Ek Saḍayantra - 21 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 21

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 21

(સિયાના દાદી તેના પપ્પાને સમજાવ્યા બાદ તેના પપ્પા દિપક પોતાના મિત્રને કહી ડિટેક્ટિવનો નંબર આપવા કહે છે. એ કારણ જાણવા માગે છે અને એ જાણી તે તૈયાર થઈ જાય છે. સિયા અને રોમા માનવ વિશે વાત કરે છે. હવે આગળ....)
“પણ એ તો બહુ બધી છોકરીઓ સાથે ફરે છે.”
“એવું તને કોણે કીધું? તે તો દરેક સ્ત્રીને મા સમાન માને છે. અને તે સ્ત્રીનો તો એટલી બધી કદર કરે છે. આજ સુધી સ્ત્રી સન્માન વિશે જાગૃત વ્યક્તિ આવો જોયો નથી. એના વિશે ગમે તેમ ના બોલ.”
“એમ, તો એવું છે....”
“હાસ્તો બધા એક સરખા થોડા હોય તો...”
“એક વાત કહું તું એના પ્રેમમાં તો નથી પડી ને?”
રોમાએ એવું પૂછતા સિયાએ કહ્યું કે,
“આ કેવો પ્રશ્ન છે અને તને આવું બધું કેમ સૂજે છે.”
“અરે યાર હું એટલા માટે પૂછું છું કે તું આટલું બધું એનું ઉપરાણું લે છે તો કયાંક તું એના પ્રેમમાં તો નથી પડી ગઈ ને?’
“એવું કઈ નથી, અને તને જ આવું બધું કેમ સૂઝે છે.”
“હું તો એટલું જ કહેવા માંગું છું કે માનવ કેટલો બધો રોમાળો છોકરો, બોલવા ચાલવામાં વ્યવસ્થિત, તારા કહેવા પ્રમાણે સંસ્કારી અને બીજા બધાની એના પર કોઈ લાઈક ના કરતો હોય તો પછી આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો?”
“તારું મગજ એક જ બાજુ ચાલે છે.”
“આપણે ભણવાનું તો લગ્ન માટે જ છે ને, તો પછી એમાં શું વાંધો છે અને આટલો સરસ મળતો હોય તો તો આપણે હાથમાં ઘી અને કેળા તો છે જ, હું તો તરત જ એનો સાથ મેળવવા પ્રયત્ન કરું. એમાં તને કેમ મરચાં લાગે છે?’
“મને નહીં મારા માટે તો માનવ ફકત એક સારો વ્યક્તિ છે. એટલું જ તે.”
“એ તારો ફ્રેન્ડ પણ નથી...”
“ના પણ તું હવે મને વારેવારે બધું પૂછવાનું બંધ કર. ઓલ રેડી તું એના વિશે અને અત્યારે એના બિહેવિયર વિશે પૂછી પૂછીને મારું મગજ પકવી દીધું છે. અને એ કહે આ બધું પૂછીશ પછી શું કરીશ તું?”
“એ જ એના પ્રેમમાં પડીશ અને આવો કોઈ છોકરો મળી જતો હોય ને તો હું તો મંડપમાં બેસવા તૈયાર જ છું. આમ પણ આપણે ભણીએ છીએ તો લગ્ન માટે બાકી આપણે ભણવાની શું જરૂર છે.”
“મારે એવું કંઈ નથી, મારે ભણવું છે તો ફક્ત ભણવું છે અને મારે આ બધામાં પડવું નથી અને તું પણ આ બધામાં મગજ ચાલવાનું બંધ કર. આપણા મમ્મી પપ્પા આપણા માટે કંઈક સારું પાત્ર શોધશે, એ સમય થશે ત્યારે શોધી લેશે. હાલ ભણવા મોકલ્યા છે તો ભણવા પણ ધ્યાન આપ.”
“લો આ ભક્તાણી બોલ્યા તે, ઘડીકમાં તમે ભણેશરી બની જાવ તો બોલો કરવાનું શું આપણે? અને તમને ઇન્ટરેસ્ટ ના હોય તો કંઈ નહિ પણ મને તો ઈન્ટેરસ છે ને, તો એનું શું?
“તું તારે આ બધામાં પડ્યા વગર શાંતિથી તારું કામ તું કર અને મને મારું કરવા દે.”
“જા તારું કંઈ નહીં થાય, હું તો જાઉં છું.”
“એ ચાલને યાર આજનું લેક્ચર આપણે બંક મારીએ.”
“ના હો, આજે તો લિટેરચરનો મેઇન લેકચર છે. તારે આવું તો કંઈ જ કહેવાનું નહીં, મને આવું બધું તારે કહેવાનું પણ નહીં.... ડન ઓકે તો હું જાવ, તું બેસ.”
એમ કહીને સિયા જતી રહી, રોમા ત્યાં બેઠી બેઠી માનવને જોયા કરતી હતી. માનવ પણ થોડીવાર માં ઉભો થઈને ત્યાંથી જતો રહ્યો એટલે રોમા પણ નાછુટકે લાઇબ્રેરીમાં ગઈ.
એ દિવસે સાંજે મંદિરોમાં જ્યારે માનવ અને સિયા મળ્યા. ત્યારે તેને માનવને પૂછ્યું કે,
“તમને કોઈ છોકરી ગમે છે ખરી?”
