Savedna sabhar Pustak parichay in Gujarati Book Reviews by Jagruti Vakil books and stories PDF | સંવેદના સભર પુસ્તક પરિચય

Featured Books
Categories
Share

સંવેદના સભર પુસ્તક પરિચય

સંવેદના સભર પુસ્તક પરિચય

પુસ્તક : સો પૂરાં ને માથે એક

કિમત :રૂ. ૨૪૯/-

પ્રકાશક મહેન્દ્ર પી.શાહ.નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ.(www.navbharatonline.com પરથી ઓનલાઈન પણ મંગાવી શકાય છે. 10% discount )

‘સો પૂરાં ને માથે એક'(માત્ર કથા નહીં વેદના સંવેદના) લેખકશ્રી પ્રફુલ શાહના સંવેદનાસભર હૃદયની અનુભૂતિ કરાવતી નવલકથા–સુરેન્દ્રનગર જિલાના લીંબડીના ચોરણિયા ગામની વિશિષ્ટતા સમાજમાં રજૂ કરે છે.જે ઉતમ પ્રેરણાદાયક બની રહે છે.ચાર દાયકાથી પત્રકાર હોવા સાથે લેખક શ્રી શાહની કલમમાં હૃદયની સંવેદના દર્શાવતી નવલકથા એક વિશિષ્ટ સંવેદનાત્મક સામાજિક ક્રાંતિ જરૂર સર્જશે, એવું કહી શકાય.સમાજના હાલના ઘટનાક્રમને રજૂ કરતો અહેવાલ નવલકથા સ્વરૂપે મૂકીને તેમના જ આદરણીય માતા-પિતાને અર્પણ કરતા લેખક આજની પેઢીને ઉત્તમ ભાથું આપતા જાણે કહે છે કેમાતા પિતા અને વડીલવર્ગ જ્યારે જીવે છે ત્યારે તેમની કદર કરી લો, મૃત્યુ બાદ એમની માત્ર યાદ અને આપણા પક્ષે એમના માટે અફસોસ સિવાય કંઈ રહેશે નહિ!’

પાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તકો આપનાર નામાંકિત લેખક,પત્રકાર,ફિલ્મ વેબ કન્ટેન્ટ લેખક શ્રી પ્રફુલ્લ શાહે રીયલ લાઈફ સ્ટોરી પર આધારિત એક સંવેદનશીલ ક્રાંતિ દર્શાવતી હૃદયસ્પર્શી નવલકથા ‘સો માથે ને પૂરા એક’એ માતા પિતાને માટે આદર સન્માન ધરાવતા સહુ માટે અનિવાર્ય વાંચન કહી શકાય. વર્ષ 2006માં આ ગામમાં એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કે જો કોઈ દીકરો પોતાના વૃદ્ધ માં બાપને તરછોડશે, તો તેને ગામની બહાર મૂકી સામાજિક બહિષ્કાર કરવો.એ વિષે લેખક કહે છેકે ચોરણિયાને આદર્શ ગામ બનાવવાની પહેલના સમાચાર વાંચતાવેત હૃદયને સ્પર્શી ગયા. કેવો અદભૂત વિચાર?અલબત્ત,આવું પગલું વિચારવું કે કરવું પડે એ શરમજનક ગણાય,છતાં વડીલોને હિજરાવા કે હીબકા ભરવા દેવા એના કરતા એમને વળતી કમરે સ્વાવલંબનની સોટીથી ટટ્ટાર ઉભા રાખવાનો વિચાર જ અપ્રતિમ લાગ્યો. આ વિચારને આધાર રાખી કાલ્પનિક વાર્તા અને ફિલ્મની પટકથા તૈયાર કરી છે.

