Khajano - 11 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 11

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 11

" સૉરી ફ્રેન્ડ્સ..! મેં દરિયામાં બધે તપાસ કરી પણ ક્યાંય મને જોની દેખાયો નહિ." હર્ષિતે નિરાશ થઈ કહ્યું. હર્ષિતની વાત સાંભળી સૂસ અને લિઝા પણ હતાશ થઈ ગયાં. ત્રણેયને જોનીની ચિંતા થવા લાગી. શું થયું હશે તેને..? ક્યાં ગાયબ થઈ ગયો તે..? જેવા પ્રશ્નોએ ત્રણેયના મગજને ચકરાવે ચડાવ્યા હતાં.

" સૂસ..! જોનીને શું થયું હશે..? તેને કંઈ થઈ ગયું તો હું ડેવિડ અંકલને શું જવાબ આપીશ..?" રડમસ અવાજે લિઝાએ કહ્યું.

" ઓહ..ગોડ..! પ્લીઝ જોનીને અમારી પાસે જલ્દી લાવી દો." ભગવાનને પ્રાર્થના કરતા સુશ્રુતે કહ્યું. હર્ષિત પણ ચિંતા કરવા લાગ્યો.

ત્રણેય મિત્રો નિરાશ થઈ દરિયા સામે નજર રાખી બેસી ગયા. તેઓનું મન નહોતું માનતું કે જોની દરિયામાં ગાયબ થઈ ગયો. તેઓને હજુ પણ આશા હતી કે તે દરિયામાંથી હમણાં બહાર આવશે. ત્રણેય ભૂખ્યા થયા હતા પણ કોઈને ખોરાક શોધવાની પડી નહોતી. સાવ સૂનમૂન થઈ પંદર વીસ મિનિટ એમ જ બેસી રહયા. લિઝાનો તો કઝીન ભાઈ હતો, આથી તેને સૌથી વધુ ચિંતા થતી હતી. દરિયાના ઘૂઘવાટાભર્યા મોજાં સિવાય બીજો કોઈ જ અવાજ આવતો નહોતો. ત્યાં પાછળથી અવાજ આવ્યો.

" હેય ફ્રેન્ડ્સ..! દરિયા સામે મોઢું રાખી શું જુઓ છો..? હું તો અહીં છું."

અવાજ સાંભળીને ત્રણેયને પાછળ જોયું.
" જોની..! જોની તું અહીં ક્યાંથી..? તું તો દરિયામાં..!" લિઝા આટલું બોલતાં ઊભી થઈ. સાથે હર્ષિત અને સુશ્રુત પણ ઉભા થયા. તેઓના ચહેરા પર ખુશી રેલાઈ ગઈ. ત્રણેય દોડતાં જોની પાસે ગયા અને ભેટી પડ્યા. લિઝાની આંખોમાં ક્યારનાય રોકી રાખેલા આંસુ જોનીને જોઈ ખુશીના માર્યા વહેવા લાગ્યા.

" બોલને જોની..! આ મેજિક કેવીરીતે થયું..? તું તો દરિયામાં ગયો હતો. હું તને દરિયામાં પણ શોધી આવ્યો.ત્યાં તું મને ના મળ્યો. અમને ખ્યાલ છે ત્યાં સુધી તું દરિયામાંથી તો નીકળ્યો નથી જ. તો તું અહીં કેવીરીતે આવ્યો..?" હર્ષિતે કહ્યું.

" તને ખબર છે..? તારા ગાયબ થઈ જવાથી અમને લોકોને કેટલી ચિંતા થતી હતી..? બોલને જોની..તું ક્યાં ગયો હતો અને અહીં કેવીરીતે આવ્યો..?" સુશ્રુતે પૂછ્યું.

જોનીએ ઓક્સિજન માસ્ક અને ઓક્સિજનની નાની બોટલ ઉતારીને નીચે મૂક્યાં અને નીચે બેસી ગયો. બાકીના ત્રણ મિત્રો પણ તેની સાથે નીચે બેસી ગયા.

" મિત્રો તમે વિશ્વાસ નહિ કરો, આજ મેં શું જોયું..! તેના પર..." ત્રણેયની સામે જોઈ જોનીએ કહ્યું.

" શું જોયું તે..? " સુશ્રુતે ઉત્સુકતાથી પૂછ્યું.

" મરમેડ..! મતલબ જલપરી..!" જલપરીનું નામ સાંભળીને ત્રણેય અવાક રહી ગયા.

" જલપરી..! તેં જલપરી જોઈ..?" ત્રણેય એકબીજા સામે જોઇને બોલ્યા.

" હા, જલપરી..એક નહિ અનેક જોઈ..!" જોનીએ કહ્યું.

" શું યાર ગમે તેમ ગપ્પા મારે જાય છે..? તને શું લાગે અમે નાના ભૂલકાઓ છીએ કે તારી વાત માની લઈએ. બને જ નહીં. મેં ક્યાંક વાંચ્યું હતું કે જલપરી માત્ર જાવા અને સુમાત્રાના દરિયા કિનારે જ જોવા મળે છે અને ત્યાં પણ તેને રૂબરૂ જોવી આસાન નથી." હર્ષિતે જોનીને ખોટો પાડતાં કહ્યું.

" અરે હું સાચું કહું છું. " જોઈએ કહ્યું.

" હા, તારી વાત સાચી હશે કે જલપરી જાવા અને સુમાત્રાના દરિયા કિનારે જ જોવા મળે છે. પણ એવું પણ બની શકે ને કે અહીં જલપરી છે તે વાતથી આખી દુનિયા અજાણ હોય..! મને જોની પર વિશ્વાસ છે. તે ખોટું શું કામ બોલે..?" લિઝાએ જોનીનો પક્ષ લેતાં કહ્યું.

" હું લિઝાની વાતથી સહેમત છું. તે બરાબર કહે છે." સુશ્રુતે કહ્યું.

" જોની..! તું પહેલાંથી કહે કે તું દરિયામાં ગયો ત્યારે શું થયું અને તે જલપરીને કેવીરીતે જોઈ.!" લિઝાએ પૂછ્યું.

To be continue...
મૌસમ😊