Ansar - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | અણસાર - સમીક્ષા

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

અણસાર - સમીક્ષા

પુસ્તકનું નામ:- અણસાર

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

વર્ષા અડાલજાનો જન્મ: ૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યકાર છે. એમણે વાર્તાલેખન તેમજ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. વર્ષા અડાલજાએ ૧૯૭૩-૭૬ દરમિયાન સ્ત્રી સાપ્તાહિક સુધાના તંત્રી તરીકે સાહિત્ય કારકિર્દી શરૂ કરી હતી. પછીથી તેઓ ૧૯૮૯-૯૦ દરમિયાન ગુજરાતી ફેમિનાના તંત્રી રહ્યા હતા. ૧૯૭૮થી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલા છે. તેમણે કુષ્ઠ રોગીઓની વસાહત, જેલ જીવન અને આદિવાસીઓ સાથે કામ કર્યું છે.

શ્રાવણ તારાં સરવડાં, આતશ, ગાંઠ છૂટયાની વેળા, બંદીવાન, માટીનું ઘર, અણસાર, મૃત્યુદંડ, શગ રે શકોરું, પગલું માંડું હું અવકાશમાં, પ્રથમ પગલું માંડ્યું, ક્રોસરોડ વગેરે નવલકથાઓ, તિમિરના પડછાયા, એક પળની પરખ, પાંચ ને એક પાંચ, મારે પણ એક ઘર હોય, રેતપંખી, અવાજનો આકાર, છેવટનું છેવટ, નીલિમા મૃત્યુ પામી છે, પાછાં ફરતા, ખરી પડેલો ટહુકો, પગલાં વગેરે તેમની લઘુ નવલકથાઓ છે.‌ એ, સાંજને ઉંબર, એંધાણી, 

બિલીપત્રનું ચોથું પાન, ગાંઠે બાંધ્યું આકાશ, 

અનુરાધા, કોઈ વાર થાય કે, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. આ છે કારાગાર, મંદોદરી, તિરાડ, શહીદ, 

વાસંતી કોયલ વગેરે તેમના નાટ્યસંગ્રહો છે. 

તેમને અણસાર નવલકથા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૯૫) પ્રાપ્ત થયો છે.

સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬),

ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ (૧૯૭૨, ૧૯૭૫), ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦), કનૈયાલાલ મુનશી એવોર્ડ (૧૯૯૭), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૫), નંદશંકર મહેતા ચંદ્રક, સરોજ પાઠક સન્માન તથા ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ તેમણે પ્રાપ્ત કર્યા છે.

 

પુસ્તક વિશેષ:- 

પુસ્તકનું નામ : અણસાર

લેખક : વર્ષા અડાલજા 

પ્રકાશક : આર. આર. શેઠની કંપની 

કિંમત : 300 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 296

 

બાહ્ય મૂલ્યાંકન:-

મુખપૃષ્ઠ પર સૂકું ભઠ્ઠ વૃક્ષ છે જે કથાસૂચક સૂચક છે. બેક કવર પર વિવિધ લેખકોએ આ નવલકથા માટે લખેલી કમેન્ટ્સ છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

અણસાર એ એક સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા છે જેમાં તેમણે સમાજમાંથી તિરસ્કૃત રક્તપિત્તના રોગથી પીડાતા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. સેંકડો દાયકાઓથી માત્ર સમાજ જ નહીં પરંતુ સ્વજનો થકી પણ થઈ રહેલી રક્ત પિત્તના રોગીઓની ઉપેક્ષા એ આ નવલકથાનો મુખ્ય આધાર છે. રૂપાનું પાત્ર નવલકથાના કેન્દ્રમાં છે. એને કુષ્ઠરોગનું નિદાન થતાં જ કુટુંબની નજરમાં તે ઉપેક્ષિત બની જાય છે. ખુદ એનો પતિ પણ એની પત્નીની ધરાર ઉપેક્ષા પોતાના જ પરિવારજનો કરી રહ્યા હોવા છતાં લાચારી અનુભવે છે, પણ એની મમ્મીનો સતત આગ્રહ રૂપાને રક્તપિત્તરોગની હૉસ્પિટલમાં મૂકી આવવા માટેનો છે.

