'
પ્રકરણ ૧૨ : પરિવાર
નિતુને ફરીથી ઓફિસના કામમાં લાગવાનું હતું. સવાર પડ્યું અને આજે ઓફિસની રજા પુરી થઈ. પણ આજે આપડી નિતુને રોજ કરતાં થોડી નિરાંત હતી. રોજે ઓફિસ અને ઘરનું કામ જાતે કરવાવાળી નિતુનો હાથ બટાવા આજે તેનો પરિવાર તેની સાથે હતો. જાગતાની સાથે તે નીચે આવી અને જોયું તો કિચનમાં લાઈટ ચાલુ હતી. તે અંદર જઈને જુએ તો તેની મા શારદા તેના માટે સવારનો નાસ્તો તૈય્યાર કરતી હતી. તે પાછળથી જઈને સીધી તેની માને જકડી અને પોતાનું માથું તેના ખભા પર રાખી ઉભી રહી.
"જાગી ગઈ નિતુ?" શારદાએ તેને પૂછ્યું.
"જાગવું તો પડેજ ને! ઓફિસ જવાનું છે. કાશ જલ્દીથી રવિવાર આવે."
"લે કેમ? તારે વળી આ આઇતવારનું હુ કામ છે?"
"જોને, મારી મમ્મી એટલા સમયે મારી પાસે આવી છે પણ હું મનભરીને એની સાથે નથી રહી શકતી. કાલે અગિયાર વાગ્યે તો તમે અહીં પહોંચ્યા અને બપોર પછીનો સમય બધો સામાન ગોઠવવામાં ચાલ્યો ગયો. થયું સાંજે શાંતિથી મારા પરિવારને મળીશ. પણ નાનકીને જોવા માટે મહેમાન આવી ગયા. મને તો મારી પ્યારી મમ્મી સાથે સમય જ ના મળ્યો."
"એમ?"
"હા..."
"બૌ થયું, આ તારી વાતું પછી કરજે. જા જઈને નાય લે. મોડું થાહે."
તે પોતાની માને ગાલ પર ચુંબન કરતા ફરી ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ. થોડીવાર થઈ કે ડોરબેલ વાગ્યો. બાજુમાં ખાટલો ઢાળીને ધીરુકાકા સુતેલા. આમ તો એની ટેવ સવારમાં વહેલા ઉઠવાની છે. પણ એ ત્યારે જયારે પોતાના ગામમાં હોય. આજે તે વહેલા જાગી ગયેલા પણ ઉભા થઈને કરશે શું? એમ સમજી તે જાગતી આંખે ખાટલામાં પડેલા. ડોરબેલ સાંભળી ધીરુકાકા ઉભા થયા અને જોયું તો દૂધવાળો દૂધ લઈને આવેલો. તેણે સાદ કર્યો; "અરે ભાભી, આ દૂધ આઈવું છે. જરા લઈ લેજો." કહી તે પાછા પોતાના ખાટલે બેઠા.
શારદાએ આવીને દૂધ લઈ લીધું અને દરવાજો બંધ કર્યો. તે અંદર પહોંચી કે ફરી ડોરબેલ વાગી. ફરી ધીરુકાકા ઉભા થયા અને જોયું તો દરવાજે કોઈ ન્હોતું. તે વિચારમાં પડી ગયા: "કમાલ છે! આંય કોઈ આઈવું નથી તો બેલ કોણ વગાડી ગયું?"
એટલામાં છગનકાકાના ઘર તરફથી સાયકલ લઈને પાછો ફરતો ન્યુઝ પેપરવાળો બોલ્યો; "સીતારામ કાકા"
"સીતારામ... સીતારામ ભાઈ."
"કાકા પેપર નાખ્યું છે, લઈ લેજો." કહી તેણે કાકાના પગ તરફ આંગળીનો ઈશારો કર્યો. તેણે નીચે પડેલું પેપર જોયું અને તેને પૂછવા લાગ્યા: "આ બેલ તે વગાડેલી અલ્યા?"
"હા કાકા, તમારું પેપર લઈ લેજો."
"હા ઠીક છે ઠીક છે ભાઈ! મને તો એમ કે કોણ અત્યારમાં વગાડીને જતું રિયુ હશે." કહેતા ન્યુઝ પેપર લઇને તે દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા. ખાટલા પર બેસીને પેપર ખોલ્યું અને પહેલી હેડલાઈન્સ વાંચી રહ્યા હતા કે ફરી ડોરબેલ વાગી.
