આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું છે. બાકી પ્રિતમ સાથે મારી આવી કોઈ વાત જ નહોતી થઈ. આ બધું જોઈ મને એક આશા બંધાઈ કે પિંક શેરવાનીમાં શશાંક જ બેઠો છે. આ એક માત્ર વિચારથી મારી ખુશીનો પાર ન રહ્યો. મારા ઉદાસ ને ગમગીન ચહેરા પર મુસ્કાન જોઈ મારા પપ્પા મારી સામે જોઈ હસવા લાગ્યાં.
કન્યા પધરાવો સાવધાન..! પંડિતજીના આ વાક્યની રાહ જોતી જ હતી. હું ઉતાવળે પગલે મંડપમાં પહોંચી. એકબીજાને હાર પહેરાવી અમે ખુરશીમાં બેઠા. પંડિતજી મંત્રોચ્ચાર કરે જતાં હતાં.
" ઓય..! તેં મને કીધું નહિ કે તું અહીં આવી ગયો છે..!" મેં કોણી મારીને પૂછી લીધું.
" લે..એમાં કહેવાનું શું હોય. કેમ..? તને ખબર નહોતી કે હું અહીં આવવાનો છું તને પરણવા..? પંદર દિવસથી કંકોત્રી છપાઈ ગઈ છે ને આખા ગામને ખબર છે ને તું લગ્નના મંડપમાં મને આવા સવાલ પૂછે છે. પીધો તો નથી ને ?" પ્રિતમનો અવાજ સાંભળી હું તો ભડકી.
" ઓહ..ગોડ..! આ તો શશિ નથી પ્રિતમ જ છે. હે પ્રભુ..! પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ યાર આ લગ્ન ન થવા દો. ભગવાનજી.. પ્લીઝ યાર.. શું કામ મારી જિંદગીની વાટ લગાડવા બેઠાં છો. હવે તમે જ કંઇક કરી શકો છો. પ્લીઝ પ્લીઝ પ્રભુ..! આ લગ્ન અટકાવો." ભગવાનને હું પ્રાર્થના જ કરતી ઘૂંઘટમાં રડે જતી હતી.પંડિતજી મંત્રોચ્ચાર કરતાં હતા. જાનૈયાઓ જમવામાં મગ્ન હતા ને નજીકના સગાઓ સાજ શૃંગાર કરી લગ્નની મજા માણી રહ્યાં હતાં ત્યારે મંડપ પાસે આવી એક યુવતી મોટેથી બોલી, " આ લગ્નને રોકો કોઈ..!"
આ વાક્ય સાંભળતાં જ મને થયું ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. પણ સાથે પ્રશ્ન થયો કે આ સ્ત્રી મારાં માટે દેવદૂત બનીને કેમ આવી છે. તેનો અવાજ સાંભળીને તરત જ હું ઊભી થઈ ગઈ. સગા સંબંધીઓ તે યુવતીને ઘેરીને સવાલ પર સવાલ કરવાં લાગ્યાં. એકીસાથે બધાનાં સવાલ સાંભળીને તે યુવતી ગભરાઈ ગઈ.
" ચૂપ થઈ જાઓ બધાં. પંડિતજી થોડીવાર આપ મંત્રોચ્ચાર બંધ કરો. આપ લગ્નગીતો ગાવાનું થોડીવાર બંધ કરો. " ઊભી થઈ હું લગ્ન મંડપમાંથી તે યુવતી પાસે આવી ઊભી રહી.
" બોલ, બહેન..! શું થયું ? કેમ તારે આ લગ્ન રોકવા છે ?" મેં તે યુવતીને પૂછ્યું. એટલામાં પ્રિતમ દોડતો મારી પાસે આવી બોલ્યો, " અરે, એને જવાદે.. નકામો બકવાસ કરે છે..!"
" હું નકામો બકવાસ કરું છું ? ત્રણ ત્રણ વર્ષના આપણાં સંબંધો નકામાં હતાં ? જાનું..જાનું..કરી મારી આગળ પાછળ ફરતો. છેલ્લા બે વર્ષથી મારી સાથે બોમ્બેમાં લીવ ઇનમાં રહ્યો અને જ્યારે હું પ્રેગ્નન્ટ છું તે ખબર પડી એટલે ભાગીને અહીં આવી ગયો ? અને લગ્ન પણ..!" તે યુવતી બોલતાં બોલતાં રડી પડી.
" આ જૂઠું બોલે છે પપ્પા..! આ છોકરી મને ફસાવે છે. તમે કોઈ આની વાતોમાં ન આવતાં."
" મને ખબર હતી કે તું મારી વાત નહિ જ માને..! આથી બધાં સબૂત સાથે લઈને આવી છું. આ જુઓ ફોટા..! " તે યુવતીએ મોબાઈલમાં ફોટા, વોટ્સએપ ચેટિંગ અને ફોન પર કરેલી વાતોની ઓડિયો ક્લિપ બધું બધાને બતાવ્યું. આ જોઈ ગોરધન અંકલે પ્રિતમને જોરથી એક તમાચો લગાવી દીધો.
" સાલા..! સમાજમાં તેં તો મારું નાક વઢાવ્યું. આટલું બધું થઈ ગયું ને તે અમને જાણ પણ ન કરી ? આ છોકરીની જિંદગી બરબાદ કરી હવે અભિલાષાની જિંદગી સાથે ખેલ ખેલવા ઉપડ્યો છે. મને તારાં પર કેટલું અભિમાન હતું કે મારો દીકરો એરફોર્સમાં જોબ કરે છે. જયારે તેં તો આજ મારું માથું શરમથી નીચું કરી દીધું છે." આટલું કહી તેના પપ્પા એટલે કે ગોરધનકાકા રડવા લાગ્યાં.
To be continue
🤗 મૌસમ 🤗