Home Admissions - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | ગૃહપ્રવેશ - સમીક્ષા

Featured Books
Categories
Share

ગૃહપ્રવેશ - સમીક્ષા

પુસ્તકનું નામ:- ગૃહપ્રવેશ 

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી નજીક આવેલા વાલોડ નગરમાં ૩૦ મે ૧૯૨૧ના રોજ થયો હતો. ૧૯૫૧થી ૧૯૮૧માં તેમની નિવૃત્તિ સુધી તેઓ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં લેક્ચરર, પ્રોફેસર અને છેલ્લે ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા.

સોનગઢમાં ગાળેલા પ્રારંભિક સમયની તેમના જીવન પર અસર રહી હતી. ૮ વર્ષની ઉંમરે છૂપા નામે તેમણે બાલજીવન સામાયિકમાં કવિતા મોકલી હતી, જે તેમાં પ્રગટ થઈ હતી. કોલેજ જીવન દરમિયાન તેમણે ફાલ્ગુની સામાયિકનું સંપાદનકાર્ય કર્યું હતું. ઉપજાતિ (૧૯૫૬) તેમનું પ્રથમ સર્જન હતું. તેમણે મનીષા, ક્ષિતિજ, એતદ્ અને ઉહાપોહ સામાયિકોનું સંપાદન કર્યું હતું. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવાય છે. ગુજરાતી વિવેચક ભરત મહેતાના કહેવા મુજબ, ૧૯૭૫થી ૨૦૦૦ સુધીનો ગુજરાતી સાહિત્યનો સમય સુરેશ જોષીના પ્રભાવ હેઠળ હતો. નિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે’(૧૯૬૫)માં સિદ્ધ કર્યું છે. આ ઉપરાંત એમના ‘ઈદમ્ સર્વમ્’(૧૯૭૧), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’(૧૯૭૫) અને ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) નિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ ક્રીડાઓની તરેહો જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાંંથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’(૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે ‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે.

એમના ‘ગૃહપ્રવેશ’(૧૯૫૭), ‘બીજી થોડીક’(૧૯૫૮), ‘અપિ ચ’(૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’(૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’(૧૯૮૦) એ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી છે. પૂર્વે પ્રકાશિત છિન્નપત્ર, ‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુષ્ટય’(૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. ૧૯૭૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૮૩માં તેમણે તેમના પુસ્તક ચિન્તયામિ મનસા માટે મળેલ સાહિત્ય અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, આ પુસ્તક માત્ર કેટલાક મુસદ્દા જેવા નિબંધો ધરાવે છે. તે માત્ર યુરોપિયન અને અમેરિકન વિવેચન લેખો પર આધારિત છે અને પોતાના મૂળ વિચારો નથી. ૧૯૬૫માં જનાન્તિકે માટે નર્મદ સુવર્ણ ચંદ્રક તેમને પ્રાપ્ત થયો છે.

 

 

પુસ્તક વિશેષ:- 

પુસ્તકનું નામ : ગૃહપ્રવેશ 

લેખક : સુરેશ જોષી 

પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન 

કિંમત : 100 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 133 

 

બાહ્ય મૂલ્યાંકન:-

મુખપૃષ્ઠ પર વિવિધ પેઇન્ટિંગનું ચિત્ર અંકિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

આ સંગ્રહમાં 21 ટૂંકી વાર્તાઓ છે. આ વાર્તાઓ વિવિધ પરિસ્થિતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. શરૂઆતમાં બુટાલા પ્રકાશન વડોદરાથી આ વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો હતો.

'જન્મોત્સવ' વાર્તામાં જન્માષ્ટમીના ઉત્સવની તૈયારી સામે ગરીબ ઘરમાં બાળકના જન્મની સ્થિતિને સન્નિધીકરણ અને પુરાકલ્પની પ્રયુક્તિ દ્વારા સામ સામે રાખીને સર્જકે માનવજીવનના બે પાસાને ઉજાગર કર્યા છે.

