નારણ અને સતિષ દોલતને બોલતો સાંભળી રહેલાં મધુસરનો ફોન હતો. નારણે કહ્યું "મધુસર" ? તું શું બકે છે ?મધુ તારો સર ક્યાંથી થઇ ગયો ? તને ભાન પડે છે ? તારે એનો સાથ ક્યારથી થયો ? એતો આપણો દુશમન છે...”
દોલતે હસતાં હસતાં કહ્યું “એ દુશમન ખરો પણ આપણો નહીં વિજય બોસનો... પેલાં બામણ શંકરનાથનો...”
સતિષે કહ્યું “આપણો દુશમન નથી તો તમે આટલાં ડરી કોનાથી રહેલાં ? શા માટે પાણી પાણી અને સાવ સિયાળીયા થઇ ગયેલાં ?” દોલત ગાળામાં થુંક ગળી ગયો અને બોલ્યો “કંઈ નહીં કંઈ નહીં... એતો શીપની વાત તમને તો ખબર છે કે મધુસર શોખીન છે મેં આટલું એક કામ એમને સોંપેલું છે એનું વળતર માંગે ને...”
નારણે કહ્યું “આપણું કામ ? શું કામ ? શેનું વળતર ? કેવું વળતર ? આમ ગોળ ગોળ વાત ના કર સીધું બક...” દોલતે કહ્યું “નારણ સર મારે ના ફેમિલી છે ના છોકરાં છૈયા મારાં માટે તો જે છે એ સતીશ ... ભાઈ ગણું કે ભાઈબંધ એનાં માટે મેં કામ સોંપેલું...”
નારણે કહ્યું “સતિષ માટે મધુને શું કામ ?” દોલત બોલ્યો “સર વિજય સરની શીપ જે દમણ લાંગરેલી છે બીજી બે પોરબંદર છે બે મુંબઈ બધો વહીવટ હવે વહેંચવો પડશે સતિશને દરિયાનો રાજા નથી બનાવવો ? કામ સોંપીને ભૂલી જાવ છો ગમે ત્યારે વિજય સરની સામે બાંયો ચઢાવવી નહીં પડે ? હવે સમય પણ પાકી ગયો છે.”
“સર તમે સમજો... વિજય સરને એકની એક દિકરી છે... દીકરો નથી... પેલા બામણનો છોકરો એમનાં ઘરે છે વધુમાં ભાણીયો આવી ગયો. બધે વિજય સર એમનાં છોકરાં ગોઠવી દેશે... સતિષનો પછી કોણ ભાવ પૂછશે ? તમે વિચાર્યું છે ?”
નારણે કહ્યું "દોલત તું બરોબર સમયસર આવ્યો છું પણ તારે આવતાં પહેલાં ખબર કરવાની હતી જાણ કરી હોત તો...” દોલતે કહ્યું “મધુસરે ના પાડેલી સીધાં અહીં પહોંચવા કીધેલું કે તું સીધો નારણનાં ઘરેજ પહોંચી જા...”
દોલત આ બોલતાં તો બોલી ગયો પછી લાગ્યું કે મેં કાચું કાપ્યું ... એટલે ફેરવી તોળતા બોલ્યો... “સર એટલે કે એમણે તમને તરત મળવાં કીધેલું વિજય સર કોઈ મોટો વહીવટ ગોઠવે પહેલાં...”
નારણ ઓકે કહી થોડીવાર વિચારમાં પડી ગયો. બોલ્યો મેં મનોમન બધું નક્કી કરી રાખ્યું છે... એ... એ આગળ બોલે પહેલાં મંજુબેન માયા સાથે ત્યાં રૂમમાં આવ્યાં “લો તમારી દીકરીને સમજાવો સોરી કહો ખુબ ખરાબ લાગ્યું છે એને અને તમે શું નક્કી કરી રાખ્યું છે ?”
નારણે સતિષ સામે જોયું અને બોલ્યો “બેટા તું અને માયા હમણાં ઉપર જાઓ. મારે અગત્યની વાત કરવી છે. માયા દીકરી સોરી બેટા... પછી તારી સાથે વાત કરું છું તારાં પાપા કાયમ તારાં સારાં માટેજ વિચારે છે ટોકે છે જાવ દીકરા ઉપર જાવ. મંજુ તું બેસ...”
