Apharan - 5 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | અપહરણ - 5

Featured Books
Categories
Share

અપહરણ - 5

૫. હુમલો થયો ?

 

અમે ખુશ હતા. અમે ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં પહેલી કડી શોધી કાઢી હતી.

સ્થળ મળી ગયું હતું, હેતુ નક્કી હતો. હવે ત્યાં પહોંચવાની જ વાર હતી.

વાસ્કરનમાં ખાનગી કંપનીઓ અમુક ફીના બદલામાં પ્રવાસીઓને પહાડ ચડવાનો રોમાંચ આપે છે. બની શકે કે ફ્રેડી જોસેફ પણ એ રીતે પર્વતનું આરોહણ કરવા ગયા હોય અને ત્યાં ક્યાંક ન જડે એવી જગ્યાએ એમણે સંપત્તિ છુપાવી દીધી હોય. એ જે હોય તે, પણ હાલ તો અમારી પ્રાથમિકતા વાસ્કરન પહોંચવાની હતી. વાસ્કરન આમ માનવ વસ્તીથી મુક્ત, કુદરતના ખોળે વસેલું દુર્ગમ અને કેટલેક અંશે જોખમી સ્થાન છે. આરોહણ કંપનીઓ પણ અમુક ભાગમાં જ પર્વતારોહણ કરાવે છે.

વાસ્કરન પહોંચવા માટે લીમાથી બસમાં બેસીને ઉત્તર દિશામાં જવાનું હતું. નાનાં-મોટાં શહેરો અને ગામો વટાવતી બસ વારાઝ પહોંચે ત્યાં ઊતરી જવાનું હતું. વારાઝથી પછી ખાનગી વાહનો વાસ્કરનની તળેટી સુધી લઈ જતાં હશે એવું મારું અનુમાન હતું. વાસ્કરન બહુ બધા લોકો નહોતા જતા. હજી ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો હતો.

એ જ સાંજે મેં ઘરમાં વાત કાઢી.

‘પપ્પા, તમે પૂછતા હતા ને કે અમે ક્યાંય ફરવા જવાના છીએ કે નહીં. તો આજે અમે નક્કી કરી નાખ્યું છે. અમે વાસ્કરન જઈશું, ટ્રેકિંગ માટે.’ હું બહુ જ સિફતપૂર્વક જૂઠું બોલ્યો.

‘વાસ્કરન નામ તો જાણીતું છે.’ પપ્પાએ કહ્યું, ‘કદાચ આપણા પેરુનું સૌથી ઊંચું શિખર છે.’

‘હા, એ જ. પણ ટ્રેકિંગવાળા કાંઈ છેક ઉપર સુધી નથી લઈ જતા.’ પપ્પા એમના સ્વભાવ પ્રમાણે ચિંતા કરે એ પહેલાં જ મેં ધરપત બંધાવી દીધી.

‘ના ના, સારું છે. જઈ આવો તમે લોકો. પણ બી કેરફૂલ ! અત્યારે શિયાળામાં બરફ વધારે હશે. બધા ખાસ ધ્યાન રાખજો અને ટ્રેકિંગ સિવાયના રસ્તે ન જશો.’

એમની હંમેશ મુજબની ટૂંકી સૂચના પૂરી થઈ. અમે ગયા વર્ષે ‘સ્પેક્ટર્ન’ નામના ટાપુ પર પહોંચીને જે ઘમસાણ મચાવ્યું હતું એ સમાચારોમાં ગાજ્યા પછી મમ્મી-પપ્પાએ શિખામણો આપવાનું પ્રમાણ વધારી દીધું હતું. હું હવે કૉલેજ પાસ-આઉટ હતો, છતાં એમના માટે તો નાનો છોકરો જ હતો. મારા મિત્રોનાય આ જ હાલ હતા.

એ સાંજ મેં સમાન પેક કરવામાં ગાળી. એક જ પીઠ થેલો લીધો હતો, પણ એમાં ચાર જોડી કપડાંથી માંડીને બધી જરૂરી વસ્તુઓ સમાઈ જતી હતી. વાસ્કરનની આજુબાજુ રહેવા માટેની સગવડો પણ છે. મેં મમ્મી-પપ્પાને કહી દીધું હતું કે અમને ટ્રેકિંગમાં પાંચ-છ દિવસ નીકળી જશે. મેં જાણી જોઈને જ થોડો વધુ સમય કહ્યો હતો. વોટ્સનને શોધવામાં અને અમને સોંપાયેલું કામ પૂરું થવામાં લગભગ એટલા દિવસો થઈ જશે એવું મારું અનુમાન હતું.

