એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 11)
આમ ને આમ પોતાની જાત સાથેની વાતમાં,જાત સાથેની રાત્રિ,લગ્ન પછીની પ્રથમ રાત્રિ પૂરી થઇ.
કાનન ભુજથી બસ બદલી માંડવીની બસમાં બેઠી.કંડકટરે પણ તેને બસ બદલવા માં મદદ કરી.કાનને તેનો આભાર પણ માન્યો.
બસ બદલવા સાથે જ કાનન ના વિચારોએ પણ કરવટ બદલી.સવારની તાજગીએ પણ એમાં ભાગ ભજવ્યો.વિચારોનાં ઘોડાપૂર ઓસરી ગયાં હતાં.મન પણ એકદમ હળવું થઇ ગયું હતું.મન ની શાંતિએ એક યોગ નિંદ્રાનો અનુભવ કરાવ્યો અને જાણે કે આખી સંઘર્ષમય જિંદગીનો થાક ઉતર્યો હોય એવું કાનને અનુભવ્યું.
માંડવી આવી ગયું.રીક્ષા કરીને કાનન ઘરે પહોંચી.બેલ મારી.બારણું ખૂલ્યું.બારણું પપ્પાએ જ ખોલ્યું.
અડગ,મુશ્કુરાતી કાનન ને જોઇને ધૈર્યકાન્ત સ્તબ્ધ થઇ ગયા.
કાનન નું આજનું સ્વરૂપ કંઈક જુદું જ લાગતું હતું.આજનું સ્વરૂપ જોઇને ધૈર્યકાન્ત ન પૂરતું બારણું ખોલી શક્યા,ન આવકાર આપી શક્યા અને ન આપી શક્યા જાકારો.
સેંથીના સિંદૂરે ચાડી ખાધી લગ્નની.
પહેલીવાર,જીંદગીમાં પહેલીવાર,ધૈર્ય કાન્તે પીડા અનુભવી.કશુંક ગુમાવ્યું હોવાનું અનુભવ્યું.પોતાના અહં,જીદનો મહેલ તૂટતો અનુભવાયો.પીડા કરતાં પણ જયારે આવી પીડા આપનાર કોઈ પોતાનું હોય ત્યારે આ ચોટ વધુ ગહેરી હોય છે.
એક પળ માટે તો ધૈર્યકાન્તને એવું લાગ્યું કે કાનન એકલી નહીં પણ પોતાનાં બધાં સગાં સબંધીઓ,મિત્રો,સહકર્મચારીઓ બધા સાથે વિજય સરઘસ લઈને આવી છે અને બધા જ પોતાની ઠેકડી ઉડાડી રહ્યા છે.દુનિયા જીતી રહી છે અને પોતે હારી રહ્યા છે.
હાર અને હું? ધૈર્યકાન્ત નો અહંકાર જાગી ઉઠ્યો. અશક્ય.લડી લઈશ,આખી દુનિયા સામે લડી લઈશ.એકલે હાથે લડી લઈશ.પરંતુ સામે ઊભેલી દીકરીની અડગતા જોઇને તો માત્ર જગ્યા જ આપી શક્યા,ખસીને જગ્યા જ આપવી પડી.
એક તાકાત પાસે,મૌન તાકાત પાસે એક પહાડને ખસવા મજબૂર થવું પડ્યું.
કાનન ઘરમાં આવી,બેગ મૂકી,મમ્મીને મળી,દાદીને પણ મળી.દાદાને ન મળી,મળવાનું જરૂરી પણ ન લાગ્યું.કાનન આ બધાની જડ દાદાજીને જ માનતી હતી.
જો કે બધું જ ઔપચારિક રીતે થઇ રહ્યું હતું.કાનન આ બધાં માટે માનસિક રીતે તૈયાર પણ હતી.કાનન લગ્ન કરીને જે હિમ્મતથી ઘરે આવી હતી તે જોઇને મમ્મી અને દાદી તો ડઘાઈ જ ગયાં હતાં.
પપ્પા ના ઓફિસ ગયા બાદ પહેલું કામ કાનને પોસ્ટ ઓફિસ જઈ પોતાની ટપાલ રી ડાયરેક્ટ કરવાની સૂચના આપવાનું કર્યું.આમ પણ પોતે જે હેતુથી આવી હતી તેની ચર્ચા આજે કરવાનો કોઈ જ વિચાર ન હતો.
