Khajano - 66 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 66

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 66

"અરે એમાં આભાર શાનો..? આપણે સૌ મિત્ર છીએ. એક ચોક્કસ હેતુ સાથે આપણે આ ખતરનાક સફરે નીકળ્યા છીએ. આપણા સૌની અંદર કંઈક ને કંઈક સૂઝબુઝ અને વિશિષ્ટ તાકાત છે. બસ આ જ તાકાત અને અનુભવો સાથે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે. માઈકલ અંકલને સલામત ઘરે પાછા લાવવાના છે. તેમજ સોમાલીયાના રાજા ને ખજાનો બતાવી તેની ગરીબ પ્રજાને સમૃદ્ધ બનાવવાની છે. બસ આ બંને લક્ષ્ય શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય એવી જ પ્રભુને તો મારી પ્રાર્થના છે." જોનીએ કહ્યું.

"આપણા લક્ષ્ય મોટા છે અને હંમેશા મોટા લક્ષ્ય સુધી પહોંચવા માટે અડચણો તો આવવાની જ. લક્ષ્ય શુદ્ધ સુધી પહોંચવાનો માર્ગ જૉની તું ધારે છે તેટલો સરળ નથી. શાંતિ અને સલામતી બંને આ માર્ગે મળવાના નથી. આ તો સામાન્ય ઘટના હતી આ સિવાય હજુ આપણે એવી અવનવી ઘણી ઘટનાઓનો સામનો કરવો પડશે. જે ક્યારેક તમને ડરાવી દેશે, ક્યારેક મજબૂર કરશે અને ક્યારેક હિંમત આપશે. પરંતુ આપણે માત્ર પોતાનો વિચાર ન કરતા એક બીજાનો વિચાર કરી એકતાથી કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડશે. જો આપણામાં એકતા હશે, તો મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાનો આપણે હિંમતપૂર્વક... બહાદુરીથી સામનો કરી શકીશું. એમાં જો લેશમાત્ર પણ પોતાનો સ્વાર્થ આવ્યો હતો. સમજો ત્યાંથી વિનાશ શરૂ." પાંચે યુવાનોને સમજ આપતા અબ્દુલ્લાહીજીએ પોતાની યાત્રાના અનુભવથી ચેતવ્યા.

"તમે બરાબર કહી રહ્યા છો. એકતામાં જ સૌથી મોટું બળ છે. મુશ્કેલી સમયે પણ આપણે માત્ર આપણો વિચાર ન કરતા જો યુનિટીનો વિચાર કરીશું તો મુસીબતનો હિંમતપૂર્વક સામનો કરી શકીશું. આપના અનુભવથી મને ઘણું શીખવા મળે છે. આપના સાથ સહકાર દ્વારા હું ઘણું જ્ઞાન મેળવી રહ્યો છું મામુ..!" બસ આશીર્વાદ આપો કે આગળ જતા આપની જેમ હું અન્યને પણ માર્ગદર્શન આપી શકું. પોતાના અબ્દુલ્લાહી મામાની વાતોથી પ્રભાવિત થઈ ઈબતીહાજે કૃતજ્ઞતાથી કહ્યું.

"આપણા જહાજનું રીપેરીંગ કામ તો યોગ્ય રીતે થઈ ગયું છે ને..? તેમાં કોઈ બાંધ છોડતો નથી રાખીને..? હું નથી ઈચ્છતી કે જહાજની ખામીને કારણે આપણે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે..!" લીઝાએ પૂછ્યું.

"એ બાબતે નિશ્ચિત રહે લિઝા. અમે ચારેય જહાજની બરાબર રીતે મરમ્મત કરી દીધી છે. એટલે જહાજ ડૂબવાનો કોઈ સવાલ નથી. પરંતુ હા, વિશાળ જળચર પ્રાણીઓનો ફરીથી સામનો થાય તો કદાચ જહાજને નુકસાન થઈ શકે." હર્ષિત બોલ્યો.

"અબ્દુલ્લાહી મામુ...! આપણો આ દરિયાઈ માર્ગ ક્યાં સુધી રહેશે..? " દરિયાઈ સફર કરતા આવતી અવનવી મુશ્કેલીઓ જોઈ તેનાથી ગભરાયેલા સુશ્રુતે પૂછ્યું.

