Ek Saḍayantra - 32 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 32

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 32

(એસિડ જેના પર નાંખવામાં આવ્યું હતું તેનો કેસ લખવા પોલીસ ઇન્સ્પેક્ટર તૈયાર નહોતા. નાછુટકે પોતાની ઓળખ આપી લખવા મજબૂર કર્યા. તે છોકરી પાસે જઈ હિંમત બધાવી એના વિશે પૂછે છે. હવે આગળ....)
“નમન કરીને એક હોંશિયાર, સ્કોર સ્ટુડન્ટ હતો એટલે ગાઈડન્સ અને નોટ્સ માટે જ તેની સાથે બીજી છોકરીઓ ની જેમ બસ ફ્રેન્ડશીપ જ કરી હતી. એને ખબર નહીં કેવી રીતે એ વાતની ખબર પડી ગઈ, એ વિશે તો મને નથી ખબર. પણ મને વારેવારે ધમકી આપતો હતો એટલે મેં એક દિવસ કોલેજ વચ્ચે એને લાફો મારી દીધો એટલે એને મને કહ્યું કે....
“તે હવે મને જોઈ લેશે, મને હવે તે નહીં છોડે.... છતાં દીદી મને આવું તે કરશે, એવો અંદાજ પણ નહોતો.’
ઝલક આટલું બોલવામાં તકલીફ પડતી હોવા છતાં તે તેની આપવીતી જણાવી રહી હતી.
“પછી ખબર નહીં, અને શું થયું કે તે આજે અચાનક ત્યાં આવ્યો અને મને વારેવારે એક જ વાત પૂછવા લાગ્યો કે,
“તું મારી સાથે આવા તૈયાર છે ને? મારી ગર્લફ્રેન્ડ બનવા તૈયાર છે ને? પણ દીદી આ કંઈ ખાવાના થોડા ખેલ છે, કપડાં જેવી મામૂલી વાત થોડી છે કે ના ગમ્યું અને ફેંકી દઈએ, જુનું થઈ જાય એટલે કચરા ભેગું. આ કંઈ થોડો સોદો હતો, મારા જીવનનો સવાલ હતો.
અને એને મારી ના સાંભળીને અને ગુસ્સો આવ્યો કે શું પણ એને સીધો મારવા પર ઉતારું થઈ ગયો, એને પોતાના હાથના ઈશારાથી ચહેરો બતાવીને કહ્યું કે,
“તને તારા ચહેરાનું બહુ ગુમાન છે ને તો એ જ નહીં રહે જો તું....”
એમ કહીને તેને મારા પર...”
ઝલક પોતાનો ચહેરો દેખાડતાં જ રડી પડી. એટલે કનિકા સ્તબ્ધ થઈ ગઈ, તે કંઈ જ ન બોલી શકી. એ ઝલકની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને એ આંસુના ખારા પાણીથી એના ચહેરા પર જલન થવા લાગી અને એ એટલી બધી જલદ હશે કે એનાથી એકદમ ચીસ પડાઈ ગઈ.
કનિકા બોલી કે,
“બસ તું હવે રડ નહીં, તો તને તકલીફ વધારે થશે... તારા ચેહરાની વેદના તું તો સહન કરે છે, પણ તને જોઈને મને કંઈક થાય છે, માટે બસ તું ચૂપ થઈ જા. પણ હું તને એટલું પ્રોમિસ આપું છું કે એ છોકરાને હું નહિ છોડું અને એને કડકમાંથી કડક સજા ના થાય ત્યાં સુધી... બેટા, તારા પરિવાર વિશે મને જણાવ, એમના નામ અને તારા ઘરનું એડ્રેસ પણ. જેથી એમને અહીં બોલાવી શકાય.”
“ના દીદી, એ મને આવી જોઈ સહન નહીં કરી શકે, મારી મમ્મી તો મરી જ જશે. ના દીદી ના...”
“સારું નહીં જણાવું, પણ તું ઘરે સમયસર નહીં પહોંચે તો તારી ચિંતા કરતાં હશે ને? એમના મનમાં કેવા વિચારો આવશે? માટે જ મને કહે હું એ લોકોને અહીં બોલાવી લઉં.”
કનિકાએ સમજાવતાં કહ્યું એટલે તે બોલી કે,
“હું મારા મા બાપનું એકનું એક જ સંતાન છું, મેમ એ કેવી રીતે સહન કરશે.”
“વિશ્વાસ રાખ, કોઈ પણ મા બાપ બાળકના તકલીફ સામે લડવાની હિંમત ધરાવતા હોય છે. તને પણ એમના થી હિંમત મળશે.”
મારી વાત માની ઝલકે તેના ઘરનું એડ્રેસ અને તેના પપ્પાનો મોબાઇલ નંબર આપ્યો. મેં તરત જ એમનો કોન્ટેક્ટ કરી સીટી હોસ્પિટલ આવી જવા કહ્યું. તે લોકો આવી જતાં એમની દીકરીની હાલત જોઈ તેઓ રડી પડ્યા કહો કે તડપી ઉઠયા. મેં તેમને કહ્યું કે,
“હું કનિકા, અહીંની આઇપીએસ ઓફિસર. તમારી દીકરીના ગુનેગારોને હું નહીં છોડું. તમે તમારી દીકરીને આશ્વસાન આપો અને આ સમય સાથે લડવાની હિંમત પણ.”
આટલું કહીને કનિકા ત્યાંથી નીકળી ગઈ, હજી પણ એનો જીવ ચચરતો હતો... એ દ્રશ્ય હજી પણ એની આંખમાં જ હતું.... તે ઝલક વિશે વિચાર કરતાં તડપી ઉઠી અને અંધકારના ઓળા જમીન પર ઉતરી આવ્યા.
