અનામી અંકલ
- મિતલ ઠક્કર
અનામી અંકલ,
આજે વર્ષો પછી હું આ પત્ર આપને લખી રહી છું. હું આજે જે સ્થાન પર છું એમાં તમારો ફાળો નાનોસૂનો નથી. કમનસીબી એ છે કે તમારું નામ કે સરનામું પણ હું જાણતી ન હોવાથી તમને રૂબરૂ મળીને આભારની લાગણી દર્શાવી શકતી નથી. જીવનમાં ઘણા એવા લોકો હોય છે જે જમણા હાથે દાન કરે તો ડાબા હાથને ખબર પડવા દેતા નથી. તમે તો કોઇને ખબર પડવા દીધી નથી. મારા જેવી કેટલીય છોકરીઓ હશે જેમના માથા પર તમારા આશીર્વાદ રહ્યા હશે. હું દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે સારા ટકા લાવવા માટે ટ્યુશન ક્લાસમાં જવું જરૂરી હતું. અમારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે ટ્યુશનની વાત દૂર રહી પણ સ્કૂલમાં ફી ભરવાના ફાંફાં હતા. મા સીવણનું કામ કરતી હતી. પિતા એક જગ્યાએ પાર્ટ ટાઇમ નામું લખતા હતા. બધાંની એટલી આવક ન હતી કે ઘરનો ખર્ચ નીકળી શકે. એવી સ્થિતિમાં મારા અને નાના ભાઇના ભણતરનો ખર્ચ કાઢવાનું કામ સ્વાભાવિક રીતે જ મુશ્કેલ હતું. અમે બંને સરકારી સ્કૂલમાં ભણતા હતા. ફી ઓછી હતી પણ અભ્યાસને લગતા વિવિધ ખર્ચા કરવાનું પરિવારને પરવડતું ન હતું. સગાં-સંબંધીઓ દફતર- પુસ્તકો, નોટબુક વગેરેની થાય એટલી મદદ કરતા રહેતા હતા. છતાં દસમા ધોરણમાં ભણવું વસમું બન્યું હતું. દસમા ધોરણમાં પ્રવેશ તો મેળવી લીધો પણ આગળ ખર્ચ કેવી રીતે થશે એની મૂંઝવણ હતી.
બે મહિના પછી જ્યારે સ્કૂલની ફી ભરવાનો સમય આવ્યો ત્યારે ઘરના બધા સભ્યોએ ભેગા મળીને એક નિર્ણય લઇ લીધો. મારે અભ્યાસ છોડીને કોઇ જગ્યાએ નોકરી કરી લેવી. જેથી ભાઇ તો ભણી શકે. કેમકે હું છોકરી હતી. મારે તો આખરે પરણીને સાસરે જવાનું હતું. લગ્ન માટેનો સમય આવશે ત્યારે બીજું તો શું થવાનું હતું? ઓછું ભણેલો અને ઓછું કમાતો સામાન્ય ઘરનો છોકરો મળશે. બીજો કોઇ વાંધો આવવાનો ન હતો. માતા-પિતાના સંસ્કાર હતા એ સૌથી મોટી મૂડી હતી. માતા-પિતાને વિશ્વાસ હતો કે દીકરી ઓછું ભણશે તો પણ પોતાની આવડત અને બુધ્ધિથી કોઇપણ ઘરમાં ગોઠવાઇ જશે. મારે નાના ભાઇને ભણાવવો હતો. હું ઇચ્છતી હતી કે ભાઇ છોકરો હોવાથી એનું વધારે ભણવું જરૂરી હતું. હું એને મોટો માણસ બનતો જોવા માગતી હતી. જોકે, મારા નાના ભાઇએ મારી અભ્યાસ છોડવાની વાતનો વિરોધ કર્યો અને પોતે અભ્યાસ છોડીને નોકરી કરશે એવો આગ્રહ રાખ્યો. માતા-પિતા માટે તો મોટી દુવિધા હતી. ભલે એક છોકરી હતી અને બીજો છોકરો હતો પણ બંને સંતાન એમની બે આંખ જેવા હતા. ભણવામાં એટલા હોંશિયાર હતા કે એમને પોતાની જાત પર શરમ આવી રહી હતી. કોઇ એકના અભ્યાસનો ભોગ લીધા સિવાય આગળ વધી શકાય એમ ન હતું.
