Khajano - 17 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 17

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 17

“હા અમે તમારું કંઈ નથી બગાડયો..! અમે તો ખાલી તમને જોવા અહીં આવ્યા હતા. પ્લીઝ અમને જવા દો.” સુશ્રુતે આજીજી કરતાં કહ્યું. બધી જલપરીઓ એકબીજા સામે જોવા લાગી. દરેક અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને કોલાહલ મચી ગયો. જ્યારે મહાજલપરી તેના આસન પર સ્થિતપ્રજ્ઞ થઈ વિચારી રહી હતી. મહા જલપરીએ પોતાના સ્થાન પર બેઠા બેઠા ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતાં જ સૌ શાંત થઈ ગયા.

" તમે માનવો પોતાનો વિકાસ સાધવા માટે અને પોતાના આર્થિક ઉત્થાન માટે દિવસેને દિવસે પાણીના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છો. તમને સૌને ખબર છે કે દરિયામાં રહેનાર દરેક સજીવ પાણીના પ્રદુષણથી મુશ્કેલી અનુભવે છે. તમે માનવો ધરતી પર તો મોટા મોટા ઉદ્યોગો સ્થાપો જ છો, પણ હવે તો દરિયાને પણ નથી છોડતા. સ્વાર્થી માનવ વિવિધ ખનીજો મેળવવા માટે દરિયામાં પણ ઉદ્યોગો સ્થાપવા લાગ્યા. જેનાથી કરોડોની સંખ્યામાં જળચર પ્રાણીઓનો વિનાશ થયો. આ વાતની ખબર હોવા છતાં તમે તમારી પ્રવૃત્તિ રોકી નહીં. તમે જળચર પ્રાણીઓ માટે દુશ્મન સમાન છો. અમે જલપરીઓ હંમેશા માનવ સમુદાયના નિવાસથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ. અમને ખબર છે જો માનવના હાથમાં અમે આવી જઈશું તો અમને પણ તે સંગ્રહાલયમાં મૂકી દેશે ને અમારી જિંદગીને પાંજરામાં બંધ કરી દેશે. તમે પણ કદાચ આ માટે જ અહીં આવ્યા હશો. આથી અમે અહીંથી તમને પાછા ક્યારેય જવા નહીં દઈએ." મહા જલપરીએ કહ્યું. મહાજલપરીની વાત સાંભળી લિઝા, સુશ્રુત, હર્ષિત અને જોની સ્તબ્ધ થઈ ગયા.

" માફ કરશો, પણ અમે આવા કોઇ ઇરાદાથી અહીં આવ્યા નથી. અમે તો માત્ર સજીવોમાં અજાયબી સમાન આપ જલપરીઓને નિહાળી કુદરતના સુંદર સૌંદર્યને માણવા આવ્યા હતા. અમે ક્યારેય આપને નુકસાન ન કરી શકીએ. મહેરબાની કરી અમને જવા દો."લિઝાએ ઘણી વિનમ્રતાથી કહ્યું.

" અમે તમારી વાત પર કેવી રીતે વિશ્વાસ મૂકીએ..? આખા વિશ્વમાં કોઈને જ ખબર નથી કે અમે અહીં નિવાસ કરીએ છીએ. આથી અમે શાંતિથી અહીં અમારું જીવન જીવી રહ્યા છીએ. અમે તમને અહીંથી છોડીએ અને તમે અમારી વાત બહાર ફેલાવો તો વિશ્વના લોકો સંશોધન અર્થે અહીં ઉમટી પડે ને અમારું જીવવાનું હરામ કરી મૂકે. અમે તમને છોડવાની ભૂલ ક્યારેય નહીં કરીએ." એક જલપરીએ કહ્યું.

" મહેરબાની કરીને તમે અમારી વાતને સમજો. હું માત્ર ખોરાકની શોધમાં અહીં આવ્યો હતો. ભયાનક રાક્ષસી માછલીને જોતા, તેનાથી બચવા, હું તરતો તરતો તમારા નિવાસ્થાન તરફ આવી પહોંચ્યો. અદ્ભુત અને સુંદર દુનિયા જોઈ હું ચકિત થઇ ગયો હતો. બહાર જઈ જ્યારે મેં મારા મિત્રોને વાત કરી તો તેઓને પણ તમારી સુંદર દુનિયા જોવાની ઈચ્છા થઈ. આથી હું તેઓને અહીં લઈ આવ્યો છું. આપને નુકસાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે અહીં ભૂલથી આવી ગયા છીએ. કૃપા કરી અમને છોડી દો." જોનીએ વિનંતી કરતા કહ્યું.

" જેમ તમે બહાર જઈને તમારા મિત્રને અમારા વિશે કહ્યું. અહીંથી બહાર જઈને તમે બીજા લોકોને અમારા વિશે નહીં કહો તેનો શું ભરોસો..? અમે આવું જોખમ ક્યારેય ન ઉઠાવીએ. અમારી પ્રજાતિનો ખૂબ નાનો સમુદાય છે. તેને અમે લુપ્ત થવા દઈશું નહીં.” બીજી કોઈ જલપરીએ જોની સામે દલીલ કરતા કહ્યું.

“અમે જરૂરી કામથી દરિયો ખેડી રહ્યા છીએ. મારા પિતા મુશ્કેલીમાં છે. તેઓને બચાવવા અને તેઓને સલામત રીતે ઘરે પહોંચાડવા માટે મેં મારી માતાને વચન આપ્યું છે. જો હું મારું કામ પૂર્ણ નહીં કરું તો મારી માતા નિરાશ થઈ જશે. મહેરબાની કરીને અમને જવા દો. અમે તમને વચન આપીએ છીએ કે તમે બધા અહીં નિવાસ કરો છો તે વાત અમે ક્યારેય કોઈને પણ કહીશું નહીં.” લિઝાએ કહ્યું.

To be continue..

🤗 મૌસમ 🤗