Khajano - 57 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 57

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 57

"તમે ચારેય મને મારા ભાણેજ ઈબતીહાજની જેમ મામા કહી શકો છો. તમે હિન્દુસ્તાની છો. મારી બહેનના નિકાહ પણ હિન્દુસ્તાનમાં જ થયાં હતા. એ હીસાબથી પણ હું તમારો મામો થાઉં..!" કહી અબ્દુલ્લાહી હસી પડ્યાં.

ચારથી ભલા છ. છએ જણાની દરિયાઈ મુસાફરી શરૂ થઈ ગઈ હતી. અબ્દુલ્લાહી મામા પોતાના અનુભવોને રમુજી અંદાજમાં કહીને પાંચે બાળકોને ખૂબ હસાવતા હતા. આમને આમ છ દિવસ નીકળી ગયા. મામા ભત્રીજો ચારેય સાહસી બાળકોના સ્વભાવ અને રૂચીથી પરિચિત થઈ ગયા. જ્યારે લિઝા,હર્ષિત,જોની અને સુશ્રુત પણ અબ્દુલ્લાહી મામા અને ઈબતીહાજ સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા હતા.

સાંજનો સમય હતો. દૂર દૂર સુધી સમુદ્ર જ દેખાતો હતો. સુરજ જાણે તેના ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો. ધીમે ધીમે સોનેરી પ્રકાશ અંધકારમાં ફેરવાઈ રહ્યો હતો. અવકાશમાં ટીમ ટીમ કરતા તારલાઓ ઝબૂકી રહ્યા હતા. અવકાશી ક્ષિતિજ સમુદ્ર સાથે ભળીને જાણે સુંદર કુદરતી દ્રશ્યનું નિર્માણ કરી રહી હતી. નીચે જોઈએ તો ચારે તરફ પાણી જ પાણી જ્યારે ઉપર ખુલ્લુ... વિશાળ આકાશ.

લિઝા અને હર્ષિત બંને પ્રકૃતિ પ્રેમી..! પ્રકૃતિના એક પણ નજારાને તેઓ મન ભરીને જોવાનું ચૂકતા નહીં. સાથે એક બીજાને પણ. જૉની અને ઈબતીહાજની સારી દોસ્તી થઈ ગયેલી. બન્ને સૌથી વધુ એન્જિન રૂમમાં જ રહેતા અને જહાજને ઓપરેટ કરતાં. જ્યારે સુશ્રુતને અબ્દુલ્લાહી મામા સાથે વધુ ફાવી ગયેલું. બન્ને સ્વભાવે રમુજી અને બન્ને ખાવાના ખૂબ શોખીન. તેઓ આખો દિવસ બ્રેકફાસ્ટ,લંચ અને ડિનરમાં શું બનાવવું તે ડિસ્કસ કરવામાં સમય વ્યતીત કરતાં. જ્યારે લિઝા અને હર્ષિત બન્ને પ્રકૃતિપ્રેમી..પ્રકૃતિની સાથે સાથે એકબીજાને પ્રેમ કરવાં લાગી ગયા હતાં.

" નુમ્બાસાએ આપણને જે કોટડીમાં કેદ કરેલા તે કેટલું ખતરનાક હતું..!" હર્ષિતે કહ્યું.

" હા, પણ આજે તે ખુદ કોટડીમાં પુરાઈ ગયો છે." લિઝાએ જવાબ આપ્યો.

" ખબર નહીં, રાજાજીએ નુમ્બાસા સાથે શું વ્યવહાર કર્યો હશે..? પણ બસ તે ચાલાક છૂટવો ન જોઈએ." હર્ષિત બોલ્યો.

" આઈ હોપ રાજાજીએ તેને યોગ્ય સજા કરી હશે. બાય ધ વે નુમ્બાસાએ તારી પાસેથી પણ પાયલ જેવું કંઈક છીનવી લીધું હતું. પાયલ જ હતી ને..? કોના માટે લીધી હતી..?" ધીમેથી લિઝાએ હર્ષિત સામે જોતા કહ્યું.

"હા.., હતી તો પાયલ જ...!" આટલું કહેતા શરમથી નીચે જોઈ હર્ષિત બોલતો અટકી ગયો.

"મારા સવાલનો આ પૂરો જવાબ નથી..!" હર્ષિતના મનની વાતને જાણવા માટે લિઝાએ તેની સામે કટાક્ષથી હસતા કહ્યું.

"તારા સવાલ નો પૂરો જવાબ એ છે કે... હા.. તે પાયલ જ હતી. અને તે પાયલ મેં મારી થનાર ગર્લફ્રેન્ડ કે વાઈફ માટે લીધી હતી." લિઝાની આંખોમાં આંખ નાખીને હર્ષિતે કહ્યું.

"ઓહ...! તો તે પાયલ તેં તારી ગર્લફ્રેન્ડ કે થનાર વાઇફ માટે લીધે લીધી હતી. એમ જ ને...?" એકીટશે જોતાં હર્ષિતથી નજર ફેરવી લિઝાએ પૂછ્યું.

"હા, એમ જ.. કેમ તને કોઈ પ્રોબ્લેમ છે..?"

"ના રે..! મને શું પ્રોબ્લેમ હોય..? પણ એ તો કહે કે કોણ બનવાનું છે તારી ગર્લફ્રેન્ડ..? આઈ મીન એ ગર્લ કોણ છે..?" થોડા ઈર્ષા ભાવથી લિઝાએ હર્ષિતને પૂછ્યું.

"એ છોકરીનું નામ... એ છોકરીનું નામ...!"

"હા, બોલને કોણ છે તે છોકરી..? શું નામ છે તેનું..?" હર્ષિત ની ગર્લફ્રેન્ડનું નામ જાણવા માટે આતુર થયેલી લિઝાએ પૂછ્યું.

"એ છોકરી નું નામ.... મને ખબર નથી...!" કહેતાં હર્ષિત જોરથી હસી પડ્યો.

"વૉટ...? તને ખબર નથી કે કોણ તારી ગર્લફ્રેન્ડ બનવાનું છે..? તારી ગર્લફ્રેન્ડ બની જ નથી... કોઈ છે જ નહીં... તો તેના માટે તેં પાયલ શા માટે ખરીદી..?" હર્ષિતની વાત સાંભળી નવાઈ પામતા લિઝાએ પૂછ્યું.

To be continue...

મૌસમ😊