એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 9)
કીડનેપ્ડ? કાનન ના મગજમાં ઝબકેલા આ વિચારે એ પરસેવે રેબઝેબ થઇ ગઈ.
કાનને પાછળ ફરીને જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.પાછલી સીટ પર દાદીબા બેઠાં હતાં.કાનન તો એટલી હર્ષમાં આવી ગઈ કે ચાલુ કારે પાછલી સીટમાં પહોંચી ગઈ અને દાદીને વળગી પડી.કાર ડ્રાઈવ કરતો મનન આ સુખદ દ્રશ્ય જોઈ મુસ્કુરાતો હતો.
“દાદીબા,તમે અહીં?”કાનન હજુ પણ સુખદ આઘાતમાં જ હતી.
“આજે આપણે બંને ભેગાં છીએ તે માત્ર અને માત્ર દાદીબાને આભારી છે.”મનન ની આ સ્પષ્ટતા એ કાનન વધુ ગૂંચવાઈ.
હવે વાતનો દોર દાદીબા એ સંભાળી લીધો.
“તારા પપ્પાએ તને અને તારી મમ્મીને બહાર નીકળવાની મનાઈ કરી હતી.મને થોડી કરી હતી? મંગળવારે મંદિર જતી વખતે તારા પપ્પાના શબ્દો મારા કાને પડ્યા.એ કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા.”
“જો તારે એક અઠવાડિયું જ તેને સાચવવાની છે,પછી નું બધું હું ગોઠવી લઈશ.”તારા પપ્પાના આટલા શબ્દોએ મારી ઊંઘ હરામ કરી દીધી.હું એટલું તો સમજી ગઈ કે તને ક્યાંક મોકલવાની વાત થઈ રહી હતી.ક્યાં મોકલતો હશે? મેં દિમાગ પર જોર આપ્યું.” દાદીબા અટક્યાં.
“ગોંડલ ની શક્યતા બિલકુલ નહોતી કારણ કે એને ખબર પડી ગઈ હતી કે મનન ગોંડલ નો છે. ભુજ જેટલા નજીકના સ્થળે પણ ન મોકલે.હવે એક જ શક્યતા હતી અને તે વડોદરાની.મને ખબર હતી કે વડોદરામાં એનો એક કાકાનો દીકરો રહેતો હતો.મને એ પણ ખબર હતી કે તારી મમ્મી ઈચ્છશે તો પણ આમાં મદદરૂપ નહીં થઈ શકે.તું મારી પૌત્રી કરતાં દીકરી અને દીકરી કરતાં બહેનપણી વધુ હતી.કેટલીયે વાતોનાં સાક્ષી આપણાં આંસુઓ હતાં.”
“બીજે જ દિવસે દર્શન કરવાનાં બહાને હું નીકળી પડી અને આપણા જાણીતા મેડીકલ સ્ટોરમાં પહોંચી ગઈ.મેં મનન નો સંપર્ક ખૂબ જ જરૂરી છે એવું જણાવ્યું અને મદદ કરવા વિનંતી કરી.એણે તરત જ પોતાના ભુજ ખાતેના હોલસેલ ડીલરને વાત કરી અને આવતી કાલે આ સમયે આ નંબર પર ફોન કરવા જણાવ્યું.” દાદી અટક્યાં.
કાનનને દાદીબાની આ યોજનામાં “ઘરડાં ગાડાં વાળે” એ કહેવત યાદ આવી.
દાદીબા એ વાત આગળ વધારી.
“બીજે દિવસે મનન સાથે વાત કરી આગળ શું થઇ શકે તે વિચારી જોવા કહ્યું અને એ પણ કહ્યું કે તારા માટે કાનન ને મેળવવાની આ છેલ્લી તક છે.આ તક ચૂક્યો તો તારે કાનન ને ભૂલી જવી પડશે.હવેના ફોન તું કાલે આ જ સમયે બાજુના STD PCO પર કરજે.તારી પાસે એનો નંબર પણ છે અને એ આપણે ઓળખે પણ છે.”
“મારું મન હવે સતત તમને ભેગાં કરવાના પ્લાનમાં જ રમતું હતું.બીજે દિવસે ખાતરી કરવા વધુ એક દાવ ખેલી નાખ્યો.સવારે તારા પપ્પા ચા પીતા હતા ત્યારે વાત કાઢી.”
“ધૈર્યકાન્ત, મને લાગે છે કે હું બે દિવસ ભુજ જઈ આવું.શનિવારે સાંજે પાછી આવી જઈશ.આવતા અઠવાડિયે ગોંડલ જવાનો પણ વિચાર છે.”
તારા પપ્પાનાં રીએક્શન મારા ધાર્યા મુજબનાં જ આવ્યાં.
“અરે ચોક્કસ જઈ આવ.અને શનિવારે અહીં આવવાને બદલે ભુજ થી બારોબાર ગોંડલ જતી આવ.રીઝર્વેશન ની વ્યવસ્થા હું કરી દઈશ,ચિંતા ન કરજે.જઈ જ આવ.”
દાદીએ વાત આગળ ચલાવી.
“હવે મને ખાતરી થઇ ગઈ કે આ રવિવારે જ તને ક્યાંક બહારગામ મોકલવાની યોજના ઘડાઈ ગઈ છે.મેં બીજે જ દિવસે મનન ને જાણ કરી દીધી.”
હવે વાતનો દોર મનને આગળ વધાર્યો.