'નળદમયન્તી' વાર્તામાં ચિત્રાની પરપુરુષ સાથેની દ્વિધા, ઉદારતા, પતિ તરફની લાગણીને નળદમયન્તીના પુરાકલ્પન સાથે વિરોધાવી છે. આર્થીક સ્થિતિ અને બેરોજગારીનો પ્રશ્ન પણ જોવા મળે છે. વિચ્છેદ' પતિની રાહ જોતી પત્ની ભૂતકાળને ફંફોસતી રૂપ- કુરૂપ સાથે હાલના જીવાતા જીવનના સુખ દુખ કે નિરાશાને તોલે છે. 'વૈશાખ સુદ અગિયારસ' વાર્તામાં આભાના લગ્ન સમયે વિધવા કેતકી કપોલકલ્પનામાં થોડી ક્ષણ માટે સરી જાય છે. તેને મૃત પતિ નીરદના પગલા સંભળાય, તે લાગે કે નીરદ તેને પોતાના લગ્નની તિથી આજે વૈશાખ સુદ અગિયારસ છે તે યાદ કરાવે છે ને મૂહર્ત ચાલ્યું જશે જલ્દી તૈયાર થઈ જા એમ સંભળાય છે. સાત પાતાળ' વાર્તાના રુધિરની મનસ્થિતિ રેખાના ધરમાં પ્રવેશ્યા પછી બદલાય જાય છે, પોતાને માટે રેખા તરફથી જે અપેક્ષા રાખી હતી તે ન અનુભવાય અને રેખાનો પોતાના સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ છે એ જાણ થતાં જ ઘર બહાર નીકળી જાય છે. 'ત્રણ લંગળાની વાર્તા'માં કાંતિલાલ સાચું હસી શકતા નથી. હસવાના કારણો શોધતા કાંતિલાલને લંગડો પુત્ર ભગીરથની શીખર ચડવાની ઈચ્છા સાંભળીને હસુ નથી આવતું પણ વાર્તાને અંતે ક્રોધે ભરાયેલા સાહેબને જોઈ તે હસે છે, એ એના મનની વેદના, કરૂણતા જ બતાવે છે.

 

શીર્ષક:- 

વાર્તા સંગ્રહમાંની એક બળુકી વાર્તા એટલે ગૃહપ્રવેશ. આ વાર્તાના શીર્ષક પરથી જ પુસ્તકનું શીર્ષક અપાયું છે.

 

પાત્રરચના:-

કાનજી, દેવજી, કિસન, જયવંતી શેઠાણી, સુહાસ, પ્રફુલ્લ, કાંતિલાલ, રેખા, નીરદ, કેતકી, ચિત્રા, રુધિર જેવા પાત્રો દ્વારા લેખકે આપણી આસપાસના પાત્રો અને ઘટનાઓને જીવંત કર્યા છે. દરેક પાત્ર બખૂબી પોતાનો રોલ પ્લે‌ કરી વાર્તા તત્વને ઉજાગર કરે છે. આ વાર્તાઓનાં મુખ્ય પાત્રો ભૂતકાળનું અર્થપૂર્ણ વિશ્વ ખોઈ નાખ્યાની વેદના ધરાવે છે. આ પાત્રો જે સમાજમાં જીવે છે તે સમાજ તો જડ અને કૃતક આચારવિચાર ધરાવતો સમાજ છે અને એટલે જ તેમનાં નાયકનાયિકાઓ આ વાતાવરણ સાથે પોતાનો મેળ ખવડાવી શકતાં નથી. તેઓ હંમેશાં એકાન્તમાં જ ભટક્યા કરે છે.

 

સંવાદો/વર્ણન:-

‘માણકીય જબરી ને ઇના પેટમાંનું છોરુંય જબરું માળું! ટંકણખાર દીધો તોય કાંઈ નો વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય? કર કાંઈ બાપલા! છૂટકો છે!’

