Daughter-in-law in Gujarati Short Stories by ADRIL books and stories PDF | પુત્રવધૂ...

The Author
Featured Books
Categories
Share

પુત્રવધૂ...

 

~~~~~~~~

 પુત્રવધૂ...

~~~~~~~~

ફ્લાઇટ ડિપાર્ટ થાય એ પહેલા એરપોર્ટ ઉપર ની પોતાના બોયફ્રેન્ડ શૈલ સાથેની એ મૂલાકાત સાક્ષીને આજે પણ એવી ને એવી તાજી હતી...   
યુ એસ એ મોકલતા પહેલા શૈલ એને એક વાર સફેદ કૂર્તા માં જોવા માંગતો હતો, એટલે એણે એરપોર્ટ ઉપર એ જ પહેરીને જવાનું વિચાર્યું હતું.. 
સિલ્વર ચેઇન વાળા બ્લેક ક્લચ ને ખભે નાખતા એ ઘરની બહાર નીકળી હતી..એક ટેક્ષી ને ઈશારો કરી શૈલ ને મળવા ઘેર થી રવાના થઇ હતી.. 

કાળા મોતી ની લાંબી સેર અને ઝગારા મારતું સૂર્ય નું પેન્ડલ એની છાતી સુધી પહોંચતું હતું.. 
કાન માં કાળા મોતી ના લટકણ અને હાથમાં કાળા મોતીનું બ્રેસલેટ...  
બે ઇંચ ની હિલ વાળા સેન્ડલ લગભગ શૈલ ના જેટલી ઊંચાઈ દેખાડવા પૂરતા હતા.  પોતાના ખુલ્લા વાળની લટ ને પાતળી આંગળીઓ થી વળ ચઢાવી એણે પાછળ ધકેલી.. અણિયાળી આંખો મેક-અપ વગર પણ માદક લાગતી હતી..શિસ્તબદ્ધ ગોઠવેલા અનાર ના દાણા જેવા એના દાંત એની આછી સ્માઈલ થતાં જ દેખાઈ આવતા... ગુલાબી હોઠ અને નમણું નાક એને એની સુંદરતા નિખારવા માં અપાર મદદ કરતા હતા.અને સૌથી વધારે એના ધડને માથા સાથે જોડતી એની પારેવા જેવી લાંબી ડોક એની લંબાઈમાં ઔર વધારો કરતી હતી.. 
શૈલ ની આંખો સાક્ષીને જોઈને જયારે પહોળી થઇ ગઈ ત્યારે શરમાઈને પોતાના બન્ને હાથ વડે એણે પોતાનો ચહેરો છુપાવ્યો... એના ટ્રાન્સપેરેન્ટ રંગેલા નખ અને એમાં રહેલી ડાબા હાથની મિડલ ફિંગર માં કાળા મોતી ની અંગૂઠી એની પાતળી આંગળીઓને ઔર નિખારી રહ્યા..  

શૈલ પહેલી વાર યુ એસ એ જઈ રહ્યો હતો.. એનું એડમિશન માસ્ટર ભણવા માટે થઇ ગયું હતું.. આ સિવાય એની પાર્ટ ટાઈમ જોબ પણ કન્ફ્રર્મ હતી.. 
હૃદય ને મસળી ને કોઈએ મુઠ્ઠી માં લઇ લીધું હોય એમ એણે શૈલ ને ઇન્ડિયા ની બહાર મોકલ્યો હતો.

