Vaishnvo ને vahala Vallabhachary in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વૈષ્ણવોને વ્હાલાં વલ્લભાચાર્ય

Featured Books
Categories
Share

વૈષ્ણવોને વ્હાલાં વલ્લભાચાર્ય

વલ્લભાચાર્ય જયંતિ

જેમણે રચેલું અધરમ મધુરમ વદનમ મધુરમ’ પંક્તિઓ વાળું મધુરાષ્ટકમ અતિ પ્રસિદ્ધ છે. તેવા વૈષ્ણવજનના વહાલા, પુષ્ટિમાર્ગના પથપ્રદર્શક અને બ્રહ્મ સંબંધથી જીવને પ્રભુ સાથે જોડનાર મહાપ્રભુજી એટલે શ્રીમદ્ વલ્લભાચાર્ય. મહાપ્રભુજીશ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય સંવત 1535 ના ચૈત્ર વદ એકાદશીના પવિત્ર દિવસે મધ્યપ્રદેશના રાયપુર ચંપારણ્ય પાસે થયું હતું. વિદ્વાન ભારદ્વાજ ગોત્રી દક્ષિણભારતના તેલંગ પ્દેશના બ્રાહ્મણ શ્રીલક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલ્લમાગારુજીના કૂખેથી તેમનું પ્રાગટ્ય થયું હતું. પૂર્વ માન્યતા મુજબ જે 100 સોમયજ્ઞ પૂર્ણ કરે તે કુળમાં મહાવિભૂતિનો પ્રાદુર્ભાવ થાયછે,એ મુજબ શ્રીલક્ષ્મણ ભટ્ટ અને તેમના પૂર્વજોએ સો સોમયજ્ઞો પૂર્ણ કર્યા હતાં જેના ફળસ્વરૂપ આ દિવ્ય બાળકની પ્રાપ્તિ થઈ હતી.જેમનું નામ વલ્લભ રાખવામાં આવ્યું હતું. શ્રી વલ્લભાચાર્યરૂપે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું એમ કહેવાય છે.વેદની દીક્ષા લીધી હોવાથી તેમનું કુળ દીક્ષિત અને સોમયજ્ઞ કરનાર હોવાથી સોમૈયાજી કહેવાતું.

પંદરમી સદીમાં વલ્લભાચાર્યજીએ ભગવાનશ્રીવિષ્ણુના લીલાવતાર રસેશ્વર ઘનશ્યામ શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખી શ્રી વૈષ્ણવસંપ્રદાય પ્રવર્તિત કર્યો.વેદાન્તી શુદ્ધાદ્વૈત અને પુષ્ટિમાર્ગની સ્થાપના કરીને તેનો પ્રચાર પ્રસાર કર્યો. તેમણે બનારસમાં રહીને નાની ઉંમરમાં વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ખુલ્લા ચરણે ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ્ ભાગવતની કથા અને પારાયણ કર્યા. જ્યાં ચોર્યાસી ભાગવત પારાયણ કરી હતી. તે સ્થાન આજે પણ ચોર્યાસી બેઠકના નામથી જાણીતા છે. દક્ષિણભારતના ઉદયનગરના રાજા કૃષ્ણદેવરાયની નગરીમાં વલ્લભાચાર્ય તીર્થયાત્રા દરમિયાન આવ્યા હતા. ત્યાં બધા પંડિતો અલગઅલગ વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બૃહદતત્ત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કરી ગાગા ભટ્ટ અને સોમેશ્વર જેવા પંડિત સાથે ઘણા દિવસો સુધી ચર્ચા કરી. સભાપતિએ તેમને વિજયી ઘોષિત કાર્ય.રાજા તેમણે સુવર્ણઆસને બેસાડી કનપુષ્ટિકાભિષેક કર્યો. શ્રીવલભાચાર્યના વિચારોને યોગ્ય માનીને તેમને ‘જગદગુરુ શ્રીમહાપ્રભુજી’ ની પદવીથી વિભૂષિત કાર્ય હતા.

શ્રીમહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતોને પુષ્ટિમાર્ગએવું નામ આપ્યું. પુષ્ટિનો અર્થ થાય છે ભગવત કૃપા’. લોકોને શ્રીકૃષ્ણભક્તિની વિચારધારા આપી ભગવાન બાલકૃષ્ણની સેવા પૂજા આપી. આ સેવા સ્વીકાર કરનાર પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવ કહેવાય છે.

ગોકુલમાં ગોવિંદઘાટ પર તેમણે ભાગવત પારાયણ દરમિયાન વલ્લભાચાર્યને શ્રીજીબાવાએ સાક્ષાત દર્શન આપ્યા અને જે ગદ્ય મંત્ર આપ્યો તેને બ્રહ્મસંબંધઅર્થાત જીવને બ્રહ્મ સાથે જોડી આપવાનું કાર્ય છે.ત્યારબાદ શ્રીમહાપ્રભુજીએ અનેક લોકોને આ મંત્ર આપીને બ્રહ્મસબંધ કરાવ્યું. શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે આ મંત્રનો સ્વીકાર કરશે તે જીવનો હું અંગીકાર કરીશ.

વલ્લભાચાર્યના મુખ્ય બે સિદ્ધાંત છે: 1)પુષ્ટિભક્તિ : શ્રીકૃષ્ણ પોતાની ભક્તિની કૃપાથી ભક્તોને પોષે તે માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ..આ પુષ્ટિમાર્ગ શ્રીવલ્લભાચાર્યએ પ્રવર્તિત કર્યો.પ્રેમલક્ષણા ભક્તિથી બ્રહ્મસંબંધની દીક્ષા આપી જીવને બ્રહ્મ સાથે જોડવાનું કાર્ય કર્યું. ૨)શુદ્ધાદ્વૈત ; કેવળ અદ્વૈત એક જ બ્રહ્મ છે. જીવ અને બ્રહ્મ એક જ છે પણ માયાના આવરણથી અશુદ્ધ કલુષિત થાય છે,એ વાતનું ખંડન કરી,બ્રહ્મ માયારહિત શુદ્ધ છે એમ સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપિત કર્યો. તેમના મતે જગત મિથ્યા નથી,પણ સત્ય છે.

વૃંદાવન ઘાટે લગભગ છ માસ સુધી બિરાજીને શ્રીમહાપ્રભુજીએ સોળ ગ્રંથોની રચના કરી તેને ષોડશ ગ્રંથતરીકે ઓળખવામાં આવે છે. તેમણે રચેલા શ્રી યમુનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર, નવરત્નમ, શ્રી સિદ્ધાંત રહસ્યમ, શ્રી મધુરાષ્ટકમ, સુદર્શન કવચ વગેરે મુખ્ય સ્તોત્રો વૈષ્ણવોને સદા પ્રિય રહ્યા છે. વલ્લભાચાર્ય પછી તેમના પુત્ર વિઠલનાથે પિતાના જીવન કવનનું આલેખન કરતુ સર્વોત્તમ સ્ત્રોત રચ્યું છે.

૧૫૮૭ માં માત્ર ૫૨ વર્ષની વયે પોતાની જીવનલીલા સંકેલી લેનાર શ્રીમહાપ્રભુજીએ જે મહામંત્ર આપ્યો છે તે છેઃ શ્રીકૃષ્ણ શરણમ મમ. બ્રહ્મસંબંધના આ મહામંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.અને મોક્ષ મળે છે. મહાન વિભૂતિ એવા શ્રીકૃષ્ણના અવતાર સમ વલ્લભાચાર્યની જન્મ જયંતીએ સહુ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.. જય શ્રી વલ્લભ..