"એલા ભારે કરી! આ ખોટું બારણું વાસ્યુ." કહેતા દરવાજો ખોલ્યો. સામે એક પેકેટ લઈને હરેશ ઉભેલો.
"લે હરિયા તું? આ હવાર હવારમાં આંયાં?"
હરેશ તે પેકેટ આપતા બોલ્યો; "ગુડ મોર્નિંગ કાકા. હું સવારમાં કરિયાણાવાળાને ત્યાં ગયો તો મમ્મીએ કહ્યું કે તમારે માટે લેતો આવું."
"હુ છે આમાં?" કાકાએ પેકેટ હાથમાં લેતા પૂછ્યું.
"આમાં ખાંડ છે કાકા."
"લે...! તે તમારું ખાંડ પકરણ હજુ હાલે છે?"
"શું છે કે નિતુ ગઈ કાલની બે વાર આવી ગયેલી ખાંડ માટે. એટલે મમ્મીને થયું કે તમે બધા હજુ આવ્યા જ છો એટલે બહાર જવાનો સમય નહિ રહ્યો હોય. હું સવારમાં જતો હતો તો મમ્મીએ કહ્યું કે ભેગા ભેગ તમારે માટેય લેતો આવું."
"હા બૌ હારુ કામ કર્યું તે હો..."
"હા અને બીજું હજી એક કામ બાકી છે."
"હુ બાકી છે?"
"નિતુએ કાલે કહ્યું કે કૃતિને બહાર જવાનું છે. તો હું જ્યારે જાઉં ત્યારે તેને લેતો જાઉં."
"એવું? પણ મને કાંય નથી કીધું. હમણાં નિતુ નીચે આવે એટલે હું એના જોડે વાત કરી લઈશ હા!"
"ઠીક છે કાકા, આવજો." કહેતો તે ચાલ્યો ગયો અને ફરી દરવાજો બંધ કરવા ગયા કે તેના મનમાં વિચાર આવ્યો, "આ વળી કો'ક આવશે તો પાછી આ ખોલ બંધની રામાયણ થાહે. એના કરતા ઉઘાડું જ રે'વા દે." કરી તે ખાંડ અંદર મૂકી પાછા આવીને પેપર વાંચવા લાગ્યા. થોડીવારમાં નિતુ નીચે આવી અને ચા નાસ્તો કરી, મમ્મી અને કાકાને પગે લાગી આશીર્વાદ લઈને ઓફિસ માટે નીકળી ગઈ.
તેની પાસેથી બધું જાણી શારદા ઘરને જેમ તેમ કરી સંભાળવા લાગી. તે કે ધીરુકાકા બેમાંથી કોઈ પણ આજ સુધી શહેરમાં નહોતા રહેલા. છતાં પોતાની મન હોંશિયારીથી શારદા આજુ-બાજુના લોકો સાથે વાતો કરી ઓળખાણ વધારવા લાગી. બહાર જઈને શેરીમાં સાવરણી લગાવતા, તેની ગામડાની તળપદી ભાષા અને દેશી વ્યવહાર હોવા છતાં બધા સાથે સંબંધ સાધવા લાગી. સવારના આગિયાર વાગવા આવેલા. કૃતિએ સાગરને મળવા જવાનું હતું. તે પણ પોતાની ઢબે તૈય્યાર થઈ. જીન્સ અને ડંગરી પહેરી તે બહાર આવી તો શારદા તેને જોતા બોલી; "હાય હાય કૃતિ! તું આવું પેરીને જાઈશ?"
"એમાં કશો વાંધો નથી મમ્મી. તને નહિ સમજાય. આવા કપડાં સુરત જેવા સિટીમાં કોમન છે."
"પણ બેટા આ... "
તેની વાતને વચ્ચે અટકાવતા ધીરુકાકા ડચકારો કરી બોલ્યા; "ભાભી..., એને જવા દ્યો. એમાં વાંધો નહિ."
"ઠીક તારે, જા બીજું શું? ને હાચવીને પાછી આવજે."