શાક્ષી માટે એ જ મહત્વનું હતું કે એક ગુજરાતી છોકરો બાપનો ધમધોકાર બિઝનેસ છોડી ને પોતાને માટે કંઈક કરવાનો હતો, જેને માટે એ એના એક પંજાબી દોસ્ત મનજીતનો સતત આભાર માન્યા કરતી. 

~~~~~~~

ડ્યૂટી ઉપર બેઠેલી એ નર્સ ચિંતાતુર ચહેરા વાળી સાક્ષી ને જોઈને સામેથી ઉભી થઇ ને એની પાસે આવી.. 

"કમ વિથ મી,..." આટલું બોલીને એ નર્સ લિફ્ટ તરફ ચાલવા લાગી,.. 
અને એની પાછળ સાક્ષી પણ દોરાતી રહી.. એને સમજાતું નહોતું કે શું થઇ રહ્યું હતું.. 

એ કઈ કહેવા જાય એ પહેલાં તો નર્સ કોઈ વૃદ્ધ પાસે જઈને ધીરેથી બોલી - "કાકા, તમારી પુત્રવધૂ આવી છે,.. "  

એ અજાણયા દર્દીની આંખ ખુલે એ પહેલાં નર્સે અનેક વખત એ વાક્ય રિપીટ કરવું પડ્યું.

સાક્ષી ને લાગ્યું કે કશુંક ગડબડ લાગે છે જેની એણે સ્પષ્ટતા કરી દેવી જોઈએ 

અસહ્ય દર્દને કારણે પીડાશામક દવાઓને લઈને ઊંડા ઘેનમાં સુતેલા દર્દીએ આંખો ખોલી અને ધૂંધળી દ્રષ્ટિ વચ્ચે એ યુવતી ને જોઈ... 

એમણે અતિશય મહેનત કરીને પોતાનો હાથ લંબાવ્યો.

સાક્ષીને એમની દયા આવી ગઈ એટલે એણે પણ બહુ જ પ્રેમથી પોતાના હાથ વડે એ દુર્બળ હાથને પોતાના હાથમાં લીધો. 
સાક્ષીના એ નાજુક સ્પર્શમાંથી જ એ વૃદ્ધને સધિયારો, હિંમત અને પ્રેમની હૂંફ મળવા લાગી...
આ  દ્રશ્ય જોઈને નર્સની આંખો પણ ભીંજાઈ ગઈ.સાક્ષી બાજુમાં પડેલી એક ખુરશી ઉપર ગોઠવાઈ ગઈ.. 
રાત વિતતી ગઈ... પીળી લાઈટ ના આછા પ્રકાશ વાળા એ વોર્ડમાં સાક્ષી એ દર્દીનો હાથ પોતાના હાથમાં લઈ તેમની સાથે આખી રાત વાતો કરતી રહી... આખી રાત એ દર્દીને હિંમત આપતી રહી ..તેની વાતોમાં, તેના અવાજમાં અને તેના સ્પર્શમાંથી હૂંફ, ઉષ્મા અને પ્રેમની ધારા વહેતી રહી...

 

રાતની શિફ્ટ માં રહેલી એ નર્સ વારે વારે આંટો મારી જતી અને સાક્ષીને થોડી વાર આરામ કરવા માટે કહેતી હતી, પરંતુ સાક્ષી પણ ત્યાંથી હટવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કરતી રહી.. અને હાથમાં હાથ રાખીને ત્યાંજ બેસી રહી... 

નર્સ વારે વારે આ વોર્ડમાં આવતી જતી રહી, રાત્રિ ની અંધકારભરી શાંતિમાં હોસ્પિટલમાં આવતા સાધનોના આવજો, સ્ટાફ ની વાતો, અને દર્દ અને પીડાથી તરફડતા પેશન્ટો, ક્યારેક તો રુદન કરતા નાના બાળકો, અને અન્ય દર્દીઓના આવજો ... કશું જ જાણે સાક્ષી ના કાને પડતું જ નહોતું... નર્સ જોતી હતી કે આ સ્ત્રી,.. વૃદ્ધ દર્દીને સુંદર શબ્દો સંભળાવી રહી છે.

મૃત્યું પથારીએ પડેલા આ વૃદ્ધ અંકલ કશું જ બોલતા નહોતા... સાક્ષીનો હાથ પકડીને આખી રાત ઊંઘું-જાગું થતા રહયા હતા.. 

પરોઢ થયું અને વૃદ્ધ દર્દીએ એમના આખિરી શ્વાસ છોડી દીધા અને સદા માટે આંખો મીંચી દીધી. 

