Dariya nu mithu paani - 31 in Gujarati Classic Stories by Binal Jay Thumbar books and stories PDF | દરિયા નું મીઠું પાણી - 31 - ચોથો દિકરો

Featured Books
Categories
Share

દરિયા નું મીઠું પાણી - 31 - ચોથો દિકરો


ધનિયા....ઓ....ધનિયા...
અંદરથી મધુકાકા નો ખાંગ સાથે ગળફા કાઢતાં કાઢતાં ઠરડાઇ ગયેલો અવાજ આવતો હતો, ધનિયો પણ કંટાળી ગયેલો, અંદર જાય એટલે ડોહો ગરમ ભડકા જેવો થઈ જાય અને કામમાં કોઈ ઠેકાણા ના હોય, એકજ વાત "બીડી લાઇ દે" અને ડોકટરે કિધેલું કે બીડી મોત નોતરશે, મધુકાકાને છેલ્લી કક્ષાની ટીબી હતી, લાસ્ટ સ્ટેજ વાળી અને શહેરની હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યાં બેવાર ખાનગીમાં બીડી પિતા પકડાયા, અને એ તો પીએ પણ બીજા દશને બીડી પાએ, હોસ્પિટલના સ્ટાફે નોટિસ આપેલી અને આખરે ત્રીજી વાર પકડાતા એમનો બોરીયો બિસ્તર ગામડા ભેગો કરી દીધેલો,

દવાઓ સમજતા ધનિયા ને કલાક લાગેલો, પણ પછી ભૂલી ગયો, ગામડે આવીને એની મરજી મુજબ દવાઓ દેવા મંડ્યો, અને ડોહા વધુ બીમાર થતા ગયા, મોટા ત્રણ દીકરા જમીનનો ભાગ લઈ એમના ભાગની જમીન વેચીને શહેર રહેવા ચાલ્યા ગયેલા, જૂનું જર્જરિત ઘર અને ચાર વીઘા જમીન ધનિયાના ભાગે આવેલી, અને એ જમીન પર ધનિયો રાસુભા પાસેથી કેટલાય પૈસા લઈને બેઠેલો, જ્યારે ઘરમાં દવાખાનું આવે ત્યારે સીધો રાસુભાની ડેલીએ,

બાપુ પૈસા આલો, અને બાપુએ ત્રાસ પામી ગયેલા, ના પાડે તોય ડેલી બહાર ઓટલે બેઠો રે, બે ત્રણ કલાકે બાપુ બહાર નીકળે તો રોતળી સુરત લઈને બેઠો હોય, અલ્યા ઘરે ના ગિયો તો કે બાપુ ક્યાં જઉં તમારા વગર મને કુણ પૈસા આલે ? પણ ધનિયા તું ઘણા રૂપિયા લઈ ગિયો અને હવે તારું ચાર વિઘાનું કટકું પણ ડુલ થાય એવું છે અને પછી જમાનો વાતો કરશે કે દરબાર થઈને ગરીબ માણહ ની જમીન પડાવી લીધી, પણ હવે છેલ્લી વાર હો એમ કહીને દરબાર પૈસા આપી દેતા, અને પાનના ગલ્લે જઈ ફરમાશ સો બીડીઓ લઇલે અને ગલ્લા વાળો પૂછે કે દરબારે પૈસા આલ્યા? તો કહે દરબારી જીવ સે ને ઝાલ્યો ના રે દેવા જ પડે....અને ધનિયો જઈને મધુકાકા ના ઓશીકે બીડીનો ઢગલો કરે કે લે ડોહા મર,

સવારે ખીચડી અને રાત્રેય ખીચડી બીજું કશું રાંધતા આવડે નઈ, બાજુમાં ઈબ્રાહીમ ભાઈ રહે લાડથી બધા અભુ કાકા કહે, એમના બંને છોકરા નોકરિયાત એક પોલીસમાં અને બીજો મિલિટરીમાંથી નિવૃત્ત થઈને બાજુના ગામે બેંકમાં ચોકીદાર બનેલો એટલે એમને ઘરબાર સુખી અને બન્ને સમય ધનિયાને હાંક મારી કૈંક ને કૈંક જમવાનું આપી દેતા, નાની વહુ થોડો કકળાટ કરતી પણ અભુ કાકો કહે બેટા પાડોશી ધર્મ નિભાવો ખુદા રાજી રેશે,