"બેટા..! હજી તો દરિયાઈ મુસાફરી અડધી પણ નથી થઇ. આપણે હજુ તો ઘણા ટાપુઓ અને કિનારાઓ પાર કરવાના બાકી છે. એ પછી ઝાંઝીબારથી દક્ષિણ આફ્રિકાના કિનારાથી આપણી સફર જંગલમાંથી શરૂ થશે. જો તમારી ઈચ્છા હોય તો દરિયાઈ માર્ગે પણ આપણે દક્ષિણ આફ્રિકા સુધી જઈ શકીએ છીએ. પરંતુ દક્ષિણ આફ્રિકાના છેડા સુધીનાં દરિયાઈ માર્ગમાં જોરદાર અને ખતરનાક દરિયાઈ મોજાનો સામનો કરવો પડી શકે છે. તમારા લોકોની જે ઈચ્છા હોય તે પ્રમાણે આપણે જમીન માર્ગ અને દરિયાઈ માર્ગ બંનેમાંથી કોઈ એક પસંદ કરીશું . પરંતુ તે પહેલા આપણે ઝાંઝીબાર સુધી સલામત રીતે પહોંચવું પડશે પરંતુ તેની હજુ ઘણી વાર છે." અબ્દુલ્લાહીએ કહ્યું.

"એ બધું છોડો, ચાલો ફટાફટ કંઈક ખાઈ લઈએ. મને તો બરાબરની ભૂખ લાગી છે. ભૂખ્યા પેટે મારાથી કોઈ સફર થશે નહીં. સુશ્રુતે કહ્યું.

"હા, ચાલો ભાઈ...! થોડું ઘણું કંઈક ડ્રાયફ્રુટને કોરો નાસ્તો ખાઈ લઈએ. બિચારા સુશ્રુતને ક્યારની એ ભૂખ લાગી છે. જો કે મને પણ હવે તો પેટમાં બિલાડા બોલે છે. ફટાફટ કંઈક ખાઈ લઈએ. અત્યારે તો ડ્રાયફ્રુટ અને કોરાનાસ્તાથી કામ ચલાવી લઈએ, પણ સવારે સુશ્રુત કંઇક મસ્ત ગજબનો મસાલેદાર નાસ્તો બનાવજે..! તો મજા પડી જાય." સુશ્રુતની વાતથી સહમત થતા લિઝાએ કહ્યું.

જોની અને અબ્દુલ્લાહી એન્જિન સંભાળતા સંભાળતા નાસ્તો કરવા લાગ્યા. બાકીના ચારેય મિત્રો ટેરેસ પર બેઠા બેઠા કુદરતી દ્રશ્યને જોતા જોતા ખાઈ રહ્યા હતા.

આસમાનમાં ટમટમતા તારાઓનું પ્રતિબિંબ સમુદ્રમાં પડી રહ્યું હતું. ઉપર અને નીચે તેમજ ચારેય બાજુ ટમટમતા તારા સુંદર દેખાઈ રહ્યા હતા. સુંદર મજાનો ઠંડો પવન વાઈ રહ્યો હતો. વાતાવરણ ખુશનુંમા હતું. ત્યારે લિઝા અને હર્ષિતની નજર મળી. થોડીવાર બંને એકબીજાની સામે જોઈ રહ્યા. ને અચાનક જ અમને કોઈ જોઈ જશે તો એ વિચાર આવતા બંને ભાનમાં આવ્યા અને આજુબાજુ જોવા લાગ્યા. સુશ્રુત તો ભોળો હતો. પણ ઈબતીહાજ લીઝા અને હર્ષિતના હૃદયમાં ફુટેલા પ્રેમ અંકુરને એક જ નજરમાં પારખી ગયો હતો.

To be continue....

( માઈકલને બચાવવા માટે નીકળેલા યુવાનોની સફર આગળ શું વળાંક લેશે..? તેઓએ બીજી કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે..? તે માટે મારા વ્હાલા વાચક મિત્રો આપ સૌએ પછીના ભાગ વાંચતા રહેવું પડશે. આપના સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.)

😊ખુશ રહો... મસ્ત રહો...😊

☺️મૌસમ😊