“દાદી શુક્રવારે સવારે ભુજ આવી ગયાં.અમારી વાત થઈ હતી તે મુજબ હું બસ સ્ટેશને પહોંચી ગયો.એમને ઓળખવામાં પણ જરાયે તકલીફ ન પડી.અમે બન્નેએ શેરડી નો રસ પીતાં પીતાં આખી યોજના ઘડી કાઢી.એ યોજના મુજબ દાદી શનિવારે ગોંડલ ની બસ ચૂકી ગયાં,ઈરાદાપૂર્વક ચૂકી ગયાં અને હવે બે દિવસ પછી નીકળશે એવી જાણ પણ ગોંડલ અને માંડવી કરી દીધી.રવિવારે વહેલી સવારે મારા એક મિત્રની કાર લઈને અમે માંડવી આવી ગયાં.દૂરથી જ ઘર પર નજર રાખવા માંડ્યા.એકાદ કલાક નીકળી ગયો.તારા ઘર પાસે કોઈ હીલચાલ ન દેખાઈ.એક પળ એવો પણ વિચાર આવ્યો કે ક્યાંક રાત્રે જ નીકળી નહીં ગયાં હો ને.ચિંતા વધતી જતી હતી જો અમારી ધારણા ખોટી નીકળી તો?આવા અનેક વિચારો બન્ને ને આવતા હતા પણ બન્ને એકબીજાને આશ્વાસન આપીને આશ્વાસન મેળવતાં હતાં.
આખરે એક કાર તમારા ઘર પાસે આવીને ઊભી રહી અને અમારા જીવમાં જીવ આવ્યો.બસ પછી શરૂ થઇ ચોર પોલીસની રમત.અને પછી જે થયું તે તો તારી નજર સામે જ છે.”
કાનન તો દાદી અને મનન નો પ્લાન સાંભળીને આફરીન પોકારી ગઈ.પોતા માટે આ બે જણાએ કેટલું વિચાર્યું હતું,કેટલી તકલીફ વેઠી હતી.
કાનન એકદમ ભાવવિભોર બનીને દાદીના ખોળામાં માથું મૂકીને રડવા લાગી.
માંડ માંડ શાંત થઇ કાનન.
હવે મનને આગળ શું કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.એક હાઇવે હોટલ પરથી પોતાનાં ઘરનાંને આખી પરિસ્થિતિ થી માહિતગાર કર્યાં.બે-ત્રણ દિવસમાં લગ્ન કરવાં પડશે અને તે પણ સાદાઈથી તે પણ સમજાવી દીધું.પોતાનાં ભાભીને કાનન માટે તાત્કાલિક બે એક જોડી કપડાની વ્યવસ્થા કરવાનું પણ કહી દીધું.હવે કાનન તથા દાદીબા ને ત્રણેક દિવસ ક્યાં રાખવાં તેની મથામણ ચાલી.ગોંડલ એટલું મોટું ન હતું કે કોઈ હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાય.ક્યાંક કોઈ શંકા જાય તો કિનારે આવેલી નાવ ડૂબી જાય.
મનને પોતાના એક મિત્રને વિશ્વાસમાં લીધો.બધી જ હકીકત સાચેસાચી જણાવી કાનન તથા તેનાં દાદીબા ને ત્રણેક દિવસ રાખવા મનાવી પણ લીધો.
આમ રસ્તામાં જ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ.
આ તરફ ધૈર્યકાન્ત ગોંડલ પહોંચ્યા.પોતાનાં સાસરા પક્ષના અને અન્ય દરેક કુટુંબીજનો ને ઘરે ફરી વળ્યા.પણ ન કાનન મળી,ન મનન મળ્યો કે ન મળ્યા કોઈ સમાચાર.દાદાજીએ સ્વાભાવિક રીતે પોતાના દીકરાનો જ પક્ષ લીધો.એણે પણ પોતાની પુત્રવધુ ની સંડોવણી ની શંકા વ્યક્ત કરી.પરંતુ હવે સરૂબેન માં પણ જાણે કાનન નો આત્મા પ્રવેશ્યો હોય તેમ મૌન રહેવાનું જ પસંદ કર્યું.
બીજો આખો દિવસ ધૈર્યકાન્ત તેના પિતા સાથે કાનન અને મનન નામના યુવકની તપાસમાં ગાળ્યો પણ કોઈ જ સમાચાર ન મળ્યા.ધૈર્યકાન્તને લાગ્યું કે હવે માંડવી ભેગા થઇ જવામાં જ ડહાપણ છે.એક દિવસ રોકાઈને બીજે દિવસે નીકળી જવાનું નક્કી કર્યું.
અહીં ગેમ પ્લાન મુજબ સવારે ભુજથી આવતી બસના સમયે જ દાદીબા ઘરે પહોચ્યાં.પોતાના દીકરા અને વહુને જોઇને એકદમ આશ્ચર્યમાં પડી ગયાં હોય એવો દેખાવ પણ કર્યો.
“તમારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો મને જાણ કરવી હતી ને હું ટેક્ષી કરીને પહોંચી આવતને?” દાદીબા એ દાદાજીને ઉદેશીને નાટક આગળ વધાર્યું.
ધૈર્યકાન્ત તથા સરૂએ બધી વિગતવાર વાત કરી.કાનન નો પતો નથી એ સાંભળીને તો દાદીબા એ આખું ઘર માથે લીધું.
આખરે કાનન ના લગ્ન થઈ ગયાં.
(ક્રમશ: શુક્રવારે)