(માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા એની વાત નકારી દે છે. માનવ મનથી ખુશ થતાં જ તેની વાત માની લે છે. સિયા પણ બે દિવસ ખુશી ખુશી એમની સાથે વીતાવે છે. હવે આગળ....)
“આહ છેવટે કામ તો થઈ જ ગયું છે, હવે તો બીજા પ્લાનની તૈયારી કરવાની છે.”
માનવ પણ મનમાં જ બુદબુદીને કામે લાગ્યો.
બે દિવસ તો ચપટીમાં વીતી જાય છે, તેની ખબર પણ સિયાને નથી પડતી કે ક્યાં દિવસ ગયો કે કયાં રાત્રે અને ક્યાં બીજો દિવસ આવી ગયો. જવાના આગલા દિવસે તેને થયું કે,
“મારે મારા મમ્મી અને દાદીના હાથથી ભાવતી વસ્તુ પણ ખાવી છે અને યાદગીરી રૂપે લઈ પણ જવી છે.”
તો તેને લાડ લડાવતાં એની મમ્મી અને દાદીને કહ્યું કે, “મારે ચકરી અને લડુ ખાવા છે, તો બનાવી આપ.”
“અચાનક જ કેમ?”
“મને કોલેજમાં થી સ્ટડી ટુર માટે મોકલે છે, લગભગ બે દિવસ જેવું. તો મારે બે દિવસ ત્યાં જવાનું છે. ત્યાં મારી ભાવતી વસ્તુ મને બનાવી આપ, જેથી મને ત્યાંનું જમવાનું ના ભાવે તો, હું તમારા હાથથી ખાઈને મનને સંતોષ થઈ જાય.”
સુધાબેને,
“એવું છે બેટા?”
આવું પૂછતાં છે જ તેને માથું લાવી હા પાડી, તો તેમને કહ્યું કે,
“કંઈ વાંધો નહીં, બોલ શું બનાવ તારા માટે લઈ જવા અને કેટલું બનાવું?”
“મમ્મી તારા હાથની ચકરી લઈ જવી છે અને દાદીના હાથના લડડુ.”
“મને ખબર જ હતી, તને હરીફરીને ચકરી અને લડડુ જ યાદ આવશે. તારા ફેવરેટ જો છે, પણ તને એટલી ખબર છે આમાં મારે કેટલી મહેનત કરવી પડશે? કેટલો સમય લાગશે?”
“તો તમે કરો ને, હું તમારી મન ભાવતી વાનગી એટલે કો રસોઈ બનાવી દઈશ. બધાના જ માટે અલગ આઈટમ બનાવીશ. જો દાદા દાદીની માટે ભાખરી શાક બનાવીશ અને મારા પપ્પા અને તને ભાવતું ભાજીપાઉં કે ઢોસા બનાવીશ.”
‘અને તારું... તારું ભાવતું?”
“મારું ને તો તમારું ભાવતું એ જ મારું ભાવતું. અને હું ગુલાબજાંબુ પણ બનાવીશ, દાદા માટે સુગર ફ્રી અને પાપા માટે સુગરવાળા. ઓકે.”
“નથી કરવું રહેવા દે, હું રસોઈ એ પહેલાં કરીશ પછી તારી ફેવરેટ આઈટમ બનાવીશ જા...”
“તો પછી તમે મારી વસ્તુ બનાવ અને હું તમારું કામ કરું. બસ આજે હું રસોઈ જ બનાવીશ. આ તમારી લાડલીની ઈચ્છા છે.”
“ભલે...”
એમ કહી તે રસોઈની તૈયારી કરવા લાગી અને તેને દાદા, દાદી માટે ભાખરી અને દૂધીનું શાક બનાવ્યું. મમ્મી પપ્પા માટે ઢોસા અને ચટણી, સંભાર બનાવ્યા. અને સાથે બંનેમાં ભળે એવી સુગર ફ્રી અને સુગરવાળા ગુલાબજાંબુ બનાવ્યા.
આટલી મહેનત કર્યા બાદ તે બહાર આવીને બેસી એટલે દાદા તેને માથે હાથ ફેરવીને કહ્યું કે,
“આજે કેમ મારી દીકરી અને મારી લાડલી રસોડામાં બેઠી હતી.”
“કંઈ નહીં, દાદા બસ આજે મારે ચકરી અને લડ્ડુ ખાવા હતા એટલે તે લોકોને કામ કરવાનું હતું. એટલે મેં દાદી અને મમ્મીને જોર ના આવે એટલે એમની જગ્યાએ કામ કર્યું હતું.”
આ સાંભળી લાડવા વાળતાં સુધાબેન બોલ્યા કે,
“અલી તું તો બહુ જબરી, એવું ક્યારેય નથી કહેતી કે આ બધી બનાવવાની ફક્ત ફરમાઈશ જ કરી છે.”
“તો શું થઈ ગયું, હવે હું લાડલી છું, તો તમારે થોડુંક તો કરવું પડે. અને તમે મારું ભાવતું બનાવતા હતા એટલે મેં તમારું કામ કર્યું. આટલું તો મારે કરવું જ પડે ને?”
“અરે વાહ, મારી લાડકી આટલી બધી સમજદાર થઈ ગઈ, કેવી રીતે એ તો કહે પહેલા?”
‘દાદા તમે મારી ઉડાવો છો?”
સિયાએ નાના છોકરાની જેમ કહ્યું એટલે...
