પોતાના લક્ષ્ય અને મંજિલથી સાવ અજાણ ચારેય મિત્રોની અવળી ગંગા વહેવા લાગી. જવાનું હતું આફ્રિકાના જંગલમાં ને જલપરીઓના અભિશ્રાપથી બધું ભૂલી ચારેય મિત્રો ઘર તરફ પાછા ફરી રહ્યાં હતા. લક્ષ્ય ભૂલ્યાને લગભગ ચાર દિવસ થઈ ગયાં હતાં. પાંચમાં અને છેલ્લા દિવસે તેઓ એક નાનકડા ટાપુ પર જઈ પહોંચ્યા. તેઓ તેને સોકોટ્રા ટાપુ સમજતાં હતા પણ તે સોકોટ્રા નહિ પણ કોઈ બીજો જ અનામી ટાપુ હતો જેનો નિર્દેશ તેઓનાં નકશામાં નહોતો કર્યો.
જોનીએ ટાપુના કિનારે જહાજ લાંગર્યું. ચારેય મિત્રો અજાણ્યાં પ્રદેશની ધરતી પર ઉતર્યા. પગ મૂકતાની સાથે જ જાણે ત્યાંના ગજબના વાતાવરણનો અહેસાસ થયો. સૂર્યના આકરા તાપમાં પણ વૃક્ષોથી ઘીચોઘીચ આ પ્રદેશ આંખોને શીતળતા આપતો હતો. એકદમ શાંત અને શીતળ જગ્યા.
" કેટલી શાંતિ અને કેટલી ઠંડક લાગે છે. ભર ઉનાળે પણ અહીં વાતાવરણ કેટલું ઠંડુ લાગે છે !" હર્ષિતે જહાજમાંથી ઉતારતાંની સાથે જ ચારેય બાજુ નજર કરતાં કહ્યું.
" ચલો, જંગલમાં જઈએ. અહીં પણ સોમાલિયામાં મળ્યાં હતાં તેવા કોઈ વિશિષ્ટ ફળ ખાવા મળી જાય..! ચાલો ચાલો ચાર દિવસથી દરિયો ને દરિયાનાં મોજાંના અવાજોથી કંટાળ્યા. સરસ મજાનું જંગલ છે. જંગલની મજા માણીએ." આટલું કહી સુશ્રુત તો ચાલ્યો જંગલ તરફ. સાથે લિઝા અને જોની પણ ચાલવા લાગ્યા.
" અહીંનાં વૃક્ષો જોયાં..! નીચા નીચા અને ઘટાદાર છે. પક્ષીઓનો ક્યાંક અવાજ આવે છે. પણ પ્રાણીઓ..! પ્રાણીઓ ક્યાંય નથી દેખાતાં..!" ચારેય બાજુએ નજર ફેરવતા હર્ષિતે કહ્યું.
" મિત્રો..! આપણામાંથી કોઈને યાદ નથી કે અહીં આપણે પહેલાં આવેલા કે નહીં ? તો આપણા માટે આ નવો પ્રદેશ છે. તો જરા સંભાળીને આપણે ચાલવું પડશે." જોનીએ કહ્યું.
" કમોન યાર..! દરેક જગ્યાએ જોખમ હોય જ એ જરૂરી નથી. કેટલી શાંતિ વાળી જગ્યા છે..! મિત્રો આ જગ્યાનો, ખૂબ સૂરત વાતાવરણનો આનંદ માણો. અને જોની યાર પ્લીઝ તું ડરવાનું અને ડરાવવાનું તો બંધ જ કર." હર્ષિતે થોડા ગુસ્સામાં કહ્યું.
" હર્ષિત તું સમજતો નથી. જોની એકદમ સાચું કહે છે. હા, દરેક વખતે આપણી સામે આફત આવે એ જરૂરી નથી. પણ આપણા માટે આ પ્રદેશ , અહીંનું વાતાવરણ, અહીંની વાસ્તવિકતા આ બધાથી આપણે અજાણ છીએ. એટલે જોની માત્ર એમ કહે છે કે આપણે સાવચેતી રાખવી જોઈએ." હર્ષિતને સમજાવતાં લિઝાએ કહ્યું.
વાદ વિવાદ કરતાં કરતાં ચારેય મિત્રો જંગલમાં પ્રવેશ્યાં. જુદા જુદા પંખીઓનો અવાજ કર્ણ પ્રિય હતો. રંગબેરંગી ફૂલો અને ખોટા મીઠાં ફળોની સુગંધથી આખુંય જંગલ પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષતું હતું. ચારેય મિત્રોએ ખાટા મીઠા ફળો ખાધાં અને ઘણા બધાં ફળો સાથે લઈ જવા લીધા. સુશ્રુત તો હરખ પદુડો ગાંડો ગેલો થઈ જુદા જુદા ફળોમાંથી વિવિધ પ્રકારના ડેઝર્ટ અને જ્યુસ બનાવવાનું પણ નક્કી કરી લીધું. હર્ષિત તેનાં કેમેરામાં સુંદર નજરાને કેદ કરી રહ્યો હતો. જોની ડગલે ને પગલે સાવધાની વર્તતો. ત્યાંની દરેક બાબતોને તે સાયન્ટિફિક રીતે વિચારતો અને સમજવાની કોશિશ કરતો. જ્યારે લિઝા બિન્દાસ્તપણે માહોલનો, અદ્દભુત વાતાવરણનો, પંખીઓનાં કલરવનો આનંદ માણી રહી હતી.
જંગલમાં ફરતાં ફરતાં સાંજ પડી ગઈ. જંગલની બિલકુલ મધ્યમાં એક સરસ મજાનું તળાવ હતું. નવાઈની વાત એ હતી કે તળાવની ફરતે સફેદ રંગની રેતી ફેલાયેલી હતી.
" આ રેતી સફેદ રંગની કેવીરીતે હોઈ શકે ? બિલકુલ મીઠા જેવી લાગે છે..!" લિઝાએ પૂછ્યું. જોની તળાવના કિનારે ઊભાં પગે બેઠો અને સફેદ રેત હાથમાં લઈ સુંગી જોઈ. પછી તરત તેણે તળાવના પાણીમાં હાથ નાખી જોયો.
" શું થયું જોની..! કંઈ ખબર પડી મિસ્ટર સાયન્ટિસ્ટ..! આ તળાવમાં તો જોખમ નથી ને ?" કટાક્ષ કરતાં હર્ષિતે કહ્યું.
To be continue..
મૌસમ😊