આખી રાત હાથ પકડીને બેઠેલી સાક્ષીએ ધીરેથી પોતાનો હાથ છોડાવ્યોઅને થોડી વાર માં જ એણે દર્દીના મૃત્યુના સમાચાર પણ એ નર્સને આપ્યા.

નર્સે આવીને દર્દી ના મોં ઉપરથી ઓક્સિજન માસ્ક અને હાથ ઉપર ખોસેલી અમુક સિરીંજ કાઢી લીધી.. પછી ધીરેથી એ દર્દીના આંખની બંને પલકો ને બંધ કરીને એક સફેદ ચાદર વડે મૃતદેહને સન્માનપૂર્વક ઢાંકયો.

સાક્ષી દુર અદબપૂર્વક ઉભી ઉભી આ બધું જ જોઈ રહી... 

પછી નર્સ તેની પાસે ગઈ અને સહાનુભૂતિના શબ્દો કહેવા લાગી."આઈ ઍમ સોરી ફોર યોર લોસ..." 
પરંતુ સાક્ષીએ તેને અટકાવીને પૂછ્યું, ‘આ વૃદ્ધ અંકલ કોણ હતા?’નર્સ બે ઘડી સાક્ષીને જોઈ રહી.. અને આશ્ચર્યમાં ડૂબી ગઈ.. .
‘એ તમારા સસરા હતા..’ નર્સે કહ્યું.

"ના એ મારા સસરા નહોતા. મેં ક્યારેય એમને જોયા જ નથી.. મારા તો લગ્ન પણ થયા નથી.. અને હું જિંદગીમાં ક્યારેય આમને મળી જ નથી.. .’ સાક્ષી એ કહ્યું .. 
નર્સ મૂંઝવણમાં હતી. "મેડમ, તમે પહેલા કેમ કહ્યું નહિ... આઈ એમ સોરી.. તમારે આખી રાત... " 

"અરે,.. ના ના... ધેટ્સ ઓલ રાઈટ... ડોન્ટ વરી... " 

"આઈ એમ રિયલી સોરી... "

સાક્ષીએ જવાબ આપ્યો.."તમે મને તેમની પાસે લઈ ગયા તે ક્ષણે જ હું સમજી ગઈ હતી કે આ કાંઈક ભૂલ થઈ રહી છે. પરંતુ મને એ પણ દેખાઈ રહ્યું હતું કે મરણપથારીએ પડેલા આ વૃદ્ધ અંકલ એમના પુત્રવધૂ ની પ્રતીક્ષા કરી રહયા હતા... અને એમની પુત્રવધૂ ત્યાં નહોતી... એટલે હું તો બસ.... .’ સાક્ષી આગળ કઈ બોલી ના શકી... 
નર્સ નિઃશબ્દ હતી.
સાક્ષી એ આગળ કહ્યું, "એમને જોઈને મને એ સમજાઈ ગયું કે હું એમની પુત્રવધૂ છું કે નહિ એ અનુભવવા જેટલી પણ એમની શક્તિ નહોતી .. અને ત્યારે મને લાગ્યું કે એમને મારી જરૂર છે. મને થયું શું ખબર એ એમના દીકરા વહુ સાથે નથી રહેતા કદાચ... અને એટલે જ હું અહીં આખી રાત એમની પાસે બેસી રહી અને પ્રેમાળ શબ્દો બોલતી રહી... હું બસ એટલું જ ઇચ્છતી હતી કે પુત્રવધૂ એ સંભાળ લીધી એવા ભ્રમમાં પણ કદાચ એ સાજા થઇ જાય...  "

નર્સની આંખો ભીની થઇ ગઈ.. એ ગદ્દગદ્દ સ્વરે બોલી "આઈ એમ સોરી અગેઇન મેડમ તમારે આખી રાત આમ બેસી રહેવું પડ્યું,.. ધન્ય છો તમે... જયારે પોતાનું કોઈ સ્વજન બીમાર હોય ત્યારે કોઈ બીજા અને અજાણ્યા વ્યક્તિઓને સહાનુભૂતિ બતાવવાનું જનરલી કોઈને સૂઝતું જ નથી હોતું... હવે કહો... તમે કોને મળવા આવ્યા હતા... ?"  

સાક્ષી પોતાના જે સ્વજન ને જોવા આવી હતી એને યાદ કરતા એની આંખ સામે એનો આખો અતીત ઉભો થઇ ગયો.... 

પોતાના મોબાઈલ માં શૈલ નો નમ્બર જોઈને સાક્ષીએ સીધું જ પૂછ્યું... "હાય, જાન,... કેમ છે તું ? "   

"લિસન,.. મેં મનજીત બોલ રહા હું... " 

"ઓહ્હ,... કેસે હો ?" 

"મેં ઠીક,... તુમ ?" 