બીજા દિવસે સવારે આઠ વાગ્યાની અમારી બસ હતી. ખાનગી ટ્રાવેલ કંપનીની બસ સવારે આઠ વાગ્યે ઊપડીને બપોરે બે-ત્રણ વાગ્યા આસપાસ વારાઝ પહોંચાડતી હતી. રસ્તાઓ ક્યાંક હાઈવે જેવા તો ક્યાંક સાંકડા અને ધૂળિયા હતા એ તેનું કારણ હતું.

***

બસ ઉપડવાને હવે પાંચ જ મિનિટની વાર હતી. અમને પાંચેય મિત્રોને આગળ-પાછળની સીટો પર એકસાથે જગ્યા મળી ગઈ હતી. વહેલી સવાર અને ઠંડી હોવાને કારણે મુસાફરોની સંખ્યા બહુ નહોતી. આગળની ત્રણ બેઠકો પર હું, થોમસ અને વિલિયમ્સ બેઠા હતા અને પાછળની ત્રણ સીટમાંથી બે સીટ પર ક્રિક અને જેમ્સ ગોઠવાયા હતા.

આઠના ટકોરે બસનું એન્જિન ચાલુ થયું ને મારું દિલ વધુ ધડકવા લાગ્યું. અમારી સાહસિક સફર શરુ થઈ ગઈ હતી. બધું બરાબર થાળે પડી જશે કે પછી મુસીબતોનો સામનો કરવો પડશે એના વિચારમાં હું ગરકાવ થઈ ગયો. મારી નજર સામે એકાએક વોટ્સનનો ચહેરો તરવરવા લાગ્યો. અમારો દોસ્ત મુશ્કેલીમાં હતો. એને સહીસલામત પાછો લઈ આવવો એ જ અમારું લક્ષ્ય હતું. પછી બીજી તકલીફો વિશેના વિચાર મગજમાંથી કાઢી જ નાખ્યા.

બારીમાંથી લીમા શહેરની ઈમારતો પસાર થતી જતી હતી. અડધા કલાકે બસ શહેરની બહાર નીકળીને હાઈવે પર ચડી. ડાબી તરફ દક્ષિણ પેસિફિક મહાસાગરનો ભૂરો સમુદ્રકિનારો અમારી સાથે સાથે જ હતો. જમણી બાજુ રેતાળ મેદાની પ્રદેશ અને તેની પાછળ દૂર-દૂર કથ્થાઈ રંગના ડુંગરો દેખાતા હતા. લગભગ આવાં જ દૃશ્યો બે કલાક સુધી રહ્યાં. એન્કન, ચેન્કેય, વાકો જેવા શહેરો વટાવી ચાર કલાકે હાઈવે પર સુપર માર્કેટ પાસે ઊભા રહ્યા. અહીં લંચ બ્રેક હતો.

ક્રિક અમારા બધા માટે સુપર માર્કેટની રેસ્ટોરન્ટમાંથી ભોજન લઈ આવ્યો. અમે બસમાં જ જમીને વાતો કરતા અને બસ ઉપાડવાની રાહ જોતા બેઠા હતા. હું ડ્રાઈવર તરફની દિશાની, એટલે કે ડાબી બાજુએ બારીમાં બેઠો હતો. મારી બાજુમાં બેઠેલા થોમસને એક વાક્ય બોલીને હું શાંત પડયો જ હતો ત્યાં જ અચાનક હળવો સૂસવાટો થયો ને એક નાનકડી કીલ સટ્ટ કરતી મેં ખોળામાં રાખેલા થેલામાં આવીને ભરાઈ ગઈ. માત્ર એક ક્ષણમાં એ ઘટના બની હતી. હું જો સહેજ આગળ ઝૂકેલો હોત તો ચોક્કસ એ કીલ મારા ગાલમાં ખૂંપી જાત.

હું ઊછળી પડયો. ગળામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. મારી બાજુમાં બેઠેલા થોમસ સહિત મારા મિત્રો હેબતાઈને મારી સામે જોવા લાગ્યા.