પપ્પાના ગયા પછી ઘરનાં વાતાવરણમાં થોડી હળવાશ આવી.
“મમ્મી,દાદીબા,હું અહીં પપ્પાને સમજાવવાનો એક વધુ પ્રયત્ન કરવા આવી છું.આખરી પ્રયત્ન.”કાનને પોતાનો અહીં આવવાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો.
“તું શું માને છે પપ્પા માનશે?” મમ્મીએ પોતાની શંકા વ્યક્ત કરી.
“હું પ્રયત્ન કરવામાં માનું છું,માનવું કે ન માનવું પપ્પા પર આધારિત છે.”કાનને ટૂંકમાં પતાવ્યું.
બપોરે જમીને કાનને આરામ કર્યો.આખો દિવસ ઘરમાં જ રહી.આજે છેલ્લીવાર પિયરને મન ભરીને પીવા માગતી હતી. પપ્પા આવતાં જ ઘરનું વાતાવરણ પાછું ભારે થઇ ગયું.કાનન ની દ્રઢતા અને તેનો અહી આવવાનો ઉદ્દેશ જોઇને સરૂબેન અને દાદીબા મનમાં ને મનમાં મૂંઝાતાં હતાં.
બીજે દિવસે રવિવારે આજે સવારે ફ્રેશ થઇ કાનન સીધી પપ્પા ના રૂમમાં પહોંચી ગઈ અને સામે ગોઠવાઈ ગઈ.સીધી મૂળ મુદ્દા પર જ આવી ગઈ.
“પપ્પા,મેં પરમદિવસે મનન સાથે લગ્ન કરી લીધાં છે અને લગ્ન બાદ તરત જ તમારા લોકો પાસે આવી છું આશિર્વાદ લેવા.”
દાદા બહાર ફરવા ગયા હતા.સરૂબેન અને દાદીબા બાજુના રૂમમાં ઉચાટભર્યા ચહેરે કાન માંડીને બેઠાં હતાં.
“અત્યારે હું પિયરથી તરછોડાયેલી અને સાસરામાં પ્રવેશ પામ્યા પહેલાંની સ્થિતિમાં છું.અહીં એટલા માટે આવી છું કે તમે લોકો માની જાઓ.એક પ્રયત્ન કરવા,એક તક લેવા આવી છું.બસ, મને તમારા લોકોનો સ્વીકાર જોઈએ છીએ,હૃદયપૂર્વક નો સ્વીકાર જોઈએ છે.બીજું કશું જ નથી જોઈતું,કશું જ નહીં.મકાન,મિલકત,ઘરેણાં એ બધું જ તુચ્છ છે તમારી દીકરી માટે.”
કાનન અટકી.કાનન નો અવાજ તરડાયો હોય એવું પણ બાજુના રૂમમાં બેઠેલાં સાસુ વહુએ અનુભવ્યું.
“આખી જિંદગી તમારી લાગણી માટે તડપતી રહી છું.તમારો પ્રેમ પામવા મથતી રહી છું.અને આ તડપ છુપાવવા મિત્રો,બહેનપણીઓ,પાડોશીઓ જેવાં બહારના લોકો સાથે હસતી બોલતી રહી છું.પરંતુ એ જે મળે છે તે ઉપરછલ્લું હોય છે અને ક્યારેક દયાભાવથી પ્રેરાઈને મળતું હોય એવું પણ લાગે છે.ઊલટાની આવી ઉપરછલ્લી લાગણીઓ મને મારાં પોતાનાં તરફથી પામવા માટેની ઈચ્છા વધુ પ્રબળ બનાવે છે.”
ધૈર્યકાન્ત ચૂપ હતા,કાનન બોલતી હતી.આજે જાણે કે કાનન નો જ દિવસ હતો.
“જયારે પોતાના તરફથી લાગણી ન મળી,આટલી મોટી થઇ ત્યાં સુધી ન મળી એટલે જ હું મનન તરફ ખેંચાઈ.પહેલીવાર કોઈ પુરુષે મને સાંભળી,મને સમજી,મને હૂંફ આપી,મને પ્રેમ આપ્યો અને તે પણ નિસ્વાર્થભાવે.મારી કરમ કથા સાંભળ્યા બાદ કોઈ પણ પુરુષ મારો ગેરફાયદો ઉઠાવવા પ્રયત્ન કરત અને હું આસાનીથી તેમાં ફસાઈ પણ જાત જો મને મનન સિવાય બીજો કોઈ પુરુષ મળ્યો હોત તો.”