લેખિકાને પણ રૂપા હૉસ્પિટલમાં જાય એ ઇષ્ટ ઘટના છે. એ રીતે રૂપાએ રોગના અન્ય દર્દીઓ સાથે સંપર્કમાં મુકાય, ડૉક્ટરો, નર્સોનું તથા રોગીને લોકલાજે પણ મળવા આવનારાં કુટુંબીજનોનું વલણ, વર્તન તાગવાનો મોકો મળે – એવું સર્જકનું આયોજન છે. રોગીઓના ચિત્તમાં ચાલતા અજંપા, એમનો માનસિક ઉન્માદ, એમની ઘોર હતાશા – એ સર્વનો સુરેખ ચિતાર રૂપાના પાત્રને કેન્દ્રમાં રાખીને લેખકે કર્યો હોય તેમ જણાય છે. 

 

શીર્ષક:- 

સ્વયંની વેદનાનો સ્વજનો કે સમાજને અણસાર આવતાં જ તે કેવી રીતે પોતાનો રસ્તો સાફ કરી પીડિતને વધુ પીડા તરફ ધકેલે છે એ આ કથાનો મુખ્ય સૂર છે. તેથી 'અણસાર' શીર્ષક સર્વથા યોગ્ય જણાય છે. 

 

પાત્રરચના:-

આ વાર્તાનું જો કોઇ સબળ પાત્ર હોય તો તે  અનૂપ છે,તે ટેકીલું સશકત પાત્ર છે. કદાચ તે ઘર છોડી ગયો ન હોત તો વર્ષાબહેનને રૂપા મળત નહી. માનેલી મૃત ભાભીના પુત્રને પાંખમાં લઇ હુંફ આપી ભાભી પ્રત્યેનું એક ઋુણ ચુકવે છે. આ વાર્તાનું નબળું પાત્ર એટલે રૂપાનો પતિ શૈલેષ. તે નબળો નહીં પણ નપુસંક નિવડયો,પત્નીને ચાહતો એક ડરપોક પતિ. ઉપરાંત ઝુબેદા, કાંતા, મીરાં, ગોવિંદ, શેઠાણી વગેરે પાત્રો વાર્તાને સતત ધબકતી રાખે છે.

 

સંવાદો/વર્ણન:-

અણસારના અણમોલ સંવાદો:-

 

"શું માત્ર જન્મ લેવાથી માણસ માણસ બની જાય છે! એણે માનવતાના કોઈ કૃત્ય દ્રારા માણસાઈ સિદ્ધ પણ કરવી પડે છે. માત્ર માણસ બની રહેવું કેવડી મોટી વાત હતી."

"સાવિત્રી, દરેકની પાસે આપવા જેવું કશુંક તો હોય જ છે. અને જે આપે છે તે પામે છે."

"આ દુનિયામાં સૌથી વધુ અસહાયતા ક્યારે લાગે છે જાણે છે તું સાવિત્રી ? તમારી નજર સામે જ એક માણસ ધીમે ધીમે મૃત્યુ ભણી હડસેલાતો હોય અને તમે જોઈ રહેવા સિવાય કશું જ ન કરી શકો ? કેટકેટલાં લોકોને સંચામાં પિલાતી શેરડીની જેમ પિલાતાં, મરતાં જોયા છે! પણ ના, હવે એવું નહીં થાય."

"મોતના જે ઓળાની નીચે સૌ સતત જીવે છે, એને થોડી વાર પણ ભૂલી શકાય તો કેવું સારું."

"સાવિત્રી ! પૈસાનું દાન દેનારા તો ઘણા લોકો હોય છે. હૃદય અને આત્માનું દાન આપી શકે એવા વિરલા બહુ ઓછા હોય છે. તારા જીવનનો તારે ખપ નથી. એ જીવન બીજાને અર્પણ કરી દે. વસાહત ઊભી તો કરીએ છીએ; એને માટે ઘસાઈ જાય એવા માણસોની જરૂર પડશે ને."

"રાતનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, પણ સૂર્ય ઊગતાં જ ઉજાસ ફેલાઈ જાય છે."

"ઈશ્વર તો છે જ કુસુમ. આ આકાશ, પૃથ્વી, સાગર, પર્વતો ચમકતા તારા, બળબળતો સૂર્ય, રૂપેરી ચંદ્ર, એ તો તું જુએ છે ને ? એ સર્જનહાર છે. મનુષ્ય પણ એનું સર્જન છે."

"મનુષ્ય પણ પોતાનાં સુખદુઃખને ખેલ કે લીલા ગણવા લાગે તો બેડો પાર થઈ જાય."

