(સિયા અને માનવ સિનેમા હોલમાં કોમેડી મૂવી જોવા જાય છે. એ મૂવીના ઈન્ટરવલમાં જ રોમા અને તેના કઝીન્સ એમને મળે છે. એ બધા ડીનર કરવા ઈન્વાઈટ કરે છે. હવે આગળ.....)
સિયાના મનમાં અને રોમાના મનમાં હજી એ વાત પૂરી નહોતી થઈ અને એ બંને મનમાં કંઈકનું કંઈક ચાલી જ રહેતું. કારણ કે રોમાના મનમાં અહીં માનવ સાથે સિયા આવી એ નહોતું ગમ્યું અને સિયાના મનમાં તે ઘરેથી કોઈને કહ્યા વગર અને તેની બેસ્ટ ફ્રેન્ડને કીધા વગર આવી એનો મનમાં રંજ થતો હતો.
પણ એ બંનેમાંથી એ વાતની કોકોણ પહેલ કરે એ કોઈને ખબર નહોતી. મુવી પૂરી થઈ જતાં જ રોમા અને એના કઝીન સાથે સિયા અને માનવ મળીને ડિનર કરવા કેન્ટીનમાં પહોંચ્યા. બધાય પોતપોતાનો મનગમતી ખાવાની આઈટમનો ઓર્ડર આપી દીધો અને બધા વાતે વળગ્યા.
બધાની વાતોમાં એ વખતે ઘડીકમાં મુવી આવતી તો ઘડીકમાં એ વખતે બનેલી સિચ્યુએશન, તો ઘડીકમાં એકટરની એક્ટિંગ વિશે વાતો કરી, આમ મુવી પર ચર્ચા કરી રહ્યા હતા. આ વાતોમાં બધા મશગૂલ હતા એટલે લાગ જોઈને અને એકદમ ધીમા અવાજે સિયાને રોમાએ પૂછ્યું કે,
“શું વાત છે, તું આજે મુવી જોવા એ પણ આની જોડે? સિયા ખરેખર તારા મનમાં કંઈક છે તો નહીં ને?”
“તું વારેઘડી એકના એક પ્રશ્ન કેમ પૂછે છે, મેં તને કહ્યું હતું કે મારા મનમાં કંઈ જ નથી. હું જે જગ્યાએ આવી છું, એ વિશે જે મેં કયારે ફિલ જ નથી કર્યું. એ અનુભવવા માટે જ, હું એની સાથે આવી છું. રહી વાત કહેવાની એટલે મને ખબર જ હતી કે તું આ વાત નહીં સમજી શકે અને હું આ બધી વાત કોઈને સમજાવવા પણ નથી માંગતી. પણ અમારા બંને વચ્ચે એવું કઈ નથી. બસ એક ઓળખાણ છે.”
“તો ઓળખીતા સાથે આવી રીતે મુવી જોવા અને ગાર્ડનમાં ફરવા ના નીકળે, સમજી.”
રોમાએ થોડી નારાજગી સાથે કહ્યું.
“એ જે તું સમજે, પણ તું જ કહે કે ને તારા મનમાં કંઈક છે?”
“એવું કંઈ નથી, મારા મનમાં તો કંઈ નથી, બસ હું તો ખાલી તને પૂછી રહી છું. બાકી તું જેવું સમજે એવું કંઈ નથી.”
“હું તો એવું કંઈ સમજતી જ નથી, પણ તારી વાતો જ કહી દે છે. જે વાત તું કરે છે એની સાથે તારો કોઈ મેળ ખાતો નથી. તું નહીં સમજે આ બધી વાતો અને મને એ કહે કે તું તારા બધા કઝીન સાથે આવે છે? પણ મારે કોઈ જ નથી તો હું કોની સાથે આવું?”
“એટલે તો હું તને દરેક વખતે કહેતી હતી જ ને.”
“હા પણ મને આજ સુધી ક્યારેય તારી સાથે આવવાનું મન થયું નથી અને એટલે હું આવી પણ નહીં. મને પહેલી વખતે જ આ દુનિયામાં શું શું હોય, એ બધું જોવા સમજવા માટે અને માનવના એપ્રોચ પર જ હું અહીંયા આવી છું.”
“જા ભાઈ, તારી જોડે તો બહસ કોણ કરે, એમાં પણ મને ભાષણ જ સાંભળવા મળશે. જે મારા માટે તો વધારે પડતું છે.”
“એમ ને તો પછી તો તું તારે ફક્ત ડિનર એન્જોય કરને, ઓકે.”
એ બંને પણ બધાની વાતોમાં જોઈન્ટ થઇ ગયા.
એ રાતે દિપક એના ઘરે આવ્યો એટલે સિયાને મોડી ઘરે આવેલી જોઈ, દિપક એને તો કંઈ ના પૂછ્યું. પણ એમના બેડરૂમમાંથી દિપક સંગીતા સાથે વાત કરતા કહ્યું કે,
“હમણાં તું તારા પ્રેસિડેન્ટશીપ અને ક્લબ પાર્ટી છોડીને છોકરી પર ધ્યાન આપ.”