‘શું થયું...? શું થયું, એલેક્સ ?’ એ લોકોના સવાલોનો જવાબ આપતાં પહેલાં મેં કીલ જે તરફથી આવી હતી એ, રસ્તાની સામેના ભાગમાં આંખો ફાડી ફાડીને જોયું. રસ્તાના છેડે ઝાડી-ઝાંખરાથી છવાયેલી ટેકરી હતી. ઝાડીઓ એટલી ગાઢ હતી કે એમાં કોણ બેઠું હતું એ મને ન દેખાયું. કીલ ત્યાંથી જ આવી હતી કે નહીં એનું પણ હું અનુમાન નહોતો લગાવી શકતો.

‘ઓય એલેક્સ, શું થયું ? કંઈક બોલ તો ખરો.’ થોમસે મને ઢંઢોળ્યો. હું એ લોકો તરફ ફર્યો. બસ ઉપાડવાની તૈયારી હતી.

મેં થેલામાંથી પેલી કીલ ખેંચી કાઢી. એ લાકડાની હતી, પણ આગળની તરફથી ધારદાર હતી. મને જો એ વાગી હોત તો ખબર નહીં મારા કેવા હાલ થયા હોત.

‘આ... કીલ... અહીં બારીમાંથી આવીને મારા થેલામાં ઘૂસી ગઈ.’ મેં એમને લાકડાની એ ફાચર બતાવી. મારા મિત્રો એમની બેઠકો પરથી ઊભા થઈ ગયા અને મારી બારીમાંથી બહાર ડાફોળિયાં મારવા લાગ્યા.

‘સાઈડ પ્લીઝ ! જવા દો !’ બીજા મુસાફરોના રસ્તામાં એ લોકો ઊભા હતા. એટલે પાછા પોતપોતાના સ્થાને બેસી ગયા. કીલ અત્યારે ક્રિકના હાથમાં હતી.

‘જો હું જરાક નમેલો હોત તો આ ફાંસ મારા મોઢામાં ઘૂસી જાત.’ હું ગળે થૂંક ઊતારતા બોલ્યો. મારું દિલ જોરશોરથી ધડકતું હતું.

એ જ મિનિટે બસ ઉપડી અને ફરી મંઝિલ તરફ દોડવા લાગી. બસની સાથે સાથે મારા વિચારો પણ દોડતા હતા. મને બસ રોકાવીને, એ ઝાડીઓ તરફ જઈને જોવાની તીવ્ર ઈચ્છા થતી હતી, પણ એ અંધારામાં ફાંફા મારવા જેવું કામ હતું. હુમલો કર્યા પછી હુમલાખોર ત્યાં શું કામ ઊભો રહે ?

મારા દોસ્તોના ચહેરા પણ એકદમ શંકાશીલ બની ગયા હતા. બધા ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા.

‘થોમસ, હવે વાત વધતી જાય છે એવું તને નથી લાગતું ?’ મેં થોમસ સાથે વાત શરુ કરી.

‘હા, વાત વધી જ રહી છે, એલેક્સ. આ તો અણધાર્યું હતું. પણ મને એ નથી સમજાતું કે આપણો દુશ્મન શા માટે પોતાના જ કામમાં અડચણ નાખે. મતલબ કે એણે જ આપણને આ સફરે મોકલ્યા છે. તો પછી આપણને જ એ શું કામ નુકસાન પહોંચાડે ? અને જો એણે આ કીલ નથી મારી તો પછી કોણે મારી ? અને એ પણ આમ આદિવાસીની જેમ.’

થોમસે અનેક સવાલ ખડા કરી દીધા હતા. એ તમામ પ્રશ્નોના જવાબ જાણવા જરૂરી હતા. મેં મોઢું ફેરવીને બારીની બહાર નજર કરી. પાછળ છૂટતા વૃક્ષો સાથે મારું મન એ વિચારોમાં ખોવાઈ ગયું.

આખરે અમારા પર હુમલો થાય જ શું કામ ? અને થાય તો પણ પેલો જાસાચિઠ્ઠીવાળો ભેદી બદમાશ તો હુમલો કરી જ ન શકે, કારણ કે એણે અમારી પાસેથી કામ કઢાવવાનું છે. તો પછી આ જૂનવાણી ઢબે કીલ ફૂંકનાર કોણ હશે ? હજી તો સફર શરૂ થઈ હતી એમાં વળી અમારો કયો દુશ્મન ફૂટી નીકળ્યો હતો ? ખરેખર આ હુમલો હતો કે નહીં એની પણ ક્યાં ખબર હતી ?

(ક્રમશઃ)