મેં ભાઇને જીતવા ના દીધો. મેં અનેક રીતે સમજાવીને ભાઇને અભ્યાસ ચાલુ રાખવા સમજાવી લીધો. માતા- પિતાને મારો અભ્યાસ છૂટી જવાનો રંજ હતો. અમારા સગાં-વહાલામાં અને મિત્રોમાં બે-ચાર દિવસ વાત ચાલી અને કેટલાકે મદદની ઓફર કરી પણ એ મદદથી આખું વર્ષ ભણી શકાય એમ ન હતું. અને આ વર્ષે મદદ લીધા પછીના વર્ષોનું શું એવો પ્રશ્ન ઊભો જ રહેતો હતો. આખરે એ મુદ્દો જ પૂરો કરી દીધો હતો. મેં દસમા ધોરણનો અભ્યાસ છોડીને નોકરી શોધવાનું ચાલુ કરી દીધું. બે જ દિવસમાં એક કંપનીમાં બોલપેનના ઢાંકણ બંધ કરવાના કામની નોકરી મળી ગઇ. શાળામાં ખબર પડી ત્યારે આચાર્યશ્રીએ મને બોલાવી અને ગેરહાજર રહેવાનું કારણ પૂછ્યું ત્યારે મેં કહી દીધું કે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડીને નોકરીએ લાગી ગઇ છું. મારી હકીકત જાણી એ દુ:ખી થયા. એમની પાસે કોઇ ઉકેલ ન હતો. એમણે કોઇ દાતાને વાત કરવાનું આશ્વાસન આપીને મને રજા આપી દીધી. હવે હું નોકરીમાં ધ્યાન દઇને કામ કરવા લાગી હતી. મારી ઝડપ સારી હતી. હું વધારે કામ કરતી ત્યારે મને વધારે પૈસા મળતા હતા. મને અભ્યાસ છોડી દેવાનો શરૂઆતમાં થોડો રંજ હતો એ હવે રહ્યો નહીં.
હું વધારે કમાઇને મારા ભાઇને વધુ અભ્યાસ કરાવવાનું સપનું જોવા લાગી. કંપનીમાં મને બીજા કર્મચારીઓ માનથી જોતા હતા. મારી ઉંમર નાની હતી પણ મારા કામથી બધાં પ્રભાવિત થતા હતા. હું ગરીબ હોવાથી મને દયાની નજરે જોતા ન હતા. મારી કામ પ્રત્યેની લગન અને ચોકસાઇને કારણે માન આપતા હતા. પહેલો મહિનો પૂરો થયો અને મારા હાથમાં જ્યારે રોકડા બસો એંશી રૂપિયા આવ્યા ત્યારે લાગ્યું કે હું દુનિયાની સૌથી અમીર છોકરી છું. મને મારી મહેનતથી આટલા બધા રૂપિયા મળ્યા છે. મેં મારા ભાઇને કહ્યું કે તું ચોટલી બાંધીને ભણતો રહેજે. હું તને ભણાવવામાં હવે કોઇ કસર રાખીશ નહીં. મારો અભ્યાસ બંધ થઇ જતાં અને આવક ચાલુ થતાં ઘરમાં રાહત થઇ હતી. માતા- પિતાને નાના ભાઇને ભણાવવાની ચિંતા હતી તે ઓછી થઇ ગઇ હતી. પણ ભાઇને દિલમાં એક અફસોસ રહેતો હતો.
મેં સ્કૂલ છોડી દીધાને ચાળીશ દિવસ થઇ ગયા હતા અને નોકરીમાં હું સારું કમાવા લાગી હતી ત્યારે સ્કૂલમાંથી પટાવળો મારા માટે સંદેશ આપી ગયો હતો. હું ઘરે આવી ત્યારે મને જાણવા મળ્યું કે મારા વર્ગ શિક્ષકે મને બોલાવી છે. મને ખ્યાલ આવી ગયો કે વર્ગ શિક્ષક મારી સાથે ભણતી છોકરીઓ સાથે મને હાજર થવાનો સંદેશ મોકલાવતા હતા પણ હું જતી ન હતી. મેં સ્કૂલ છોડવાનો નિર્ણય કરી લીધો હોવાની અને નોકરી કરવા લાગી હોવાની એમને માહિતી મળતાં હું પાછી આવવાની નથી એ સ્વીકારી લીધું હશે. મને ખ્યાલ આવી ગયો કે હવે મારી સતત ગેરહાજરીથી મારું નામ કમી કરવામાં આવ્યું હશે એટલે મને કાગળ લેવા બોલાવી હશે. હું નોકરીમાં અડધા દિવસની રજા મૂકીને સ્કૂલમાં ગઇ અને જ્યારે વર્ગ શિક્ષકને મળી ત્યારે એમણે નવાઇથી પૂછ્યું કે તારી ધોરણ દસથી બારની તમામ ફી ભરાઇ ગઇ હોવાની શાળાના એકાઉન્ટ વિભાગમાંથી મને માહિતી આવી છે છતાં તું કેમ આવતી નથી? હું નવાઇ પામીને એકાઉન્ટન્ટ પાસે ગઇ અને પૂછ્યું ત્યારે કહ્યું કે અમને તો તારા તરફથી જ ત્રણ વર્ષની એડવાન્સ બધી જ ફી મળી ગઇ છે. મેં આચાર્યને, પરિવારના સભ્યોને અને અનેક લાગતા- વળગતાને ફી કોણે ભરી એ પૂછ્યું ત્યારે કોઇને કંઇ ખબર ન હતી. હવે મારે નોકરી છોડીને ફરી અભ્યાસ કરવો જ પડશે. પરિવાર પણ ખુશ થઇ ગયો કે ભગવાને એમની સામે જોયું છે. હું ફરી અભ્યાસમાં લાગી ગઇ. પછીથી પણ મેં ઘણા પ્રયત્ન કર્યા છતાં કોણે ફી ભરી એ જાણી જ ના શકી. મને અંદાજ આવી ગયો કે એવી કોઇ વ્યક્તિએ મારી ફી ભરી છે જેને હું અભ્યાસમાં હોંશિયાર લાગી હશે. એમના પૈસા વ્યર્થ નહીં જાય એવો મારામાં વિશ્વાસ હશે.
