એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 8)
“તો તમે પણ સાંભળી લો પપ્પા,હું લગ્ન કરીશ તો મનન સાથે નહીંતર કુંવારી બેસી રહીશ.”આટલું બોલી કાનન સડસડાટ રૂમમાંથી ચાલી ગઈ.
બીજા દિવસથી કાનન પરનાં નિયંત્રણો ચાલુ થઇ ગયાં.દાદી અને સરૂબેન પણ અસહાયતા અનુભવતાં હતાં.દાદાજી હમણાં ગોંડલ હતા.
પછીના રવિવારે સવારે ધૈર્યકાન્ત વહેલા ઉઠી ગયા.એક ગાડી આવી.ધૈર્યકાન્તે હુકમ છોડ્યો.
“માં દીકરી અડધા કલાકમાં તૈયાર થઇ જાઓ.આપણે બહાર જઈએ છીએ.એકાદ અઠવાડિયાંનાં કપડાં સાથે લઇ લેજો.અને હા,કોઈ સવાલ નહીં,કોઈ જ સવાલ નહીં જોઈએ.”
દાદી એક સંબંધીને ત્યાં ભુજ ગયાં હતા એટલે એમના વિરોધનો સામનો કરવો પડે તેમ પણ ન હતો.
કાર લઇ આવેલા ડ્રાઈવર ને રજા આપી ધૈર્યકાન્તે સ્ટીયરીંગ સંભાળ્યું. સરૂબેન એમની પાછળની સીટ પર બેઠાં અને શરૂ થઇ એક અજાણ્યા સ્થળ તરફ જવાની યાત્રા.
સરૂબેન મનોમન મુંઝારો અનુભવતાં હતાં.પોતાનાં સાસુની ખોટ પણ ખૂબ જ સાલતી હતી.એને એક પળ એવું પણ લાગ્યું કે પોતાનાં સાસુ પણ આ પ્લાનમાં ભળેલાં નહીં હોય ને?ફફડતા હોઠ કોઈ મંત્રોચ્ચાર ની ચાડી ખાતા હતા.
કાનન ચૂપ હતી.સ્વસ્થ પણ હતી.જો કે આટલું જલ્દી ક્યાંક જવાનું થશે એની કલ્પના તો એને પણ ન હતી.જો કે વાંચન અને મનનના સાથે માનસિક રીતે ઘણી મજબૂત બનાવી હતી.કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા મન ને મક્કમ કરી રહી હતી.મનન નો સંપર્ક કેમ કરવો એની ગડમથલમાં થોડી હતી ખરી પણ પોતાની ઈચ્છા વિરુધ્ધ કોઈ ફરજ નહીં પાડી શકે એ બાબતમાં પણ મક્કમ હતી.જરૂર પડ્યે પોલીસ વિભાગની મદદ લેવાનો પ્લાન પણ વિચારી લીધો.
હમણાં તો કારની આરામદાયક મુસાફરી માણી લેવી એવું નક્કી કરીને બારીની બહાર નું કુદરતી વાતાવરણ માણવા લાગી.
કારમાં સ્મશાનવત શાંતિ પ્રવર્તતી હતી.કાર કચ્છ બહાર જતી હતી તે વસ્તુ તો સમજાઈ ગઈ હતી. ધૈર્યકાન્તે વાયા ભુજ લેવાને બદલે મુન્દ્રા થઇ વાયા ગાંધીધામ નો રસ્તો પસંદ કર્યો હતો.
લગભગ ચારેક કલાકના સળંગ ડ્રાઈવીંગ પછી ધૈર્યકાન્તને, અને કારને પણ, હવે આરામની જરૂર વર્તાતી હતી.હવે તેઓ કચ્છ જીલ્લાની હદની બહાર હતાં.એક સારી હોટેલ જોઈ કાર ઉભી રાખી.
ધૈર્યકાન્તે ઊતરતાં પહેલાં સૂચના આપી.”પહેલાં હું વોશરુમ જઈ આવું.પછી જ તમારે બન્ને એ ઉતરવાનું છે.અને પછી તરત કારમાં બેસી જાજો.ચા નાસ્તો હું અહીં જ લઇ આવીશ.”
“પણ મારા પગ અકડાઈ ગયા છે,બે મિનીટ છુટા તો કરવા પડશે ને. નહીંતર ચાલી પણ નહીં શકાય.”ધૈર્યકાન્તે કાનન સામે જોયું.કાનને આંખના ઇશારાથી જ ધરપત આપી દીધી.
સરૂબેન માંડ માંડ નીચે ઉતર્યા.ધૈર્ય કાન્તે બૂમ પાડી.”દરવાજો બંધ કરી દે.”