"કાંડે બાંધેલી નાની સરખી ઘડિયાળ કેવડા મોટા માણસને દિવસભર દોડાવતી રહે છે ! આખું વિશ્વ- એકએક સેકંડનો હિસાબ આપવા ઉપરતળે થઈ જાય છે. એક ક્ષણ માટે યુદ્ધોની હારજીત થઈ જાય છે. ભલભલા રમતવીરોની જિંદગી બની જાય છે, કે સમગ્ર કારકિર્દીમાંથી ફેંકાઈ જાય છે. આખું વિશ્વ ત્રાજવાના એક પલ્લામાં, બીજા પલ્લામાં સમય, સમગ્ર બ્રહ્માંડ પલ-વિપલ પર આંખ માંડીને બેઠું હોય છે."

"કોઈનુંય હાસ્ય, આંસુ, વિચારો, જખમ, પીડા, કુદરતી ક્રિયાઓ કશું જ છુપાવી શકાતું નથી. બધાં એકમેક સાથે સતત ભટકાય છે ને તણખા ઊડે છે. ઘડી ઘડીમાં ગાળો, ઝઘડા, ફરી ઘડીમાં પ્રેમ, સહાનુભૂતિ."

 

લેખનશૈલી:-

લેખિકાની શૈલી સાવ સાદી, સરળ છતાં રસાળ અને હૃદય સોંસરવી ઉતરી જાય તેવી છે. વાચકને પહેલેથી અંત સુધી જકડી રાખે તેવી છે. આલંકારિક ભાષાનો પ્રયોગ તત્વચિંતનની વાતોમાં વિશેષ જોવા મળે છે. લેખિકાની ભાષાકીય સુસજજતા આંખે ઉડીને વળગે એવી છે. લાંબા વર્ણનોમાં પડયા વિના 'સીધી બાત.. નો બકવાસ' ટેકનીક ફળીભૂત છે. જરૂર પૂરતાં વર્ણનો, કથનો અને સંવાદો  કથાને રોચક અને રોમાંચક બનાવે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

ઉપર્યુક્ત નવલકથામાં તેમણે ખાસ તો એ મુદ્દા પર ભાર મૂક્યો છે કે આજકાલથી નહિ, સેંકડો દાયકાઓથી સમગ્ર વિશ્વમાં રક્તપિત્તના દર્દીઓની નરાતાળ ઉપેક્ષા થઈ રહી છે. એની સતત ઘૃણા જ થતી રહી છે. સમાજ તો તેની ઉપેક્ષા કરે, પણ ખુદ નિકટનાં સ્વજનો પણ તેના પ્રત્યે તિરસ્કૃત વર્તન રાખતાં હોય છે.

સામાજિક ચેતનાને હચમચાવીને જાગ્રત કરવા માટે નવલકથાનો વિષય સર્વથા ઉચિત છે. વર્ષાબહેને રક્તપિત્તના વિષયને આત્મસાત્ કરવા, એના વિશે ઊંડી જાણકારી પ્રાપ્ત કરવા અને ખાસ તો રક્તપિત્તથી ગ્રસ્ત થયેલાં સ્ત્રીપુરુષોની કારમી, દયાપાત્ર સ્થિતિ સમજવા તેમણે એવા માનવીઓની વચમાં જઈને વાસ કર્યો હતો. તેમના પ્રત્યે અપાર અનુકંપા દાખવી, તેમની વેદનામાં સહભાગી થઈને તેમની વેદનાની વાત સાંભળી હતી. એ રીતે આ લેખિકાનો પ્રયાસ નારાયણ દેસાઈએ કહ્યું છે તેમ એક સાધના બની રહ્યો છે. ઘટનાઓના નિરૂપણમાં સચ્ચાઈનો અંશ પ્રતીત થાય છે. ઘટનાઓ હૃદયસ્પર્શી છે. ઘટના કે પાત્રના વર્ણનમાં પણ સર્જકની ક્ષમતા જણાઈ આવે છે.

તેમ છતાં આ નવલકથાના સર્જક જાણે પ્રયોજનને વશ વર્તીને ઘટનાઓ આલેખતા હોય, પાત્રો પણ એમનાં પ્રયોજનને અનુરૂપ થઈને ગતિ કરતાં હોય એવો અનુભવ થાય છે.

લેખિકાએ કથાને અંતે રૂપાને હિંમતભેર પોતાની રુગ્ણ મનોદશામાંથી બહાર આવી સેવાકાર્યમાં પ્રવૃત્ત થતી દર્શાવીને કુષ્ઠરોગના દર્દી માટે આશાવાદ પ્રગટાવ્યો છે.

 

મુખવાસ:-

દર્દીના શારીરિક , માનસિક, સામાજિક દર્દને વ્યાપક રૂપે સમજાવતી કથા એટલે 'અણસાર'.