સતિષ ઉભો થયો. માયા નારણ પાસે આવી વળગીને ઇટ્સ ઓકે બોલી ઉપર જતી રહી... નારણે બંન્ને છોકરાનાં ગયાં પછી કીધું “દોલત મેં બધું વિચારીને નક્કી કરેલુંજ છે. જો વિજયની દીકરી છે... મારે એક દીકરી છે દીકરો છે. વિજયે એનાં ભાણાને ધંધામાં ઠેકાણે પાડવાજ બોલાવ્યો છે. રહ્યો પેલો બામણનો છોકરો કલરવ... એ છોકરો ખુબ હુંશિયાર અને હિંમતવાન છે વળી ઉચ્ચકુળનો છે.”
“વિજય એને તૈયાર કરશેજ મોટી જવાબદારી એને સોંપશેજ એમાં શંકા નથી એને શંકરનાથ માટે ખુબ માન છે એવું માને છે કે શંકરનાથનો એનાં પર ખુબ ઉપકાર છે એનાં ધંધાની શરૂઆતમાં શંકરનાથનો આડકરતરો ખુબ સપોર્ટ મળેલો છે. “
પછી મંજુબેન સામે જોઈને બોલ્યો "મંજુ આપણી માયાનો સંબંધ કલરવ સાથે કરી નાખીએ... અને સતિષનો સંબંધ વિજયની છોકરી કાવ્યા સાથે ગોઠવાઈ જાય તો કેવું ? આમેય વર્ષોથી અમે ભાગીદાર છીએ વિજયની બધીજ મિલ્કત આપણાં હાથમાં આવી જાય ઉપરથી માયાને સારું કુળ અને છોકરો મળી જાય... મંજુ બોલ કેવો છે વિચાર ?”
મંજુબેને કહ્યું “વાહ વિચાર સરસ છે આવું સાચું પડે તો કંઈ વિચારવાનું જ ના રહે પણ વિજયભાઈ સતિષને સ્વીકારશે ? પેલો છોકરો માયાને પસંદ કરશે ?આ બધું વિચારોમાં સરસ લાગે છે પણ... શક્ય છે ?”
નારણે કહ્યું “હું બધું વિચારીને ચક્રવ્યૂહ ગોઠવી દઈશ શામ, દામ, દંડ, ભેદ બધાનો ઉપયોગ કરીશ...” ત્યાં દોલત વચમાં બોલ્યો "પણ સર તમે જે સંબંધનાં ચોકઠાં ગોઠવ્યાં છે એ અરસપરસ બદલાઈ ના જાય કંઈક નડતર આવી ગયું તો ? “
નારણે કહ્યું “એવું કશું ના થાય તો તું પછી શું કામનો ? પેલાં મધુનો ઉપયોગ તો કરવો પડશેને ? એમનેમ એને ખીર ખાવા મળશે ?”
દોલત સાંભળીને વિચારમાં પડી ગયો... આ "ખીર " બોલે છે એ "ખીર " મધુ ટંડેલ કોને ગણે છે એ એને ખબર નથી પછી દાઢમાં બોલ્યો.... “સર તમારાં ગણિત તમે સારાં ગોઠવ્યાં છે એ પ્રમાણે અમલમાં મુકો... બીજી શીપની વાત અત્યારે અસંગત લાગે છે તમે દમણ આવો ત્યારે વાત કરીશું... હવે હું રજા લઉં... બપોર સુધીમાં દમણ અને સાંજે શીપ પર... તમે બધું ગોઠવીને દમણ આવો ત્યાંજ વાત કરીશું...”
આમ કહીને દોલત ઉભો થઇ ગયો... ગાડીની ચાવી ઘુમાવતો બંગલાની બહાર નીકળ્યો. બહાર પાર્ક કરેલી ગાડીમાં બેઠો ત્યાં બાલ્કનીમાં ઉભેલી માયા તરફ નજર ગઈ એણે હોઠ પર જીભ ફેરવીને બબડ્યો... માયા... તારી માયા...લાગી... છેક અંદર સુધી આગ લાગી... અને ગાડી સ્ટાર્ટ કરી...
નારણ દોલતને જતો જોઈ રહ્યો અને તરતજ મોબાઈલ કાઢી નંબર ડાયલ કર્યો અને....
વધુ આવતા અંકે - પ્રકરણ 70