"હંમમ,.. મૈં ભી,... શૈલ કહા હૈ ? ક્યુ તુમને કોલ કિયા ? ઔર વો ભી ઉસકે કે ફોન સે ? સબ ઠીક ?" 

"વો સાક્ષી,.. મેં .. બસ... " 

"ક્યાં બાત હૈ મનજીત, કુછ હુઆ હૈ ક્યાં ?" 

સામે થી કોઈ જવાબ ના મળતા સાક્ષી થોડું જોરથી બોલી,"મનજીત, જવાબ દો ભાઈ... બડે ગહેરે રિશ્તે બનાયે હૈ હમ સબ ને... પરિવાર હૈ હમ,... ઔર પરિવાર સે કુછ છુપાતે નહિ...ભાઈ હો તુમ મેરે,.. બતાઓ મુજે...  તુમ દોનો ઠીક તો હો ના ?" 

મનજીત કશું બોલવાને સક્ષમ નહોતો.. પરંતુ એની દબાયેલી સિસકી સાક્ષીને ફોન ના બીજા છેડેથી બરાબર સંભળાતી હતી..    

"સુનો મનજીત, સબ ઠીક હો જાએગા,... ભરોસા રખ્ખો.. ઔર શૈલ કો ફોન દો... " 

"વો નહિ કર સકતા બાત તુમસે,.. સમજતી ક્યૂ નહિ હો,... ચલા ગયા વો હમ સબકો છોડ કર.... દો દીનસે ચક્કર લગા રહા હું ... એક્સિડન્ટ કા કેસ થા... વો પરસો રાત એક ટ્રક ને ઠોક દી ઉસકી ગાડી કો... વો એક્સિડન્ટ મેં .......   "  

સાક્ષીના કાન માં ધાક પડી ગઈ જાણે,.. કશું જ સંભળાતું નહોતું એને.. એના હાથમાંથી ફોન સરકી ને નીચે પડી ગયો... . એ શૂન્ય થઇ ગઈ... આસપાસ ના અવાજો એના કાન થી કોસો દૂર હતા... સ્તબ્ધ થઇ ને એ અનિમેષ એમ જ ઉભી રહી ગઈ... આંખો સામે અંધારા આવવા લાગ્યા.. આખું ભ્રહ્માંડ એને ગોળ ગોળ ફરતું મહેસૂસ થવા લાગ્યું.. એને ચક્કર આવવા લાગ્યા... પોતાનો બચાવ કરતા એણે બાજુમાં પડેલા કાઉચ નો સહારો લઇ ને એ ત્યાંજ ફસડાઈ પડી...  


આજે મનજીતે ફોન ઉપર એવા સમાચાર આપ્યા હતા જે એના માન્યામાં આવતા નહોતા.. શૈલ સાથેની એ એરપોર્ટ ઉપરની મુલાકાત આખિરી મુલાકાત બની રહેશે એવી ક્યાં કોઈને ખબર હતી... ?  

સાક્ષીને તરત જ યાદ આવ્યું... 
છેલ્લા સમાચાર મૂજબ શૈલ ના પિતાજી ને હોસ્પિટલાઇઝડ કરવામાં આવ્યા હતા..સાક્ષીને ખબર હતી - કે - શૈલ ના પિતાજી આવા કોઈ ન્યૂઝ સહન નહિ કરી શકે..એણે આ ન્યૂઝ એમના સુધી પહોંચે એ પહેલા પોતે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ એમ વિચારી લીધું.. આવા નાજુક સમયે પોતાને સભાન થઇ ને જ વર્તવું પડશે એવું એ સારી રીતે સમજતી હતી.. 

એણે પોતાનો નીચે પડેલો મોબાઈલ ઉઠાવ્યો અને એક ચૅટ વિન્ડો ઓપન કરી..થોડા એવા મેસેજ ને પાછળ ની તારીખો માં ફમફોળ્યા બાદ એક હોસ્પિટલ નું એડ્રેસ એને મળી ગયું...બધું જ પડતું મૂકીને એ સીધી હોસ્પિટલે પહોંચી હતી...  

પોતે કશી પુછપરછ કરે એ પહેલા જ એક નર્સ  "કમ વિથ મી,..." આટલું બોલીને લિફ્ટ તરફ ચાલવા લાગી, હતી ... અને પછી તો એક પછી એક જે સંજોગો ઉભા થયા એ મુજબ એ વર્તી રહી હતી... 

એક ક્ષણ માટે સાક્ષી ને ડર લાગ્યો હવે એ શૈલના પિતાજી પાસે પહોંચવા ઉતાવળી થતી હતી... એને એના પિતાજી પાસે ભાગીને પહોંચી જવું હતું.. 

