Kanta the Cleaner - 3 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 3

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 3

3.

સવારનાં મૃદુ કિરણો હમણાં જ ખોલેલા પડદામાંથી આવી એ નાના પણ ખૂબ સ્વચ્છ રૂમને ઉજાળી રહ્યાં હતાં. બારીમાંથી પ્રભાતની તાજી હવાની એક લહેરખી આવી.

તેણે ઊંડા શ્વાસ લીધા અને બારીમાંથી નીચે ટ્રાફિક વગરના રસ્તા સામે જોઈ રહી. તેણે દૃષ્ટિ ફેરવી. અત્યંત ગીચ ચાલીમાં એક જૂનાં મકાનમાં તેની રૂમ હતી પણ તે રૂમ અંદરથી એટલી તો સ્વચ્છ હતી કે કોઈ મહેલ નો કક્ષ પણ આટલો સુંદર અને સ્વચ્છ ન લાગે.

તેણે અરીસામાં જોયું. અરીસો પણ એકદમ સ્પોટલેસ ક્લીન. બારીમાંથી આવતું સૂર્ય કિરણ અરીસાની બાજુમાંથી જાણે પેનલ પર બીજો મીની સૂર્ય ઊગ્યો હોય તેમ ચમકી રહ્યું.

તેણે નાનાં રાઈટીંગ ટેબલ પર સ્વચ્છ રંગીન ટેબલ ક્લોથ પાથર્યું અને એક કિટલીમાં ચા ઉકાળી ટેબલ પર કીટલી લઈને આવી.

તે અરીસામાં પોતાની શ્યામ પણ કામણગારી યુવાન ઘાટીલી કાયાને જોઈ રહી.

" મમ્મી, ચાલો, ચા નાસ્તો તૈયાર છે." તેણે કહ્યું અને વૃદ્ધ માતાને હાથ પકડી પોતાની સાથે ટેબલ સુધી લઈ આવી.

" રાતે તો ડ્યુટી કરેલી એટલે અત્યારે તો નિરાંત ને?" મમ્મીએ પૂછ્યું.

" આમ તો નિરાંત હોવી જોઇએ. કોઈ અર્જન્ટ કામ આવે તો ના કહેવાય નહીં." તેણે કહ્યું અને બે કપમાં ચા ગાળવા લાગી. ચા ની સોડમ આખા રૂમમાં પ્રસરી રહી.

" તને ખબર છે મમ્મી, કદાચ મને પ્રમોશન પણ મળશે." તેણે ચા નો સબડકો લેતાં કહ્યું.

" વાહ દીકરી! મને તો ખાતરી જ છે કે તું જ્યાં પણ જઈશ, જે પણ કામ કરીશ, ઝળકી ઉઠીશ." વૃદ્ધ માતા પોતાના ધ્રુજતા હાથે કપ પકડતાં કહી રહી.

તે ચા પીને ઊભી થઈ અને એક નાનું ડસ્ટર લઈ ટેબલ, બે ખુરશીઓ, એક બુક કેસ કમ શોકેસ - બધું ચકાચક લાગે એવું સાફ કર્યું.

એ બધાના કાચમાં કી ટીવી નાં દૃશ્ય જેવું સ્પષ્ટ દેખાતું આખા રૂમનું પ્રતિબિંબ જોતી

પોતે જ મનમાં બોલી " બધું જ એકદમ સરસ લાગે છે. હોય જ ને? કાંતા, તું કોણ? આખરે ટુરિસ્ટ હેવન હોટેલ ની ટ્રેઇન્ડ ક્લીનર!

તે ડોર ખોલી છાપું લઈ આવી અને પોતાની માતાની બાજુમાં બેઠી. છાપું ખોલ્યું. મમ્મી હેડલાઇનો વાંચે તે દરમ્યાન પોતે કાલ રાતના બનાવો મનમાં વાગોળી રહી.

' મોના લોભણી. જ્યાં બોણી વધારે મળે ત્યાં પોતે ડ્યુટી લઈ લે. મને ખબર છે, મારી આજે અત્યારે ડ્યુટી હતી અને તેની કાલે ખાલી સુપરવાઈઝ કરવાની સાંજે. મોટી પાર્ટીઓ સવારે ચેક આઉટ કરે ત્યારે બધી ટીપ ભેગી કરી લેવાનો ઇરાદો. બીજું શું? ગ્રાહકો કામ જોઈને ટીપ આપે છે. મોં..'

તેને તરત થયું કે મોં પોતાનું નાક નકશો ઘાટીલું છે પણ પોતે શામળી છે. તો મોના જાડુડી જ છે ને! ને એનું બધા ગ્રાહકો કે સ્ટાફ સાથે વર્તણુક થોડી તુંડ મિજાજી ખરી.

ઠીક છે. આપણને મળવાનું મળી રહે છે.'

તેનો મોબાઈલ રણક્યો. તેની વિચારધારા એકદમ તૂટી.

ફોનમાં વાત કરતાં તેની આંખો પહોળી થઇ ગઈ.

"યસ સર. આવું છું હમણાં જ." તે એટલું જ બોલી શકી. તેનું ગળું સુકાવા લાગેલું.

" મમ્મી, કોઈ ખાસ કામ આવી ગયું છે. હું જોબ પર જાઉં છું. તું ન થાય તો રોટલી કે કાઈં કરતી નહીં. હું બને એટલી જલ્દી આવીશ." તેણે શ્વાસભેર કહ્યું અને તેઓ બેઠેલાં એ સિવાયના એક માત્ર નાના એવા બેડરૂમ માં જઈ ચેન્જ કરી આવી.

"કાઈં ચિંતા જેવું નથી ને બેટા?" મમ્મીએ પૂછ્યું.

"ખબર નથી. એકાએક બધું શું થઈ રહ્યું છે. મને તાત્કાલિક બોલાવી. મોના મેડમ નો અવાજ પણ ગુસ્સા ભર્યો હતો. અરે, મોટા જનરલ મેનેજર સાહેબ પણ આવી ગયા છે. કાઈંક તો હશે. આપણે તો નીચી મૂંડીએ કામ કરનારાં. " કહેતી તે સેન્ડલ પહેરવા લાગી.

" આપણે તો ક્યારેય ખોટું કરીએ નહીં. આપણને કોઈ મુશ્કેલી નહીં પડે. તું તારે જઈ આવ. હું થાય એટલું પતાવી નાખીશ." કહેતી મમ્મી બેડ નો ટેકો લેતી માંડ ઊઠી.

" તારા પપ્પા ગયા પછી ઘરમાં કામ આમેય ઓછું હોય છે. પહોંચી વળશું. તું નિરાંતે તને બોલાવી છે તો જે કામ હોય તે પતાવી આવ." કહેતાં મમ્મી દરવાજા સુધી આવ્યાં.

તે ફટાફટ દરવાજો ખોલી દોડતી દાદરો ઉતરી જવા લાગી .

તેનું મગજ ચકરાવે ચડ્યું હતું. શું હશે? સવારે સાડા પાંચે તો ઘેર આવી. બે કલાકમાં એવું તે શું બની ગયું હશે કે મોના ગુસ્સામાં આવી બોલાવે છે અને.. ખુદ રાધાક્રિષ્નન સર આવી ગયા છે?

ક્રમશ:.