* સર્કિટના નામથી ઓળખાતા અરશદ વારસીનું સંઘર્ષમય જીવન
* અરશદ બોર્ડિંગ સ્કૂલના વેકેશનમાં ઘરે જાય એટલે ઘરનું સરનામું બદલાઈ જતું હતું
* મારિયા ગોરેટી સાથે લગ્નના 25 વર્ષે 23મી જાન્યુઆરી 2024એ લગ્ન નોંધણી કરાવી
ખ્યાતિ શાહ (સિદ્ધયતિ)
khyati.maniyar8099@gmail.com
આમ તો સર્કિટ શબ્દ ઇલેક્ટ્રિકલ ટર્મ માટે જ વપરાય છે. પરંતુ એ સર્કિટ આ શબ્દ સંભળાય એટલે બધાને એક જ નામ યાદ આવે અરશદ વારસી. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં મુન્નાભાઈ (સંજય દત્ત)ના મિત્ર સર્કિટ (અરશદ વારસી)ની કોમીડીના ખુબ જ વખાણ થયા હતા. જોકે, હાલમાં ફિલ્મોમાં ન દેખાતા અરશદ વારસી ફિલ્મોની જગ્યાએ એન્ટટેઈન્મેન્ટ ચેનલ પર આવતા રિયાલિટી શો ઝલક દિખલાજામાં જોવા લઈ રહ્યા છે. એક ઉત્તમ અદાકાર સાથે શ્રેષ્ટ ડાન્સર હોવાથી તેમને જજની ભૂમિકા આપવામાં આવી છે.
ભારતીય અભિનેતા અરશદ વારસીનો જન્મ 19 એપ્રિલ 1968માં મુંબઈમાં થયો હતો. તેમની બાળપણની ઘણી યાદો હજી પણ તેઓ ભૂલી શક્યા નથી. તેમનો અભ્યાસ બોર્ડિંગ સ્કૂલમાં થયો હતો. જયારે પણ સ્કૂલમાં વેકેશન પડે અને તેઓ ઘરે જાય એટલે ઘરનું સરનામું બદલાઈ જતું હતું. તેમને ક્યારે પણ સમજણ પડી ન હતી કે, વેકેશન પડે અને હું ઘરે આવું એટલે મારુ ઘર નવું કઈ રીતે થઇ જાય છે. માત્ર 14 વર્ષની નાની વયે જ તેમને માતા પિતાની છત્ર છાયા ગુમાવી હતી. જે બાદ તેમને જીવનમાં ઘણા સંઘર્ષ બાદ આજે એક સફળ અભિનેતા, ફિલ્મ નિર્માતા, કોરિયોગ્રાફર અને પ્લેબેક સિંગર તરીકે કારકિર્દી બનાવી છે.
બોલિવૂડમાં દરેક કિરદારોની રીલ લાઇફ કરતા રિયલ લાઇફ ઘણી અલગ જ હોય છે. અરશદની વાત કરીએ તો તે અભિનેત્રી આશા સચદેવનો સાવકો ભાઈ છે. હવે, પ્રશ્ન એ થાય કે કેવી રીતે?? અરશદ વારસી અહેમદ અલી ખાન અને રંજના રઝિયાનો પુત્ર છે. પરિવારમાં અરશદને એક ભાઈ અને બે બહેન છે. અહેમદ અને રંજનાએ 60ના દાયકાની શરૂઆતમાં જ છૂટાછેડા લઈ લીધા હતા. રંજના બે પુત્રીને લઈને જતા રહ્યા અને વકીલ સચદેવ સાથે લગ્ન કર્યા. જેના પગલે રેન્જના રઝિયા બન્યા રંજના સચદેવ. અરશદની એક બહેન રેશ્મા સચદેવાના લગ્ન અભિનેતા અને નિર્માતા કમલરાજ ભસીન (કોકાકોલા) સાથે થયા હતા. જયારે બીજી બહેન આશાએ અભિનેત્રી બનવાનું નક્કી કર્યું અને પોતાની માતાની અટક સચદેવ સાથે સ્ક્રીન નેમ આશા સચદેવ પસંદ કર્યું હતું.
હવે, એમ થાય કે વારસી અટક જ કેમ? અરશદના પિતાનું પહેલાનું નામ અહેમદઅલી (આશિક હુસૈન) ખાન હતું. પરંતુ પત્ની રંજનાએ છુટાછેડા બાદ બીજા લગ્ન કર્યા પરંતુ હેમદઅલીએ પુત્ર અરશદને ધ્યાને રાખી બીજા લગ્ન કર્યા ન હતા. તેઓ સૂફી સંત વારિસ અલી શાહના અનુયાયી બન્યા પછી પોતાની અટક બદલી વારસી કરી હતી. જેથી અરશદના નામ પાછળ વારસી અટક લાગે છે.