~~~

ભીની આંખો સાથે નર્સે એને ઝંઝોડી ને ફરીથી પૂછ્યું...  "આઈ એમ સોરી અગેઇન મેડમ,... હવે કહો... તમે કોને મળવા આવ્યા હતા... ? હું હમણાં જ લઇ જાઉં તમને તમારા પેશન્ટ પાસે.. "  

હડબડાઈ ને સાક્ષીએ પણ ફટાફટ કહેવા માંડ્યું,... "હા, હા,.. એક્ચ્યુલી, હું અહી મારા બોયફ્રેન્ડના પિતાજી ને મળવા આવી છું...  પૃથ્વીરાજ રાઠોડ.. મારા બોયફ્રેન્ડ ના ફાધર છે .. તેમનો પુત્ર શૈલરાજ રાઠોડ પરમદિવસે જ મૃત્યુ પામ્યો છે.. મારે તેમને એ સમાચાર આપવાના છે,..  મારા બોયફ્રેન્ડના મૃત્યુ ના સમાચાર એમની પાસે પહોંચે એ પહેલા મારે એમની પાસે પહોંચવું જોઈએ ... બસ...’ 

નર્સ ના આશ્ચર્ય નો પાર ના રહ્યો... એ અપલક સાક્ષી ને જોઈ રહી... અંતે તેણે કહ્યું, "મેડમ, તમે આખી રાત જેનો હાથ પકડીને બેઠા હતા અને જેમની સાથે પ્રેમભર્યા શબ્દોમાં આખી રાત સંવાદ કર્યો હતો એ જ હતા પૃથ્વીરાજ રાઠોડ ... પરંતુ એ તો કહેતા હતા કે ગઈ કાલે જ એમણે એમના દીકરા સાથે ફોન ઉપર વાત કરી હતી .. એમના દીકરાએ કહ્યું હતું કે એમના દીકરાને બદલે એમની પુત્રવધૂ આવવાની છે ... એમની સેવા કરવા .... " 

હવે સાક્ષી પણ મૌન હતી... 

 

~~~~~~~ XX ~~~~~~~~