“ના મેં આ વિશે એવું ક્યારેય વિચાર્યું જ નથી. પણ તમૈ આવું કેમ પૂછ્યું?”
“બસ એમ જ....”
“એમ નહીં, એટલા માટે કે રોમા મને પસંદ કરવા લાગી છે.”
“ઓ બાપ રે, તમારા કાન તમારા મિત્રોની વાતમાં હતા કે પછી અમારી વાતમાં?”
માનવ ખડખડાટ હસી પડ્યો અને પછી કહ્યું કે,
“એવું જ છે, વાત તો હું મારા મિત્રો સાથે જ કરતો હતો પણ થોડી ઘણી રોમાની વાત તો કાનમાં પડી જતા મારા કાન એ તરફ પણ હતા.”
“ધેટ્સ નોટ ફેર, આમ કોઈ છોકરીઓની વાતો સાંભળવી બરાબર ના કહેવાય.”
“આમ તો ના સાંભળતો, જો તમે મારી ફ્રેન્ડ ના હોત તો.”
“એક મિનિટ હજી તમારી ફ્રેન્ડશીપ થઈ નથી. ફકત ઓળખાણ જ છે.”
“સારું ચાલો આપણી બંને વચ્ચે કોઈ ફ્રેન્ડશીપ નથી, પણ ખાલી ઓળખાણ તો છે ને, અને આમ પણ નથી કહેવાતું કે સાત ડગલાં સાથે ચાલે એ મિત્ર તો પછી.... આપણે તો ઘણું બધું ચાલ્યા, બાઈક પર પણ.”
“અચ્છા એવું છે ને, તો તમે એની પણ ગણતરી કરો છો. પણ હું એવું કંઈ વિચારતી નથી, મારા મનમાં તો એવું છે કે ઓળખાણ છે એટલે મેં તમારી સાથે વાત કરી, તમે સાથે વાત કરવી ગમે એટલે બીજી વાર વાત કરી, બાકી બસ.”
“સારું, તમારા આ લોજીકને આપણે માની ગયા. ચાલો કાંઈ નહીં, હવે તમે જ કહો કે આજે તમારે કઈ જગ્યાએ જવું છે?”
“મને પણ નથી ખબર કે મારે કંઈ જગ્યાએ જોવું જોઈએ, જે મને અત્યારના ફેશનમાં હોય, અત્યારે જ બધું જોઈ શકાય છે. કેવી રીતે લોકો રહે છે, સૌથી વધારે જાણવું હોય તો અને પાછી સેઈફ જગ્યા પણ જોઈએ.”
“એની ચિંતા ના કરો, હું તમને સેઈફ જગ્યા પર જ બતાવવા લઈ જઈશ તો એક કામ કરીએ આપણે મુવી જોવા જઈએ?”
“મુવી જોવા, કેમ અને કયું મુવી જોઈશું? મેં અત્યાર સુધી કોઈ ખાસ મુવી જોયું જ નથી. મને તો ટીવીમાં કે બધામાં કોઈ રસ પણ નથી.”
“તમને કોઈની વાતમાં રસ નથી, એ વાત સારી કહેવાય પણ તમે જ કહો હું તમને ક્યાં લઈ જાવ. એટલે જ વિચાર્યું કે મુવી જોવા જવું સેઈફ છે. તો મેં વિચાર્યું કે ચાલો આપણે મુવી જોવા જઈએ. મને પણ એવો કોઈ ખાસ આઈડિયા નથી કે આપણે ક્યાં જઈએ તો તમને નવું નવું જોવા મળે.”
“હા, મારા માટે તો આજ સુધી આ બધું અજાણ વસ્તુઓ છે અને અજાણી જગ્યા છે, મેં આજ સુધી ફક્ત ઘર અને મંદિર સિવાય કે ખાસ કર્યું પણ નથી.”
“સારું તો આજે જઈશું. આજે ને... આજે તો મોડું થઈ જાય આપણે કાલે જઈએ પણ આપણે કઈ મુવી જોઈશું વિચારવું પડશે મુવી કેવી હોવી જોઈએ મને તો કોઈ આઈડિયા છે જ નહીં. તમને ખબર તો છે, તો તમે જ વિચારો કે કેવી મુવી જોવાની મજા આવે?”
સિયાએ આવું કહેતાં જ માનવ બોલ્યો કે,
“આમ તો સોશિયલ મૂવી સરસ હોય અને એ જોવાની મજા પણ આવે. મને લાગે છે ત્યાં ઇંગ્લીશ મુવી તો તમે જોવી નહીં ગમે. તો આપણે એક કામ કરીએ કે આપણે કોઈ સામાજિક મુવી હોય, એ જોવા જઈએ. જેમ કે અત્યારે એક નવી મુવી લાગી છે, તો એ જોવા જઈશું?”
(સિયા હા પાડશે કે ના? એ સામાજિક મૂવી જોવી પસંદ કરશે કે બીજી કોઈ? એ રોમાનો માનવ તરફ જુકાવ જોઈ ગમાડશે? એ બંનેને મેળવશે કે પછી તેના મનમાં કંઈક નવું ચાલી રહ્યું હશે? એ મૂવી જોવા જઈ શકશે ખરી? કે કંઈક પ્રોબ્લેમ થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૨)