(સિયા તેના મમ્મી પપ્પાને સોરી કહી કોલેજ જાય છે. રોમા સાથે વાતચીત કરે છે. નોટ્સ માટે પણ વાત કરતી હોય છે ત્યાં જ માનવ આવી જાય છે અને તે દાદા વિશે પૂછે છે. એટલે સિયા તેની સાથે રૂડલી વાત કરે છે. પણ તેના મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમડે છે. હવે આગળ....)
“બસ એકવાર મારું મન કિલયર થઈ જશે, પછી તો મને ક્યાં કોઈ ચિંતા છે? હું આરામથી એમને કે મારા મનને મારી વાત મનાવી શકીશ. એમ વિચારી તેને નક્કી કર્યું કે મારે માનવની પહેલા બરાબર ઓળખવો પડશે, એના વિશે જાણવું પડશે. પણ આ વખતે એની સાથે ફરીને નહીં, પણ બીજી રીતે પરખવો પડશે.”
“જોઉં છું, શું થાય છે અને શું થઈ શકે એમ છે?”
સિયાની આ વિચારોની હારમાળા ચાલતી હતી અને એ ધૂનમાં જ હતી. એમાં ને એમાં માનવ એની સામે આવીને બેસી ગયો છે, એ પણ એને ખબર ના પડી અને અનિશે તેને બોલાવી કે,
“સિયા... સિયા...”
એ માનવને સામે બેસેલો જોઈ એકદમ ઝબકી ગઈ.
અનિશે તેને પૂછ્યું કે,
“તું મને એવોઈડ કેમ કરી રહી છે? કંઈ થયું છે?”
“ના... કંઈ જ થયું નથી, બસ મારે તારી સાથે વાત નથી કરવી, એટલું જ.”
“ના કરવી હોય તો ના કર.... બાકી આપણી ફ્રેન્ડશીપની એમ જ રહેશે.”
માનવ આવું બોલતાં જ સિયાના ચહેરા પર નારાજગી આવી ગઈ અને તે,
“એક મિનિટ, મેં તારી સાથે ફ્રેન્ડશીપ નથી કરી અને તું મારો ફ્રેન્ડ નથી. હા હું તને ઓળખું છું, એટલે જ તારી સાથે વાતચીત કરી દીધી, બરાબર. એટલે હવે તું બીજા છોકરાઓ ની જેમ વિચારવાનું છોડી દે અને સાથે સાથે તું મારા પર દાણા નાખવાનું છોડી દે.”
એમ કહીને તે ઉભી થવા ગઈ તો અનિશે વાત બદલતાં કહ્યું કે,
“સિયા હું દાદાને મળવા માંગું છું, એકવાર તો મને મળવા લઈ જા.”
“મેં તને ના પાડીને અને દાદા જ્યારે મંદિરમાં આવવાનું ચાલુ કરે ને, ત્યારે તું મળી લેજે. અત્યારે મારું માથું ના ખા.”
“એક મિનિટ, પણ કેમ?”
“કેમ કે તેમને સ્ટ્રેસ લેવાની ના પાડી છે, એટલે તને જોઈ સ્ટ્રેસ ના થાય એટલા માટે...”
એમ કહીને તે ઊભી થવા ગઈ તો અનિશે તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે,
“મને જોઈને એમને સ્ટ્રેસ થાય... પહેલા તું મને કહે કે શું વાત છે?”
“વાત કંઈ નથી, તને કહ્યું તો ખરા કે મારા મનમાં કંઈ ચાલતું નથી.”
“આમ નીચું જોઈને અને આવું બોલે છે, એનો મતલબ એમ જ થયો કે તારા મનમાં કંઈક વાત છે અને કંઈક ચાલી પણ રહ્યું છે? બોલને શું વાત છે? એટલું તો હું તને ઓળખી ગયો છું કે તારા મનમાં કંઈક ચાલતું હોય ત્યારે જ તું આવું વર્તન કરે.”
“હા તો તારે શું, એમાં તું પણ મને મારા મમ્મી પપ્પાની જેમ ટ્રીટ કરવાનું છોડી દે. હું નાની કીકલી નથી, સમજી ગયો.”
“સમજી તો ગયો અને હું તને હેરાન નહીં કરું. પણ મને કહે તો ખરા કે શું વાત છે?”
“બસ એ જ કે, મમ્મી પપ્પાને મારું બહાર ફરવા જવું ગમતું નથી અને મારી આ દુનિયા જોવાનું મન થાય છે તો કરવું જ શું, એ જ અવઢવ છે.”
“એ જ અવઢવ છે કે પછી મારી સાથે ફરી એમાં પ્રોબ્લેમ છે?”
