Khajano - 16 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 16

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 16

એક સાથે જલપરીઓના વૃંદે તેઓને ઘેરી લીધાં હતાં. ચારેય માંથી કોઈએ નહોતું વિચાર્યું કે આટલી સુંદર જલપરીઓને તેઓ આટલી નજીકથી જોશે. ચારેય એકબીજા સામે જોતા અને પછી જલપરીઓને જોતાં. ચારેય જલપરીઓની સુંદરતામાં ખોવાયેલા હતાં ને ઘડીભરમાં તો જલપરીઓએ ચારેયને વેલ જેવા દોરડાંથી બાંધી દીધાં.

" અરે આ શું થયું..? જલપરીઓએ આપણને આમ, બાંધી કેમ દીધાં ? " સુશ્રુતે કહ્યું.

" હા, યાર..! આપણે ક્યાં એમને કોઈ નુકસાન કર્યું છે કે તેઓએ આપણને આમ બાંધી દીધાં..?" લિઝા બોલતી જ હતી ત્યાં એક ઝાટકો લાગ્યો અને એકસાથે બંધાયેલા ચારેય જલપરીઓનાં ટોળાં સાથે ખેંચાવા લાગ્યા.

" અરે..! આ શું થાય છે ? આ લોકો આપણને ક્યાં લઈ જાય છે ? અને કેમ ?" જોની બોલે જતો હતો. પણ જલપરીઓ કોઈનાએ પ્રશ્નનો જવાબ આપતી નહોતી. થોડી જ વારમાં તેઓ જલપરીઓનાં નિવાસસ્થાને પહોંચી ગયાં. ઢીંચણ સમાં પાણીમાં જલપરીઓનું નિવાસસ્થાન જોઈ ચારેય સ્તબ્ધ થઈ ગયાં.

એક મોટા છીપલાંમાં જાણે રાજા રાણીની ગાદી હોય તેવું જણાતું હતું. તેની બિલકુલ સામે બે બાજુએ નાનાં છીપલાંઓમાંથી બેઠક બનાવેલી હતી. રાજદરબાર જેવું લાગતું હતું. જમીન પર રંગબેરંગી ચમકતાં અને લિસ્સા પથ્થર પાથરેલા હતા. ગાદી અને બેઠકની આજુબાજુમાં ચમકીલા રંગબેરંગી ફુલોનાં છોડ હતા. નાની નાની માછલીઓ આમથી તેમ તરતી તરતી મસ્તી કરી રહી હતી. નાની નાની બાળ જલપરીઓ ચમકદાર મોતીઓથી રમી રહી હતી. તેઓનાં સોનેરી વાળ પાણીમાં લહેરાતા હતા.

" ઓહ..માય ગોડ..! કેટલી અદ્દભુત અને રંગીન દુનિયા છે..? બધું કેટલું સુંદર અને રંગબેરંગી લાગે છે ?" લિઝાએ કહ્યું.

" જલપરીઓની જેમ તેઓનું નિવાસસ્થાન પણ આટલું સુંદર હશે ક્યારેય વિચાર્યું નહોતું. જાણે કોઈ અદ્દભુત રાજદરબારમાં આવી ગયા હોય એવું લાગે છે." હર્ષિતે કહ્યું.

" પણ તેઓ આપણને અહીં કેમ લાવ્યાં..? આપણને બંદી કેમ બનાવ્યાં ?" જોનીએ કહ્યું.

ચારેય જણા અંદરોઅંદર આમ વાતો કરી રહ્યા હતાં ત્યાં જ એક સુંદર જલપરી આવીને મોટાં છીપલાંના આસન પર બિરાજમાન થઈ. તેના ચાંદી જેવાં ચમકતાં વાળ અને માથાની શોભામાં સો ગણો વધારો કરે તેવો મોતી જડિત તાજ તેણે પહેર્યો હતો. હાથ,ગળા અને પગમાં પહેરેલા કિંમતી મોતીના આભૂષણો તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. તેના ગોરા ગોરા વાનમાં કાળી ભમ્મર આંખો અને તેના ગુલાબી હોઠ સૌને આકર્ષિત કરે તેવા હતા.

એક પછી એક જલપરીઓએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. સૌનાં ચહેરા પર આશ્ચર્ય અને ડરનો ભાવ છવાયેલો હતો. સામે પક્ષે ચારેય મિત્રો પણ જલપરીઓની ગજબની દુનિયા જોઈ નવાઈ પામ્યા હતા. પણ ડર એ વાતનો હતો કે જલપરીઓએ તે ચારેયને બાંધી કેમ દીધાં ?

"આ માનવ સમૂહ અહીં કેવીરીતે આવ્યાં..? " મોટાં આસન પર બેઠેલી જલપરીએ પૂછ્યું.

" પહેલાં એક માનવ આવ્યો હતો ને પછીથી તે પોતાની સાથે બીજા લોકોને પણ લઈને આવ્યો." એક જલપરીએ કહ્યું.

" આ ચારેય હવે આપણાં આ નિવાસથી બહાર ન જવા જોઈએ." મહાજલપરીએ આદેશ કર્યો. ત્યાંજ ચારેય મિત્રો એકબીજાની સામે જોવા લાગ્યા.

" આ નિવાસથી બહાર ન જવું મતલબ..? અમે તમારું શું બગાડ્યું છે..? જોનીએ પૂછ્યું.

“હા અમે તમારું કંઈ નથી બગાડયો..! અમે તો ખાલી તમને જોવા અહીં આવ્યા હતા. પ્લીઝ અમને જવા દો.” સુશ્રુતે આજીજી કરતાં કહ્યું. બધી જલપરીઓ એકબીજા સામે જોવા લાગી. દરેક અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને કોલાહલ મચી ગયો. જ્યારે મહાજલપરી તેના આસન પર સ્થિતપ્રજ્ઞ થઈ વિચારી રહી હતી. મહા જલપરીએ પોતાના સ્થાન પર બેઠા બેઠા ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતાં જ સૌ શાંત થઈ ગયા.

To be continue...

🤗 મૌસમ 🤗