" જેનિશા..જેનિશા ક્યાં છે..? મારે તેને જરૂરી વાત કરવી છે." ડેવિડે ઘરમાં પ્રવેશતાં કહ્યું.
" મૉમ કિચનમાં છે,આવે છે. તમે બોલોને અંકલ..! વાત શું છે..? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો..? અને ડેડ..! તમારી સાથે ડેડ ન આવ્યા..?" લિઝાએ પાણી આપતા કહ્યું.
ત્યાં જ જેનિસા કિચનમાંથી હાથ લૂછતી આવી. ડેવિડને જોઈ તે બોલી,
" અરે ડેવિડભાઈ..! આટલા ગભરાયેલા કેમ લાગો છો..? વાત શું છે..? અને માઈકલ..? માઈકલ કયાં છે..? દેખાતો નથી..?" જેનિશા હાથ બહાર જઈ આજુબાજુ જોવા લાગી.
" જેનિસા..! અહીં બેસ..! મારી વાત શાંતિથી સાંભળ..!" જેનિસાને સોફા પર બેસાડતાં ડેવિડે કહ્યું અને પેન્ટના ચોર ખિસ્સામાંથી એક ડબ્બી જેવું કાઢી, જેનિશાના હાથમાં મૂક્યું.
"આ લે તારી અમાનત..! માઈકલએ આપ્યું છે."
" અમાનત..? માઈકલે આપ્યું છે મતલબ..? માઈકલ ક્યાં છે..? " જેનિસા થોડી વધારે ગભરાઈ ગઈ.
" માઈકલ..! માઈકલને આદિવાસીઓએ કેદ કર્યો છે." ડેવિડે કહ્યું.
જેનિસા સાથે લિઝા, સુશ્રુત અને હર્ષિત બધા ચોંકી ગયા.
" શું કીધું અંકલ..? આદિવાસીઓએ ડેડને પકડ્યા છે..? પણ કેમ..? તેઓ ડેડને કેમ પકડે..? ડેડ તો વેપાર કરવા આફ્રિકા ગયાં હતાં..! તેઓની ત્યાંના આદિવાસીઓ સાથે શું દુશ્મની હોય..?" લિઝાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
" બેટા..તેનું રહસ્ય આ ડબ્બીમાં બંધ છે. તેને ખોલ..!"
લિઝાએ જેનિસાના હાથમાંથી ડબ્બી લઈ ખોલી. તેમાં સફેદ કાપડમાં વીંટાળેલ પચાસ ગ્રામ જેટલો સોનાનો પથ્થર અને ચમકદાર ચાર હીરા હતાં.આ જોઈ સૌ ચકિત થઈ ગયા.
" તો માઈકલ અંકલએ આદિવાસીઓ પાસેથી આ હીરા અને સોનાની ચોરી કરી છે એટલે તેઓએ અંકલને કેદ કર્યા છે..!" સુશ્રુતે ભોળાભાવે તુક્કો લગાવ્યો.
" નો..સૂસ..! મારા ડેડ ક્યારેય ચોરી ન કરે..! કેટલું ચીપ વિચારે છે તું..!" લિઝાએએ સૂસને ઠપકો આપતાં કહ્યું.
ત્યારે ડેવિડે લિઝા પાસેથી તે ડબ્બી લીધી. કાપડમાંથી સોનાનો પથ્થર અને હીરા ડબ્બીમાં મૂક્યાં અને સફેદ કાપડના ટુકડાને ખુલ્લો કર્યો. તેમાં કુદરતી રંગોથી કોઈક નકશો દોરેલો હતો.
" આમાં તો કોઈ સ્થળનો નકશો દોરેલો છે. શાનો નકશો છે અંકલ..?" હર્ષિતે કહ્યું.
"આ સોના અને હીરાના ખજાનાનો નકશો છે. આ નકશો સોમાલિયાના રાજા ફારોહ સહુરે ત્યાંના કેટલા ભૂગોળવિદોની મદદથી બનાવેલો. રાજાએ સોના અને હીરાનાં ખજાનાં અંગે ખરાઈ કરવા બે જાસૂસને વેપારી બનાવી દક્ષિણ આફ્રિકા તરફ જવા મોકલેલા." ડેવિડે કહ્યું.
" તો આ નકશો માઈકલને કેવીરીતે મળ્યો..?" જેનિસાએ પૂછ્યું.
"વેપાર અર્થે મારે અને માઈકલને સામોલિયા, નાઇરોબિ, ટાંઝાનિયા,મોઝામ્બિક તેમજ ઝાંઝીબાર વારંવાર જવાનું થતું. ટાંઝાનિયાથી અમે મોઝામ્બિક ગયા તો ત્યાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. આથી અમે મોઝામ્બિકથી જહાજ લઈ ઝાંઝીબાર જવા નીકળતાં હતાં ત્યારે બે વ્યક્તિઓ દોડતાં અમારી પાસે આવ્યા. તેઓ સૈનિક નહોતાં લાગતાં, છતાં ઘાયલ થઈ ગયેલા. એકને પગમાં અને પીઠ પર ઊંડા ઘા થયેલા. જ્યારે બીજાને ડાબા ખભે તીર વાગેલું.
" મહેરબાની કરીને અમને બચાવો.અમને તમારા જહાજમાં લઈ જાઓ..પ્લીઝ મહેરબાની કરો..!" એક વ્યક્તિએ કરગરતાં કહ્યું. બીજો બોલી શકવાની હાલતમાં નહોતો.
" મને અને માઈકલને આ બન્ને પર દયા આવી. અમે બન્નેએ મળીને બન્નેને અમારા જહાજમાં બેસાડ્યા. ફટાફટ જહાજ ચલાવી અમે કિનારાથી દૂર નીકળી ગયાં.ત્યારબાદ તે બંનેને મલમપટ્ટી કરી અને તેઓના લોહીથી લથબથ કપડાં કાઢી અમારાં કપડાં પહેરાવ્યા.થોડી રાહત થતાં બન્ને જહાજમાં જ સૂઈ ગયા. તેઓને જોઈ લાગતું હતું કે તેઓ શરીરથી ઘણા અશક્ત થઈ ગયા હતા. તેઓ ઘણા સમયથી જાણે ઊગ્યા નહોતાં. તેઓને આરામથી સૂતાં જોઈ મને અને માઈકલને કઈક સારું કર્યાનો આનંદ થયો."
" પછી શું થયું અંકલ..? તેઓના કપડાંમાંથી તમને આ ડબ્બી મળી..?" સુશ્રુતે પૂછ્યું.
To be continue....
મૌસમ😊