(ખાસ્સી દલીલ પછી માનવ સિયાની વાત માની જાય છે. સિયા પણ બે દિવસ તેના પરિવાર જોડે હસીખુશી દિવસ વીતાવે છે. તે ફરમાઈશ કરી સંગીતા પાસેથી ચકરી અને સુધાબેન પાસે લડ્ડુ બનાવડાવે છે. તે બે દિવસ માટે, કોલેજ તરફથી સ્ટડી ટુર માટે જવાની છે, એમ વાત પણ કરે છે. હવે આગળ....)
સંગીતાએ સુધાબેનને,
“તમે પણ બેસી જાવ... સિયા તું પણ બેસી જા, બહેન ઉતારી આપે છે, આપણને.”
“સારું...”
એમ કહીને સુધાબેન અને સિયા બધા ભાણા પર બેસી ગયા. ડીનર પતાવ્યા બાદ દાદાને પપ્પા વાતો કરતા બેઠા હતા કે,
“આજે તો નવાઈ લાગી પપ્પા...”
“મને પણ નવાઈ લાગે છે, કંઈ નહિ બેટા જે થાય છે તે સારું જ થાય છે. બસ આપણે એ જ વિચારવાનું છે.”
“એ તો છે જ ને, આપણે એને જોઈએ છે ને મને મારી દીકરી પર ગર્વ થાય છે.”
“હા, તને ખબર છે. આજે મારી પાસે સિયા આવી અને મને શું કહે કે,
‘દાદા મારે છે ને રામાયણ વાંચવું છે અને ભગવદગીતા પણ વાંચવી છે, તો તે બધી બુકસ મને આપો.’
તો મેં એને પૂછયું પણ ખરા કે,
“કેમ બેટા આટલા દિવસથી તો એ બુક્સ લેવા પણ નહોતી આવતી?”
“બસ મારે આજે વાંચવી છે અને બંને વસ્તુથી લઈ ગઈ પાછી મને લાડલી શું કહે છે કે,
“દાદા તમે છો ને મને બહુ જ ગમો છો. તમારી સાથે જેટલી પણ વાતો કરું તે ઓછી પડે. બધાને ફ્રેન્ડ હોય પણ તમે જ મારા ફ્રેન્ડ બની મારી સાથે વાતો કરી. મને તમારી સાથે વાત કરવી તો ખૂબ ગમે છે.”
“એ જ ને, એટલે જ એ તમારી જોડે વધારે વાતો કરે છે. પણ પપ્પા તમે આરામ કરો, આ બધું તો ચાલ્યા કરશે. તમારી હેલ્થ પણ સાચવવી બહુ જરૂરી છે. બસ સિયા આવીને હળતી મળતી અને ભળતી રહે ને, એટલે બહુ થઈ ગયું. હમણાંથી તે બહુ જ અંતર્મુખી થઈ ગઈ હતી અને એ જ હું નહોતો ઈચ્છતો એની સાથે.”
“સારું... સારું, ચાલ બેટા હવે હું આરામ કરવા જાવ.”
આ બાજુ સંગીતાએ ચકરી અને લડ્ડુનો ડબ્બા ભરી દીધો અને સિયાને આપતા કહ્યું કે,
“લે આનું પણ પેકિંગ કરી દીધું.”
“હા મમ્મી, હું કપડાં પેક કરવા જાવ છું.”
“એ તો હું આવું જ છું.”
“અરે ના મમ્મી, તારી આ દીકરી એટલે કે હું મોટી થઈ ગઈ છું, હવે હું કરી લઈશ. આ ડબ્બા પણ પેક કરી લઉં છું અને આમ પણ એટલું કામ કરતા તો મને જાતે આવડે કે નહીં.”
સંગીતા હસી પડી,
“સારું, બસ હું તારી જોડે બેસું છું અને તું કરજે, જેથી કરી છૂટી ના જાય.”
“કંઈ નહીં છૂટી જાય, પણ તું હાલ જઈ અને સુઈ જા, આરામ કર, ચકરી કરીને થાક લાગ્યો હશે કે નહીં.”
“લાગ્યો તો હોય જ ને.”
“તો બસ મારે હજી કાલે દસ વાગે જવાનું છે, તો શું કરવા આટલું બધું ટેન્શન કરવું પડે એટલે તું આરામ કર. હું કરી લઈશ.”
“સારું, હું કાલે ચેક કરું છું, જેથી કંઈ ભૂલી ના જવાય.”
એમ કહી સંગીતા એના રૂમમાં જતી રહી. સિયા બે ડબ્બા લઈને એના રૂમમાં ગઈ અને થેલો ભરવા લાગી.
સિયા બે ડબ્બા સાથે સાથે, તે તેના અડધા ઉપરના કપડા પર પેક કરી લે છે. તેની પાસે પડેલા થોડા ઘણા પૈસા પણ લઈ લે છે, જેથી શરૂઆતમાં કામ લાગે. તેને પોતાના પરિવારની યાદ ના આવે એ માટે તેમના ફોટા એની સાથે પેક પણ કરી દીધો. બધું પેકિંગ બરાબર થઈ ગયું છે અને કોઈને ખબર પડે એવું નથી ને, એ પણ ચેક કરી લીધું.