મારો બારમા ધોરણ સુધીનો અભ્યાસ સરળતાથી ચાલ્યો. મને ખબર હતી કે હું હવે આગળ કોલેજમાં ભણી શકીશ નહીં. પણ બાર ધોરણ સુધીનો અભ્યાસ કરી શકી એનો આનંદ હતો. બારમા ધોરણમાં હું સ્કૂલમાં ત્રીજા નંબરે આવી હતી. મેં પ્રયત્ન કર્યો પણ જનરલ વિદ્યાર્થીઓ માટે કોલેજની સ્કોલરશીપની કોઇ યોજના ના હતી. મેં નિયતિને સ્વીકારી લીધી અને ફરી નોકરી શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે એક કોલેજમાં મને પ્રવેશ મળી ગયાનો પત્ર આવ્યો. આ મોટા ચમત્કાર સમાન હતું. મેં કોલેજમાં જઇ તપાસ કરી ત્યારે ખબર પડી કે મારી ત્રણ વર્ષની ફી એડવાન્સમાં ભરાઇ ગઇ છે. મને ખ્યાલ આવી ગયો કે આ એ જ વ્યક્તિ છે જેણે સ્કૂલમાં ફી ભરી હતી. મેં સફળતાપૂર્વક કોલેજ પાસ કરી અને પછી તો સારી નોકરી મેળવી ભાઇને પણ ભણવામાં મદદ કરી. એ ભણીગણીને વિદેશમાં જઇ સેટ થઇ ગયો. આ તરફ હું પણ એક ભણેલા ગણેલા છોકરા સાથે સારા ઘરમાં પરણીને સેટલ થઇ ગઇ. પછી અચાનક મને એક વિચાર આવ્યો અને હું પહેલી વખત જ્યાં નોકરીએ લાગી હતી તે કંપનીની મુલાકાતે ગઇ. ત્યાં ઘણું બધું બદલાઇ ગયું હતું. કેટલાય કર્મચારીઓ અને સાહેબો આવીને જતા રહ્યા હતા. મને અમારા વિભાગના એક વૃધ્ધ કર્મચારી મળ્યા અને એમને મારી ઓળખાણ આપી. વર્ષો પહેલાં એક મહિના માટે નોકરી કરી ગઇ હતી છતાં એમને હું યાદ હતી. તેનું કારણ એ હતું કે કંપનીના એક સાહેબને મારી સ્થિતિની અને હું ભણવામાં હોંશિયાર હતી એ વિશે ખબર પડતાં એમણે મારી ફી ભરી હતી. સ્કૂલ પછી કોલેજની ફીની વ્યવસ્થા પણ એ કોઇને સોંપી ગયા હતા. અને એમનું નામ જાહેર કરવાની ચોખ્ખી ના પાડી હતી. એ વૃધ્ધે પણ એમનું નામ ના આપ્યું.
તમે જે હોય તે પણ મને મદદ કરીને મારી જિંદગી જ નહીં મારા ભાઇની કારકિર્દી બનાવવામાં પણ આડકતરી રીતે સહાય કરી છે. હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તમારા જેવી વ્યક્તિઓને કારણે જ કેટલાય બાળકોના જીવનમાં વિદ્યાની જ્યોત પ્રજ્વલિત થઇ હશે. આ જાહેર પત્રથી હું તમારો દિલથી આભાર માનું છું. આ પત્ર તમારા વાંચવામાં નહીં આવે અને બીજા કોઇને આવી પ્રેરણા મળશે તો પણ એ આભાર તમને મળ્યો જ ગણાશે.
લિ. આપની જીવનકાળ આભારી છોકરી