"હા મમ્મી" કહેતી તે સાગરને મળવા માટે નીકળી ગઈ. તે બહાર નીકળી કે હરેશ પોતાની ગાડીમાં તેની રાહે બેઠેલો. તે દરવાજો ખોલતા તેની બાજુમાં બેઠી અને દરવાજે ઉભા રહી કાકા અને શારદા તેને જતા જોઈ રહ્યા. ગાડીમાં બંને એમ બેઠેલા જાણે એકબીજાને ઓળખાતા જ નથી કે નથી તો એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા. પરંતુ હરેશ ચુપચાપ બેસી શકે તેમ ન્હોતું. તેણે કૃતિ સાથે વાત શરુ કરવા પૂછ્યું; "કઈ જગ્યાએ જવાનું છે?"
"તમને જાણ નથી?" આજે કૃતિ સવારથી ચિડિયું વર્તન કરતી હતી. જેની સાથે બોલે તેને ગુસ્સાથી અને તોછડાઈ ભરેલા શબ્દો સંભળાવતી.
"ના." જાણ હોવા છતાં હરેશે કહ્યું.
"અચ્છા, મને થયું દીદીએ તમને બધી જાણ કરી હશે."
"મને ખાલી એટલું કહ્યું કે હું જાઉં ત્યારે તને સાથે લેતો જાઉં."
"હમ. તમે રોજે આવા ટાઈમે જ જાઓ છો?"
"હા, મારો ટાઈમ ફિક્સ છે. સવારે આગિયાર વાગ્યે ઘેરથી નીકળવાનું અને છ વાગ્યે પાછું ઘેર પહોંચી જવાનું."
"ઓહ... તોયે તમારી જેમ્સની ઓફિસ ચાલે છે?"
"હા, હું શેઠ છુંને. ખાલી હિસાબ કિતાબ જ જોવાનો. કામ તો કારીગર કરે."
"આળસુ" તે મનમાં બોલી અને તેને કહેવા લાગી; "સાગરે કહ્યું છે કે સરદાર માર્કેટ પાસે કોઈ આઈસ્ક્રીમ પાર્લર છે. તે ત્યાં મને મળશે."
"અચ્છા."
હરેશ તેને પાર્લરના ગેટ પાસે ઉતારી ચાલતો થયો. તેના ગયાને તુરંત બાદ કૃતિ અંદર ગઈ અને સાગર એક ટેબલ પર બેઠેલો. તેણે ઉભા થઈને કૃતિને "હાય" કહ્યું. તે તેને "હાય" નો રીપ્લાય આપી તેની સાથે ટેબલ પર બેઠી. એક વેઈટર ઓર્ડર લેવા માટે આવ્યો અને સાગરે બન્ને માટે જ્યુસ મંગાવ્યું.
"કેમ છે?" કહેતા તેણે કૃતિના સમાચાર પૂછ્યા.
"કાલે હતું એવું આજે છે."
"સોરી, એક્ચ્યુલી મારે તને રિસિવ કરવા આવવું જોઈએ પણ હું ના આવી શક્યો. અચાનક મારો ડિલિવરી વાળો આવી ગયો અને મારે જવું પડ્યું."
"કઈ વાંધો નહિ. હું મોટી છું, મારી જાતે આવી શકું એમ છું."
સાગર તેના આ વર્તનને સમજી શકે એમ ન્હોતો. તેણે પોતાની વાત આગળ વધારવાનું ચાલુ રાખ્યું.
"મને લાગ્યું કે કાલે જે રીતે આપણી વાત થઈ તમે ના કહેશો. પણ તમે બીજી વખત મુલાકાતનો નિર્ણય લીધો."
"ઘરનો ફોર્સ હતો એટલે થયું કે એકવાર મળીને ના કહું."
"તમે તમારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો."
"મનમાં અમુક સવાલ છે. મારે તમારા વિશે એ બધું જાણવું છે."
"હા ચોક્કસ. પૂછો શું જાણવું છે તમારે? "
"આપણી વાત થયા છતાં તમે કાલે તમારા પપ્પા સામે કંઈ કેમ ના બોલ્યા?"
સાગરે કહ્યું; "હું નાનપણથી મારા પપ્પાના દરેક આદેશને જ માનતો આવ્યો છું. એમણે જેમ કહ્યું અમે એમ જ કર્યું."
"પણ કાલે સમય એ નહોતો કે તમે તમારા પપ્પાનું માનો."
"હા હું જાણું છું. હું પણ તેઓની વાતને દર વખતે માન્ય નથી ગણતો. કાલે તમે શરબત થઈને આવ્યા એ પહેલા જ મેં એને ના કહી હતી પણ તેઓએ મારી વાત ના સાંભળી અને જાતે જ હા કહી દીધેલી."
