Khajano - 23 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 23

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 23

" પણ તેને આવું કેમ થયું ? તેને ભાન આવ્યું, તે મારી પાસે આવ્યો અને ઢળી પડ્યો. પાંચેક કલાક થઈ ગયા. તોપણ તે ફરી બેભાન કેમ થઈ ગયો ?" નવાઈ સાથે હર્ષિત એ જોનીને પૂછ્યું.

" માઈકલ અંકલ અને મારા પપ્પા આ વિશે વાતો કરતા હતા. તે મુજબ તો ચાર-પાંચ કલાકમાં ભાન આવી જવું જોઈએ.

" હવે સુશ્રુતને ક્યારે ભાન આવશે ?"

" કંઈ ખબર નથી યાર. આ વિશે હું વધુ જાણતો નથી. તેને ભાન આવે એ માટે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી." સુશ્રુતને વ્યવસ્થિત જગ્યા પર સુવાળ્યો.

અંધારું થઈ ગયું હતું. જોની જહાજ ચલાવવા એન્જિન રૂમમાં ગયો. લિઝા હર્ષિત અને સુશ્રુત પાસે આવી.

" ચિંતા ન કર હર્ષિત..! સૂસને કંઈ નહીં થાય. તે જલ્દીથી ભાનમાં આવી જશે."

" સૂસની તબિયત ઠીક નથી. તો રાતનું જમવાનું આપણે જ બનાવવું પડશે. મને તો માત્ર ખીચડી બનાવતાં આવડે છે." કિચન તરફ જતાં લિઝાએ કહ્યું.

" મને બનાવેલી ખીચડી વગારતાં આવડે છે. " લિઝાની પાછળ પાછળ જતાં હર્ષિતે કહ્યું.

લિઝાએ ખીચડી બનાવી અને હર્ષિતે થોડી ખીચડી વગારી.
આજનાં ડિનરમાં માત્ર ખીચડી જ હતી. જમવાનું બની ગયું હતું પણ સુશ્રુત ઉઠે પછી સાથે જમવાનું બધાએ નક્કી કરેલું. છેવટે રાત્રિના દસ વાગે સૂસને ભાન આવ્યું. અગાસી પર બેસીને ચારેય મિત્રોએ ખીચડી ખાધી.

" લિઝા..! ખીચડી બહુ ટેસ્ટી છે હો..!" સુશ્રુતે કહ્યું.

" રહેવા દે..! તારા હાથની બિરયાની અને પુલાવ આગળ મારી ખીચડીનું કંઈ ન આવે."

ચારેય મિત્રો હસવા લાગ્યા. રાત્રે જાગવાનો ક્રમ નક્કી કરી જોની અને હર્ષિત સુઈ ગયા. જ્યારે લિઝા અને સૂસ જાગતાં બેઠાં.

" સૂસ ! તારી તબિયત કેવી છે હવે ?"

" મને શુ થયું છે ? હું તો ઘોડા જેવો છું. ના..ના.. હાથી જેવો અલમસ્ત છું." સુશ્રુતની વાત સાંભળીને લિઝા હસવા લાગી.

" લિઝા..! આપણે ક્યાં જઈ રહ્યાં છીએ ?"

" ઘરે..! કેમ શું થયું ?"

" થયું કંઈ નથી. આપણને કોઈને યાદ નથી આપણે ક્યાં અને શા માટે નીકળ્યાં છીએ એટલે પૂછ્યું."

" હા, એ જ તો પ્રોબ્લેમ છે. કોઈને કંઈ જ યાદ નથી. ગજબ કહેવાય. આવું પહેલાં ક્યારેય થયું નથી કે હું આમ કંઈ ભૂલી જાઉં."

" મને પણ આવું ભૂલી જવાની કોઈ બીમારી નથી. નવાઈ તો એ વાતની લાગે છે કે ચારેયને કંઈ યાદ નથી. આવું શી રીતે બની શકે ?"

" જેમ તને નાના નાના તીરથી બેભાન કર્યો તેમ કોઈએ જાદુ કરીને આપણી યાદશક્તિ ખોઈ નાખી હોય..! એવું પણ બને ને ?"

" પણ હું બધું નથી ભુલ્યો. મને મારું, તારું, મિત્રોનું નામ, આપણું ઘર, મારી રસોઈ બનાવવાની રેસિપી..એ બધું જ યાદ છે. માત્ર આ જહાજ લઈ આપણે ક્યારે, શા માટે, ક્યાં જવા નીકળ્યાં..? બસ એ જ યાદ નથી આવતું."

" સૂસ.. મને પણ તારા જેવું જ થાય છે. "

" આપણે ઘેર કેટલા દિવસે પહોંચીશું ?"

" નકશા મુજબ જોઈએ તો અહીંથી સોકોટ્રા ટાપુ પહોંચતા ચાર દિવસ લાગી જશે. ત્યાંથી ગુજરાત પહોંચતા છ કે સાત દિવસ લાગી જાય."

" ઓહ, તો હજુ ઘણા દિવસો આપણે સાથે રહેવાનું છે. બરાબર ને ?"

" હા, બસ માર્ગમાં કોઈ મુશ્કેલી ન આવે તેવી પ્રાર્થના કરીએ." લિઝાએ કહ્યું.

" મુશ્કેલીઓનું નામ ન દે બાપા..! હમણાં જ તો એક મુસીબતમાંથી બહાર આવ્યો છું. હજુ પણ જ્યાં તીર વાગ્યા હતા ત્યાં દુઃખે છે યાર."

" ગજબના લોકો હશે. નાના અમથા તીરમાં બેભાન થવાની દવા કેવીરીતે ભરતા હશે ? અહીંના લોકોની ટેકનોલોજી કેટલી વિકસિત છે."

"હા,એ તો છે. પણ તે તીર ક્યાં ગયા જે મને વાગ્યા હતાં ? મારે તેને જોવા છે." લિઝાએ ચાર તીર લઈ આવી અને સુશ્રુતને આપ્યા.

" આ રહ્યાં જો. ખરી કરામત કરી છે."

લિઝાના હાથમાંથી તીર લઈ ઘણી ઝીણવટભરી નજરથી સુશ્રુત જોવા લાગ્યો.

" આમાં કોઈ ટેકનોલોજી નથી લિઝા. સૉય જેવા તીરને બેભાન થવાની ઔષધિમાં બોળીને આ તીરનો ઉપયોગ કરતાં હશે."

" ઓહ..! એવું છે. આવું તો આપણે પણ કરી શકીએ."

" હા, કરી શકીએ. આ ચારેય તીરને સાચવીને રાખ. કયારેક કામ આવશે. " સુશ્રુતે લિઝાને તીર આપતા કહ્યું.

To be continue...

🤗 મૌસમ 🤗