“દાદા છું તારો... પણ આ બધી તૈયારી કેમ?”
“દાદા એવું ના હોય કે દરેક વખતે કહીએ તો જ બનાવવાનું હોય મારી ઈચ્છા થઈ ગઈ એટલે કહ્યું.”
“એ વાત સાચી, પણ વાત અલગ છે. બોલો શું વાત છે?”
એટલા માં દિપક પણ આવ્યો અને કહે કે,
“વાહ આજે ઘરમાં તો સરસ મજાની સુગંધ સુગંધ આવી રહી છે, એ પણ બહુ બધી અલગ અલગ...”
“હા, એકબાજુ ઢોસાની સુગંધ આવી રહી છે અને એક બાજુ ચકરી અને લડ્ડુ.”
દાદીએ કહ્યું.
“આજે આ બધું શું છે?”
એટલામાં સંગીત આવી,
“આ તમારી લાડલીની ફરમાઈશ પર બનાવ્યું છે.”
“શું વાત છે બેટા, તે આજે ચકરી અને લડ્ડુની સામેથી ફરમાઈશ કરી, છેલ્લા પાંચ વર્ષથી તો કરતી નહોતી.”
“તો શું કરવું, મને ખાવાનું મન થાય પણ પપ્પા એ વસ્તુ મમ્મી કે દાદી બનાવી દે એટલે હું કોઈ દિવસ બોલતી જ નહોતી.”
સિયાએ એવું કહ્યું તો સંગીતા બોલી,
“લે તું તો સાચું કારણ જ નથી કહેતી.”
તો સિયા ખિલખિલાટ હસવા લાગી અને દિપક એની સામે જોયું એટલે કહ્યું કે,
“કંઈ નહીં, પપ્પા કોલેજ વાળા મને સ્ટડી ટુર માટે મોકલે છે. અને તમને ખબર છે કે હું જમવામાં કેવી ચૂઝી છું, એટલે મેં એના માટે થઈને જ ચકરી અને લડ્ડુ બનાવવાના કહ્યા. જો મને કંઈ ના ભાવે તો હું એ ખાઈ શકું ને?”
“એટલે મેડમ આવું કહી રહ્યા છે, એમ ને... તારી જોડે બીજું કોણ કોણ આવે છે?”
“રોમા... પપ્પા રોમા મારી જોડે આવવાની છે.”
“હમમમ... તો રોમા પણ તારી જોડે જ આવે છે તો તું જા.”
“જો તે ના આવવાની હોત ને તો તમે મને ના મોકલત.”
“એવું નહીં, પણ મને તારી ચિંતા રહે કે મારી દીકરી શું કરતી હશે. પણ રોમા હશેને એટલે મને તારી ચિંતા ઓછી રહેશે.”
“સારું ચાલો તમારા માટે તમારું મનગમતું બનાવ્યું છે.”
“શું બનાવ્યું છે?”
“ઢોંસા.. તમે બેસી જાવ હું ગરમાગરમ ઢોસા ઉતારીને જમાડું.”
“પણ તારે કપડાં ભરવાના પણ હશે અને પેકિંગ કરવાનું પણ હશે ને?”
“એ તો હું કરીશ જ ને પેકિંગ, એમાં બે દિવસના જીન્સ ટી શર્ટ જ તો લેવા છે. તમે ચિંતા ના કરો અને તમે હવે ચાલો હાથ પગ ધોઈ લો. આજે દાદાને પપ્પાને હું જમવાનું પીરસવાનું છું, જે મેં પોતે બનાવ્યું છે. મમ્મી પપ્પા માટે ઢોંસા અને દાદા દાદી માટે ભાખરી અને દૂધીનું શાક.”
તો દાદાએ કીધું કે,
“મને ઢોંસા નહીં ખવડાવે ત્યારે...”
“તમારે એવું નથી ખાવાનું ખબર છે ને...”
“પણ એક ઢોંસો તો ચાલે નહીં કે પછી અડધો પણ નહીં ચાલે..”
સિયા તેમની સામું જોઈ રહી પછી, મ્હોં બનાવીને કહ્યું કે,
“સારું હવે એક ઢોંસો આપીશ તમને...”
એટલે દાદાએ તેને,
“થેન્ક યુ બેટા. ચાલો જલ્દી બેસી જઈએ ડાઇનિંગ ટેબલ પર, ક્યાંક સિયાનું મન બદલાઈ જાય અને મને ઢોંસો ના મળે તો...”
“હા અને આ બધું સાંભળીને મને તો પેટમાં કકડીને ભૂખ લાગી છે.”
એમ કહી દિપક, ધીરુભાઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. સંગીતાએ સુધાબેનને,
“તમે પણ બેસી જાવ... સિયા તું પણ બેસી જા, બહેન ઉતારી આપે છે, આપણને.”
“સારું...”
એમ કહીને સુધાબેન અને સિયા બધા ભાણા પર બેસી ગયા. બધા હસી મજાક કરતાં જમી લીધું.
(સિયાના મનમાં શું ચાલી રહ્યું છે, એ ઘરના લોકો સમજી શકશે? શું સિયા ભાગી જશે, જશે તો એ કેવી રીતે જશે? ઘરના લોકોને ખબર પડશે? પડશે ત્યારે શું થશે? ક્યાંક માનવ તો તેને દગો નહીં દે ને? એવું થશે તો સિયાનું શું થશે? માનવનો બીજો કયો પ્લાન છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૧)