આવી જ એક સવારે ધનિયો બહાર લીમડા હેઠે બેઠેલો અને અંદર ઓછું જતો ડોહા ને ચેપી રોગ એટલે એનેય લાગે, પણ કલાક જેવું થયું પણ ડોહો ના બોલ્યો કે ના ખાંગ ખાધી, થોડું અમંગળ લાગ્યું અને ધનિયો અંદર ગયો મધુકાકા નિસ્તેજ લાગેલા એટલે ગામમા એક ઘરગથ્થુ ડોકટર હતા એમને લઈ આવ્યો એમણે મધુકાકા ને મૃત જાહેર કર્યા,

લાકડાનો ઢગલો તો ઘરનો અને રાસુભા બાપુ પહોંચી ગયા તે ખાંપણ ની વ્યવસ્થા કરી નાખી,

શહેર ખબર કરવાની વાત થઈ તો ધનિયો બોલ્યો કે મારા ભઈલા ઠારુકા નઇ આવે, એટલે રાહ જોવીને બધી પંચાત કરવી નથી,

લાકડે જઈને સંધ્યા ટાણે ધનિયાના ફળિયામાં બધા બેઠા અને નિર્ણય લેવાયો કે બારમું કરી નાખવું, અભુકાકા એ પંદર હજાર કાઢ્યા અને રાસુભાએ પંદર આલ્યા અને બેત્રણ બીજા પાંચ પાંચ હજાર આવ્યા અને ડૉહા નું કારજનુંય પત્યું,

પંદર દા'ળે દરબાર આવ્યા ધનિયો બીડી પીતો બેઠો હતો, અલ્યા ડફોળ ડોહો બીડી પીને મર્યો એ તુંય જાણશ અને હવે તારે વારસો રાખવો સે?

ગામમાં થી બેચાર બીજા વડીલોને બાપુ કહીને આવેલા અભૂકાકા પણ આવેલા અને બાપુએ ચોપડા કાઢ્યા, હેંડ થોડો હિસાબ જોઈ લઈએ, તરત ધનિયો બોલ્યો બાપુ સહી ક્યાં કરવી સે ઇ કયો મારે ચોપડા નહિ જોવા, તો કહે એ માટે તારે તાલુકે આવવું પડશે, એક દિવસ નક્કી થયો અને ચાર જણાની સાક્ષીએ ધનિયો ચાર વીઘા બાપુ ને દઈ નવરો થઈ ગયો, બાપુએ બેહજાર આપેલા અને બીજું કામકાજ જણાવજે એમ કહીને બધા છુટા પડેલા,

અચાનક ધનિયાના સંસારમાં સુનકાર વ્યાપી ગયો, ડોહો હતો તે કઈંક કામકાજ રહેતું સેવાચાકરી રહેતી હવે તો એય પૂરું, ફાતમાં આવતી તે કૂતરાને ખાવાનું નાખતી હોય એમ થાળી પછાળી ને જાતિ અને ધનિયો હવે એકલો પડી ગયો થોડા દી લોકો આવતા એય હવે બંધ થઈ ગયા,

મધુકાકા નું ઘર સુખી ગણાતું અંગ્રેજોના જમાનામાં પોલીસ પટેલ ની નોકરી કરી રિટાયર્ડ થયેલા અને કાયદા કાનૂનના જાણકાર, ગામલોકો સલાહ લેવા આવતા થોડી જમીન વારસામાં અને થોડી સરકારે આપી અને છોકરાઓને ભણાવ્યા પણ સૌથી નાનો ધનો બહુ લાડકો, માસ્તર નિશાળે મારે એટલે ના જાય અને એની માં થોડું વઢે એટલે મધુકાકો એમ કહીને વાળી લેતો કે આપણે આને કાં બેરિસ્ટર બનાવવો સે,