“બોલો,પપ્પા બોલો,શું ખામી છે મારા મનન માં? ચારિત્ર્યહીન છે? લંપટ છે? છીછરો છે? પગભર નથી?બોલો,શા માટે નથી સ્વીકારતા મારા મનનને? કયો અધિકાર હતો તમને મારા મનન નું અપમાન કરવાનો?”
કાનન ના લાગણીભીના અવાજમાં હવે રોષ પણ ભળવા માંડ્યો હતો.દાદીબા અને સરૂબેન બાજુના રૂમમાં આ બધું સાંભળી રહ્યાં હતાં,મનોમન મૂંઝાઈ પણ રહ્યાં હતાં.વચ્ચે પડી શકે તેમ પણ ન હતાં.બંનેનો ગભરાટ વધતો જતો હતો.
ધૈર્યકાન્ત ના હૃદયના દ્વાર પહેલીવાર હચમચવા લાગ્યાં હતા.પહેલીવાર એને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવો પડતો હતો.ગુસ્સો તો ક્યારનો હવા થઇ ગયો હતો.એને કોઈ જવાબ મળતો ન હતો કારણ કે કોઈ જવાબ જ ન હતો.પહેલીવાર જવાબ આપવો પડે તેવા સંજોગો ઊભા થયા હતા.ધૈર્યકાન્ત ની અકળામણ વધતી જતી હતી.વારંવાર બારણા સામે જતી નજર એવું ઈચ્છતી હતી કે અત્યારે કોઈ આવી ચડે તો કેવું સારું!!!
કાનન નાં શાબ્દિક બાણ નો મારો વણ અટક્યો ચાલુ હતો.
“પપ્પા,તમે અત્યાર સુધી જે કંઈ કહ્યું છે તે સાંભળ્યું છે.તે પ્રમાણે કર્યું પણ છે.ભવિષ્યમાં પણ તમારા દ્વારા જે પણ કંઈ કહેવાશે તે હું મારા આંખ માથાં પર ચડાવીશ.કારણ,કારણ તમે મારા પપ્પા છો.”કાનન ના અવાજમાં હવે લાગણીની ભીનાશ પણ ભળી.
“તમે મને તરછોડી દીધી હોવા છતાં પાછી આવી છું,સ્વમાનની પરવા કર્યા વિના.બસ એક આશા સાથે કે તમે લોકો મને અપનાવશો,ખાસ કરીને તમે પપ્પા તમે.એ વાત ભૂલતા નહીં કે મમ્મી અને દાદીબાએ તમને સાથ આપ્યો છે માત્ર તમારાથી ડરીને અને તેથી પણ વિશેષ તમે જયારે ચારે તરફથી એકલા પડી રહ્યા છો ત્યારે તમને હૂંફ આપવા,નહી કે સાચા દિલથી.પપ્પા,પ્લીઝ,મને સ્વીકારો,મારા લગ્ન ને સ્વીકારો,મારા મનન ને સ્વીકારો અને મારાં હવે પછીનાં મા બાપને પણ સ્વીકારો.”
કાનન નો અવાજ ધીમે ધીમે ઊંચો પણ થતો જતો હતો.બાજુના રૂમમાં સરૂબેન હેરાન હતાં,દાદીબા હેરાન હતાં અને અહીં પપ્પા ની હેરાનગતિનો તો કોઈ પાર જ ન હતો.
‘પપ્પા,મનન અને તેનાં કુટુંબીજનોએ મને એ સમયે હૂંફ આપી છે,સાથ આપ્યો છે જયારે મારા પોતાના એ, એટલે કે તમે,મને મધ દરિયે તોફાનમાં હડસેલી દીધી છે અને તે પણ પરિણામ નો વિચાર કર્યા વિના.જે સ્ત્રીનું પિયર નથી હોતું એની સાસરા માં શી હાલત થતી હશે તેની તમારા જેવા પુરુષોને ક્યાંથી ખબર હોય.જો એ લોકોએ મને સ્વીકારી ન હોત તો મારે કૂવો પૂવાના દિવસો આવત.તમારા જેવા મા-બાપ જ આપઘાત માટે જવાબદાર હોય છે,આ વાત ભૂલશો નહીં.”