અરશદ વારસી તેના મુશ્કેલ બાળપણ તરફ જયારે પણ નજર કરે છે, ત્યારે તેને હંમેશા માતા-પિતાની ખોટ જ મહેસુસ થાય છે. હાડકાના કેન્સરથી પીડાતા પિતાનું મૃત્યુ થતાં અરશદને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નાણાં ભીડને લીધે અરશદે 17 વર્ષની ઉંમરે કોસ્મેટીક્સના ડોર ટુ ડોર સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. એટલું જ નહીં અરશદે એક ફોટો લેબમાં પણ કામ કર્યું છે. અરશદને ડાન્સનો પણ શોખ હતો. જેથી તેને એક ડાન્સ ગ્રુપમાં જોડાવાની ઓફર મળી હતી. ત્યારથી એમના કોરિયોગ્રાફી તરફની કારકિર્દીની શરૂઆત થઈ. જેની શરૂઆતમાં તેણે ઇન્ડિયન ક્લાસિકલ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને જીત્યો પણ હતો. 1992માં 21 વર્ષની ઉંમરે અરશદે લંડન ખાતે આયોજિત વર્લ્ડ ડાન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં તેને મોડર્ન જજ કેટેગરીમાં ચોથું ઇનામ મેળવ્યું હતું. જે ઇનામમાં મળેલા રૂપિયાથી તેને પોતાનો ડાન્સ સ્ટુડિયો અદ્યુત શરૂ કર્યો. તેની સાથે સાથે અરશદે એક ડાન્સ ગ્રુપ પણ બનાવ્યું. પછી અરશદે ભરત દાભોલકર માટે કોરોગ્રાફીક શો પણ કર્યો. 1993માં આવેલી ફિલ્મ રૂપ કી રાની ચોરો કા રાજાના ટાઈટલ ટ્રેકની કોરિયોગ્રાફી અરશદે કરી હતી.
બોલિવૂડમાં ઓલરાઉન્ડર અભિનેતા ઘણાં છે. જેમાં એક અરશદ પણ છે. પરંતુ ફિલ્મ ડિરેકટર અને પ્રોડ્યૂસર્સની પસંદમાં તેનું નામ ઓછું આવતું હતું. એટલે અરશદને એવું લાગે છે કે, હું એક અંડરયુટીલાઈઝ એક્ટર છું. જોકે, તેની માટે અરશદ પોતાને જ દોષિત માને છે. બોલીવુડની એક વણ લખાયેલી વાત છે કે, નામ કમાયા પછી કોઈપણ કલાકાર ફંકશનમાં, પ્રેસ કોન્ફરન્સમાં, પાર્ટીઓમાં જોવા મળશે. પરંતુ અરશદ વારસીને આ તે ગમતું ન હતું. અરશદ પોતાનો સમય ઓફિસમાં બેસીને અથવા શહેરથી દૂર કોઈ જગ્યાએ જઈ પસાર કરવામાં માને છે. અરશદ માટે પૈસા અને પ્રશંસા કરતા શૂટિંગ સમયે ફેન્સ સાથે પસાર કરેલો સમય વધુ મહત્વનો હતો.
ફિલ્મ જગતમાં એક્ટરોના લગ્નજીવન વિશે પણ ઘણું બધું અવનવું સાંભળવા મળતું હોય છે. અરશદના લગ્ન જીવનની વાત કરીએ તો પૂજા ભટ્ટ સાથે સગાઈ થઈ. પરંતુ ફિલ્મ જગતમાં એવી વાત વહેતી થઈ હતી કે પૂજા ભટ્ટ સાથે સગાઇ થઇ તે પહેલા તેની જ કઝિન સાથે જ ક્યાંક ને ક્યાંક અરશદનું નામ સંકળાયેલું હતું. જોકે, 1999માં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના દિવસે અરશદે મારિયા ગોરેટી સાથે લગ્ન કર્યા હતા. આ કપલ ક્યારેય કાયદેસર રીતે તેમના લગ્નની નોંધણી કરાવી જ નહોતી. પરંતુ લગ્નના 25 વર્ષ પછી 23 જાન્યુઆરી 2024માં તેમણે સત્તાવાર લગ્નની નોંધણી કરાવી.
કારકિર્દીની વાત કરીએ તો, 27 વર્ષની ઉંમરની આસપાસ અરશદે પોતાના બાળકોને ન શરમાવે તેવા કામ કરવાનું પસંદ કર્યું હતું. અરશદનું એવું માનવું હતું કે, ઉંમરને અનુરૂપ જ ભૂમિકાઓ ભજવી પરિપક્વ બનીશ. છેલ્લે OTT પર અસુરની બે સિઝનમાં ખૂબ જ સારા અભિનયની આપી હવે, તે ઝલક દિખલા જાના શોમાં જજ તરીકે નાના પડદા પર પાછો ફર્યો છે. એટલે એમ કહી શકાય કે ડાન્સ કોરિયોગ્રાફીની કારકિર્દીમાં શરૂઆત કરી હતી એ જ ફિલ્ડમાં ફરી ઝલક બતાવવા તે આગળ વધી રહ્યો છે.