" નંદિની.! શું કરે છે તું ...? પ્રદીપ તને બોલાવે છે. ઓફિસની કોઈ ફાઇલ તેને મળતી નથી. જલ્દીથી શોધી આપ તેને જરૂરી કામ છે. લાવ આ હું કરું છું,તું જા." ઉતાવળે આવીને કંચન બહેને કહ્યું. નંદિની તેના બેડરૂમમાં ગઈ. ત્યારે કંચનબેને તેઓનાં આયોજન મુજબ કામ કરવાનું શરૂ કર્યું.
" ક્યાં છે ફાઇલ..? ક્યારનો હું ફાઇલ શોધું છું..! ઘરમાં એક વસ્તુ ઠેકાણે હોતી નથી." નંદિની સામે અકળાઈને પ્રદીપે કહ્યું.
" ધંધાને લગતી બધી ફાઇલ તમે જ તિજોરીમાં મુકો છો. તેની ચાવી પણ તમારી પાસે જ રહે છે. તો તમારા હાથે જ ક્યાંક મુકાઈ ગઈ હશે." ઠંડા કલેજાથી નંદિનીએ કહ્યું.
" હા, ખબર છે મને. ભાષણ આપવાની જરૂર નથી. તારાથી શોધાય તો શોધી આપ. મેં તો બધે જોયું પણ મને ક્યાંય ન મળી. ખૂબ જરૂરી ફાઇલ હતી. તેમાં જ ધંધા અને પ્રોપર્ટીના કાગળિયાં હતા." ફાઈલોના ઢગલામાંથી એક પછી એક ફાઇલ ખોલી ખોલીને જોતાં પ્રદીપે કહ્યું.
નંદિની પણ ફાઇલ શોધવાના કામમાં લાગી ગઈ. એક એક કરીને બધી જ ફાઈલો ચેક કરી. પણ પ્રદીપ જે ફાઈલ શોધતો હતો તે ક્યાંય ન મળી. હાફડો ફાંફળો થઇ પ્રદીપ ત્યાંથી ચાલ્યો ગયો. નંદિનીએ એક એક કરીને બધી જ ફાઈલોને વ્યવસ્થિત તીજોરીમાં મુકી લોક કરી દીધું.
બીજી બાજુ કંચનબહેન નંદિનીના પેટમાં રહેલ દીકરીને મારવાના કાવતરા ઘડી રહ્યા હતા. એવામાં કીર્તિ રસોડામાં તરફ આવી રહી હતી.
“જમવાનું બસ થઇ જ ગયું છે બેટા..! હું હમણાં જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવી દઉં છું. તું ડાઇનિંગ ટેબલ પર બેસી જા.” હોલમાંથી પોતાના દીકરાને સંબોધતા કીર્તિ કિચન તરફ આવતી હતી. કોઈનો આવવાનો અવાજ અવાજ સાંભળી કંચનબેન સંતાઈ ગયા.
કીર્તિ ઝડપથી કિચનમાં આવીને પ્લેટફોર્મ પરથી કડાઈ હાથમાં લીધી ને ચાલવા ગઈ ત્યાં જ તેનો પગ લપસ્યો અને તે નીચે પડી ગઈ. કઢાઈમાં રહેલ ગરમ શાક તેના ઉપર ઢોળાઇ ગયું. તેના હાથ અને પેટનો ભાગ ગરમ શાક પડવાથી થોડો દાજી ગયો.
“ઓઈઈ..માં..! અહી ઘી કોણે ઢોળ્યું છે..? મને કોઈ ઉભી કરો...! ઓ બાપ રે..!” કરુણ અવાજથી કીર્તિ બૂમ-બરાડા કરવા લાગી. કીર્તિનો અવાજ સાંભળી દોડતા કંચનબેન આવી ગયા.
“અરે તુ શાને પડી ગઈ..? આટલી ઉતાવળ કેમ કરે છે..? જરા જોઇને ચાલતી હોય તો..!” આટલું કહી કંચન બહેને કીર્તિને બેઠી કરી.
“મમ્મી મારાથી ઊભું નથી થવાતું. પેટે અને હાથે બહુ બળતરા થાય છે.” રડમસ અવાજે કીર્તિએ કહ્યું. એવામાં નંદિની આવી. કીર્તિની આવી હાલત જોઈ તે બોલી પડી.
“અરે કીર્તિ બહેન..! તમને શું થયું..? તમે કેવી રીતે પડી ગયા..? વાગ્યું તો નથી ને..?”
“ખબર નહીં અહીંયા ઘી કોણે ઢોળ્યું હતું..? પગ લપસતા હું પડી ગઈ. શાકની કઢાઈ મારા પર પડતા મને પેટે અને હાથે બહુ બળતરા થાય છે.” કીર્તિએ કહ્યું. એવામાં નંદિનીની નજર કંચનબેન પર પડી.
“નંદિની..! તારી આ કાળમુખી છોકરીના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી ઘરમાં અશુભ જ અશુભ થયે જાય છે. કેટલી વાર કીધું..! આ કાળમુખીનું કાળસ કાઢી નાખ તું..! પણ મારું સાંભળે છે કોણ..? બસ તેના મનનું ધાર્યું ન કરે તે ઘરનો વિચાર કરે..!” ક્રોધિત સ્વરે કંચન બહેને નંદિનીની સામે આંખો કાઢતા કહ્યું.
કંચન બહેન નંદિનીને ગમે તેમ બોલે જતા હતા પણ તે તરફ ધ્યાન ન આપતા નંદિની રસોડાના પ્લેટફોર્મ પાસે ગઈ. ઘી ઢોળાયેલું જોઈ તેને તરત જ ખબર પડી ગઈ કે આ યોજના તેના માટે બની હતી પણ તેનો ભોગ કીર્તિ બહેન બન્યા. આ આવી બીજી ઘટના હતી જેમાં કંચનની યોજના ઉલટી પડી હતી.
To be continue...
મૌસમ😊