આમ ધનિયો ભણ્યા વગર રહી ગયો, ડોશી રાત'દી ખેતરે વૈતરાં કર્યા કરે અને એક સાંજે કઈંક કરડી ગયું પરાણે ઘરે પહોંચી તો મધુકાકા કહે હાલ શહેર જતા રહીએ દવાખાને પણ ડોશી કરકસર બઉ કરે એને એમ કે દવાખાના માં બઉ પૈસા થાય ઘરેલુ ઉપચાર કરીએ અને એ રાત્રે ડોશીએ આ ફાની દુનિયા મૂકી દીધી,

અને એ ગમ માં મધુકાકા બહુજ બીડીઓ પીવા લાગેલા અને જિંદગી જીવવાનો રસ જતો રહ્યો, ડોશીના કારજ માં ચારેય દીકરા ભેગા થયા અને ખેતર ગીરવે મુકવાની વાત આવી ત્યારે મધુકાકાને બહુ લાગી આવ્યું, કે પેદા કર્યા મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા લગ્ન કર્યાં અને ધંધે લગાડ્યા અને હવે એમની મા ની મોત પર ખરચ કરવા પૈસા નથી,

મધુકાકાએ એક ગાંઠ મારી અને છોકરાઓને એમના ભાગે જે આવતું હતું એ બે દિવસ માં વહેંચી દીધું, અને કહ્યું કે હવે ગામ માં કે મારા ઘરે પગ ના દેતા, અને એ બે દિવસમાં જમીન રાસુભા બાપુને વેચી ને પૈસા લઈ બારોબાર તાલુકાએથી જ ઓલાદ રવાના થઈ ગઈ,

મધુકાકાની મોત પર તો ના આવ્યા કારજ માં તો કેવડાવ્યું તોય ના આવ્યા એટલે ત્રણ ભાઈનો ભાઈ ધનિયો એની જાતને નિરાધાર ગણી રહ્યો, અને હવે આ મકાન હતું એની મૂડી કે જે ગણો ઇ, અભુ કાકા ને ભળતું એટલે આપવું તો એમને જ, એમ વિચારી ફાતમાં ગામ બાજુ ગઈ અને ધનિયો અભુ કાકા ના ઘરમાં ઘૂસ્યો, ના જાણે કેમ પણ નાની વહુ ફાતમાંથી બઉ બિયાતો અને પેલી હતીયે છણક ભણક, કાકા એક છેલ્લી વાત કરવા આવ્યો છું, આંખો આંસુઓથી ભરાઈ ગઈ ગળે ડૂમો ભરાઈ ગયો, મોટી વહુ પાણીનો લોટો ભરી એની સામે મૂકીને કહેવા લાગી ભાઈ તમે જે મધુબાપાની સેવા કરી છે તે મનમાં ઓછું ના લાવશો ખુદા તમારી સામે જરૂર જોશે, અને એ ચા મુકવા ગઈ,

ફરી અભુ કાકા સામે આંખો મંડાઈ અર્ધ મિચાયેલી આંખો હાથમાં ચોવીસે કલાક માળા અને માથે ટોપી મહેંદી લગાવેલી દાઢી અને ગામમાં કાંઈ ન્યાય કરવાનો હોય એટલે રાસુભા બાપુ પહેલા અને અભુ કાકા બીજા હોય જ અને એમનો નિર્ણય કોઈ ઉથાપતા નઈ અને આજ સુધી જે કાંઈ ગામમાં ડખા પાર પાડ્યા કે સમાધાન થયા એમા બીજીવાર જોવાપણું નઈ,

બોલને દીકરા મારી પાસે તારું કશું છેલ્લું ના હોય મારી હયાતી સુધી તો નઇજ પછી તું ભલો અને તારો ખુદા ભલો, આમ ધનિયો બોલ્યો કે મુઠી બંદ કરીને જે આલવું હોય ઇ આલજો પણ આ મકાન મારે નથી રાખવું અને મારે કિંમતેય નથી કરવી, શાંતી છવાઈ હાથમાં માળા ના મણકા પુરા કરવાનો ઈશારો કરી અભુ કાકા મૌન રહ્યાં ધનજી અપલક દ્રષ્ટિએ એ જાજરમાન ભવ્ય મુખ સામે જોઈ રહ્યો, થોડી વાર પછી ધીમેથી અભુ કાકા બોલ્યાં કે થોડા દિવસ રહીજા દીકરા ખુદા સૌ સારા વાના કરશે,