સરૂબેને કારનો દરવાજો બંધ કર્યો. ધૈર્યકાન્તની કારની બાજુમાં ઓચિંતી એક કાર રીવર્સમાં ધસી આવી.આવેલી કારનો આગળનો દરવાજો ખૂલ્યો.કાનન બેઠી હતી તે બાજુનો દરવાજો નોક થયો.મનને ઈશારો કર્યો.કાનન દરવાજો ખોલીને મનનની કારની આગલી સીટમાં કે જેનો દરવાજો મનને ખોલી રાખ્યો હતો તેમાં બેસી ગઈ. મનને કાનન જે કારમાં આવેલી હતી તેનો દરવાજો બંધ કરવાનો સમય પણ ન આપ્યો અને કાર મારી મૂકી.બધું પળવારમાં જ બની ગયું.
ધૈર્યકાન્તે આવીને કહ્યું “હવે માં-દીકરી જઈ આવો અને ખોટા સિક્કાની જેમ પાછાં આવો.”
સરૂબેને કાનન ને બોલાવવા દરવાજો ખોલ્યો. અને જે જોયું તે જોઇને દંગ જ રહી ગયાં.કાનન ની સાઇડનો દરવાજો ખુલ્લો હતો અને કાનન ન હતી.સરૂબેનના પગ તો ધરતી સાથે જ જડાઈ ગયા.
“જઈ આવો ઝડપથી.પહોંચવામાં મોડું થશે.” ધૈર્યકાન્ત ના શબ્દો પૂરા થાય તે પહેલાં સરૂબેન ના મોઢાંમાંથી શબ્દો ફાટી પડ્યા.“કાનન ગઈ.”
ધૈર્યકાન્ત ને લાગ્યું કે સરૂએ જ પોતાની દીકરીને ભગાડી દીધી છે એટલે સમજ્યા વિના જ પત્નીના ગાલ પર થપ્પડ ઝીંકી દીધી.
કાનન ના જવાથી અને પતિની થપ્પડથી એમ બેવડા આઘાતથી સરૂબેન ને ચક્કર આવતાં ત્યાં જ ઢળી પડ્યાં.આજુબાજુથી લોકો દોડી આવ્યાં.કોઈએ બોટલ માંથી પાણી કાઢીને છાંટ્યું.
ધૈર્યકાન્તને લાગ્યું કે બહુ સમય નથી થયો એટલે કાનન ક્યાંક નજીકમાં જ હશે.તેણે પત્નીની ચિંતા કરવાને બદલે દોટ જ મૂકી.પાર્ક થયેલ દરેક વાહન વચ્ચેની જગ્યા ચેક કરવા લાગ્યા.હોટેલમાં પણ ધસી ગયા.ફેમિલી રૂમ ચેક કર્યો અને વગર વિચાર્યે હોટલના કિચનમાં પણ ધસી ગયા.પણ કાનન ક્યાંય ના મળી.
આ બાજુ મનને કાર દોડાવી દીધી.કાનન ને હવે મમ્મીની ચિંતા પેઠી.પપ્પા નો સ્વભાવ જાણતી કાનને મનન ને કહ્યું.
“મનન,હું સલામત છું એવી જાણ મમ્મીને કોઈ રીતે કરી શકાય?”
મનનને પણ કાનનની ચિંતા વાજબી લાગી.મનને કાર પાછી લીધી.હોટેલથી દૂર ઊભી રાખી.એણે અને કાનને જોયું કે ધૈર્યકાન્ત શોધવા માટે દોડાદોડી કરી રહ્યા હતા.મનને જોખમ લીધું.ઝડપથી કાર કાનન ની કારની નજીક લીધી.સરૂબેન પણ બારી ખુલી રાખી કાનન ને શોધી રહ્યાં હતાં.કાનને બારી ખોલી એટલું જ કહ્યું “મમ્મી ચિંતા ન કરજે.હું સલામત છું.”
મનને કાર મારી મૂકી.
હવે ધૈર્યકાન્ત ને લાગ્યું કે કાનન ખરેખર છેતરી ગઈ છે.એણે હોટલના કાઉન્ટર પર જઈ નજીકનાં પોલીસ સ્ટેશન નો નંબર લીધો.નંબર ઘુમાવ્યો.સામે છેડે ફોન ઉપડતાં જ વાત શરુ કરી.
“સાહેબ,મારી દીકરીનું હાઇવે હોટલ પરથી હમણાં જ અપહરણ થયું છે.મારી વિનંતી છે કે આપ ઝડપી તપાસ ચાલુ કરો તો મળી જશે.”
