બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે અને પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે, જેના પર સત્વરે કાબૂ પામવો જ રહ્યો. 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળ મજૂર કે બાળશ્રમિક કહેવાય છે. યુનિસેફના અહેવાલ મુજબ, "સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે.”
ભારતીય અર્થતંત્રમાં બધાં જ ક્ષેત્રોમાં બાળ મજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેમકે હોટલો - ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્રમાં, જોખમી વ્યવસાયોમાં જેવા કે કટાકડાના વ્યવસાયમાં કે ઈંટોના ભઠ્ઠામાં, કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યોમાં ખેત મજૂર, પશુ-પાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં જોવા મળે છે અને સેવાક્ષેત્રે ઘરનોકર, ચાના લારી-ગલ્લાઓ, હોટલો કે ઢાબાઓમાં, ગેરેજોમાં, લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા જેવાં કાર્યોમાં, ભીખ માંગતા, કે રસ્તા પર સાફ-સફાઈના કામો કરતાં જોવા મળે છે.
બાળ મજૂરી માટેનાં કારણો ઉપરોક્ત ક્ષેત્રોમાં બાળમજૂરોની સ્થિતિ અત્યંત દયાજનક છે. આ સ્થિતિ જ બાળ અપરાધીને જન્મ આપતું એક જવાબદાર કારણ છે. બાળમજૂરી મજબૂરીયશ કરવા પાછળનાં કારણો ઘણાં છે. જેમકે, ગરીબી, માતા-પિતાની નિરક્ષરતા, કુટુંબનું મોટું કદ, કૌટુંબિક જરૂરિયાતોને પહોંચી વળવા કુટુંબની આવકમાં બાળમજુરી કરીને આવક વધારવાના પ્રયાસ રૂપે, કુટુંબના પુખ્ત સભ્યોની બેકારી, પરેથી ભાગીને શહેરમાં વસતાં બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા આજીવિકા મેળવવા, અનાથ કે નિરાધાર બાળકો, કે તેમનાં સગાં-સંબંધીઓ દ્વારા કે આશ્રય આપનારાઓ દ્વારા અપાતા આશ્રય, ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક બાળમજૂરીની ફરજ પાડવામાં આવે છે.
બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં હોવાનાં કારણો
ઘણાં ઉદ્યોગોમાં માલિકો કે કામે રાખનાર શેઠિયાઓ પોતાને ત્યાં પુખ્તવયના શ્રમિકો કરતાં ભાળશ્રમિકોને રોજગારી રાખવાનું વધુ પસંદ કરે છે. નીચેનાં વિવિધ કારણોસર બાળશ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં જોવા મળી છે.
(1) બાળ શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે. પુખ્ત વયનાં શ્રમિકો કરતાં બાળશ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વૈતને કે ઓછી મજૂરી-પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે.
(2) તેઓ અસંગઠિત હોય, સંગઠનના અભાવે માલિકો વિરુદ્ધ તેઓ અવાજ ઉઠાવી શકતાં નથી કે વિરોધ પ્રદર્શિત કરી શક્તાં નથી તેથી બાળશ્રમિકોનું સરળતાથી તેને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે.
(3) કઠીન કે જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને અને નિર્ધારિત કામના કલાકોથી વધુ કામ ડરાવી, ધમકાવીને કે લાલચ આપીને કામ કરાવી શકાય છે.
(4) બાળશ્રમિકોની સંખ્યા વધુ છે તેથી ખૂબ જ પ્રમાણમાં અને સરળતાથી તેઓ મળી રહે છે.
(5) બાળકો ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતોની પૂર્તિ કરવા, કમાવવાના વધુ બે હાથ રૂપે માતાપિતા બાળકોને જુએ છે અને બાળ મજૂરીએ ધકેલે છે.
આમ બાળકો નાની ઉંમરમાં રમત-ગમત, મનોરંજન, આરામ, બાળપણ, માતા-પિતાના પ્રેમ, હૂંક, સાર સંભાળ અને શિક્ષણથી વંચિત રહી જાય છે. તેમાના કેટલાક કૂમળી વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને બાળ ગુનેગાર બને છે.
બાળમજૂરી અટકાવવાના ઉપાયો
બાળમજૂરી કે, બાળશોષણ કે અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરી છે જે નીચે મુજબ છે :
(અ) 14 વર્ષથી ઓછી વયના બાળકને કોઈ કારખાનામાં કે કોઈપણ કામ-ધંધામાં કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાશે નહિ. આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. (બ) બાળપણમાં કે કિશોરાવસ્થામાં તેનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહિ. (ક) બંધારણનો અમલ શરૂ થયાના 10 (દશ) વર્ષમાં 14 વર્ષની ઉંમર સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે. જોકે આ સંદર્ભે કેન્દ્ર અને રાજય સરકારોએ 6 થી 14 વર્ષની વર્ષજૂથનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો - 2009 અમલમાં મૂક્યો છે.