જવાનો દિવસ પણ આવી ગયો એટલે તે વારાફરતી બધા પગે લાગી. એટલે દિપક બોલ્યો કે,
“આજે તો તું બધાને પગે લાગી, નવાઈ કહેવાય નહીં?”
સિયાએ એમને લાડ કરતાં કહ્યું કે,
“ભૂલી ગયા પપ્પા, આજે હું બે દિવસ માટે હું સ્ટડી ટ્રીપ માટે નથી જઈ રહી. અને તો પછી તમને પગે લાગુ કે ના લાગુ. મારી આ પહેલી ટ્રીપ છે.”
“સારું, બસ તારી સાથે વાતોમાં તો કોઈ જીતી ના શકે. પણ એવું હોય તો ચાલ હું તને કોલેજ છોડતો જાઉં છું.”
કેશવે કહ્યું.
“એ તો મારી રીતે કોલેજ પહોંચી જઈશ, પપ્પા. મારે આમ પણ રોમાને સંગાથે લઈને જવાની છે ને, તો તમે મારી ચિંતા ના કરો અને તમે તમારી ઓફિસમાં જાવ.”
“સારું ઓલ ધ બેસ્ટ, સાચવીને જજે. અને મમ્મીને ફોન કરતી રહેજે....”
ભગવાનને દીવો કરી, તેમના આશીર્વાદ લેવા માટે બે હાથ જોડ્યા અને મનમાં જ પ્રાર્થના કરવા લાગી કે,
‘હે ભગવાન, હું જે પગલું ભરું છું ને, એમાં મને સાથ તું આપજે. મને ખબર છે એ મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી બધા માટે તો થોડું દુઃખી કરનારું જ પગલાંમાં નું એક છે. છતાં પણ એમને સહન કરવાની તાકાત આપજે. હું દાદાજીને હું કહેવા માંગતી હતી પણ કહી ના શકી, કેમ એ તને ખબર છે. કેમ મારે આ પગલું ભરવું પડે છે, એનું કારણ પણ તમને પણ ખબર છે. મારી પાસે કોઈ જ આના સિવાય રસ્તો નથી એટલે આવું કરવું પડે છે.
તમે મને સાચી રાહ પણ બતાવજો અને મારી જોડે જોડે રહેજો. મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી આખા ઘરનું બરાબર ધ્યાન રાખજો. એમને મારા મેરેજ વિશેની ખબર પડે તો તમે એ સહન કરવાની તાકાત પણ આપજો. અને હું જલ્દી દાદા, દાદી અને મમ્મી, પપ્પાને મળી શકું એવા આશીર્વાદ પણ મને આપજો. મને એ પણ ખબર નથી કે હવે હું ક્યારે તે લોકોને મળીશ અને ક્યારે તમારા દર્શન કરીશ. બસ તું મને જલ્દી જલ્દી બોલાવજે. મારા પરિવાર અને મારી હંમેશાં સહાય કરજે.’
હાથ જોડી ભગવાન તે પગે લાગતાં એની આંખમાં થી આસું આવી ગયા. એકવાર તો તેનું મન ડગુમગુ થઈ છતાં મન કાઠું કરી આસું લૂછી અને પછી પોતાનો સામાન લઈ ઘરની બહાર નીકળે છે. ઘરેથી નીકળતા નીકળતા તે એક બે વાર તો ઘરની અને ઘરના લોકોની સામે જોયા કરે છે. તે થોડું દુઃખ થાય છે, પણ હવે કંઈ થઈ શકે એમ નહોતું. એના મનમાં થોડું ઘણું ખટકે પણ છે કે,
‘તે આ કરે છે, એ બરાબર તો કરે જ છે ને? કે પછી હું કયાંક ખોટું તો નથી કરતી ને? આ પગલું ભરવાથી મને કોઈ તકલીફ નહીં થાય ને? અને માનવ સારો છોકરો તો હશે ને? મારું જીવન સુખમય અને શાંતિથી પસાર થશે ને? મારા પર નાના મોટા દુઃખ પડશે તો હું સહન કરી લઈશ. પણ મને પ્રેમ તો સાચો મળશે ને? સૌથી વધારે મારા ઘરના લોકો વગર હું રહી શકીશ ને?’
અરે, હું પણ છું ને, બહુ ઈમોશનલ થઈ ગઈ છું, એટલે જ આવા વિચારો આવે છે. એમ તેના મનમાં ઉઠેલા વિચારો અને તે વાતને ત્યાં જ મનમાં દાબી દે છે.
(સિયાના વિચારો તેને રોકી રાખશે? તેના મનનો ડર સાચો પડશે કે ખોટો? એ બંને લગ્ન કરશે ખરા?
ઘરના લોકોને ખબર પડશે ત્યારે શું થશે? ક્યાંક માનવ તો તેને દગો નહીં દે ને? એવું થશે તો સિયાનું શું થશે? માનવનો બીજો કયો પ્લાન છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર ...૫૨)