" અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર જ જંગલ હશે. જંગલમાંથી કંઇક તો ખાવા લાયક મળી રહેશે." હર્ષિતે જંગલ તરફ નજર કરતાં કહ્યું. જહાજને બરાબર લાંગરી ચારેય જંગલ તરફ ગયા. ગાઢ જંગલમાં વૃક્ષોમાં ઘણી અજાયબીઓ હતી. વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળ્યા.ઘણાબધા એવા વૃક્ષો હતા કે જેને નાના મોટા ફળ આવેલ હતા. સુશ્રુત તો ફળોથી લચેલા વૃક્ષોને જોઈ ગાંડોતુર બની ગયો અને દોડ્યો ફળ ખાવા. તેણે જેવું ફળ હાથમાં લીધું ને જોનીએ બૂમ પાડી.
" સૂસ..! તે ફળ ખાતો નહિ...! જલ્દી તેને નીચે ફેંકી દે ..!"
જોનીની ચીસ સાંભળીને સુશ્રુત ફળ ખાતો અટકી ગયો. તેને સમજ ન પડી કે જોનીએ તેને ફળ ખાવાની ના કેમ પાડી. તે હાથમાં લીધેલ ફળને બરાબર નિહાળવા લાગ્યો. તેનો મૂંઝવણભર્યો ચહેરો જોઈ સૌ હસવા લાગ્યા.
“ કમોન યાર.! પ્લીઝ મજાક નહિ કરો..! મને બરાબરની ભૂખ લાગી છે ને તમને મજાક શું છે..?” આટલું બોલી સુશ્રુતે ફળ સાફ કર્યું અને ફરી ખાવા જતો હતો.
“સુસ..! તે ફળ ખાતો નહીં રહેવા દે..! અમે મજાક નથી કરતા, પણ તે ફળ ઝેરી છે આથી તેને ખાવાની ના પાડીએ છીએ.” જોનીએ સુશ્રુતના હાથમાંથી ફળ ખેંચીને દૂર ફેકતા કહ્યું.
“આ મજાક નહીં તો શું છે..? તને કેવી રીતે ખબર પડી કે આ ફળ ઝેરી છે..? મારાથી ભૂખ્યા નથી રહેવાતુ એટલે તમે લોકો મારી સાથે મજાક કરી રહ્યા છો. ખરેખર મને સખત ભૂખ લાગી છે યાર..!” સુશ્રુતે વીલું મોઢું કરીને કહ્યું.
“અરે અમે મજાક નથી કરતા, તું આજુ બાજુ નજર કર. આ વૃક્ષની આજુબાજુ ક્યાંય તને પક્ષી કે પ્રાણી દેખાય છે..? તુ જો. વૃક્ષના થડ બાજુ કોઈ જીવજંતુ પણ દેખાય છે..? અહીં કેટલા બધા ફળો પડ્યા છે, પણ ક્યાંય પક્ષીઓએ ખાધેલા હોય તેવા ફળો દેખાય છે..?” જોનીએ સુશ્રુતને કહ્યું.
સુશ્રુત વૃક્ષની આજુ બાજુ અવલોકન કરવા લાગ્યો. ઘણા બધાં ફળો વૃક્ષ નીચે પડેલા હતા, પણ ક્યાંય પક્ષીઓએ ખાધેલા હોય તેવા ફળો નહોતા. તેણે વૃક્ષની ઉપર બાજુ જોયું, ક્યાંય કોઈ પક્ષી કે પ્રાણી કે જીવ જંતુ જોવા મળ્યું નહીં. અવલોકન કર્યા બાદ તેને જોનીની વાત સાચી લાગી.
“ચાલ સૂસ આગળ જઈએ. આટલા મોટા જંગલમાંથી કંઇક તો ખાવા માટે મળી જશે.” સુશ્રુતના ખભે હાથ મૂકી લિઝાએ કહ્યું. ચારેય મિત્રો આગળ ગયા. જંગલના ઘટાદાર વૃક્ષો, ભેજવાળું આહલાદક વાતાવરણ અને હરિયાળી મનમોહક હતી. હર્ષિત આ જંગલના વાતાવરણનો પૂરેપૂરો લાભ ઉઠાવતાં જંગલના દરેક પાસાઓને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો.
જંગલમાં થોડે દૂર જતાં પક્ષીઓ અને તૃણાહારી પ્રાણીઓ જોવા મળ્યા. નાના અમથા તળાવમાં વિવિધ પ્રકારના રંગોવાળા, જુદા જુદા આકારના શિંગડા વાળા હરણા અને સાબર પાણી પી રહ્યાં હતા. કંચન જેવા સાફ પાણીમાં તેઓના પ્રતિબિંબ અદભુત લાગતા હતા.
“આ હરણાઓ કેટલા પ્યારા લાગે છે..? તળાવમાં ખીલેલ કમળ કેટલા સુંદર લાગે છે..? જંગલની હરિયાળી મારી આંખોને ઠંડક આપે છે. મન તો થાય છે કે બસ અહીં જ રહી જાઉં. આ આહલાદક વાતાવરણ જાણે મને જંગલમાં જ રહેવા આમંત્રણ આપે છે.!” હર્ષિતએ જંગલના અદભૂત વાતાવરણને જોતા અને ફોટો ખેંચતા ખેંચતા કહ્યું.
“જો જંગલ તને અહીં જ રહેવાનું આમંત્રણ આપતું હોય તો તારે અહિં રહેવું જોઈએ હર્ષિત..! તારા અહીં રહેવાથી અમને કંઈ જ વાંધો નથી.” જોનીએ મજાક કરતા હસીને કહ્યું. સાથે લિઝા અને સુશ્રુત પણ હસવા લાગ્યા.
“ખબર નહી તમને મારી જેમ આ જંગલનું વાતાવરણ કેમ આકર્ષતું નથી..?” હર્ષિતએ કહ્યું.
“અમને પણ તારી જેમ બધું જ ગમે છે. પણ મારે તો પેલી જલપરી જોવાની ઉતાવળ છે. ફટાફટ અહીંથી થોડું ખાઈ લઈએ અને થોડું લઈ જઈએ. તો જલપરી જલ્દી જોવા મળે” લિઝાએ કહ્યું. ત્યાં જ લિઝાની નજર એક વૃક્ષ નીચે પડી. ત્રણ-ચાર ખિસકોલી દોડાદોડ કરી રહી હતી. એક ખિસકોલી વૃક્ષ નીચે પડેલા ફળને ખોતરીને ખાઈ રહી હતી. બધા મિત્રો તે વૃક્ષ નીચે ગયા. ચારે બાજુ અવલોકન કરીને જોની એ તે વૃક્ષનું ફળ હાથમાં લીધું. તે જામફળ જેવું મોટું હતું. તેનો રંગ આછો ગુલાબી હતો. તેની અંદરથી ઠળિયો નીકળતો હતો. તે ફળ પક્ષીએ કોતરેલું હતું.
“આ ફળ આપણા માટે ખાવાલાયક છે. ભાવે તેટલા ખાઓ.” જોનીએ તે ફળને બચકું ભરતા કહ્યું. સૌથી પહેલા સુશ્રુતે ફળ લઇ ખાધું.
To be continue...
મૌસમ😊