કાનન નો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોંચી રહ્યો હતો.
“પપ્પા,મનન સાથે મારાં માનસિક લગ્ન તો ક્યારનાંય થઈ ચૂક્યાં હતાં.પરંતુ સામાજિક અને દૈહિક લગ્ન વચ્ચેનો આ સમયે – કે જે માગ્યો કોઈક જ સ્ત્રીને મળતો હોય છે,પતિ તરફથી કે સાસરા પક્ષ તરફથી. હું તમારા પાસે આવી છું, બસ એક જ આશાએ કે સ્વીકારો અથવા ભૂલી જાઓ કે કાનન નામની તમારી કોઈ દીકરી હતી.”
અત્યાર સુધી કાનનની વાતના પ્રવાહમાં ખેંચાઈ રહેલા ધૈર્યકાન્ત નો અહં આ છેલ્લા વાક્યે ઘવાયો.અને ખાસ કરીને કાનન ની એ કબૂલાતે કે મનન સાથે તેનાં માનસિક લગ્ન તો ક્યારનાંયે થઈ ગયાં હતાં.ધૈર્યકાન્ત ને એ પણ યાદ આવી ગયું કે કાનને પોતાને અંધારામાં રાખીને પોતાની મરજી વિરુધ્ધ અને તે પણ પોતાના નિર્ણયની ઉપરવટ જઈને લગ્ન કર્યાં છે.બેંકમાં અધિકારી હોવા છતાં પણ પુરુષ જ સર્વોપરી છે તેવી માન્યતા ધરાવતા ધૈર્યકાન્ત ને આમાં પોતાના પુરુષત્વ નું પણ અપમાન લાગ્યું.તેનો અહંકાર જાગી ઉઠ્યો.ગુસ્સો ભભૂકી ઉઠ્યો.મગજ પરનો કાબુ સંપૂર્ણ ગુમાવી દીધો અને મોઢામાંથી તો જાણે અંગારા જ વરસ્યા.
“હજુ પણ સમય છે કાનન,પાછી ફરી જા.હજી પણ કંઈ એટલું મોડું નથી થયું.હું નથી માનતો કે જેનાં વખાણ કરતાં તું થાકતી નથી તે મનન અને તેનાં કુટુંબીજનો તને પાછાં ફરવાની પરવાનગી નહીં આપે.જરૂર આપશે,જો એ લોકો ખરેખર સારાં હશે તો.”
સરૂબેન અને દાદીબા હવે વધુ બેસી ન શક્યાં.બાપ-દીકરી વચ્ચે જવાની તો હિંમત જ નહોતી.બંને ઉપરનાં રૂમમાં ચાલ્યાં ગયાં અને ઉભરો રુદનમાં ઠાલવી દીધો.
સમસમી ગઈ કાનન.
હતપ્રભ બની ગઈ કાનન.
બધું જ ગોળગોળ ફરતું લાગ્યું.
શું સગા પિતા આવું કહી શકે?
શું સગા પિતા આવું વિચારી પણ શકે?
પોતે અહીં આવવામાં કોઈ ગંભીર ભૂલ કરી છે?
મમ્મી અને દાદીબા ની એવી તે શી લાચારી છે કે પપ્પા ને કશું કહી જ ન શકે?
શું સમજે છે એ લોકો એનાં મનમાં?
મગજમાં પ્રશ્નોનું વાવાઝોડું ઉઠ્યું.કાનને ગુસ્સાને માંડમાંડ કાબુમાં રાખ્યો.એક ઝાટકે ઉભી થી ગઈ કાનન.
“પપ્પા,હું જાઉ છું.કાયમને માટે.ક્યારેય ન ફરવાના નિર્ણય સાથે.ભૂલી જઈશ કે મારે પણ એક પિતા હતા.આજથી હું મારી જાતને લાવારીશ સમજીશ,પપ્પા લાવારીશ.”
એક પળનો પણ વિચાર કર્યા વિના કપડાં બેગમાં મૂકી કાનન ઘરની બહાર નીકળી ગઈ.કાનને પપ્પાના સાવ આવા વર્તન ની તો આશા જ નહોતી રાખી.
જેમ આવતી નહોતી રોકી શક્યા ધૈર્યકાન્ત,તેમ જતી પણ ન રોકી શક્યા ધૈર્યકાન્ત,કાનન ને.
(ક્રમશ:બુધવારે)