Sorthi Baharvatia - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | સોરઠી બહારવટિયા - સમીક્ષા

Featured Books
Categories
Share

સોરઠી બહારવટિયા - સમીક્ષા

પુસ્તકનું નામ:- સોરઠી બહારવટિયા 

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત પુસ્તક હતું. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમિકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમના પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ ગ્રંથ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

 

પુસ્તક વિશેષ:- 

પુસ્તકનું નામ : સોરઠી બહારવટિયા 

લેખક : ઝવેરચંદ મેઘાણી 

પ્રકાશક : નવરત્ન એન્ટરપ્રાઇઝ

કિંમત : 350 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 416

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. મુખપૃષ્ઠ પર પહાડોની‌ વચ્ચે બંદૂક હાથમાં લઈને ઉભેલા બહારવટિયાનો ફોટો અંકિત છે. બેક કવર પેજ પર ઝવેરચંદ મેઘાણીએ આપેલી ટૂંકી પ્રસ્તાવના છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

સોરઠી બહારવટિયા માં તેર બહારવટિયાના વૃતાન્તો છે અને એ પણ તેઓની કાળી-ઉજળી બંને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના- પ્રસંગોની રજૂઆત કરવાનો આશય છે. ભવિષ્યના કોઈ ઇતિહાસકાર માટે આ એક માર્ગદર્શનરૂપ છે. રાજસત્તાઓના દફતરોમાં ફક્ત એકપક્ષી અને તે પણ નજીવો જ ઈતિહાસ છે, લોકકંઠની પરંપરામાં બહુરંગી ને છલોછલ ઈતિહાસ છે. પ્રજા માર ખાતી, લુંટાતી, પીડાતી છતાં તેમની જવાંમર્દી ન વીસરતી. એ હત્યારાઓની નેકી પણ આફરીન હતી. બહારવટિયાની કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દ્રષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાએ એ મહત્તાની ચિરંજીવી મુખ નોંધ રાખી લીધી. 'રસધાર'માં છૂટક છૂટક બહારવટીયા આલેખાતા આવે છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દૃષ્ટિ છે. તમામ બહારવટીયાની-અને એ પણ તેઓની કાળી-ઉજળી બન્ને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના-પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથોસાથ નિદ્ય ચરિત્રદોષોની પણ રજૂઆત કરવાનો લેખકનો આશય છે. 

બહારવટાનો ખરો યુગ અઢારમી સદીના અસ્ત સમયથી આરંભાયો, આખી ઓગણીસમી સદી ઉપર પથરાઇ રહ્યો, ને વીસમી સદીની પહેલી વીસીમાં જ ખલ્લાસ થઇ ગયો. એનો છેલ્લો પ્રતિનિધિ રામ વાળો હતો. તે પછી રહી છે ફક્ત ચોરી ને લૂંટફાટ. 

 

શીર્ષક:- 

બહારવટીયો એટલે કોઈ પણ રજવાડાંનો સામાન્ય માનવી અથવા રાજની સાથે સંકળાયેલ કોઈ પણ પસાયતો, અમલદાર, ગરાસિયો કે સામાન્ય માણસ. એને જ્યારે સામસામે વાંધો પડે અને તેમાંથી તે નિયમ કે પ્રતિજ્ઞા કરી, રાજના કાયદાની અવગણના કરે. રાજસત્તાની સામે પોતાની વાત વાજબી છે તેવું ઠરાવવા, પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા ઘરબાર છોડી, પોતાનાં વિશ્વાસુ સાગરિતો સાથે બહારની વાટ પકડે તે બહારવટીયો. પોતે રાજની સામે વેર વાળવા અન્યાય ના અંત સુધી અથવા પોતાના અંત મૃત્યુ સુધી સફળ કે નિષ્ફળ પ્રયાસ કરે તે બહારવટીયો. અહીં આવા બહારવટિયાઓની જીવનકથાઓ આલેખવામાં આવી છે આથી 'સોરઠી બહારવટિયા' એ શીર્ષક સર્વથા યથાર્થ છે.

 

પાત્રરચના:-

ભીમો જત, બાવા વાળો, ચાંપરાજ વાળો, નાથો મોઢવાડિયો, વાલો નામોરી, જોગીદાસ ખુમાણ, જોધો માણેક, જેસાજી વેજાજી વગેરે જેવા પાત્રોની વચ્ચે આકાર લઈ રહેલી આ વાર્તાઓના પ્રસંગો એક પછી એક એવા ગૂંથાઈ ગયેલા છે કે આપણને વાર્તાઓ અધવચ્ચે મૂકવાનું મન ન થાય. આ આખી વાર્તાઓ માતૃભારતી પર ઉપલબ્ધ છે, વાંચો અને વંચાવો..

 

સંવાદો/વર્ણન:-

બરડા પર્વતનું વર્ણન મેઘાણીએ જે કર્યું છે: 

એમ બસો મકરાણીને ત્રીસ ત્રીસ કોરીને પગારે રાખી લઈને બારવટાના નેજા સાથે નાથે બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે પોતાની ટચલી આંગળીના લોહીથી ત્રિશુળ તાણીને વાસ્તુ લીધું. પોલો પાણો નામની એક ગુફા છે. જાણે બારવટીયાને ઓથ લેવા માટે જ પ્રભુએ સગે હાથે બાંધેલી એ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો હાલતો, ધરતી માતાના બરડાની કરોડ સરખો, અને કોઇ કોઇવા૨ પરોડીએ તો જાણે સોડ્ય તાણીને સુતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો, પોતાની મહા કાયા લંબાવીને પોરબંદર અને નગર, બન્ને રાજની હદમાં પડ્યો છે. પ્રેમ અને શૂરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભપરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે. ઘુમલીનાં દેવતાઇ ખંડેરો પણ હજી ત્યાં પડ્યાં પાથર્યાં દેખાય છે. હલામણની સોનનાં આંસુડાં ત્યાં જ છંટાણા છે. 

