“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ નહીં પણ હવે જ મગજ ચાલતા થયા છે. બેટા..! હવે તું દેખ, કંચનનો કમાલ..!" મનમાં મનમાં મલકાતા જ કંચન બહેન એકલા એકલા જ બોલવા લાગ્યાં.
સવારનો સૂરજ ઊઘી ગયો હતો. રોજની જેમ આજે પણ નંદિની સવારે વહેલા નાહી ધોઈને ઉપરના માળેથી નીચે ઉતરવા દાદરા પાસે જતી હતી ત્યાં જ અચાનક કોઈની ચીસ સંભળાઈ. નંદિની ઉતાવળે પગલે દાદર પાસે ગઈ.
"અરે શું થયું.. કીર્તિબેન..? તમે પડી કેમ ગયા..?" કીર્તિને નીચે પડેલી જોઈ નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું. ત્યાં જ હરખસિંગ અને કંચનબેન પણ કિર્તીનો અવાજ સાંભળી નીચેના રૂમમાંથી દોડતાં બહાર આવી ગયાં.
" ઓહ..માં..બહુ દુખે છે પગે...!" કણસતાં સ્વરે કીર્તિએ કહ્યું.
" જોઈને ચાલવું જોઈએ ને તારે..! જોઈને ચાલી હોત તો ના લપસી પડી હોત." કીર્તિનો પગ પંપાળતા કંચનબેને કહ્યું. કંચનબેનની વાત સાંભળી હરખસિંગ અને કીર્તિ બંને કંચનબેન સામે જોઈ જ રહ્યાં.
" મમ્મી..! તને કેવીરીતે ખબર પડી કે હું લપસી પડી છું..?"
" પગ લપસ્યો હોય ત્યારે જ તું નીચે પડી હોય, એમનેમ કોઈ નીચે પડે..? એ બધું છોડો..કીર્તિના બાપુ જલ્દીથી ડૉક્ટરને બોલાવો." ભોંઠા પડતાં કંચનબેને વાત ફેરવતાં કહ્યું. તે જ સમયે નંદિનીની નજર દાદરાનાં પહેલાં પગથિયે પડી. કંઈક ઢોળાયેલું જોઈ શંકા જતાં નંદિની ત્યાં જ નીચે નમીને પોતાની આંગળી ઢોળાયેલ પદાર્થ પર ફેરવી સુંગવા લાગી.
" અરે..આ તો તેલ છે. અહીં ક્યાંથી આવ્યું..? " આમ, મનમાં વિચારતી જ હતી ત્યાં તેની નજર કંચનબેન પર પડી. તે સમયે કંચનબેન ડરતાં ડરતાં નંદિનીને જ જોઈ રહ્યાં હતાં. તેઓને એ વાતનો ડર હતો કે નંદિનીને ખબર ન પડી જાય કે આ ઘટના બનવા પાછળ કોનો હાથ છે. સાસુ બહુ બન્નેની નજર મળતાં કંચનબેને ગુસ્સાથી નજર ફેરવી લીધી. નંદિની તો હજુએ કંચનબેન સામે જ જોઈ રહી હતી. તેને અણસાર આવી ગયો હતો કે આ તેલ તેના માટે રેડાયું હતું પણ ઊંધું થઈ ગયું.
" હવે મારે દરેક પળે,દરેક ક્ષણે સાવચેત રહેવું પડશે, કેમકે સાસુમા કોઈ પણ હદે જઈ શકે છે." નંદિની મનમાં જ વિચારવા લાગી.
કીર્તિને ડોક્ટર બોલાવી દવા કરાવી. તેને ડોક્ટરે એક અઠવાડિયા સુધી આરામ કરવાનું કહ્યું.
“ઓહો મમ્મી..! હું અહીં ફરવા ને એન્જોય કરવા આવી હતી, પડી જવાને કારણે હવે હું એ પણ નહીં કરી શકું.” નિરાશ થતાં કીર્તિએ તેની મમ્મી કંચન બહેનને કહ્યું.
દીકરીનો નિરાશ ચહેરો જોઈ કંચન બેનનો જીવ બળી ગયો.
“આ કાળમુખી નંદિનીની છોકરી ના કારણે જ બધું થાય છે. જ્યારથી ખબર પડી છે કે તેના પેટમાં છોકરી છે ત્યારથી એક પછી એક મુસીબતો આવ્યા જ કરે છે.” કંચનબેન ક્રોધિત સ્વરે કહ્યું.
“અરે એવું ન હોય મમ્મી..! મારું પડી જવું અને મને ઈજા થવી તેનો ભાભીની દીકરી સાથે કોઈ લેવાદેવા નથી. ખોટા વહેમ કરવાનું છોડી દે..!” કીર્તિએ કંચન બેનને સમજાવતા કહ્યું.
“વહેમ નથી આ જ હકીકત છે. તેના લીધે જ બધું ઊલટું થાય છે.” કીર્તિ બહેને કહ્યું.
“ઊલટું થાય છે મતલબ..! શું ઉલટુ થયું..?” કીર્તિએ પૂછ્યું.
“કંઈ નહીં એ બધું છોડ,અત્યારે તું આરામ કર..!” દીકરીના માથે હાથ ફેરવી કંચનબેન ઉભા થઇ ચાલ્યા ગયા.
“મમ્મીની કોઈ વાતો મને સમજાતી જ નથી. ખબર નહીં કેમ તે ભુવાજીની વાતો પર આટલો વિશ્વાસ કરે છે..?” કીર્તિ મનમાં જ વિચારવા લાગી.
આ બાજુ નંદિની સાવચેત રહી ધીમે ધીમે પોતાના કામ કરવા લાગી. તેને હતું જ કે સાસુમા શાંતિથી બેસસે નહીં. તેઓ પોતાની દીકરી ને મારવા માટે કંઈક ને કંઈક તો અખતરાં જરૂર કરશે. શું કરશે તે જાણવું મુશ્કેલ હતું. આથી નંદિની પળેપળ સાવચેતી રાખતી હતી. તેનો પોતાની દીકરી પ્રત્યેનો સ્નેહભાવ દિવસેને દિવસે વધી જતો હતો.
થોડા દિવસો બાદ...
સાંજનો સમય હતો. નંદિનીને ભોજનનો સ્વાદ ન આવવાથી તે પોતાના માટે વેજીટેબલ સૂપ બનાવી રહી હતી.એવામાં કંચનબહેન કિચનમાં આવ્યા.
" નંદિની.! શું કરે છે તું ...? પ્રદીપ તને બોલાવે છે. ઓફિસની કોઈ ફાઇલ તેને મળતી નથી. જલ્દીથી શોધી આપ તેને જરૂરી કામ છે. લાવ આ હું કરું છું,તું જા." ઉતાવળે આવીને કંચન બહેને કહ્યું. નંદિની તેના બેડરૂમમાં ગઈ. ત્યારે કંચનબેને તેઓનાં આયોજન મુજબ કામ કરવાનું શરૂ કર્યું.
To be continue...
મૌસમ😊