થોડું હસતા કૃતિએ એને સવાલ કર્યો; "જો તમે આટલી વાત અંકલ સામે ના કહી શકો અને અંકલ તમારું ના સાંભળી, પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરી નાખે. તો હું વિશ્વાસ કઈ રીતે કરું? કાલે સવારે આપણા લગ્ન થાય અને મારી કોઈ ઈચ્છા પ્રમાણે મારે કંઈ કરવું હોય તો? શું એ મને કરવા દેશે?"
"હા. ચોક્કસ. કારણ કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આપડે પહેલા સામેના માણસને ઓળખી લેવો જોઈએ. ઘણીવાર મોટાની વાતો ખોટી હોઈ શકે પણ દર વખતે તો નહિ ને? ભલે મારા પપ્પા પોતાની મરજી પ્રમાણે ઘર ચલાવે છે. તમે ક્યારેય મારા ઘરની વાત નથી સાંભળી. તેઓ કોઈ પણ નિર્ણય સર્વસંમતિથી જ લે છે. તમને ખબર છે? કાલે જ્યારે અમે ઘરથી નીકળ્યા ત્યારે તેઓએ નક્કી કરેલું કે જો છોકરી સારી હશે તો હું રૂપ ના જોઉં. તમને જોતાંની સાથે જ એ સમજી ગયા કે તમારા ગુણ અને સંસ્કાર કેવા છે. એટલે જ એણે મારા નિર્ણયને નકારી પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો."
"તમારા પપ્પાનો સ્વભાવ નક્કી જ મારી મમ્મી જેવો હશે. મારે જોઈએ કે મારો હસબન્ડ મારા ઘરના દરેક લોકોની દિલથી રિસ્પેક્ટ કરે."
"એનો નિર્ણય તો તમારે જાતે લેવો પડશે કે હું એમાંથી છું કે નહિ? મારી સ્પષ્ટતા કોઈ કામની નથી."
"તમે કપડાંની દુકાન ચાલવો છો, તો શું વિચારો છો? શું આ કામ યોગ્ય છે કે મારી જેવી સ્ત્રી સાથે તમે લગ્ન કરો? શું તમે મારા વિચારોને અને મારા ખર્ચને પહોંચી શકશો?"
"કેમ નહિ? હું મારી પોતાની જાત પર એટલો વિશ્વાસ તો રાખું જ છું કે કોઈ પણ કામ કરી મારુ અને મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું. પછી કામ ભલેને કોઈ પણ હોય. બાકી વાત જો ભણતરની હોય તો એ પણ તમારે જ નક્કી કરવાનું છે કે શું કરવું?"
વિચાર કરતા કૃતિ બોલી; "મેં કાલે તમને એમ કહ્યું કે મારે મારા સરીખુ જોઈએ. પણ હરેશ આવી ગયો એટલે એ ના પુછાયું કે તમે શું વિચારો છો."
સાગરે પોતાની જાતને શાંત કરી અને ધીરજતાથી તેને કહ્યું; "જો હું એક વાત કહું તો તમને ખોટું નહિ લાગે ને?"
"નહિ લાગે, બોલો."
"હકીકતમાં તમને ડર એ વાતનો નથી લાગતો કે હું તમારી કરતા ઓછું ભણેલો છું. પણ તમને ડર એ વાતનો છે કે લોકો શું વિચારશે? ક્યારેક જો બહાર જવા આવવાનું થાય, તમારા કોલેજના કે તમારી સાથે રહેનારા શું કહેશે? કોઈ પ્રસંગમાં કે પાર્ટીમાં જઈશું તો લોકોની સામે કેવી હાલત થશે? એમ જ છેને?"
" તમને લાગે છે કે કોઈ ઓછું ભણેલો છોકરો વધારે ભણેલી છોકરીને અને એના વિચારોને સમજી શકે એમ છે? જો એ કંઈક કામ કરે અને એ છોકરો ના સમજી શકે તો? તેના કરતા જો કોઈ સરખો હોય તો એને કહેવું ના પડે, એ જાતે જ સમજી જાય. ડોક્ટર હોય તો એ ડોક્ટર સાથે જ લગ્ન કરે અને વકીલએ વકીલ સાથે. જે જેવું છે તેને તેવું જ ફાવે છે."
