" જી..! જાઉં છું..!" કહી શશાંકે ધીમેથી અભિલાષાનો હાથ છોડ્યો અને જતાં જતાં કહ્યું, " થોડી જ વારમાં આવું છું. ચિંતા નહિ કર..! હું તારી સાથે જ છું." અભિલાષા શશાંકને જતો જોઇ જ રહી. ડોક્ટરે કેટલીક તપાસે કરી. રિપોર્ટ માટે બ્લડ લીધું. કેટલાક ઇન્જેક્શન આપ્યા ને આરામ કરવાનું કહી ચાલ્યા ગયા.
રૂમની બહાર જઈને ડોક્ટરે પૂછ્યું, " પેશન્ટનાં હસબન્ડ ક્યાં ગયા..? " ડોકટર શશાંકને અભિલાષાનો હસબન્ડ સમજતા હતાં. ડોકટરની વાત સાંભળીને સૌ એક બીજા સામે જોવા લાગ્યા.
" પેશન્ટનાં પેરેન્ટ કોણ છે ?" ડૉક્ટરે ફરી પૂછ્યું તો ત્યાં ઉભેલા બધા વૃદ્ધો આગળ આવ્યો અને બોલ્યા, " બોલો સાહેબ..! અમારી અભિલાષા જલ્દીથી સાજી તો થઈ જસે ને ? તેનાં વિના અમે અનાથ બની જઈશું. "
" તમારા લોકોની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે સમજો. તેની તબિયત ઘણી સુધારા પર છે. જો તેનાં બધા રિપોર્ટ્સ નોર્મલ આવશે તો કદાચ કાલ સુધીમાં તેને ડિસ્ચાર્જ પણ કરી દઈશું. પણ તે પહેલાં તમારે રિપોર્ટ અને બીજી મેડિસિનનો ખર્ચ ભરવો પડશે." આટલું કહેતા ડૉક્ટરે બીલ સામે ધર્યું. તો તરત જ શશાંક અને અભિલાષાની ઓફિસમાં કામ કરતા યુવાનો એક સાથે બીલ લેવા આગળ આવ્યા.
બાકીના બધા તો એકબીજાને જાણતા હતાં પણ શશાંક તે બધામાં નવો હતો. બધા શશાંક સામે જોઇ રહ્યા હતાં ત્યારે એક વૃદ્ધાએ પૂછી લીધું, " દીકરા..! તુ કોણ છે ? આટલાં વર્ષોમાં તને તો અમે ક્યારેય જોયો નથી. તને જોઇ અભિલાષાના ચહેરા પર પણ લાલી આવી ગઈ હતી."
" હું..? હું અભિનો..અભિનો બાળપણનો દોસ્ત છું. તેનાં અકસ્માતના સમાચાર સાંભળી અહીં આવ્યો છું. હું તેની દવાનો અને ટ્રીટમેન્ટનો બધો ખર્ચ ઉઠાવવા માંગુ છું. પ્લીઝ..! તમે કોઈ ના ના પડતાં. ઘણું અહેસાન છે અભિનું મારા પર, બસ એક વાર થોડું રુણ ચૂકવવાનો મને મોકો આપો..! પ્લીઝ..!" શશાંકે હાથ જોડી વિનતી કરતાં કહ્યું.
" અભિલાષાનું તો અમારા બધા પર ઘણું રુણ છે. તેને કદાચ અમે આ ભાવમાં તો નહીં જ ચૂકવી શકીએ. તે અમને તેનાં માતા પિતા...ભગવાન.. ભલે માનતી હોય, પણ ખરા અર્થમાં તો તે અમારા સૌનો ભગવાન બનીને આવી છે. જો તેને કંઈક થઈ જાય તો અમે સૌ અનાથ થઈ જઈએ." એક દાદાએ કહ્યું.
અભિલાષા વિશે આવી વાતો સાંભળીને શશાંકની આંખોમાં આંસુ આવી ગયા." મને ગર્વ છે મારી અભિ પર..મને ગર્વ છે મારા પ્રેમ પર..!" આંસુ લુચ્છતા મલકાઈને શશાંક મનમાં જ બોલ્યો અને ત્યાંથી તે બીલ ભરવા ગયો.
સાંજ થઈ ગઈ હતી. આજની રાત હજુ અભિલાષાને હોસ્પિટલમાં જ રાખવાની હતી. રાત્રે માત્ર બે જ વ્યક્તિ તેની પાસે રહી શકે. બાકીનાએ જવું પડશે. નર્સના સ્ટ્રિકટ શબ્દો સાંભળીને ત્યાં હાજર એક દાદીનો હાથ પકડીને વિનતી કરવા લાગ્યો, " દાદી..પ્લીઝ..! મને અહીંથી જવાનું ન કહેતા.. પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ..!" દાદીએ હસીને મોઢું હલાવ્યું.
" હું ને શશાંક અભિલાષા પાસે રહીએ છીએ. બાકીનાં ઘરે જાઓ. સવારે આવજો."
" પણ દાદી, આ છોકરાં ને કોઈ સરખી રીતે ઓળખતું પણ નથી ને..! મેમ ને કંઈક થઈ ગયું ને કંઈક જરૂર પડશે તો. ? હું ગઈ કાલ રોકાયો હતો. હોસ્પિટલના દરેક એરિયાથી હું વાકેફ છું. હું અહીં રહું છું. આ છોકરાંને મોકલી દો. " થોડા ઉગ્ર થઈ એક યુવાને કહ્યું.
" દીકરા..! તુ ગઈ કાલનો ઊંગ્યો નથી. આજ તુ ઘરે જા, આરામ કર. તને પણ આરામની જરૂર છે. કંઈ પણ જરૂર પડશે તો અમે તને જ બોલાવી લઈશું." દાદીના વ્હાલભર્યા શબ્દો આગળ તે યુવાન કંઈ ન બોલી શક્યો ને તે ત્યાંથી ચાલ્યો ગયો.
To be continue