BHAV BHINA HAIYA - 26 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 26

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 26

" ગુસ્સે ન થાઓ મારા પર..! હવે લગ્ન કરવાનું નક્કી કરી જ દીધું છે તો ખુશી ખુશી લગ્ન કરો બેબીજી..! ભગવાને આટલી સરસ જિંદગી આપી છે તો તેની કદર કરો અને ખુશીથી જીવો.!" શશિકલાએ મને કહ્યું.

" ઓકે..! હું આવું છું તૈયાર થઈ..જઈએ શોપિંગ કરવાં."

હું તૈયાર થઈને બહાર આવી તો ઘર આંગણે રીક્ષા આવીને ઉભી હતી. મને થોડી નવાઈ લાગી. પણ પછી હું કંઈ પણ બોલ્યા વિના રીક્ષામાં ગોઠવાઈ. અમે કપડાંની દુકાને ગયા.

" મને કંઈ સમજાતું નહોતું કે હું શા માટે શોપિંગ કરું..? કેમકે હું શશિ ને ચાહતી હતી. પણ તે તો વગર કંઈ કહ્યે મારાથી દૂર થઈ ગયો હતો. પપ્પાની ઈચ્છાથી પ્રીતમ સાથે લગ્ન કરવા તૈયાર તો થઈ પણ લગ્ન કરવા માટે મારું મન સહેજે માનતું નહોતું. હું મારી સાથે પ્રીતમને પણ અન્યાય કરી રહી હતી." આમ વિચારોમાં હું ખોવાયેલી હતી ત્યાં શશિકલા લાઈટ પિંક કલરનો સૂટ લઈ આવી.

" બેબીજી..! લગ્નના દિવસે તમે આ સૂટ પહેરજો. તમને આ બહુ જ સરસ લાગશે." શશિકલાએ સૂટ બતાવતાં મને કહ્યું. સૂટ જોઈ મને શશિ યાદ આવી ગયો. તેની સાથે લગ્ન કરવાના સપના જોયેલાં, તેમાંનું એક સપનું હતું લાઈટ પિંક કલરનો લગ્નનો સૂટ..તેની યાદ આવતાં મનમાં ડૂમો બંધાઈ ગયો. મારી આંખો છલકાઈ ગઈ.

" શું થયું બેબીજી..? તમે રડો છો..! કેમ..? ખુશીના અવસરે આંખોમાં આંસુ ન શોભે." તેણે તેના સાડીના પાલવથી મારા આંસુ લૂછયા. તેના આવા વ્યવહારથી મને મારી માતા જેવી હૂંફ મળી. થોડીવારે હું સ્વસ્થ થઈ.

" મારે આ લાઈટ પિંક સૂટ નથી લેવો. બીજો બતાવો..!" દુકાનદારને મેં કહ્યું. દુકાનદારે પહેલા જ મરૂનરંગનો સૂટ કાઢ્યો. બહુ સામાન્ય અને સાધારણ હતો.

" શશિકલા..! આ સૂટ લઈ લો."

" પણ બેબીજી..! લાઈટ પિંક સૂટ તમારા પર.." તે બોલે જતી હતી ને હું બિલ ચુકવવા કાઉન્ટર પર પહોંચી. બીજી કેટલીક શોપિંગ કરી ત્યાં શશિકલા બોલી, " બેબીજી..! તમને ભૂખ નથી લાગી..?"

" ના..નથી લાગી."

" પણ મેં તો સવારનું નથી ખાધું. તો મને બહુ ભૂખ લાગી છે." ખચકાતા ખચકાતા શશિકલાએ કહ્યું.

" શું ખાવું છે તમારે..? શું ભાવે તમને..?"

" મને તો બધું ભાવે છે પણ જો તમે મારી સાથે ખાતા હોય તો આજ મને મૉમોઝ ખાવાનું મન થયું છે."