"જો વધારે ભણેલી છોકરી માટે ઓછું ભણેલો છોકરો ના ચાલે તો એક વાત કહો કે શું વધારે ભણેલા છોકરા માટે ઓછું ભણેલી છોકરી ચાલશે?"
"ના, આ બંને તો સરખું જ થયું ને?" કૃતિએ પૂછ્યું.
"એ જ તો વિચારવાનું છે. જો બંને સરખું થયું તો આજ કાલના બાપ પોતાની દીકરી માટે ભણેલો અને સરકારી નોકરીવાળો જમાઈ શું કામ શોધે છે?"
સાગરના આ પ્રશ્નનો જવાબ કૃતિ પાસે નહોતો. તેણે કહ્યું; "કોઈ બાપ પોતાની દીકરીને રખડુ સાથે તો ના જ પરણાવેને?"
સાગરે કહ્યું; "સાચું છે. પણ વાત રખડુની નથી. સમાજ એને માન્યતા આપે છે કે વધારે ભણેલા પુરુષ માટે ઓછી ભણેલી સ્ત્રી ચાલે અને એ પણ ક્યારેક કોઈ જગ્યાએ જાય ત્યારે ઉપરાણું લે છે કે પોતાનો પતિ આટલો લાયક અને કુશળ છે. તો શું સમાજ એ વાતને માન્યતા ના આપી શકે કે આવું ઉપરાણું કોઈ પુરુષ લે? શું કોઈ પ્રસંગમાં કે પાર્ટીમાં જઈને કોઈ ઓછું ભણેલો પુરુષ પોતાની માસ્ટર ડીગ્રીવાળી પત્ની પર ગર્વ ના કરી શકે? વિચારો કે કોઈ ડોકટરે ઓછું ભણેલી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય અને તેઓ કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે તે સ્ત્રી શું વિચારે? એ તો એ વાત પર જ ગર્વ કરશે કે મારો પતિ સમાજમા આટલો પૂજાય છે. તો શું કોઈ પુરુષ આ વાત પર ગર્વ ના કરી શકે કે પોતાની પત્ની આટલી કુશળ છે?"
"તમારે મારા વિશે કશું જાણવાનું છે?"
"ના" સાગર બોલ્યો.
કૃતિના મનમાં કોઈ સવાલ બાકી ના રહ્યો. તે પોતાનું પર્સ લઈને ઉભી થઈ અને બોલી; "કાલે જ્યારે મેં તમને તમારા પપ્પા સામે કશું ના બોલતા જોયા ત્યારે થયું કે થોડું ચકાસી લઉં. શરૂમાં મેં જે રીતે વાત કરી એ એનો જ ભાગ હતી. જો તમને ખોટું લાગ્યું હોય તો એ બદલ સોરી કહું છું." કહી તે ચાલવા લાગી.
"એક મિનિટ, હું તમને મુકવા આવું છું."
"ના એની જરૂર નથી. હું પહોંચી જઈશ." કહી તે ચાલતી થઈ.
બહાર નીકળી તેણે આજુ બાજુ નજર કરી અને કઈ બાજુથી ઘર તરફ જવાનું એ જોવા લાગી. એટલામાં સાગર આવ્યો અને કહ્યું; "તમે આ શહેરમાં નવા છો. રસ્તાઓની જાણ નહિ હોય. મારી સાથે આવો, હું તમને તમારા ઘર સુધી મૂકી દઈશ."
તે પોતાની બાઈક લઈને આવ્યો અને કૃતિ તેની સાથે ઘર તરફ ચાલી. આખે રસ્તે ના કૃતિ કશું બોલી કે ના સાગર. કૃતિના મનમાં સાગરની વાત ઘર કરી ગયેલી અને તે તેની કરેલી વાતોને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરતી રહી. ઘર આવ્યું એટલે તે ઉતરી અને સાગર તેને બાય કહી પોતાના કામ પર જતો રહ્યો. પણ જતી વખતે જે કૃતિ ઘરની બહાર નીકળેલી એ જ્યારે પાછી આવેલી ત્યારે સાગરના વિચારો લઈને આવેલી. તેના મનમાં ચાલતી માંગણીમાં અનેરું પરિવર્તન આવી ગયેલું અને તે એ વિચારોમાં ખોવાઈ ગયેલી.