આત્મજા ભાગ 10
આમને આમ આખો દિવસ વીતી ગયો. કીર્તિએ આખા દિવસનો ઘરનો માહોલ જોયો. તેણે જોયું કે નંદિનીનું બધા સાથે બોલવાનું સાવ ઓછું જ થઈ ગયું હતું. તે ઘરની જવાબદારી નિભાવતી. જ્યારે નવરી પડે ત્યારે તે પોતાના બેડરૂમમાં જઈ આરામ કરતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ આવતો હતો. તેને જોઈ કીર્તિને થોડી દયા આવી પણ માતા એ કહેલી વાત યાદ આવતા તેને પોતાના પરિવારનો વિચાર આવ્યો. પોતાના ભાઈનો, પોતાના પરિવારનો વિનાશ થતો અટકાવવા તેણે નંદિનીને કસુવાવડ કરવા માટે સમજાવવી જ પડશે. આમ વિચારી કીર્તિ રાત્રિના નવ વાગે નંદિનીના રૂમમાં ગઈ.
“શું કરો છો ભાભી ? બધા બેઠકરૂમમાં વાતો કરે છે,હસી મજાક કરે છે, તમે અહીં એકલા કેમ બેઠા છો ?” પુસ્તક વાંચવામાં મગ્ન નંદિનીને જોઈ કીર્તિએ કહ્યું.
“બસ એમ જ બેઠી છું..! આવો ને તમે.. બેસો અહીં..!”
પુસ્તકના પાનાની ગડીવાળી બંધ કરીને બાજુ પર મુકતા નંદિનીએ કીર્તિને આવકારો આપ્યો. કીર્તિ નંદીનીની પાસે આવીને બેઠી.
“આ લો.. ભાભી..! સ્પેશિયલ આપના માટે લાવી છું.!” નંદીની સામે ગિફ્ટ બોક્સ ધરતા કીર્તિએ કહ્યું.
“અરે શું છે આમાં..? અને કીર્તિ બહેન... આ બધાની ક્યાં જરૂર હતી..?”
“ખોલીને જુઓ ખબર પડી જશે. અને જરૂર કેમ ન હતી..! તમે મારા ભાભી છો..! આટલું તો હું કરી શકું ને..!” હસીને કીર્તિએ કહ્યું. નંદિનીએ ગિફ્ટ બોક્સ ખોલ્યું.
“અરે વાહ કેટલા સુંદર છે..! આ હિલવાળા સેન્ડલ..!” સેન્ડલ જોઈ તરત જ નંદિનીના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. તેને હિલવાળા સેન્ડલ બહુ ગમતા હતા. તરત નંદિનીએ તે સેન્ડલ પહેરી લીધા અને ચાલતી ચાલતી અરીસા પાસે જઈ અરીસામાં જોવા લાગી. ત્યાં જ તેની નજર તેનાં પેટ પર પડી.
“માફ કરશો કીર્તિ બહેન..! અત્યારે હું આ સેન્ડલ નહીં પહેરી શકું.” ધીમેથી તે બેડ પર બેસી ગઈ અને સેન્ડલ કાઢી દીધા.
“કેમ શું થયું..? ન ગમ્યા..?”
“અરે એવું નથી.! સેન્ડલ ખુબ સરસ છે. મને તો બહુ જ ગમ્યા. પણ અત્યારે હું આ સેન્ડલ ન પહેરી શકું. પછીથી હું પહેરીશ.” હીલવાળા સેન્ડલને બોક્સમાં બંધ કરી બાજુમાં મુકતા નંદનીએ કહ્યું.
“એવું કેમ..? અત્યારે તમે કેમ નહીં પહેરી શકો..?” આશ્ચર્યથી કીર્તિએ પૂછ્યું.
“કીર્તિબહેન.. હું પેટથી છું. કદાચ બા એ તમને આ વાત કરી જ દીધી હશે. આટલી હીલવાળા સેન્ડલ પહેરું ને મારો પગ સંતુલન ન રાખી શક્યા તો હું પડી જવું. અત્યારે હું આવું કોઈ જોખમ ખેડવા ઈચ્છતી નથી. મારા ગર્ભસ્થ બાળકને મેં વચન આપ્યું છે કે હું તેની રક્ષા કરીશ.” પોતાના પેટે હાથ ફેરવતા નંદિનીએ કહ્યું. કીર્તિ નંદિનીને જોઇ જ રહી હતી. એક માતાનો ગર્ભસ્થ શિશુ પ્રત્યેનો પ્રેમ એ અનુભવી ચૂકી હતી. આથી કીર્તિને નંદિની પ્રત્યે સહાનુભૂતિ થઈ. તે આવી હતી તો નંદિનીને સમજાવવા માટે, પણ નંદિનીને જોઈ કસુવવાડ કરાવવાની વાત તે કરી ન શકી.
“ હા મમ્મીએ મને વાત કરી હતી. તો કહેતા હતા કે ભુવાજીના બધા વેણ સાચા પડે છે..!” કીર્તિ બોલતા બોલતા જ અટકી ગઈ.
“ઓહ..! તો બા એ તમને બધી વાત કરી દીધી છે. તો તમને એ પણ ખબર હશે કે બાની શું ઈચ્છા છે."
" પણ ભાભી..! મારુ માનવું છે ત્યાં સુધી મમ્મી પણ તેમની જગ્યાએ ખોટી નથી. " કીર્તિએ ખચકાતા કહ્યું.
" તો હું ખોટી છું કીર્તિબેન..? દીકરી પ્રત્યેની મારી મમતા ખોટી છે..? એક સ્ત્રીની સંવેદનશીલતા ખોટી છે..? તમે જ કહો, મારી જગ્યાએ તમે હોય તો શું કરો ?" નંદિનીએ કહ્યું. નંદિનીની વાત સાંભળીને કીર્તિને થયું કે ભાભી પણ તેઓની જગ્યાએ સાચા જ છે.
TO be continue..
મૌસમ😊