો મોટો બંગલો છે અને ફક્ત એક જ સીસીટીવી?" મીરાને થોડી નવાઈ લાગી.
" વિક્રાંત હમેશા માનતો કે ઘરમાં પ્રાઈવસી રહેવી જોઈએ."
" મને સીસીટીવી કેમેરાની ફૂટેજ જોઈએ છે."
દેવિકાએ તરત જ લેપટોપ ખોલી મીરાને સીસીટીવી ફૂટેજ બતાવી. છેલ્લા ૧૨ કલાકમાં ઘણા લોકો વિક્રાંતને મળવા આવ્યા હતાં. એ સિવાય માળી, આશા વગેરે પણ હતા. સૌથી છેલ્લે એક સ્ત્રી દેખાઈ જે વિક્રાંતને મળવા આવી હતી. જેને જોઈ મીરાની આંખો ચમકી ગઈ. તેણે તે વિડિયો પોઝ કરી દેવિકાને બતાવ્યો, " આ સ્ત્રીને ઓળખો છો તમે? "
તે સ્ત્રીને જોઈ દેવિકા સ્તબ્ધ થઈ ગઈ.
" આ તો....."
******************************
દસ બાય દસની એ રૂમમાં ક્યાંય બારી ન હતી. હતું તો એક નાનકડું ગોળ જાળી વાળું વેન્ટીલેશન. રેના એક ખૂણામાં સંકોચાઈને ખબર નહિ ક્યારથી બેઠી હતી. અચાનક રેના ઊભી થઈ અને અંધારામાં જ ફાંફાં મારવા લાગી. અંધકાર, આ અંધકાર પણ અજીબ છે. રાત્રે તારાઓ જોવા હોય તો આ અંધકાર ખૂબ વ્હાલો લાગે પણ જો એ જ અંધકાર માણસની જિંદગીમાં આવી જાય તો??
ઘુવડ રાતે અંધકારમાં પણ જોઈ શકે છે પણ માણસ એક મર્યાદાથી વધુ નથી જોઈ શકતો. હા, એક ચોક્કસ સમયે તેની આંખ ટેવાઈ જાય છે અને અંધકાર પણ થોડો ઘણો પોતીકો લાગવા લાગે છે.
રેનાની આંખો પણ ટેવાઈ ગઈ અંધારામાં. એ ધીમે ધીમે દીવાલ નજીક પહોંચી અને હાથ ફેરવીને શોધવા લાગી કે ક્યાંક લાઈટની કોઈ સ્વિચ મળી જાય કે પછી દરવાજો મળી જાય. અથડાતી કુટાતી એ દીવાલે દીવાલે અંધકારમાં ધીમે ધીમે ચાલી રહી હતી. ગરમી અને ડરના લીધે કપાળેથી પરસેવો નીતરતો હતો.
અંધકાર અને ગભરામણથી હવે એના શ્વાસ ફૂલવા લાગ્યા હતાં. અચાનક જ કઈક દરવાજા જેવું હાથમાં આવતાં તે ખુશ થઈ ગઈ. તેણે જોરથી દરવાજો ખેંચ્યો પણ કદાચ એ બહારથી બંધ હતો.
દરવાજો ખખડાવીને જાણે તેણે સ્મશાનવત શાંતિનો ભંગ કર્યો હોય એમ ઝીણા ઝીણા તમરા બોલવા લાગ્યા. ક્યાંક બહાર બેઠેલું એકાદ પંખી પણ જોરથી ફફડ્યું.
" કોઈ છે? વૈભવ....વૈભવ, ક્યાં છે તું?"
રેના ડૂસકે ચડી. ચહેરો આંસુ અને પરસેવાથી ખરડાઈ ગયો.
" વૈભવ, પ્લીઝ મારી વાત તો સાંભળ. મને અહીથી બહાર કાઢ. હું તારી બધી વાત માનીશ. પ્લીઝ....દરવાજો ખોલ."
હતું એટલું જોર વાપરી રેનાએ દરવાજો ખખડાવ્યો. અંતે બધું વ્યર્થ. કોઈ ન આવ્યું, અને રેના ફરી ધબ દઈને નીચે બેસી ગઈ. ડુસકાએ હવે ધીમે ધીમે આક્રંદનું સ્થાન લઈ લીધું પણ એ આક્રંદ સાંભળવા કોઈ ન હતું ત્યાં.
ખબર નહિ કેટલો સમય વીતી ગયો હશે અને અચાનક જ દરવાજો ખૂલ્યો અને એક માનવ આકૃતિ અંદર આવી.
ઘોર અંધકાર વચ્ચે પ્રકાશની એક કિરણ દેખાય એમ રેનાએ ધીમે ધીમે રડીને સુજી ગયેલી આંખો ઊંચી કરી. આવનાર વ્યક્તિને જોઈને તે બધી પીડા ભૂલી ગઈ. તરત જ દોડીને તે આવનાર વ્યક્તિને વળગી પડી.
" વૈભવ, મને ખબર હતી કે તું આવીશ. હું....હું...ક્યારની તને બૂમો પાડતી હતી. તું સાંભળતો કેમ ન હતો?"
આમ કહી તે ફરી વૈભવને વળગી પડી.
" મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર...કે તું મારો વિશ્વાસ કરીશ."
અચાનક વૈભવે રેનાને પોતાનાથી અલગ કરી દૂર હડસેલી દીધી.
" કયો પ્રેમ રેના? પ્રેમનો મતલબ પણ ખબર છે તને? અરે, મને તો હવે શંકા છે કે તે મને ક્યારેય પ્રેમ કર્યો પણ હતો કે નહિ?"
" નહિ....નહિ....તને કઈક ગેરસમજ થઈ છે વૈભવ. તું મારી પૂરી વાત તો સાંભળ. હું....હું....તને બધું જ સમજાવીશ. તું જે માને છે એ સત્ય નથી."
( ક્રમશઃ)
રેના ક્યાં સત્યની વાત કરી રહી છે?
વિક્રાંતના મૃત્યુ પાછળ શું કારણ હશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો આગળનો ભાગ.
તમારા પ્રતિભાવો જ મારું પ્રોત્સાહન છે એટલે પ્રતિભાવ જરૂર આપશો. આટલી આશા તો એક લેખક, એક વાચક પાસે રાખી જ શકે ને?