“જુઓ સાહેબ,આ નાનકડું પોલીસ સ્ટેશન છે.તમારે વિગતો લખાવવા અહીં રૂબરૂ આવવું પડશે.અમે પૂરતી વિગતો વિના તપાસ કેમ કરી શકીએ?”આટલું કહી પોલીસ ઈન્સ્પેક્ટરે ફોન કટ કરી દીધો.
હવે પોલીસ સ્ટેશન જવા સિવાય છૂટકો જ ન હતો.
ધૈર્યકાન્તે કાર પોલીસ સ્ટેશન તરફ લીધી.
“તમે કહો એના સોગંદ ખાઈને કહું છું કાનન ને ભગાડવામાં મારો કોઈ હાથ નથી.તમારી જેમ હું પણ અજાણ જ હતી.”સરૂબેને સ્પષ્ટતા કરી.
પોતાના પતિની થપ્પડ થી એનો અહમ ઘવાયો હતો.કાનન સલામત છે અને મનન સાથે ભાગી ગઈ છે એ વાત છુપાવી થપ્પડનું વેર બરાબરનું લઇ લીધું.
પોલીસ સ્ટેશન જઈ ધૈર્યકાન્તે પોતાની ઓળખાણ આપી કાનન ની ડીટેઇલ આપવા માંડી.
પોલીસે પૂછપરછ શરૂ કરી.”ક્યાંથી જતાં હતા?ક્યાં જતાં હતા?”
“માંડવી થી વડોદરા જતાં હતાં” ધૈર્યકાન્તે માહિતી આપી.
વડોદરા જતાં હતાં તે સાંભળી સરૂબેન ના કાન ચમક્યા.તેનાથી પોતાના પતિ સામે આશ્ચર્ય નજરે જોવાઈ ગયું.પોલીસની ચકોર નજરે આ વસ્તુ ચડી ગઈ.એણે ધૈર્યકાન્ત ને વચ્ચેથી જ અટકાવ્યા અને કડક અવાજે પૂછ્યું.
“સાહેબ,આપની દીકરી પુખ્ત ઉંમરની છે? કંઈક પ્રેમ બ્રેમનું ચક્કર તો નથી ને?”
ઈન્સ્પેક્ટરને હવે શંકા ગઈ.એણે કરડી નજરે સરૂબેન સામે જોઈને પૂછ્યું. “જો બેન,સાચેસાચું કહી દેજો.આવા કિસ્સામાં અમે સમય બરબાદ કરીને છોકરા છોકરીને પકડી ને હાજર કરીએ છીએ ત્યારે તે પરણી ગયાં હોવાથી અમે કશું કરી શકતા નથી.”
“પ્રેમ તો નહીં,સાદી મિત્રતા હતી,કોલેજમાં સાથ ભણતાં હોય તેવી.”સરૂબેન જવાબ આપવામાં થોથવાઈ ગયાં.ઈન્સ્પેક્ટરે ડીટેઇલ લખવાની બંધ કરી.
“પહેલાં તમે તમારા કુટુંબમાં,જે છોકરા સાથે એની મિત્રતા હતી ત્યાં તપાસ કરો અને પછી જ ફરિયાદ નોંધાવો.ખોટી ફરિયાદો માટે અમારી પાસે ટાઇમ નથી.”
સરૂબેન હવે સ્વસ્થ અને સ્પષ્ટ પણ થઇ ગયાં હતા.ધૈર્યકાન્તે કાર ગોંડલ ના રસ્તે લીધી.
મનને પણ ગોંડલનો રસ્તો પકડ્યો હતો પણ થોડો અલગ. કદાચ ને કાનન ના પપ્પા નો રસ્તામાં ભેટો થઇ જાય તો?
કાનન થોડી સ્વસ્થ થઈ ત્યાં જ એણે અનુભવ્યું કે કોઈએ પોતાના ખભા પર હાથ મૂક્યો છે.કાનન થડકી ગઈ.ખાતરી કરવા એકવાર તો મનન સામે પણ જોવાઈ ગયું કે આ મનન જ છે ને.પરંતુ મનન હજી પણ આખું ઓપરેશન ગોઠવાયું અને જે રીતે પાર પડ્યું એને કારણે થોડો અસ્વસ્થ હતો.કાનન ને એવો વિચાર પણ આવી ગયો કે આ ધમાલમાં કોઈ પાછલી સીટમાં ચડી તો નથી બેઠું ને.
કીડનેપ્ડ? કાનન ના મગજમાં ઝબકેલા આ વિચારે એ પરસેવે રેબઝેબ થઇ ગઈ.
(ક્રમશ:બુધવારે)