‘પપ્પા, આખરે છેદ ઊડી ગયો! એ છેદ ઊડતો નહોતો એટલે જ દાખલો બેસતો નહોતો.’

‘રોતી સૂરત લઈને જાય તે મૂઆની જ ખબર લઈને આવે…’

‘સ્ત્રીઓનો ક્યાં ક્યારે ને કેવો ઉપયોગ કરવો તે કળામાં પ્રવીણ થવા સિવાય બીજા કશામાં પુરુષજાતિએ ધ્યાન આપ્યું છે ખરું?’

‘બધી જ ક્રિયાઓ શાન્તિના આચ્છાદનની અંદર રહીને સહીસલામતીપૂર્વક થતી, ને એમ સંસારનો રથ ચાલતો.’

‘સૌ પોતપોતાની નિત્ય-નૈમિત્તિક ક્રિયાની ઢાલ લઈને ઝૂઝતાં હતાં, માટે સહીસલામત હતાં.’

‘સમુદ્રનાં પાણી ખડક સાથે પછડાઈને પાછાં વળે તેમ ચાંદની એના પતિના શરીર સાથે પછડાઈને પાછી વળતી ન હોય એવું એને લાગ્યું.’

 

લેખનશૈલી:-

ઘટનાતિરોધાન, નિર્વૈયક્તિક પાત્રાપાર્શ્વભૂ, સંવેદનશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન-પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક ટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી રૂપરચનાનો અને સંવેદનશીલ ભાષાકર્મનો પુરસ્કાર છે. જન્મોત્સવ’ જેવી વાર્તામાં ‘ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો’ જેવા વાક્યનો ધુ્રવપંક્તિ તરીકે કરવામાં આવેલો ઉપયોગ જુઓ; ‘દ્વિરાગમન’ જેવી વાર્તામાં જીવનની યાન્ત્રિકતા નિરૂપતી ભાષા અને વાર્તાને અન્તે નાયક એકાએક પોતાની પત્નીને જે નવા સન્દર્ભમાં જોતો થાય છે તે નિરૂપતી ભાષા વચ્ચેનો ભેદ જુઓ. એ જ વાર્તામાં દીકરાને લખાવાતા શ્રુતલેખનમાં આવતા સીતાના સન્દર્ભને સુમતિ સાથે જે રીતે સાંકળી લેવામાં આવ્યો છે તે જુઓ; તો સાવ પરમ્પરાગત શૈલીમાં લખાયેલી ‘વૈશાખ સુદ અગિયારસ’ વાર્તા અસામાન્ય કૌશલથી કેતકીની વ્યથાને કેવી આલેખે છે તે જુઓ. ગુલાબદાસ બ્રોકર તો આ વાર્તા ઉપર ખૂબ જ વારી ગયા હતા.

 

વિશેષ મૂલ્યાંકન:-

ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષીને આધુનિકપ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું નિદર્શન કરાવતી ‘વાતાયન’; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી’, માનવચિત્તનાં ગૂઢ સંચલનોને સમર્થ રીતે આલેખતી ‘પાંચમો દાવ’, ‘સાત પાતાળ’, ‘ગૃહ પ્રવેશ’ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના હ્રાસ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. પોતાની રચનાપ્રક્રિયાનો પરિચય કરાવતા, સંગ્રહના આરંભે મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકીવાર્તા વિશેની લેખકની સૈદ્ધાન્તિક ભૂમિકાનો મેળ એમના સર્જન સાથે મળે છે. આ વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમનો અહીં સમુચિત ઉપયોગ થયો છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચાતા હોવાથી નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ વાર્તાઓ ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે.

 

મુખવાસ:-

માનવસંબંધોની મનોવેદનાઓને આલેખતી કથાઓનો સંગ્રહ એટલે 'ગૃહપ્રવેશ'.