“હું મારું કામ કરું છું, તમે તમારું છોડો ને, હું શું કામ છોડું. તમે એના પર ધ્યાન આપો. એ મારી એટલી જ ફરજ છે, તમારી ફરજ નથી.”
“હા મારી પણ ફરજ છે, પણ તને ખબર છે કે હું કેવી પોસ્ટ ઉપર છું, એટલે મારા માટે પોસિબલ ઓછું હોય અને મને હમણાંથી એના માટે બહુ ચિંતા થાય છે. તને ખબર છે એ છોકરા સાથે ફરે છે એટલે.’
“એટલું જ કે તે છોકરો મંદિરમાં જ મળ્યો હતો, એટલે સંસ્કારી પણ હશે, એ બાપુજી પણ કહે છે પણ મને એવું લાગે છે કે આ વિશે આપણે વિચારવું જોઈએ. તો એના માટે તારે જ એની સાથે વાતચીત કરવી પડશે. જો તું એની ફ્રેન્ડ બનીશ તો એ તને બધું કહેશે કે શું વાત છે ને શું નહીં? પ્લીઝ તું ધ્યાન રાખ આ વખતે. આમ પણ આપણી દીકરીની ઉંમર હવે 18 થી 19 વર્ષની થઈ ગઈ છે. જેમાં ના તો એને કોઈ સમજ હોય અને જે સમજ હોય એ પૂરી ક્યારેય ના હોય, એમ કહે કે એ ના તો કાચી છે ના તો પાકી છે, પણ અધકચરી છે. અને એના માટે તો આપણે ધ્યાન જ રાખવું પડશે.”
“તો તમે જ રાખોને. તમે આટલી મોટી પોસ્ટ પર છો. તો એના પાછળ કોઈ રાખો, તમે મારી જ પાછળ કેમ પડ્યા છો? મારા જ ક્લબ પાર્ટી કેમ છોડાવો છો? હું શું કરવા માટે મારું જ છોડી દઉં. તમારી દીકરી, તમારા માતા પિતા, બસ મારે આ બધામાં જ ફસાયા કરવાનું. મારા પોતાના કોઈ સપનાં અને મોજશોખ ના હોય.”
દિપક પોતાના મગજને કંટ્રોલ કરીને કહ્યું કે,
“એ બધી વાત સાચી, પણ તું માં છે ને, અને કહેવાય છે ને કે દીકરી 16 વર્ષની થાય એટલે મા જ દીકરીની સહેલી બને અને એની બધી જ વાતો સાંભળે. અને એ જ સૌથી સારામાં સારું હોય તો પછી તું કેમ ના બની શકે.”
“પણ મારે મારી દીકરીની બહેનપણી બનવાની જરૂર મને નથી લાગતી. એ પોતે ઘણી સૂલઝેલી, ડાહી, સમજુ છોકરી છે અને તમને જો એવું જ લાગતું હોય ને તો તમે પોતે જ એના પાછળ કોઈ ડીટેક્ટિવ રોકી લો. પણ આ બધી વાતમાં મારી સાથે માથાકૂટ નહીં કરવાની, હું મારા મોજ શોખ છોડવાની નથી કે કલબ પાર્ટી પણ છોડવાની નથી.”
દિપક ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે,
“આ જબરું છે, મેં આજ સુધી કોઈ લેડીઝ તારા જેવી નથી જોઈ. તને ખબર છે, દુનિયાની દરેક સ્ત્રી પોતાના ઘર પરિવાર સાચવવા માટે પોતાના કેરીયરનો, જોબનો ભોગ આપે છે, જ્યારે તું તારે કોઈ કેરિયર કે જોબ પણ નથી. ખાલી મોજ શોખ કરવા માટે, ક્લબ પાર્ટીઓ કરવાના અને ફરવા સિવાય કોઈ તારી પાસે કામ છે ખરું તો? તો શું થોડી વાર તું તારી દીકરી પણ ધ્યાન ના આપી શકે.
અને બાકી આમેય બા બાપુજી તો એમના કામ જાતે જ કરી લે છે. અને તું જ કરે છે શું? એ કહે કે, બા બાપુજી તે તેમની રીતે મંદિર ભજન કીર્તન કરે છે, કૂક આવીને જે રસોઈ બનાવીને જાય છે અને એ જમી લે છે. એમને આજ સુધી તારી પાસે કોઈ અપેક્ષા રાખી કે તું એમની સેવા કરે, તેમની કોઈ વાત સાંભળે. તે આજ સુધી ઘર સંભાળ્યું છે ખરું? હવે દીકરી માટે પણ તું કંઈ જ ના કરી શકે તો તું શું કામની?”
(સિયાની વાત રોમાના ગળે ઉતરશે? તે વાત સમજશે કે તેના ઘરે આવી જણાવશે? માનવ આ બધામાં શું વિચારી રહ્યો છે? એ શું કરશે? દિપક અને સંગીતા વચ્ચેની બહસબાજી કયું રૂપ ધારણ કરશે? એ રોકવા કોણ આવશે? દાદા દાદી કે સિયા?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૪)