આખા નવલકથાના પાત્રો જાણે સામે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોઈએ એવી રીતે જકડી રાખે છે. ખાસ નંદિતા ભાર્ગવ અને તેનો દોસ્ત રેમો વાર્તા ને સુંદર રીતે પકડમાં રાખે છે તો મુખ્યપાત્ર એવા ચોરણિયા ગામના - કડવી કાકી તરીકે જાણીતા પણ દિલમાં મીઠી માનવતાથી ભરપૂર એવા સુધાબેન તેમની વિશિષ્ટ શૈલી અને ખાસ તો તેમના વિચારો દ્વારા આપણને ઉત્તમ પ્રેરણા આપે છે તેમના માટે બોલાયેલા શબ્દો કે "તેઓ ઇન્ટરવ્યૂ નહીં આપે, કારણકે તેઓ કામ કરવામાં માને છે."તે આજના સમાજમાં કામ ઓછું અને દેખાડો વધુ કરતા લોકો માટે ઉતમ સમજ કેળવવાની શીખ આપી જાય છે.ગામના ખેડૂતો માટે વિશિષ્ટ અને લોભામણી ઓફર આવવા છતાં મોટા ભાગના ખેડૂતો જ્યારે કહે કે સુધાબેન કહે એ કરવાનું આ બાબત આ વ્યક્તિ વિશેષ માટે ખરા અર્થમાં ગામના લોકોનો વિશ્વાસ અર્થાત્ ઉત્તમ નેતા કેવા હોવા જોઈએ તે પ્રસંગ સુંદર રીતે દર્શાવે છે. ચોરણિયા ગામની નવલકથામાં અદકેરા બે પાત્ર નંદિતા અને તેનો દોસ્ત રેમો આખી વાર્તાનો પ્રવાહ જાળવી રાખે છે. નંદિતાની દીકરી રીશિતા નંદિતાની સાવકી માને લીધે પોતાનાથી દૂર થાય છે એવું એ માને છે.હકીકતમાં માતા પિતા માટેની ફિલ્મની પટકથા લેવા આવેલ પાત્રના પોતાના જીવનમાં માતા તરીકે જે ટ્રેજેડી છે,એને સુંદર રીતે દર્શાવવામાં આવી છે.

"માના ધાવણને લજવતા અને બાપના વહાલની ભૂંડી મજાક કરતા, સંસ્કારનો ઉપહાસ કરનાર દીકરાને ગામમાં પગ ના મૂકવા દેવો અને એવા સંતાનને માતા પિતાએ ત્યજી દેવાનો અધિકાર છે."આખી નવલકથામાં ઉતમ ડાયલોગ કહી શકાય તો એ આ સુધાબેન પોતાના દીકરા માટે બોલે છે તે છે. સરપંચ તરીકે ગામમાં પોતે બનાવેલા નિયમને પોતાના જ દીકરા પર જ્યારે લાગુ પાડવાનો વખત આવે છે ત્યારે જરા પણ અચકાયા વગર, માની સંવેદના/હૃદયને બાજુમાં મૂકીને પોતાના દીકરાને ગામ બહાર ત્યજી દેવામાં કોઈ હિચકિચાટ અનુભવતા નથી.એ આ આખી વાર્તામાં કેન્દ્ર સ્થાને બાબત કહી શકાય.તો મગનભાઈ અને સવિતાના પાત્ર દ્વારા પુત્ર વિરહની અતિ કરુણ બાબત સંવેદનાસભર રીતે આલેખી છે. ગામના અનેક પ્રસંગો આલેખતા આખી વાર્તાના રસાળ પ્રવાહમાં વાચકોને વધુની વધુ સંવેદનાસભર બનાવે છે.અંતમાં એક નવીન વળાંક જે આ નવલકથાનું શિરમોર સમ પાસું કહી શકાય.

નવલકથાના તમામ પાત્રો એક એક ઉત્તમ સંદેશ દઈ જાય છે અને એ જાણવા સમજવા માટે નવલકથા તો વાંચવી જ રહી,પણ વાંચ્યા પછી તેને જીવનમાં ઉતારી,સમાજમાં કોઈ એકાદ પણ સાચા અર્થમાં પનોતા પુત્ર થવાના મંડાણ થાય તો પ્રફુલ્લ સમાજનું જરૂર નિર્માણ થાય એમ કહી શકાય.

મીડિયા અને ટેકનોલોજીના જમાનામાં તાલ મિલાવતા અને ખાસ "ઘણામાં થોડુંક" કરતા દોડતા હાંફતા આપણે સહુએ ઘડીક થંભીને મનોમંથન કરવાની જરૂર છે. આ નવલકથા દ્વારા 'થોડામાં ઘણું'સમજીએ એ જ આખી વાર્તાને સાર્થકતા.