Shodh Pratishodh - 5 in Gujarati Classic Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | શોધ પ્રતિશોધ.. - ભાગ 5

Featured Books
Categories
Share

શોધ પ્રતિશોધ.. - ભાગ 5

ગયા ભાગમાં આપણે જોયું કે વિવાન લોપાને વધારે કંઈ પૂછે તે પહેલા લોપા સૂઈ જાય છે અને લોપા ઉઠે ત્યાં વિવાન! આમ બંને વચ્ચે વાતચીતનો દોર સંધાતો નથી. એ દરમિયાન લોપાએ અચલાની ડાયરી વાંચવાનું શરૂ કર્યું . એક પછી એક પલટાતાં પાના સાથે જાણે લોપા પણ પલટતી હતી.
7/10/96
પૃથ્વી અને એની વાતો. ઓહ ભગવાન, શું જાદુ હશે આ માણસમાં! મને ખરેખર એ સમજાતું નથી. એ આ દુનિયાથી એકદમ અલગ છે. એ કદી સ્પષ્ટ શબ્દોએ કશું વ્યક્ત નથી કરતો પણ એનાં સુચક વર્તનથી હું મારા ગમતા શબ્દો મેળવી લઉં છું. આજે એણે કહ્યું, "અચુ, કાલે રાતે તે આકાશમાં ચંદ્ર જોયો હતો? મેં કહ્યું,"હા, જોયો હતો. આખો, ગોળ, શીતળ..".
ને એણે મને ત્યાં જ અટકાવીને કહ્યું,"આ જ લાગણીઓ છે. હું તારા સુધી તને યાદ કરીને હવાની લહેરખી મોકલું અને એનો અહેસાસ તને થાય, થવો જોઈએ બસ."
આ હતી એની શબ્દ મોહિની! મને આખા દિવસ દરમિયાન થતી દરેક વાતોમાંથી આવી કોઈ વાતો ભીતર સુધી એવી તો ભીંજવી જતી કે હું જ્યારે- જ્યારે એ વાતો યાદ કરું ત્યારે-ત્યારે એ મારા ચહેરા પર એકાંતમાં પણ સ્મિત જડી દેતી. ક્યારેક આ સ્મિત કોઈ નજરે ચઢી પણ જતું, હા માની અનુભવી નજરે તો ખાસ! પણ હું તરત જ મને સંકેલી લેવામાં પાવરધી ખરી ને? તો ચાલે છે. હજુ તો પૃથ્વી સાથે જોડાયેલ મારી દુનિયામાં મારું અને મારા હૃદયનું એકહથ્થું શાસન છે. ખબર નહીં ક્યારે અને કઈ રીતે આ વાત ઘરમાં કહેવાના સંજોગો બનશે? કોલેજ પૂરી થવાને હજુ દોઢ વર્ષ બાકી છે.

7/11/96
આજે દિવાળી...મારો સૌથી મનપસંદ તહેવાર! પણ...પણ...ઓહ પૃથ્વી તારી સાથે રહીને તો નહીં બની શકું પણ તારા વગર હું સાચે કોઈ શાયર બની જાઉં છું. સાચું જ કહે છે લોકો કે શાયરીનો જન્મ દર્દમાંથી જ થાય છે! પૃથ્વી આજે તારા વિરહમાં મારા મનની દશા તને કહું?
"તારા વિના કોઈ તહેવાર ક્યાં તહેવાર લાગે છે?
તારા વિના વીતતી દરેક ક્ષણનો ભાર દાગે છે!"
દિવસ ઊગવો અને આથમી મારા માટે બધું સરખું થઈ પડ્યું છે. પૃથ્વી વગરનું મારું જીવન એટલે બસ પ્રાણ વિહોણી અચલા.

ઓહહહ! અગર માને આ માણસ પ્રત્યે આટલો જ પ્રેમ હતો તો શા માટે તેણે પપ્પા તરફ સમર્પિત હોવાનો આખી જિંદગી ઢોંગ કર્યો? મા આમ તો બહુ મક્કમ રહી બતાવે છે દરેક વાતે તો શા માટે તે પૃથ્વી બાબતે જ ઉદારતા દાખવી શકી? એકવાર પણ તેને એમ ન થયું કે લોપાને જ્યારે...

