" આ તે કેવી વિમાસણ પ્રભુ..? મને અને શશિને એક કરવા જ નહોતા તો અમને મળાવ્યા જ કેમ..? અમારી વચ્ચે પ્રેમ થયો જ કેમ ?" શશિની ચિઠ્ઠીને છાતીએ લગાવી અભિલાષાએ થોડું રડી લીધું. થોડીવાર થઈને તે સ્વસ્થ થઈ. બાજુમાં પડેલી કોલડ્રિન્કની બોટલ ખોલી તેને ગટગટાવી ગઈ. ત્યાં ટ્રાવેલ આંચકા સાથે ચાલુ થઈ.
અભિલાષાએ શશાંકનો નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યો. તેને મેસેજ કરવો કે નહીં ? તે બાબતે હજુય અભિલાષા મૂંઝવણ અનુભવતી હતી.
"શશિને કૉલ કરું..? જીવનસાથી ના સહી મિત્રો બનીને તો સાથે રહીએ..! પણ..ના ના..! મિત્ર બન્યાં પછી ભૂલથી અમે ફરી નજીક આવી ગયા ને મારાથી તેના પ્રત્યેની લાગણી વ્યક્ત થઈ ગઈ તો. ? શશિના તો લગ્ન થઈ ગયા છે. મારે મારી લાગણીઓ, તેના પ્રત્યેનો પ્રેમ તેની સામે વ્યક્ત ન કરવો જોઈએ. તેના જીવનમાં ભંગાણ પડશે. તે મને પણ મેરિડ સમજે છે. જો ભૂલથી પણ તેને ખબર પડશે કે હું તેની રાહ જોતી હજુયે કુંવારી છું તો તે ગીલ્ટી ( પછતાવો ) ફિલ કરશે. અને તેની અસર તેના લગ્ન જીવન પર પણ પડી શકે છે. ના ના મારે શશિથી દૂર જ રહેવું જોઈએ.એમાં જ તેની ભલાઈ છે. મારું તો શું છે..સાત વર્ષ તેનાવિના કાઢી નાખ્યા. બાકીના પણ નીકળી જશે." મોબાઈલમાં શશાંકનો નંબર ડાયલ કરતાં આવો વિચાર આવતાં, રિંગ વાગે તે પહેલાં જ અભિલાષાએ ફોન કાપી દીધો.
થોડીવાર બસ તે એમ જ બેસી રહી. પછી જાણે શુ થયું ફરી મોબાઈલ હાથમાં લીધોને વોટ્સએપ પર શશાંકનો કોન્ટેક્ટ નંબર ખોલી શશાંકનું ડી.પી. જોવા લાગી.
" ઓહ. ! હેન્ડસમ..! આજ પણ તું પહેલાં જેટલો જ હેન્ડસમ લાગે છે..! મને એમ હતું કે ડી.પી.માં કદાચ એ ખુશનસીબ સ્ત્રી દેખાઈ જાય જેને તારા જેવો હેન્ડસમ એન્ડ કૅરિંગ હસબન્ડ મળ્યો છે. પણ અહીં તો તું જ દેખાયો...! શશિ..! તું બિલકુલ ચિંતા ન કર. હું તારા જીવનમાં મૂંઝવણ બનીને નહિ રહું. તારો સંપર્ક હું ક્યારેય નહીં કરું..! તારાથી ઘણી દૂર જતી રહીશ. " શશાંકના ડી.પી.પર હાથ ફેરવતાં અભિલાષાએ કહ્યું ને ઊંડો શ્વાસ લઈને મોબાઈલ બંધ કરી જીન્સના ખિસ્સામાં મૂકી દીધો. તે લાંબી થઈ બસ સુવા જતી હતી ત્યાં પુર ઝડપે દોડતી ટ્રાવેલમાં આંચકો લાગ્યો. એક નહિ..બે ત્રણ જગ્યાએ અથડાઈને ટ્રાવેલ પલટી ખાઈ ગઈ. અડધી રાતની નીરવ શાંતિ ક્ષણવારમાં તો બૂમાબૂમ અને ચિસોમાં ફેરવાઈ ગઈ.
સવારનો સમય હતો. શશાંક તેની હોટેલ પર તેના રૂમની ગેલેરીમાં એક હાથમાં કોફીનો મગ ને બીજા હાથે ન્યૂઝ પેપરના પાના ઉલ્ટાવતો બેઠો હતો ત્યાં તેના મોબાઈલમાં રિંગ વાગી. કોફીનો મગ મૂકી તેણે ફોન ઉઠાવ્યો.
" હેલો..કોણ..?" અનનોન નંબર પરથી આવેલ કોલ રિસીવ કરતાં શશાંકએ પૂછ્યું.
સામેથી આવેલ જવાબ સાંભળીને શશાંક ઉભો થઇ ગયો. તેનો ગભરાયેલો ચહેરો સાફ કહેતો હતો કે કંઈક અજુકતું થયું છે.
" હું હમણાં જ ત્યાં પહોંચું છું." આટલું બોલી શશાંકએ ફોન મુક્યોને ગાડીની ચાવી લઈને ભાગ્યો. ટૂંક સમયમાં શશાંક જે સ્થળે અભિલાષાની ટ્રાવેલને અકસ્માત થયો હતો તે સ્થળે પહોંચી ગયો. ત્યાં જઈ તેણે જે ભયાનક દ્રશ્ય જોયું, તેની આંખોમાં પાણી આવી ગયું.
" મારી અભિ..અભિ ક્યાં છે..? અભિલાષા..! કયાં છે તું..?" આમથી તેમ ઘાયલ વ્યક્તિઓમાં શશાંક અભિલાષાને શોધી રહ્યો હતો. તેના વ્યાકુળ ને ગભરાયેલા ચહેરા પરથી સાફ દેખાઈ આવતું હતું કે હજુએ તે અભિલાષાને કેટલો પ્રેમ કરતો હતો.
વહેલી સવારનું દ્રશ્ય હતું. લીલાછમ વૃક્ષોના કારણે આહલાદક અને સુંદર લાગતા વાતાવરણમાં ભૂકો થઈ ગયેલ ટ્રાવેલને તેની આસપાસ લોકોનો દર્દભર્યા અવાજોથી આખોય માહોલ ગંભીર ને બિહામણો બની ગયો હતો. એક એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને હોસ્પિટલ રવાના થઈ ગઈ હતી. બીજી એમ્બ્યુલન્સમાં બાકીના દર્દીઓને લઈ જતા હતા. શશાંક બેબાકળો બની આમથી તેમ અભિલાષાને શોધતો હતો ત્યારે કોઈએ કહ્યું કે કેટલાક દર્દીઓને એક એમ્બ્યુલન્સ નજીકના હોસ્પિટલમાં લઈ ગઈ. તમે જેને શોધો છો તે કદાચ હોસ્પિટલમાં હોય..!
તેનાં કહેવા મુજબ શશાંક હોસ્પિટલ ગયો. જનરલ વોર્ડમાં ઘણા દર્દીઓની સારવાર થઈ રહી હતી. એક એક બેડ પર નજર કરતો કરતો શશાંક અભિલાષા પાસે પહોંચ્યો. બેભાન અવસ્થામાં ઘાયલ અભિલાષાને જોઈને શશાંક ભાંગી પડ્યો. આકુળવ્યાકુળ થઈ શશાંક દોડતો ડોકટર પાસે ગયો ને અભિલાષાને જનરલ વોર્ડમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરાવી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી.
🤗 મૌસમ 🤗