" મૉમોઝ..! તમને પણ મૉમોઝ બહુ ભાવે..? મૉમોઝ તો મારાં પણ ફેવરિટ છે. ચાલો એક મસ્ત જગ્યાએ લઈ જાઉં ત્યાં મૉમોઝ બહુ ટેસ્ટી મળે છે." અમે બન્ને મૉમોઝ ખાવા ગયા ને બે પ્લેટ મેં ઓર્ડર કરી.

" બેબીજી..! તમે અહીં પહેલાં પણ આવી ગયા લાગો છો..!"

" હા, ઘણીવાર..! હું ને શશિ...!" હું બોલતા બોલતા અટકી ગઈ.

" શશિ..?"

" શશિકલા..! હું છું ને શશિકલા..! ખાવાની થોડી ઓછી શોખીન છું પણ મૉમોઝ મને ભાવે એટલે મિત્રો સાથે ક્યારેક આવતી." વાત ફેરવતાં મેં શશિકલાને કહ્યું. હું ને શશિકલા મૉમોઝ ખાવા લાગ્યા.

" શશાંક...! કયાં છે તું..? આઈ મિસ યુ યાર..! તારા વિના આ મૉમોઝ પણ મોઢામાંથી ઉતરતો નથી ને ગોળ ગોળ ફરે જાય છે. તને કેવીરીતે કહું કે હું તને કેટલો મિસ કરું છું..? પ્લીઝ મારી પાસે આવી જા..!" મને શશિ યાદ આવતાં મૉમોઝ ખાતાં ખાતાં મારી આંખોથી આંસુ વહેવા લાગ્યાં. શશિકલાનું ધ્યાન મારી આંખો પર ન જાય એટલે તુરંત નીચું જોઈ મેં મારા આંસુ લૂછયા. ત્યાં જ...

" હિચ્ચ..હિચ..હિચ્ચ..!" અવાજ આવવા લાગ્યો.

" શું થયું શશિકલા..!" મેં પૂછ્યું.

" હીંચકી આવે છે..!"

" લો આ પાણી..! અને યાર આટલો મોટો ઘૂંઘટ તાંણવાની જરૂર નથી. અહીં તમને કોઈ નથી ઓળખતું." ઘૂંઘટ નીચે પાણીનો ગ્લાસ લઈ જઈને તેણે પાણી પીધું ને પછી બોલી.

" ના..! ઘૂંઘટ તો અમારી લાજ કહેવાય..! અમારાં પતિ સિવાય અમે અમારો ચહેરો કોઈને ન બતાવીએ."

" તમારા લગ્ન થઈ ગયાં છે..?"

" ના રે ના..તમને કેમ એવું લાગ્યું બેબીજી..?"

" તો તમારા લગ્ન નક્કી થઈ ગયા છે..?"

" ના બેબીજી..! મારા કોઈ લગ્ન નક્કી થયા નથી."

" તો તમે અત્યારે કોની સાથે રહો છો..?"

" હું..હું અત્યારે..! હું અત્યારે..! અરે હા, મિત્રો સાથે.."

" મિત્રો સાથે..? તમારે અહીં મિત્રો પણ છે..?"

" મિત્રો એટલે સખીઓ...સખીઓ સાથે રહું છું. હા આ બરાબર છે..!

" શું બરાબર છે..?"

" અરે બેબીજી..! કેટલા સવાલ કરશો..? અંધારું થવા આવ્યું છે. મારે તમને ઘરે પહોંચાડીને મારે પણ ઘરે જવાનું છે ને ?" શશિકલા બોલે જતા હતા ને હું તેઓની સામે જોઈ રહી હતી ત્યાં એ ફરી બોલી, " મારા ઘરે મતલબ મારી સખીના ઘરે..!"

" ઇટ્સ ઓકે શશિકલા..! હું સમજી ગઈ. તમારે દરેક વાત બે વાર કહેવાની જરૂર નથી."

રિક્ષામા બેસી અમે બંને ઘરે ગયા.

To be continue...

🤗 મૌસમ 🤗