વાર્તા:- સ્પર્શ
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
માધવ ક્યારનો ક્યારેક પેસેજમાં તો ક્યારેક મધુનાં રૂમમાં આંટા મારી રહ્યો હતો. જ્યારથી ડૉકટરે આશા છોડી દીધી હતી ત્યારથી એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. મધુ લગભગ મૃત્યુની નજીક હતી. હૉસ્પિટલનાં બિછાને પડેલી એ ખબર નહીં શા કારણે હજુ સુધી જીવતી હતી? એનાં માત્ર શ્વાસ ચાલી રહ્યાં હતાં, બાકી કશું નહીં. છેલ્લાં એક અઠવાડિયામાં એનાં શરીરે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી ન્હોતી.
મધુ અને માધવ જાણે રામ સીતાની જોડી. પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારું બનતું હતું. મધુનાં મિલનસાર સ્વભાવ, દરેકની ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાની આદત અને સૌને આદર આપવાની એની આદતને કારણે એ પોતાનાં ઘરમાં જ નહીં આખાય કુટુંબમાં સૌની માનીતી હતી. એ ક્યારેય કોઈ માંગણી કરતી નહોતી. સાચું પૂછો તો એને જરુર જ પડી ન હતી કશુંય માંગવાની. એને શું જોઈએ છે એની જાણે ઘરનાં સૌને ખબર પડી જતી હોય એમ એની પાસે એ વસ્તુ વગર માંગ્યે આવી જ જતી હતી. એને તો સતત એમ જ લાગતું હતું કે ક્યાંક મારા નસીબને મારી જ નજર ન લાગી જાય! એ દરરોજ ભગવાનને પોતાને આટલો સરસ પરિવાર આપવા બદલ આભાર વ્યક્ત કરવાનું ભૂલતી ન હતી.
દુઃખ હતું તો એક જ વાતનું કે એમને સંતાન ન્હોતું. કોઈ જ ખામી ન હોવાં છતાં તેઓ નિઃસંતાન હતાં. આખરે એમની ધીરજ અને શ્રદ્ધા આગળ કુદરત પણ નમી ગઈ. લગ્નનાં બાર વર્ષે એમનાં ઘરે પારણું બંધાયું અને નાનકડો વીર ઘરનાં સૌનો લાડકો હતો. મધુ તો માત્ર વીરમય થઈ ગઈ હતી. એનું પોતાનું તો હવે અસ્તિત્વ જ ન્હોતું.
એક દિવસ સાંજે મધુ, માધવ અને વીર ફરવા ગયા હતાં ત્યાં અચાનક જ મધુ ચક્કર ખાઈને પડી ગઈ. ત્યાંને ત્યાં જ એ બેહોશ થઈ ગઈ. તરત જ એને હોસ્પિટલ ખસેડવામાં આવી. ડોક્ટરોની અથાગ મહેનત છતાં કોઈ જ સારું પરિણામ આવતું ન હતું. એને આમ જોઈને મધુનાં માતા પિતા તેમજ સાસુ સસરાની આંખોનાં આંસું સુકાતાં નહોતાં. માધવ તો કલાકો સુધી મધુનો હાથ પકડીને એની બાજુમાં બેસી રહેતો.
આખરે એક દિવસે જ્યારે ડૉક્ટર તરફથી કહી દેવામાં આવ્યું કે હવે એનાં બચવાની કોઈ જ શક્યતા નથી ત્યારે સૌ કોઈ એકબીજાને સાંત્વના આપતાં જતાં હતાં અને રડતાં જતાં હતાં. આ તરફ નાનકડો વીર દરરોજ પૂછતો હતો કે એની મમ્મી ક્યાં ગઈ? કેમ હજુ સુધી ઘરે પાછી નથી આવી? એ પડી જાય છે ત્યારે તો તરત જ ઉભો થઇને દોડવા માંડે છે, તો મમ્મી કેમ નહીં? કોઈ પાસે એનાં પ્રશ્નોનાં જવાબ નહોતાં.
હવે જ્યારે ડૉક્ટરે મધુનાં જીવવાની આશા છોડી જ દીધી હતી ત્યારે માધવે નક્કી કર્યું કે એક વાર એ વીરને મધુ પાસે લઈ આવે. વીર એની માને શ્વાસ લેતાં એક વાર તો જુએ! આથી ઘરનાં સૌની મનાઈ હોવાં છતાં એ વીરને લઈને હોસ્પિટલ પહોંચ્યો. વીર તો મધુને જોઈને એને બાઝી જ પડ્યો.
"મમ્મી ઊઠ, મમ્મી ઊઠ." કરતો રડતો જતો હતો અને જાણે મધુએ એનો અવાજ સાંભળી લીધો. એનાં હાથ સળવળ્યાં. પહેલી વાર એનાં શરીરે કોઈ પ્રતિક્રિયા આપી હતી. ડૉક્ટર પણ ચોંકી ગયા. મધુનો એનાં દીકરા પ્રત્યેનો પ્રેમ દીકરાના સ્પર્શમાત્રથી દેખાઈ આવ્યો. ડૉક્ટરે માધવને વીર દરરોજ હૉસ્પિટલમાં આવે એવી વિનંતિ કરી. સૌનાં આશ્ચર્ય વચ્ચે ધીમે ધીમે મધુ સાજી થતી ગઈ. આખરે એક દિવસ એવો આવ્યો કે એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ અને ફરીથી પહેલાં જેવી હતી એવી જ બની ગઈ. આખરે એને લગભગ દોઢેક મહિના પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હવે ફરીથી તેઓ સુખરૂપ જીવવા લાગ્યા.
જે માએ પોતનો જીવ જોખમમાં મૂકી દીકરાને જન્મ આપ્યો એ જ માને દીકરાના સ્પર્શથી નવજીવન મળ્યું.
આભાર.
સ્નેહલ જાની