સિયાના ઘરે આજે ખુશીનો માહોલ હતો. ઘર સરસ મજાના ફૂલોથી, દીવડાઓથી શણગારેલું હતું. ઘરના પ્રવેશમાં જ ફૂલોની સરસ મજાની રંગોળી કરવામાં આવેલી હતી. આજે આખું ઘર ઝગમગ રોશની થી બરાબર ઝળકી રહ્યું હતું. ઘરનો એકપણ ખૂણો ઝગમગ્યા વગરનો નહોતો. ઘરનાં દરેક નોકરો બરાબર કામે લાગી ગયેલા.
ધીરુભાઈને ભાવતી બધી જ આઈટમ ઓછા તેલમાં બનાવી રહ્યા હતા. જેમાં એમની ભાવતી વેજીટેબલ ખીચડી, દૂધીનું શાક બનાવ્યું અને નાસ્તામાં મમરા, રોસ્ટેડ ચણા, ટોસ્ટ અને ખારી બધાના ડબ્બા ભરી દીધા. બાકીના નોકરો બીજા કામકાજમાં લાગેલા.
નોકરો જ શું કામ, સિયા પણ ભાગમદોડી કરીને ઘરમાં બધું મેનેજ કરી રહી હતી. દાદાજીનો રૂમ તેને પોતાના હાથથી સફાઈ કરી અને મન શાંત રહે તેવું મ્યુઝીક, ભજન ગોઠવી દીધેલા. ત્યાં બધે જ પોઝીટીવ એનર્જી રહે એટલા માટે મોગરાના ફૂલ લગાવેલા જેથી રૂમમાં સુંદર સુંદર ખુશ્બુ આવે જાય. આરામ કરી પણ શકાય અને બહારનું વાતાવરણ જોઈ પણ શકાય એ માટે બારીના પડદાં બદલી દીધા.
હજી આ કામ સિયા પુરું કરી રહી હતી, એટલામાં જ તેના દાદા દાદીને એના પપ્પાની ગાડીમાં જઈ લઈ આવ્યા. તે ગાડીનો હોર્ન સાંભળી દરવાજ પર આવી પહોંચી. સિયાના પપ્પાએ તેમનો હાથ પકડીને ગાડીની બહાર ઉતાર્યા. ઘરમાં આવે તે પહેલા જ સંગીતા આરતી થાળી લઈને દરવાજા પર આવીને ઊભી રહી ગઈ. તેમને દાદાની આરતી ઉતારી અને નજર ઉતારી અને ઘરમાં આવવા કહ્યું.
ધીરુભાઈ ઘરમાં આવીને તે સોફા પર બેઠા અને કહ્યું કે,
“વાહ આજે તો ઘર ખુબ સુંદર શણગાર્યું છે, સિયા? આજે કંઈ તહેવાર છે કે શું?”
સિયાને દાદા તેને ઇગ્નોર કરે છે તે જોઈ તેને મ્હોં ફૂલાવીને કહ્યું કે,
“દાદા શું તમે પણ? અને આજે શેનો તહેવાર? તમે ઘરે આવ્યાને એ જ અમારા માટે તહેવાર છે.”
“મારી લાડલી મને ખબર જ હતી તું આવા જ કંઈક કારસ્તાન કરવાની, પણ બેટા આ બધું ક્યાં અત્યારે કરવાની જરૂર હતી? આમ પણ તું હમણાંથી તો થાકેલી થાકેલી રહે છે, તારી મમ્મી પપ્પા પણ થાકી ગયા હોય અને તારી દાદી પણ થાકી ગયા હોય તો તારે આરામ કરવો પડે કે નહીં?”
“તો પણ દાદા અમે ક્યાંથી કામ કર્યું છે? મેં તો ફક્ત તેમને બધાને સમજાવી દીધું, તો બધુ આ ઘરના લોકોએ કામ કર્યું છે. તમારા માટે તો મેં ખાલી તમારો જ રૂમ તૈયાર કર્યો છે. હું એટલું તો કરી જ શકું ને કેમ કે તમે તમારા સૌથી વ્હાલા દાદા છો. તમે ન હતા ને એટલે મને અહીંયા બિલકુલ નહોતું ગમતું.”
“મને ખબર જ હતી. તું કંઈક આવું જ કરવાની છે. પાછી બ્લેકમેઈલ કરતાં કોઈ તારી જોડે થી શીખે હે ને?”
દિપક બોલ્યો કે,
“સિયા બેટા હવે દાદાને આરામ કરવાની જરૂર છે અને ડોક્ટર એમને વધારે બોલવાની પણ ના પાડી છે. તો વાત રહેવા દઈ અને એમને બને એટલો આરામ કરવા દો. અને હા ડોક્ટરે એ પણ કહ્યું છે જમવાનું ધ્યાન રાખવા માટે, તો તારે તેમના જમવાનું, આરામનું ધ્યાન રાખવાનું છે. જા એમને રૂમમાં લઈ જા અને દાદીને પણ લઈ જા.”
(સિયા એમની વાત માનશે? એ એની નારાજગી વિશે દાદાને જણાવશે? એ જાણી તેના દાદા તેને શું કહેશે? તે તેના દાદાની વાત માનશે? ઝલકનું શું થશે? ઝલક કેવી કેવી યાતનાઓ સહન કરવી પડશે? એની વાત કોઈ સમજશે? કનિકાનું એના તરફનું કૂણું વલણ કયાં કારણસર છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ એક ષડયંત્ર ....૩૩)