માનવ આવું કહેતાં જ તો સિયા પહેલા તો એકદમ ચુપ થઈ ગઈ અને મોટી મોટી આંખ કરી જોવા લાગી. પછી કહ્યું કે,
“એવું કંઈ નથી, તો તું તારા મનમાં આવે એમ બોલવાનું છોડી દે. મને મારા મમ્મી પપ્પા ક્યારે મને એવું કોઈ દિવસ કહેતા નથી કે મારે કોની સાથે ફ્રેન્ડશીપ કરવી, અને કોની સાથે નહીં. બસ એ ફક્ત મારો જ નિર્ણય હોય છે. સમજી ગયો? અને રહી વાત મને બહાર ફરવા જવાનું ના પાડવાની તો એટલા માટે એ લોકોએ કહે છે કે હું ભણી ગણીને સારી પોસ્ટ ઉપર ગવર્મેન્ટ જોબ લઈ શકું, એટલા માટે મને મહેનત કરવાનું કહી રહ્યા છે.”
“કંઈ વાંધો નહીં, તો પણ એમાં શું છે? દુનિયા આજે કે કાલે જતી નથી રહેવાની, ત્યાંને ત્યાં જ ઊભી રહેવાની છે. તો તું તારું પહેલા ભણવાનું અને સ્ટડી પૂરી કર.”
“મારે કોઈની સલાહ નથી સાંભળવી, એ કેટલી વાર કહેવાનું મારે, એમ કહી દે?”
તેમ બોલી અને સાથે ચાલવા લાગી છતાં એના મનમાં એમ થયું કે,
‘કાશ માનવ મને રોકી લે તો, મને પણ તેની સાથે વાતો કરવી ખૂબ ગમે છે. ગમે છે... નહીં પણ મારે તો એની સાથે વાતો જ કરવી હતી, પણ મમ્મી પપ્પા એ કીધું છે એ પણ મારા મગજમાં વારે ઘડી આવી જાય છે, એટલે હું પાછી પડી જાઉં છું. મમ્મી પપ્પાની વાત સાચી કે પછી માનવ સારો છે? અને દુનિયા સારી નહીં હોય તો મમ્મી પણ એવું વિચારવું અને એટલે જ મને માનવથી દૂર રહેવાનું કહે છે...’
તેને પોતાના વાળ ખેંચવાનું મન થઈ ગયું આ કરવું કે પેલું કરવું? શું કરવું મને ખુદને જ ખબર નથી પડતી. આવું કેમ હોય કે જે દરેક છોકરીઓને જ લાગુ પડે છે, આમ પણ હું વિચારું કે ના વિચારું, જે સમયે જે થવાનું છે એ જ થશે.
સિયા ત્યાંથી નીકળી ગઈ પછી માનવ મનમાં ને મનમાં જ થોડું ખંધુ હસ્યો અને વિચાર્યું કે,
‘મનમાં તો લાગણી જન્મી ચૂકી છે. બસ હવે એને શબ્દો રૂપે કહેવાનું જ બાકી છે, અને આ તો મારે જોઈતું હતું. એના માટે તો આટલી મહેનત કરતો હતો, પણ એ ક્યારેય સક્સેસ થાય એ જ હવે જોવાનું બાકી રહ્યું. બહુ જલ્દી હું મારું કામ પતાવી શકું એ જ મારી ઈચ્છા છે.
આમ પણ, છોકરી આમ તો લાગે છે ભોળી, પણ ભોળી નથી. ખબર નહિ એના મનમાં કંઈક વિચારો જ પાકાં નથી અને એટલે જ એને બધા ગમે તે બોલે મનમાં આવે એમ કહે છે અને તે દોરાઈ જાય છે. મા બાપની બગડેલી છોકરી હોય કે મા બાપ બહુ લાડ લડાવેલી હોયને એવી છોકરી છે. આવી છોકરીઓ બહુ જલ્દી બીજાની વાતોમાં આવી જાય. મારે શું, મારે તો મારું કામ થાય એટલે બહુ થઈ ગયું.”
તે પણ ખંધુ હસીને ત્યાંથી જતો રહ્યો. સિયા ઘરે પહોંચી તો સંગીતા એ પૂછ્યું કે,
“બેટા કેવો દિવસ ગયો?”
“બસ મમ્મી સારો ગયો છે. મારે પણ આટલા દિવસની નોટ્સ લખવાની બાકી છે, ને તો હું લખવા બેસું છું.”
“હા પણ તારે દાદાને નથી મળવાનું પહેલા?”
“અરે, હા એ તો ભૂલી જ ગઈ.”
“હા, તો હવે જા મળી આવ પહેલા, દાદા પણ તને યાદ કરે છે. તારા માટે કેટલી વાર પૂછ્યું હશે કે મારી લાડલી આવી, આવી?”
“હા મમ્મી...”
એમ કહી ને તે તેના દાદા જોડે ગઈ અને દાદાના ગળા ઝૂલીને પૂછ્યું કે,
“કેવું છે, દાદા તને?”
“આવી ગઈ બેટા કેમ આટલું મોડું થયું?”
(શું સિયા માનવવાળી વાત કરશે? માનવ હવે શું કરશે? સિયાના મનમાં જન્મેલી લાગણી ક્યાંક માનવ સમજી ગયો છે કે પછી તેના મનમાં કંઈક ખોટ છે? માનવનું આવું બોલવું તે સિયા માટે જોખમી છે? સિયા દાદાને શું જવાબ આપશે? ઝલકનું શું થયું?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૭)