ફરી વિચારોનો રાફડો ફાટ્યો. ફરી તેમાંથી નીકળી પડેલા કાળોતરા લોપાને રુંવે-રુંવે ડંખ મારવા લાગ્યાં. ખાસ કશું ખાધું ન હતું તો પણ પેટ આમળાવા લાગ્યું. તેની આંખોમાં આંસુ ધસી આવ્યાં. ડાયરી પર તે ટપકી પડ્યું. બરાબર ખુલ્લી ડાયરીનાં અચલાના મરોડદાર અક્ષરોમાં લખાયેલ પૃથ્વી પર જ તે પડ્યું. લોપાના મનમાં રહેલ ખારની ખારાશ તે જાણે જીરવી ન શક્યો હોય એમ ત્રણે અક્ષરો લેરાય ગયાં. લોપાના દાંત ભીંસાયા અને તે સ્વગત જ બબડી, "પૃથ્વી ઠક્કર, આવી જ રહી છું, નીકળી ચૂકી છું તારી શોધમાં હું લોપા કોટેચા! તારી પાસે હિસાબ માંગવા તારા કારનામાનો અને તને અરીસો બતાવી પ્રતિશોધ લેવા..."

ગાડીએ એક તીણી વ્હીસલ વગાડી, પોતાની ગતિ વધારી અને લોપાની શોધને જાણે લીલી ઝંડી બતાવી!

ફરી એક પાણીનો ઘૂંટ પીને લોપાએ મનને શાંત કર્યું. આ ટ્રેન તો હવે સીધી મુંબઈ જઈ થોભવાની હતી. પોતે મન મક્કમ કરી પરિસ્થિતિ સામે લડી લેવાનું નક્કી કર્યું હતું. રાતનો એક વાગ્યો હતો પણ એક નાનકડી ઊંઘ ખેંચ્યા બાદ તેની આંખોમાંથી ઊંઘ સાવ ગાયબ હતી. જ્યારે પહેલી વાર ડાયરી હાથમાં આવી તે રાતથી આજની રાત સુધી કોઈ સમયે તેને સુકૂન ક્યાં હતું! ઉજાગરાની એની રતાશ તો મા વાંચી શકે એવી સ્થિતિમાં પણ ન હતી. ડાયરી પોતાના હાથમાં હતી ને આગઝરતી લોપાની આંખો જોઈ અચલા તરત જ બધું સમજી ગઈ હતી. જે ભૂતકાળનો ભેદ તેણે લોપા કે વિકાસ સુધી ચોવીસ વર્ષ ન પહોંચવા દીધો તે આજે લોપાના હાથમાં હતો. અચલાની આટલાં વર્ષોની ભારેલ અગ્નિ જેવી દશામાં જાણે લોપાએ સીધો અંગાર ચાંપ્યો હતો. તેમ તેનું મગજ આ ભાર જીરવવા અક્ષમ બની ગયું. આખી ધરતી તેને ગોળ-ગોળ ઘૂમ લાગી ને તે કોમામાં સરી ગઈ.

લોપાને તે રાતે બેવડો માર પડ્યો હતો. પપ્પાની ખોટ સાથે જીવવાની આદત પાડવી લોપા માટે મુશ્કેલ હતી. ત્યારે માનો બમણો પ્રેમ તેનો સધિયારો હતો. એ પણ હવે શાનભાન ગુમાવી ચૂકેલ અલિપ્ત થઈ સુતી હતી. આ કપરી દશાએ હીરામાસી રાતદિવસ પોતાની સાથે રહ્યાં હતાં. કોરોનાએ લોપા પાસેથી પપ્પા છીનવ્યા હતા તો હીરામાસી પાસેથી તેની દીકરી લીના. તે પછી હીરામાસીએ જુવાન દીકરી ગુમાવ્યાનું દુઃખ ખંખેરીને જે રીતે હિંમત બતાવી હતી એ જોઈ લોપાનું તેમના તરફનું માન ખૂબ વધી ગયું હતું. લોપાને તેમનાં શબ્દો યાદ આવ્યાં. "બેટા લોપા, સમય ક્યારેક જીવનમાં આંધી બનીને આવે છે. એ પોતાની સાથે કેટલુંય લઈને જતો રહે છે. આપણી નજર સામે આપણાં સ્વપ્નને જતાં જોઈ રહેવાની લાચારી એ જિંદગીભર યાદ રાખવાની એક શીખ પણ છે કે એક દોર ઉપર ઉપરવાળાને હસ્તક કાયમ હોય છે. તે આપણાં માટે જ્યારે અને જે કરે તે સારું હોય છે. તકલીફનો સમય પણ સારા સમયની માફક જતો રહેશે. પછી જે ફરી આવશે તે શ્રેષ્ઠ સમય જ હશે. એ આશા જીવન જીવવાની જડીબુટ્ટી છે."

હીરામાસીના આ શબ્દોએ લોપા માટે ખરા અર્થમાં જડીબુટ્ટી બન્યાં હતાં. બાકી ડાયરી વાંચીને તેને આઘાત લાગ્યો હતો કે આ શું! મારા વ્હાલા પપ્પા, ખરેખર મારા પપ્પા નથી. હું લોપા વિકાસ કોટેચા નહીં ને લોપા પૃથ્વી ઠક્કર છું?

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં..'