 

સંવાદોમાં મેઘાણીની માસ્ટરી છે. કેટલાક ખૂબ ગમી ગયેલા વાક્યો:

“કાઠીના પેટનો થઈને મને મારૂં એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ ? મને પણ તું જેવો જ માન્યો ?”

“ છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.”

“તમારે કરવું હોય તી કરજો. હું તાં તમારી નામરદાઈમાં નહિ ભળું.”

“રંગ છે આરબની જનેતાને.એનો ધાવેલો તો જરૂર પડ્યે ઉભા ને ઉભા કરવતે પણ વેરાઈ જાય ને ! ”

“વરતું કેમ નહિ જોગીદાસ ખુમાણ ! કાઠીયાવાડમાં તો તારૂં ગળું ક્યાં અજાણ્યું છે ? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય, તો પછી તારા વિલાપ કેમ ન વરતાય ?”

 

લેખનશૈલી:-

કથાઓની ભાષા પ્રાચીન ગુજરાતી ટાઈપની છે, છતાં સમજવામાં સરળ છે. મેઘાણીની શૈલી ‘રસધારી’ છે ને સામગ્રી લોકજીવનની છે; પણ કલ્પિત નથી, સ્થાનિક ઇતિહાસની છે. હવે તો બધી જ બહારવટિયાકથાઓ એક ગ્રંથમાં (સંકલિત આવૃત્તિ 1997; સં. જયંત મેઘાણી) મળે છે. મેઘાણીની મન-અંતરની છબિ એમના જ શબ્દોમાં સંકલિત થઈને સાહિત્ય સ્વરૂપે મળે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

મેઘાણી પ્રમાણે, 'પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ પકડે એનું નામ બહારવટીઓ.'

ગુજરાતમાં બહારવટિયાઓનું પ્રભુત્વ એટલું હતું કે કિનકેઇડ નામના અધિકારીએ 'આઉટલૉઝ ઑફ કાઠિયાવાર' નામનું પુસ્તક લખ્યું હતું. બહારવટિયાઓને અંગ્રેજીમાં 'આઉટલૉઝ' કહેવામાં આવે છે.

આ પુસ્તકના જવાબમાં મેઘાણીએ બહારવટિયાઓનો ઇતિહાસ લખ્યો છે એવો મત ઘણા વિવેચકોએ પ્રગટ કર્યો છે.

ભરત મહેતા કહે છે, "બહારવટિયાઓ ગુનાખોરી કરતા હતા, પણ એની સાથે-સાથે એમની અંદર એક વૅલ્યૂ સિસ્ટમ કામ કરતી હતી."

"રવિશંકર મહારાજ આંકલાવના ગામોમાં આ બહાવટિયાઓને સમજાવવા જતા ત્યારે બહારવટિયા કહેતા કે શેઠોએ કેદ કરેલી લક્ષ્મીને અમે છોડાવીએ છીએ, લક્ષ્મી ચંચળ હોય છે અને અમે એને મુક્ત કરાવીએ છીએ."

"એટલે જ તો રવિશંકર મહારાજ આ કોમના લોકોને સુધારવા માટે ઊતર્યા હતા."

બહારવટે ચડેલા માણસના તથા તેના સાગરીતોને માટે કેટલાક મહત્ત્વના અલિખિત નિયમો હતાં. અને તે સ્વયંભૂ રીતે અને પોતાની માન્યતા પ્રમાણે કે પોતાના ધર્મ પ્રમાણે હોય છે.

અત્યાર સુધીના થયેલા બહારવટીયાના જીવનમાં ડોકિયું કરતાં તેઓ કેટલાક નિયમો પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી પાળે છે તેવું દેખાય છે. તેમાં "સ્ત્રી જાતિનું સંપૂર્ણ સન્માન", "દયા દાન", "દેહ દમન" એટલે કે પોતાના શરીરને આપવામાં આવતું કષ્ટ. વગેરે જેવા મહત્વના નીતિ વિષયક નિયમો પાળતા હોય છે. અને એ નિમય પાળવાથી જ પોતે રાજની સામે વેર વાળવા ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે એવી એની માન્યતા રહેલી હતી. ઘણી વખત મુખ્ય બહારવટીયાથી કોઈ પણ ગરીબ લોકો સાથે અન્યાય પૂર્વક વ્યવહાર થયો હોય કે કોઈ પણ ની બહેન દીકરી પ્રત્યે ગેરવર્તણૂક થઈ હોય, અથવા પોતાના જ સાગરીતે ભૂલ કરી હોય ત્યારે તે પોતાને કે પોતાના વફાદાર સાગરિત ને સજા કરતાં અથવા મૃત્યુદંડ દેવામાં અચકાતા ન હતા.

 

મુખવાસ:-

બહારવટિયાઓના શૌર્ય જીવનની ગાથા એટલે સોરઠી બહારવટિયા