દિવસોને પસાર થવામાં ક્યાં વાર લાગે છે સવારની વહેલી નમાજ પડીને અભુ કાકા આવ્યાં અને ઘરે જઈને કઈંક હાથમાં લીધું અને પછી ધનિયાના ફળિયામાં ગયાં, ધનિયો ઘોરી રહ્યો હતો ધીમા સાદે કાકાએ એને જાગાડ્યો, અભુ કાકાને જોઈ સફાળો પથારીમાંથી ઉભો થઇ ગયો અને લઘરવઘર ખુણામાં ઉભો રહી ગયો,

જો સાંભળ જ્યારે તારી મા ના ટાણા ઉપર તારા ભાઈઓએ અને ભાભીઓએ જે ભવાઈ કરી ત્યારે અમોને બોલાવીને તારા બાપાએ એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કે મારી મોત પછી બરાબર એક મહિના પછી એકાંતમાં આ ચિઠ્ઠી નાના દીકરા ધનજી ને બોલાવીને એની રૂબરૂમાં ખોલવી, ધીરે ધીરે અભુ કાકા કપડાંના પળ ખોલી રહ્યાં ધનજી ફાટી આંખે જોઈ રહ્યો,

આખરે કાગળ નીકળ્યો પણ વાંચવાના ચશ્મા કાકાના ઘરમાં રહી ગયેલા એટલે ઘનજીએ દોટ મૂકી અને પાછી એજ ફાતમાં હાથમાં ખુચાડી દેવાના હોય એમ ચશ્મા મુક્યા અને ભાગતો ધનજી એના ફળિયામાં આવ્યો માનો ના માનો પણ આજ એને કઈંક સુખદ ઘટના ઘટવાનો કુદરતી સંકેત મળી ગયેલો, ફરિસ્તા જેવો નેક પાક માણસ સવાર સવારમાં એના વાસમાં આવે એનાથી રુડું શું હોય, અને સામે રાસુભા બાપુ પણ આવીને ઊભા રહી ગયા,

બાપા આવો કહી ધનજી પગે લાગ્યો બને મુરબ્બીઓએ એક બીજા સામે સૂચક નજરે જોયું આછું મલકયાં અને પછી કાકા ચિઠ્ઠી વાંચવા લાગ્યાં...

""મારી પત્નીની અને મારી સેવા ચાર ચાર દીકરાના બાપ હોવા છતાંય ધનજી સિવાય કોઈએ કરેલ નથી અને દીકરો હોવા છતાંય દીકરીની જેમ ઘરના દરેક કામ કોઈપણ જાતની નાનપ વગર કર્યાં છે તે આ બાબતને ધ્યાને લઈને હું આ ચિઠ્ઠીમાં બતાવેલ જગ્યાએ ખોદવાથી જે મળે તે ધનજીને મારા વ્હાલા દીકરા ને પ્રાપ્ત થાય એવી વિનવણી કરું છું,""

એ જગ્યાની નિશાની મધુકાકાએ સચોટ કરી રાખેલી, વિલેજ પોલીસમાં નોકરીએ રહેલો માણસ પાંચ માણસોમાં પૂછાતો હતો, એમની દેખાડેલી જગ્યાએ ખોદાણ કરતાં અંદરથી બ્રિટિશ સમયના બે હજાર રાણી વિક્ટોરિયાના મુગટ વાલા સિક્કા અને દર દાગીના મળીને શેર સોનુ મળ્યું અને રાસુભા બાપુ પાસે એમના પેંશનના પૈસા બારોબાર જમા થતા એ બધા ગણીને અઢી લાખ રોકડા ધનજીની મા ના સોનાના દાગીના અને બેત્રણ નંગ જેની પરખ ગામમાં એકેયને નહોતી આટલું ધનજીને હાથો હાથ સોંપીને એ બંને મુરબ્બીઓ પોતપોતાના ઘર તરફ ચાલવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે કુદરતે આપેલો સેવાનો બદલો સમજવો કે
એક પિતાની એમની ઓલાદ માટેની દીર્ઘદ્રષ્ટિ...