Savai Mata - 66 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 66

Featured Books
Categories
Share

સવાઈ માતા - ભાગ 66

સુશીલામાસી સાથે વાતો કરતા મેવાને જોઈ વિસળને અને શામળને નવાઈ લાગી. જે છોકરો નાનપણથી જ ખોટી સોબતમાં ઊંધા રસ્તે ચઢી ગયેલો, ક્યારેય કોઈનીય વાત ન સાંભળતો અને અત્યંત વિચિત્ર રીતે દરેક સાથે વર્તતો આ મેવો સુશીલા સાથે કેટલીય માયાથી વાત કરતો હતો. તેની વાતોથી સવલી અને સુશીલા બેય ખુશ થયાં. રાજીને લાગ્યું કે હવે તેનાં જીવનમાં સુખનો સૂરજ ઉગવાને જરાય વાર નથી. તેની પણ રમીલા માટેની ઈર્ષ્યા ક્યાંય ઓગળી ગઈ હતી.

રમીલાને વીણાબહેને બોલાવી અને તેઓ કૃષ્ણકુમારજીની ઓફિસમાં ગયાં. મેઘનાબહેને વીણાબહેન અને તેમનાં પતિને મેવા વિશે વાત કરી રાખી હતી. વીણાબહેને ઓફિસમાં જઈને બેઠક લીધી અને રમીલાને પણ સામે બેસાડી. પોતાની બહેન જયલતાને ફોન જોડ્યો.

વીણાબહેન, "કેમ છે જયા?"

જયલતા, "એકદમ મજામાં બહેન. તમે અને જીજાજી કેમ છો?"

વીણાબહેન, "બસ, એવું જ. મોજની મોજ અને દીકરીઓની સારસંભાળ. જરાય એકલું ન લાગે."

જયલતા, "એ સારું છે તમારાં બેયનું. તમારી દાક્તરી સેવાઓ તો ચાલ્યા કરે પણ મનને કાંઈ સકારાત્મક, રચનાત્મક કામ કર્યાનો સંતોષ પણ મળતો જ રહે."

વીણાબહેન, "હા, એ તો છે જ. આ મેં તને આજે સવારે વાત કરી હતી ને રમીલાનાં ભાઈ માટે, મેવા માટે? એ હાલ આવ્યો છે. બોલ ક્યારે મોકલું. અને હા, રમીલા પણ અહીં જ બેઠી છે."

જયા, "હા, એક કામ કરોને બહેન, એને કહો કે કાલે સવારે દસ વાગ્યે શાળાની ઓફિસે જ આવી જાય અને સીધો મને જ મળે."

વીણાબહેન, "સારું, સારું. કહી દઉં છું તેને. અને તારો ફોનનંબર તેમજ શાળાનું સરનામું પણ આપી દઉં છું."

જયા, "અરે! બહેન. એ તો બરાબર પણ, તમે રમીલાને પેલી વાત કરી. જો એ થશે તો મને ખૂબ ગમશે."

વીણાબહેન,"એ હા, સારું યાદ કરાવ્યું. વાત તો નથી થઈ શકી. લે, સીધી જ વાત કરી લે તેની સાથે." કહેતાં વીણાબહેને ફોન ધર્યો રમીલા સામે."

રમીલાએ ફોન હાથમાં લીધો પણ શી વાત કરવી તેની તેને જાણ ન હતી.

સામે છેડેથી થોડો મક્કમ પણ મમતાભર્યો અવાજ સંભળાયો, "કેમ છે બેટા? તારી સિદ્ધિઓ બદલ તને ખૂબ અભિનંદન અને આવનાર જીવનની શુભેચ્છાઓ."

રમીલા બોલી, "ખૂબ આભાર આપનો, મેડમ."

જયલતા,"તારાં ભાઈ વિશે તો વીણાબહેન સાથે વાત થઈ ગઈ જ છે. તેનો એક ઔપચારિક ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો છે. અને તારું એક કામ છે."

રમીલા ખુશ થતાં બોલી, "મારો ખૂબ ખૂબ આભાર મેડમ. મારો ભાઈ થાળે પડશે તો તેની પત્ની અને બાળકોનું જીવન બદલાઈ જશે, પણ આપને તેનાં ભૂતકાળ વિશે માહિતી આપવી જરૂરી છે. આપ તે સાંભળીને..."

રમીલાની વાત અધવચ્ચે જ પકડીને જયલતાબહેન બોલ્યાં, "ચિંતા ન કર. મને વીણાબહેને કહ્યું જ છે. મેઘનાબહેને બધી હકીકત જણાવીને મને કહેવડાવ્યું છે. તેનો જીવ ખોટા રસ્તે ન જાય એટલો પગાર અને રહેવાની જગ્યા તેને મળી રહેશે. જો કાંઈ કચાશ રહેશે તો અમારી ટીમ તેની પત્ની સાથે સતત સંપર્ક રાખી તેને સાચા રસ્તે વાળતી રહેશે."

રમીલા બોલી, "કેટલું સારું કે મોટી માએ માત્ર મારી જ નહીં, મારાં માતા-પિતા, નાનાં ભાઈ-બહેનની જીંદગી ઊજાળી. અને હવે તો તેઓ મોટાભાઈને પણ આટલી મદદ કરી રહ્યાં છે. તમારો અને વીણામાસીનો પણ ઘણો ઉપકાર રહેશે મારાં જીવન ઉપર. જો હું એકલી જ આગળ વધત તો મને આનંદની સાથે-સાથે વસવસો પણ રહત કે મારો પરિવાર પાછળ રહી ગયો. તમારો ફરી એક વખત ખૂબ આભાર મેડમ."


સામે છેડે જયલતાબહેન બોલ્યા, "બેટા, તું મને માસી કહી શકે છે. મને વધુ આનંદ થશે. અને હા, મૂળ વાત તો કરવાની જ રહી ગઈ. અમારી શાળા તને તારી સિદ્ધિ બદલ તને બિરદાવવા માંગે છે અને વિદ્યાર્થીઓને આગળ વધવાનો સુંદર સંદેશ તારાં મોંએ અપાવવા માંગે છે. બોલ, ક્યારે આવી શકીશ?"

એકાદ મિનિટ તો રમીલાને શો જવાબ વાળવો તેની સમજ ન પડી. વીણાબહેનનાં ધ્યાનમાં આ બાબત આવી. તેમણે ધીમેથી ફોન પોતાનાં હાથમાં લઈ જયલતાબહેનને જવાબ વાળ્યો, "જયા, હું તને મોડેથી ફોન કરું અને રમીલાની ઈચ્છા પણ જણાવું."

જયલતાબહેન બોલ્યાં, "શું થયું?"

વીણાબહેન, "અરે! એવું કાંઈ નથી થયું. આ તો તારો પ્રસ્તાવ સાંભળી થોડી મૂંઝાઈ ગઈ છે. ગમે તે હોય પણ આખરે તો એ વીસ-એકવીસ વર્ષની જ છે. એવી ઘડાયેલ નથી."

ક્રમશઃ

જો આપને આ નવલકથા ગમે તો પાંચ સિતારા અને આપની અમૂલ્ય કોમેન્ટથી તેને જરૂરથી વધાવશો.
🙏🏻