Rose jasmine in Gujarati Moral Stories by Dr.Sharadkumar K Trivedi books and stories PDF | ગુલાબની ચમેલી

Featured Books
Categories
Share

ગુલાબની ચમેલી

ચમેલી,બરાબર પાંચ વાગે મળીએ,શશીવનમાં.
. તમારી મોબાઈલ સ્ક્રીન પર આ મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી આવેલો,ચિત્રા.મોબાઈલ નંબર અજાણ્યો હતો પણ મેસેજ કરનાર પરિચિત હતો કારણ કે ચમેલી નામથી તમને બોલાવનાર એક જ વ્યકતિ હતો ગુલાબ.
દસ વર્ષ પછી ગુલાબે તમારો સંપર્ક કર્યો હતો.તમે બંનેએ આમતો દસ વર્ષ પહેલાં શશીવનમાં જ એકબીજાને ભૂલી જવા અને કોઈ સંપર્ક નહી રાખવાનો નિર્ણય કર્યો હતો,પરંતું અચાનક આજે એનો મેસેજ જોઈ તમે ચમક્યા.તમે ગુલાબને મળવા જવું કે ન જવું એ બાબતે દ્ધિધામાં મૂકાયાં ચિત્રા. લાંબો વિચાર કર્યા પછી તમે એને મળવાનું નકકી કર્યું.દસ વર્ષ સુધી બંને પક્ષે રહેલી ખામોશી તમારા કે ગુલાબમાંથી કોઈએ તોડી ન હોતી ચિત્રા.આજે ગુલાબે તોડેલી ખામોશીનું શું કારણ હશે એમ વિચારીને પણ તમે બરાબર પાંચ વાગે શશીવનમાં ગુલાબને મળવા જવા તૈયાર થવા માંડયું.
તમારા કબાટમાંથી પહેરવા માટે તમારા હાથે અનાયાસે પર્પલ સલવાર કમીઝ લેવાઈ ગયાં.પર્પલ સલવાર કમીઝ તમને છેક તમારા ગુલાબ સાથેના ગુલાબી દિવસોમાં લઈ ગયું.
તમે ગુલાબને એક વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં મળેલાં.પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા ગયેલાં તમે ગુલાબના વ્યક્તિત્વથી આકર્ષાઈ ગયેલાં.ગુલાબ વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો છતાં એનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ,વાક્છટા અને ચપળતા તમને બેહદ ગમી ગયેલાં.તમારા વચ્ચે મોબાઈલ નંબર ની આપ-લે થયેલી.વ્યક્તિત્વ વિકાસ શિબિરથી શરુ થયેલ તમારી ઓળખાણ મેસેજીંગથી પ્રગાઢ બનેલી. એક સવારે 'ગુડ મોર્નીગ'કહેવાના બદલે તમને એણે લખેલું ચમેલી,બરાબર પાંચ વાગે મળીએ,શશીવનમાં.
તમને એ ચિત્રાના બદલે ચમેલી કહેતો થઈ ગયેલો.એ કહેતો હું ગુલાબ છું,તો તું ચમેલી.ફૂલ સાથે ફૂલની જ દોસ્તી હોય ને! તમને પણ એ ચમેલી કહે એનો વાંધો ન હોતો.
અને એ સાંજે તમે અને ગુલાબ શશીવનમાં બરાબર પાંચ વાગે મળેલાં.પર્પલ કલરનો સલવાર કમીઝ પહેરીને.ગુલાબે તમને ગુલાબનું ફૂલ આપીને તમારી આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂકેલો.તમે પણ ગુલાબની ચમેલી બનવામાં વાર નહોતી લગાડી.પછી તો તમારા પ્રેમનો બગીચો મધમધી ઊઠેલો.
ત્યાં એક દિવસ ગુલાબ તમને મળવા આવ્યો ત્યારે ઉદાસ હતો.તેને તમે એની ઉદાસીનું કારણ પૂછ્યું તો રડી પડ્યો.તમે તમારા દુપટ્ટાથી એના આંસુ લુછીને એનું માથું ખોળામાં લઈ હકીકત પૂછતાં એણે કહ્યું'ચમેલી,હું તારી સાથે લગ્ન નહી કરી શકું.આપણા પ્રેમ વિશે મેં મારા પપ્પાને વાત કરતાં તેમણે મને તારી સાથે લગ્ન કરવાની ના પાડી. મેં તેમણે ના પાડવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ તેમના એક મિત્રને મરતી વખતે તેમની દીકરી સાથે લગ્ન કરાવવાનું વચન આપી ચૂકયાં છે.એ કોઈ પણ કાળે વચનમાંથી હટવા તૈયાર નથી.મેં વધારે દબાણ કરતાં તેમને હ્દયરોગનો હુમલો આવી ગયો.તાત્કાલિક હોસ્પીટાલાઈઝ કરવા પડ્યા છે.હવે હું કોઈ રીસ્ક લેવા નથી માંગતો. એમની વચન નિભાવવાની જીદ આગળ હું લાચાર છું.મારા કારણે પિતાજીને કંઈ થઈ જાય તો હું જીવનભર મને માફ ન કરી શકું.શકય હોય તો તું મને માફ કરી દેજે.'તમે ગુલાબને દુઃખી કરવા નહોતા ઈચ્છતા એટલે તમારી આંખમાંથી આંસુ સાથે 'ઈટ્સ ઓકે' જ બોલેલાં.સાચો પ્રેમ હંમેશા સામેનાની ખુશી જ ઈચ્છે. તેમ તમે ગુલાબની ખુશી ઈચ્છી. તેથી તેના જીવનમાંથી હટી ગયાં.આ તમારી છેલ્લી મુલાકાત હતી.આજે તમે દસ વર્ષ ફરી મળશો,પર્પલ કલરનો સલવાર કમીઝ પહેરીને.
તમે તમારી ગાડી સેલ્ફ ડ્રાઈવ કરીને ગુલાબને મળવા નીકળ્યાં છો.દસ વર્ષમાં તો ઘણું બધું બદલાઈ ગયું છે.તમારા પતિનું તમારા લગ્નના ત્રણ વર્ષ બાદ રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે.તમે ગુલાબ અને તમારા પતિને ખોયા પછી એકાકી રહેવાનું પસંદ કર્યુ છે.પેલી બાજુ ગુલાબ બીજા બાળકના જન્મ વખતે, એની પત્નીને એક વર્ષ પહેલાં જ ખોઈ ચૂકયો છે.તેને સાત વર્ષનો એક બાબો અને બે વર્ષની એક બેબી છે.
તમે બંને છૂટા પડ્યા પછી તે આ શહેરમાં આવ્યો જ નથી.બે દિવસ પહેલાં અહીં આવીને એણે તમારા વિશે બધું જાણી લીધું છે ચિત્રા.
એ ફરીથી તમને પ્રપોઝ કરવાનો છે એની જિદંગીમાં સામેલ થવા.ચિત્રા તમારો શો જવાબ છે??
શરદ ત્રિવેદી